લેખ:- ઓરોવિલ - સ્થળની મુલાકાત
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
નમસ્તે મિત્રો.
આ કોરોનાકાળમાં ઘરમાં બેસીને બધાં કંટાળી ગયા હશો ને? ચાલો આજે ફરવા લઈ જાઉં. પણ જોજો પાછળથી ફરિયાદ નહીં કરતાં કે આવું કેવું ફરવાનું? ઘરમાં જ બેઠા બેઠા તે કોઈ ફરતું હશે? ફરાય. ચાલો હું ફેરવું.
આજે આપણે જઈશું ઓરોવિલની મુલાકાતે. તમને થશે આ વળી ઓરોવિલ શું છે? આ એ જગ્યા છે જ્યાં કોરોનાકાળમાં ગુજરાતનાં આરોગ્ય સચિવ રહી ચૂકેલા જયંતિ રવિની હાલમાં જ નિયુક્તિ થઈ છે. તમિલનાડુમાં આવેલ ઓરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો ચાલો, ઓરોવિલ જઈએ. 😀
તમિલનાડુમાં આવેલ અરવિંદ આશ્રમની નજીક જ આ ઓરોવિલ આવેલ છે. અહીં આખી દુનિયામાંથી લોકો મહર્ષિ અરવિંદનાં અધ્યાત્મને જાણવા, સમજવા અને શાંતિ મેળવવા આવે છે. ઓરોવિલની સ્થાપના અરવિંદ સોસાયટીના માં મીરાં આલ્ફાન્સાએ કરી હતી.
ઓરોવિલની સ્થાપના કરવા માટે ભારત સરકારની મંજુરી મેળવ્યા બાદ તેને યુનેસ્કો સમક્ષ રજુ કરવામાં આવ્યું. યુનેસ્કોમાં આ માટે એક રીઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું જેને ભારત સહિત યુનેસ્કોનાં સભ્ય દેશોએ સમર્થન આપ્યું.
18 ફેબ્રુઆરી 1968નાં રોજ ઓરોવિલનાં ઉદ્ઘાટન પ્રસંગે 124 દેશોનાં પ્રતિનિધિઓ પોતપોતાનાં દેશની માટી ભરેલ કળશ લઈને આવ્યા હતા. આ બધી માટી સંગેમરમરનાં બનેલ કમળ આકારનાં કળશમાં રાખવામાં આવી. આ બધું કામ ત્યાં આવેલા એક વડનાં ઝાડ નીચે કરવામાં આવ્યું.
ઓરોવિલ પોતે જ એક સ્માર્ટ સીટી છે. તે તમિલનાડુના પુડ઼ુચેરી નજીક વીલુપ્પુરમમાં આવેલ છે. ઉપરાંત ચેન્નાઇથી 150કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ દરેક લોકોનું છે. આ શહેરની વસ્તી લગભગ 2500ની આસપાસ છે. અહીં 42 દેશનાં લોકો હળીમળીને, ખૂબ જ સાદગીથી જીવન જીવે છે. આમાં ત્રીસ ટકા લોકો ભારતીયો છે. ઓરોવિલમાં હૉસ્પિટલ, સ્કૂલથી માંડીને યુનિવર્સીટી પણ છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી રહે છે.
આ શહેર સૂર્યોદયનું શહેર કહેવાય છે. અહીં દુનિયાનાં કોઈ પણ ખૂણેથી આવીને રહી શકાય છે. અહીં આવતાં લોકોને તેમનો ધર્મ કે રાષ્ટ્રીયતા પૂછવામાં આવતા નથી. આ જગ્યા માનવીય સંવેદનાનું ચરમસ્થાન છે. ઓરોવિલમાં કરન્સી એટલે કે ચલણી નાણું જેવું કશું નથી, જે અહીંની સૌથી ધ્યાનાકર્ષક બાબત છે. ઓરોવિલમાં એટલી બધી સુખ સુવિધાઓ છે કે મોટામાં મોટા સ્માર્ટ સીટી તેની તોલે ન આવે. રોજર એન્ગર નામનાં બ્રિટીશ આર્કીટેક્ચરે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. આ એક ગેલેક્સીની જેમ છે અને તેની વચ્ચે એક માતૃ મંદિર આવેલું છે, જયાં ત્યાંના લોકો મેડિટેશન કરે છે.
અહીં રૂપિયા પૈસાનું કોઈ જાતનું ચલણ નથી, પરંતુ ઈ. સ. 1985 - 1986માં એક ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર શરુ કરાયું હતું, ત્યારથી તે RBIની મંજુરીથી બેંકની જેમ જ કામ કરે છે. અહીં રહેતાં લોકો ઓનલાઈન કે ઓફલાઈન પોતાનાં પૈસા આમાં જમા કરાવી શકે છે. આ પૈસાના બદલામાં ઓરોવિલ ફાયનાન્સિયલ સર્વિસ એક એકાઉન્ટ નંબર આપે છે. ઓરોવિલમાં આવેલી નાની મોટી દુકાનો અને લગભગ 200 જેટલાં કોમર્શિયલ સેન્ટરમાં આ એકાઉન્ટ નંબર દ્વારા ખરીદી કરી શકાય છે.
