અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી - પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.
"એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ - શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, "આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા."
ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય."
દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.
દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,
सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।
गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।
बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?
છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું.