ઝગડાનો જનાજો Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝગડાનો જનાજો

"થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા."

આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા."

જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે."

લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.

આ પતિ - પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.

1. हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.

2.धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.

3. सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.

4. जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.

5. उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.

હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!

1. भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.

2. में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.

3. लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.

4. आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.

5. चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.

આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!

પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત 'ખાધું પીધું ને રાજ કર્યું' એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.

છેલ્લો કોળિયો : સ્ત્રીઓ થોડી પ્રેકટિકલ અને પુરુષો થોડા ઇમોશનલ થઈ જશે તો સંબંધોની સમસ્યાઓ થોડી સરળ થઈ જશે, અને મને ખાતરી છે કે ઝગડાઓના જનાજાઓ આપણા ઘરોમાંથી નીકળતા બંધ થઈ જશે.

નોંધ : આપ સૌની માફી માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી સમયસર બ્લોગ નથી લખી રહી, કેમકે એક નવા દેશમાં પા પા પગલી કરતા શીખી રહી હતી, અને આપ સૌના આશીર્વાદથી અહીં સલાહ મનોવૈજ્ઞાનિક તરીકેનું લાઇસન્સ મેળવી લીધું છે અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ પણ શરૂ કરી દીધું છે. મારા વાચકોની શુભકામનાઓ હંમેશા મને ફળી છે એ માટે હ્રદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે પ્રયત્ન કરીશ કે દર અઠવાડિયે આપ સૌની સાથે શબ્દોનો સ્પર્શ બરકરાર રહે.

લી. ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય (RCT-C, PhD(Psy))