Dod books and stories free download online pdf in Gujarati

ડૉળ

'ડોળ'

****

હેં ફોઈબા, મારા કાકાએ મારી શારદાબાને કેવી રીતે પસંદ કર્યા હતાં"?

સવાલ સાંભળીને લીલી ફોઈબાના હાથમાં પાણીનો ગ્લાસ હતો તે જરા વંકાયો અને પાણી જમીન પર ઢોળાયું. તેમના માનવામાં ન આવ્યું કે પોતાની લાડલી ભત્રીજી , માતા અને પિતા વિષે આવો સવાલ કરી રહી છે. શારદામાના લગ્ન શાંતિભાઈ સાથે બાળપણમાં થયા હતાં. શારદા સાત વર્ષની અને શાંતિ નવ વર્ષનો. બાર વર્ષની થઈ ત્યાં સુધી પિયરમાં હતી. પંદરમે વર્ષે તો પારણું બંધાયું. આ જૂના જમાનાની વાત નથી. તેમની દીકરી સોના આજે ૨૧ વર્ષની થઈ હતી. ડોક્ટર થવું હતું. પિતાએ મેડિકલમાં જવા દીધી. માતાને તો તે ગણકારતી જ નહી. કારણ સ્વભાવિક છે, 'તે અભણ હતી". દુનિયાદારી વિષે પુરું જ્ઞાન હતું પણ સોનાને મન તે પુરતું ન હતું. શાંતિભાઈ સમજતાં, પોતાની દીકરીને સમજાવવાની વ્યર્થ કોશિશ પણ કરતાં, સોના એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતી.

આજે જ્યારે આવો સવાલ પૂછીને બોંબ ફોડ્યો ત્યારે લીલી ફઈબા આભા થઈ ગયા. શારદા, તેમને મન મા સમાન હતી અને આ 'છોડીની', તો તે જન્મદાત્રી હતી. સવાલનો જવાબ આપવાને બદલે મૌન સેવ્યું. સોના પોતાની જાતને ખૂબ હોંશિયાર માનતી હતી. ભણવામાં હોંશિયાર પણ બોલવામાં અને મા સાથેના વર્તનમાં ઢબુ પૈસાનો "ઢ'. શારદા મનમાં બધુ સમજતી હતી. દીકરીને કઈ રીતે સમજાવવી તે તેને ન આવડતું. સોનાનો ભાઈ સૂરજ માની પૂજા કરતો. મા, તેને ખૂબ પ્યાર આપતી. તેને ખબર હતી, માના પિતાજી અને પપ્પાના પિતાજી દોસ્ત હતા. તેના નાનાજીનો નાની ઉમરમાં સ્વર્ગવાસ થયો હોવાથી નાનીમાએ દીકરી જલ્દી પરણાવી. સારું થયું ને, તેઓ પણ લગ્ન પછી પાંચ વર્ષમાં ગામતરે ગયા. શારદા એકની એક દીકરી હતી. સોના આ બધું જાણતી હતી પણ દિમાગની ફરેલ હોવાથી વર્તન બેહુદું કરતી.

શારદાને થતું દીકરી મોટી થશે એટલે સમજશે. શાંતિભાઈ દેખાવડા, પાંચ ફૂટ સાત ઈંચ ઉંચાઈ, જ્યારે શારદા માંડ પાંચ ફૂટ. દેખાવમાં પણ સાધારણ. રસોઈ ખૂબ સુંદર બનાવે અને પ્રેમાળ કોઈ પણ પતિને આનાથી વધુ શું જોઈએ? તેમને ક્યારેય શારદામાં કોઈ ખામી જણાઈ ન હતી. તેના પ્રેમાળ સ્વભાવને કારણે સહુના દિલ જીતી લીધા હતાં. લીલી ફોઈબાની એકવાર સગાઈ ટૂટ્યા પછી તેમણે નક્કી કર્યું,'હું લગ્ન નહી કરું'. શારદાએ બહેનને પાંખમાં ઘાલી માની ગરજ સારી.

