બા એકલા જીવે છે Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બા એકલા જીવે છે

હા, બા એકલી સુંદર રીતે જીવે છે. જીવવાની આદત પડી ગઈ છે. એકલતા શાને લાગે? તેનો કનૈયો તેની સંગે છે. પ્રવૃત્તિમય જીંદગીમાં એકલતા ન લાગે. જ્યારે પતિએ સાથ છોડ્યો અને બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત થયા, બસ ત્યારથી બાને એકલા જીવવાનું ગમે છે.

જમાનાને પહેચાની તેની સાથે કદમ મિલાવી બાએ ફરિયાદ ન કરવાનું પણ લીધું છે. જરૂરિયાત ખૂબ ઓછી છે. બાળકો ઘરમાં સાથે નથી દિલમાં વસે છે. બાનું ધ્યાન પ્રેમથી રાખે છે. ખબર છે, ‘એકલા આવ્યા એકલા જવાના. પછી અફસોસ શાને ? બા, ઉમંગભેર એકલા જીવે છે.

ચાલવામાં અને જીવવામાં મજા સમજે છે. બાએ સદા ચાલતા રહેવાની આદત કેળવી છે. ભલે ઉમર થઈ. ચાલવાની આદત છોડી નથી. ચાલતી જાય અને મુખમાં ભગવાનનું નામ રટતી જાય. સંસારની કોઇ ઉપાધિ તેને ગમતી નથી. ઈશ્વર સાથે નાતો જોડ્યો છે. તેને કારણે એકલતા સાલતી નથી.

હા, બા એકલા જીવે છે. ખુમારીભેર જીવે છે. કૃષ્ણના સખા માની જીવે છે. જરૂરત પડે ત્યારે બાને મદદ કરવા બાળકો તૈયાર છે. કારણ વગર શા માટે કોઈને પણ કષ્ટ આપવું. કંઈ પણ કહેવું હોય તો કાના સાથે વાત કરે છે. જીવ ગભરાય તો કાનાને ખોળે માથું મૂકી ભાર હળવો કરે છે.

પ્રભુ ભજન કરે છે. મનગમતું શીખે છે. મનપસંદ વસ્તુ બનાવી ઘરના તેમજ મિત્ર મંડળમાં છૂટે હાથે આપે છે. ‘હા, બા એકલા જીવે છે.’ પોતાની મરજી મુજબ જીવે છે. કોઈને નડતા નથી. બાને પોતાનું મન માન્ય કરવાની સ્વતંત્રતા છે.

નાના  બાળકોને ગણિત તેમજ અંગ્રેજી શીખવાડે છે. બા પોતે ભણેલા છે. એટલે જીવન શિસ્ત ભર્યું જીવે છે.  જુવાનીમાં ઘોંઘાટ ચારેકોર વર્તાતો હતો. બાળકો અને પતિની સેવામાં દિવસો પસાર થતા હતા. પોતાનું  ધાર્યું વખત મળે કરતા. ૨૪ કલાકનો દિવસ બાને ટુંકો લાગતો હતો. આજે બા પાસે ” સમયની” પુંજી છે. સુંદર રીતે તેનો વ્યય કરે છે. જ્યારે તેડું આવશે ત્યારે બેગ અને બિસ્તરા વગર ચાલી જશે.

ચાર વાગે સવાર પડતી, નવ વાગે નસકોરા બોલાવતા હતા. ખૂબ થાકતા પણ જીવનનો આનંદ લુંટતી. બા સહુની સગવડ હરપળ સાચવતી હતી. પતિ અને બાળકોનો પ્યાર ભોગવતી હતી. સમયની આવન જાવનમાં આજે મુસ્કુરાય છે, કોઈ અછત વર્તાતી નથી. સંસ્કારી બાળકો તેના આજે ખૂબ પ્યારથી પાય પખાલે છે.  બે પુત્રના સંગમાં તેને જીવનની સુગંધ રેલાતી જણાય છે. હા, બા આજે એકલા જીવે છે.

સમયની શરમ સાચવી બા આજે ગૌરવભેર એકલા જીવે છે. સંતોષની લાગણી ઉર ધરી બા પ્રેમથી માનભેર એકલા આનંદ ભેર જીવે છે. જરૂર પડ્યે કુટુંબની પડખે રહેતા સલાહ સંપે બા એકલા જીવે, ગૌરવવંતી બા હસે હસાવે ‘બાપુની’ લીલીવાડી ભાળી એકલા જીવે. બા અને બાપુએ પ્રેમથી બનાવેલ જીવન બાગના ફળ એકલા માણે છે. બાપુની યાદ દિલમાં છે. યાદની દીવી સતત પ્રજ્વલિત રહે છે.

હા, બા આજે એકલા જીવે છે