અહીં જે મુલાકાતીઓ આવે છે તેમનાં માટે એક હંગામી એકાઉન્ટ ખોલી આપવામાં આવે છે. તેમને ઓરો કાર્ડ તરીકે ઓળખાતો એક ખાસ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ ત્યાં ખરીદી માટે કરી શકે છે. ઓરોવિલનાં સેન્ટ્રલ ફંડનાં બજેટના તેત્રીસ ટકા અહીંના કોમર્શિયલ યુનિટમાંથી આવે છે. ઉપરાંત ભારત સરકાર પણ થોડું યોગદાન આપે છે.
અહીં રહેતાં લોકો પોતાની કમાણીનો અમુક હિસ્સો કોમ્યુનિટી કે વેલ્ફેરમાં આપે છે. ઉપરાંત અહીં એક મમ મેન્ટેનન્સ વિભાગ છે, જ્યાંથી અહીંના લોકો પોતાની જરૂરિયાત મુજબ આર્થિક મદદ લઈ શકે છે. અહીંના દરેક ઘરનાં માલિક ઓરોવિલ ફાઉન્ડેશન છે, તેમાં રહેતાં લોકો નહીં. તેનો વહીવટ નિમણુંક પામેલ IAS અધિકારી કરે છે. (જે હાલમાં જયંતિ રવિ છે.)
ઓરોવિલ કે જે સીટી ઑફ ડાઉન તરીકે ઓળખાય છે એ કુલ છ ભાગમાં વહેંચાયેલ છે.
1. તેનાં કેન્દ્રમાં એક પીસ સેન્ટર એટલે કે શાંતિ કેન્દ્ર આવેલું છે, જ્યાં માતા મંદિર તરીકે ઓળખાતું એક ગોલ્ડન સ્પરિકલવાળું મંદિર આવેલું છે. તેની ચારે બાજુ ગોળાકાર ગાર્ડન છે, જેમાં આરસનાં પત્થરમાંથી બનાવેલ એક મોટો કળશ મૂકેલ છે. અગાઉ ચર્ચા કરી તેમ આમાં 124 દેશોનાં પ્રતિનિધિઓ દ્વારા લાવવામાં આવેલ જે તે દેશની માટી ભરવામાં આવી છે. ઉપરાંત ભારતનાં પણ 21 રાજ્યોની માટી એમાં ભરવામાં આવેલ છે. આ ગાર્ડનમાં વોટર રિચાર્જ માટે એક તળાવ છે જે અહીંનું વાતાવરણ શાંતિમય બનાવે છે.
2. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જે 109 હેક્ટરમાં ફેલાયેલ છે. અહીં બધી ગ્રીન ઈન્ડસ્ટ્રી છે. એનો મુખ્ય ઉદ્દેશ ટાઉનશિપને આત્મનિર્ભર બનાવવાનો છે.
3. આ ઝોન પતે પછી 189 હેક્ટરમાં ફેલાયેલ રહેણાંક વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં 55% ભાગ હરિયાળો અને માત્ર 45% ભાગમાં ઘર આવેલાં છે.
4. રહેણાંક વિસ્તાર પતે પછી 93 હેક્ટરમાં ફેલાયેલ સાંસ્કૃતિક ઝોન આવેલ છે, જ્યાં શિક્ષા, રિસર્ચ અને આર્ટને લગતાં કાર્યો થાય છે.
5. અહીં એક મોટો ગ્રીન બેલ્ટ વિસ્તાર છે, જે બધાં જ વિસ્તારોને ગોળાકાર સ્વરૂપે આવરી લે છે. એનો વિસ્તાર 1.25કિલોમીટર છે. હાલમાં એ 405 હેક્ટરમાં ફેલાયેલ છે, જ્યાં પશુપાલન અને અન્ય વન્યજીવોને રહેવા માટે જગ્યા છોડવામાં આવી છે.
6. અહીં આજુબાજુ સુંદર બીચ પણ આવેલા છે, જેમનાં નામો આ મુજબ છે:-
સેરેનિટી બીચ, પ્રોમેનાડે બીચ, પેરેડાઈઝ બીચ, માહે બીચ, કરાયકલ બીચ.
ઓરોવિલ ખાતે રોકાણ કરવા માટે અરવિંદો આશ્રમનાં ગેસ્ટ હાઉસ ઉપરાંત હોટલો પણ ઉપલબ્ધ છે. એડવાન્સ બુકિંગ કરાવીને આવવું વધારે યોગ્ય છે.
ઓરોવિલ ભારત સરકાર હસ્તક હોવા છતાં પણ સ્વતંત્ર છે.
આશા રાખું કે ફરવાની મજા આવી હશે.
ચાલો ત્યારે, ફરી મળીશું.
- સ્નેહલ જાની.