સોના ડોક્ટર થઈ અને લગ્ન કર્યા. તે પણ ડોક્ટર સાથે. તેને પોતાની માની ઓળખાણ કરાવતા શરમ આવતી. સાસરે ગયા પછી માના સારા સંસ્કારને કારણે સાસરીમાં સમાઈ. ડોક્ટર વહુ અને ઉપરથી કમાતી કોઈ તેને કાંઈજ કહેતું નહી. શિશિર પણ તેનાથી ખુશ હતો. શારદા હમેશા મન વાળતી,'ક્યારેક મારી દીકરીની આંખ ખુલશે". આખરે તે મા હતી. શાંતિભાઈ પણ તેને સમજાવતા. ઉપર ઉપરથી તે બતાવતી કે તેને હૈયામાં દર્દ નથી થતું. જ્યારે એકલી હોય ત્યારે આયના સામે ઉભી રહીને વાતો કરતી.

ઈશ્વરને પૂછતી, " હું અભણ એટલે મારી દીકરીને સમજાવી શકતી નથી. મને તે ખૂબ વહાલી છે. હે પ્રભુ, મારા કયા પાપની તું મને સજા કરે છે. મારા દીકરીના ઉછેરમાં જરૂર મેં કોઈ અક્ષમ્ય ભૂલ કરી છે. ્દોષનો ટોપલો પોતાને માથે ઢોળતી'.

લગ્ન પછી પણ સોનાની વર્તણૂકમાં ઝાઝો ફરક પડ્યો ન હતો. ઘણું ખરું યે પિયર બહુ આવતી નહી. તેનો વ્યવસાય એવો હતો કે મન ફાવે ત્યારે જવાય નહી. શાંતિભાઈ અને શારદા બાળકો વગરના સૂના ઘરમાં રહેતા હતાં. સૂરજને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હતું. મહેનત કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે તેની પૂરેપૂરી જાણ તેને હતી. શારદા વાંચવામાં મશગુલ રહી પોતાની જાતે શિક્ષણ મેળવવાનો પ્ર્યાસ કરતી. શાંતિભાઈ ખૂબ ખુશ થયા. દુનિયાભરની વાતો તેની સાથે કરતાં જેથી તેનું સામાન્ય જ્ઞાન વધે. મુંબઈમાં રહેવાથી તેની રહેણી કરણી અને પ્રતિભા ખૂબ વ્યવસ્થિત અને સુઘડ હતાં.

સૂરજ જ્યારે ભણવા માટે મુંબઈ ગયો ત્યાર પછી શારદાની હાલત ખરાબ થઈ. તેને જાણે આ જગમાં કોઈ પોતાનું હોય તેવું લાગતું નહી. પ્રવૃત્તિમાં ડૂબેલી હોવા છતાં ઘણીવાર હતાશ થઈ જતી. શાંતિભાઈ તેના ગુણો બતાવી તેનું આત્મબળ વધારવાની કોશીશ કરતાં. બન્ને પતિ અને પત્ની એક બીજાના પૂરક હતાં. શારદાનું હૈયું ધબકતું રહે તેની શાંતિભાઈ હમેશા કાળજી રાખતાં. તેના ગુણોના તે પૂજારી હતાં.

આજે અચાનક શિશિરનો ફોન આવ્યો.' સોનાને સારા દિવસો છે. આજે તેને ક્લિનિકમાં દર્દીને જોતાં અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગઈ. સાતમા મહિને તેને બાળક બચાવવા ઓપરેશન કરી લઈ લેવું પડ્યું'.

શારદાને થયું એક સાથે કેટલા સમાચાર મળ્યા. દીકરીને સારા દિવસો હતાં. ના અને નાની બનવાનો ઉમંગ હૈયામાં ઉભરાયો. સાથે બાળકી વહેલી ઓપરેશન કરીને લેવી પડી તેથી બન્ને દીકરીઓ માટે ચિંતાતુર જણાયા.

શારદા , શાંતિભાઈની સામે જોઈ રહી. તેની મરજી દીકરી પાસે જવાની હતી. શાંતિભાઈ સોનાને જાણતા હતાં. તેમણે શારદાને ખૂબ સમજાવી. શારદાના હૈયાની હાલત તેઓ સમજી શક્યા.

'બન્ને જણા ડોક્ટર છે. હોસ્પિટલની નર્સ રાખશે. સોના સારી થાય પછી આપણે બન્ને સાથે તેને જોવા જઈશું.'

'તમે બાપ થઈને કેમ આવું બોલો છો'?

'કેમ, શું તું સોનાને નથી ઓળખતી?

'તેનું અત્યારે શું છે'?

'જો તે તારું માન તેની સાસરીવાળાની સામે નહી સાચવે તો એ મારાથી સહન નહી થાય'.

'મને વાંધો નથી, પછી તમને શું'?

આખરે તે સોનાની મા હતી ! ગમે તેમ કરી સોના પાસે પહોંચી ગઈ. આવી હાલતમાં પણ સોનાએ માને, ન બોલથી યા આંખથી આવકારી'.

શારદા કશું પણ બોલ્યા વગર, નાની પ્રિમેચ્યોર બાળકીની દેખરેખ પોતાની નિગરાની હેઠળ કરાવતી'. હોસ્પિટલમાં બેસી રહેવું. બને તેટલી સોનાની ખાવા પીવાની બાબતમાં ચોકસાઈ રાખવી. સોનાની હાલત ન હતી કે તે આ બધું ધ્યાન રાખી શકે. શિશિરને ખૂબ રાહત મળી. તેના મમ્મી અને પપ્પા પણ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા. ઘરે નોકરો સોનાનું ધ્યાન રાખતાં.

'શિખા' નાનીની દેખરેખ હેઠળ હતી તેને લગભગ બે મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. માંડ તેનું વજન સાડા છ રતલ થયું ત્યારે ઘરે જવાની રજા મળી. સોનાની તબિયત પણ હવે પાછી ્બરાબર થઈ ગઈ હતી. આજે રાતના બધા સાથે જમવા બેઠાં હતા. સવારની ટ્રેનમાં શારદા પાછી જવાની હતી. એક અઠવાડિયાથી શાંતિભાઈ પણ આવ્યા હતાં.

શિખાને જોઈને તેમને નાની સોના યાદ આવતી. સોના તો જાણે તેની વાચા હણાઈ ન ગઈ હોય તેમ ઘરમાં ઘુમતી હતી. શિખાને પણ પ્યાર આપી ન શકતી. શિશિરે સોનામાં કંઈક પરિવર્તન જોયું. તે કળી ન શક્યો. તેને સોનાના તેની માતા સાથેના સંબંધની ગંધ ન હતી. શારદા બહેનના આવ્યા પછી સોના અને શિખાની હાલતમાં ધરખમ ફેરફાર થયો હતો. તેને શારદા બહેનની કામ કરવાની કુશળતા ખૂબ ગમી ગઈ હતી. શાંતિભાઈએ નજરથી બધી નોંધ લીધી.

જ્યારે સહુ પોતપોતાના રૂમમાં સૂવા ગયા ત્યારે' શિશિર હું મારા માતા અને પિતાને આવજો કહીને આવું છું'. શિશિરે, શિખાને એના હાથમાંથી લેવાનો પ્રયત્ન કર્યો.

'ભલે રહી મારી પાસે, શિખાને નાનીનો આભાર માનવા લઈ જાંઉ છું'.

શિખાને લઈને તે જેવી શારદા પાસે આવી ત્યારે એટલું જ બોલી શકી,' મા, તારી સોનાને માફ કરીશ? આ શિખા મારા હાથમાં છે'.

શારદામાએ બન્ને દીકરીઓને ગળે વળગાડી. શાંતિભાઇ આંખમાં આવેલા આંસુ સંતાડવા ચોપડીમાં મ્હોં ઘાલી વાંચવાનો ડોળ કરી રહ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED