અરે, સાંભળો છો! હું માણસ છું અને મારી જાતિ સ્ત્રી છે. Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરે, સાંભળો છો! હું માણસ છું અને મારી જાતિ સ્ત્રી છે.

"સાહેબ, મારે ફરી પાછું ભૂતકાળમાં જવું છે મને ટાઇમ ટ્રાવેલ કરીને એ જ જૂની રૂઢિઓ અને માન્યતાઓમાં જીવવું છે." ક્લીનીકની અંદર પગ મુકતાની સાથે જ મુગ્ધા આ બે વાક્યો બોલી. આરામથી ખુરશી પર બેસાડીને શાંત કર્યા પછી એની સાથે વાતચીત શરૂ કરી, "મેં પૂછ્યું કેમ ટાઇમ ટ્રાવેલ કરવું છે અને ભૂતકાળ તરફ પાછું કેમ વળવું છે ?" જવાબ આપતા મુગ્ધા બોલી, "સર, તમે જાણો જ છો છેલ્લા એક મહિનાથી હું મારી આ અકારણ ચિંતા (Anxiety) માટે તમારી પાસે કાઉન્સિલિંગના સીટિંગ માટે આવુ છું, પણ એક વાત મેં હજુ સુધી તમને નથી જણાવી કે મારી ચિંતાનું મુખ્ય કારણ હું ખુદ છું. મારી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ જ મને રડાવે છે. હું થાકી ગઈ છું, એક યોગ્ય પત્ની, સમજુ વહુ, આદર્શ માતા અને સ્વાવલંબી (Independent) સ્ત્રી બનીને. એટલે મારે હવે ફક્ત હાઉસ વાઈફ બની જવું છે, ખાલી ઘરે બેસીને ઘરનું કામ કરવું છું, બસ. તમને ખબર છે મારું જોબ પ્લેસ દૂર છે એટલે લગભગ 2 કલાક મારા ટ્રાવેલિંગમાં જાય છે. ઓફિસના 8 કલાક અને પછી ઘરના અપાર કામ, રાત્રે સૂતા પહેલા બીજા દિવસની પૂરી ગોઠવણી કરીને સુવા જાઉં છું તેમ છતાં જો ઘરનું એક મેમ્બર મોડું જાગે એટલે મારા આખા દિવસનું ટાઇમ ટેબલ હલી જાય. મારે નોકરી શરૂઆતમાં કરવી હતી પણ હવે છોડવી છે પણ ઘરના લોકો છોડવા દેતા નથી, સારી આવક ઘરમાં આવતી હોય તો કોને ના ગમે ! પણ સામે હું ઘૂંટાવ છું એ કોઈ નથી જોતું!" આંખમાંથી આંસુઓ અચાનક એમ સરી પડ્યા જેમ હોળીના દિવસે વરસાદ. એક લાંબો પોઝ લઈને મુગ્ધાએ ફરી બોલવાનું શરૂ કર્યું. "છેલ્લા પંદર વર્ષથી હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું, પણ મારા ઘરની અંદર મારી મનોસ્થિતિને સમજનાર કે સાંભળનાર કોઈ નથી. લગ્ન પહેલા ઘરમાં એક - બે નોકર હતા, એ મારા આવવાની સાથે છોડાવી દેવાયા, મારા પતિ મને ઘરનું એક પણ કામ કરાવે કે તરત મારા સાસુ સસરા એને 'બાયુના કામ' કંઈ કરાતા હશે એવું બોલે, એટલે હવે મારા પતિ કામને હાથ પણ અડાડતા નથી. મારો છોકરો પણ એના પપ્પાના નકશા કદમ પર ચાલે છે. ઘરની અંદર કામવાળી અને ઘરવાળી હું જ છું અને બહાર જઈને કમાવવાળી પણ હું જ છું. મારા પતિની જોબ કોરોનામાં છૂટી ગઈ છે. થોડા સમય માટે પ્રયાસો કર્યા પણ હવે તે નવી જોબ માટે પ્રયાસો પણ કરતા નથી. કેમ કે મારી સરકારી નોકરીમાંથી ઘર ખર્ચ આરામથી નીકળી જાય છે. હું એટલે ભૂતકાળમાં જવા માંગું છું, કેમ કે મારે ફરી એ લાજ લપ્રથાવાળું જીવન જીવવું છે. ભલે મને બહાર જઈને કામ કરવાની છૂટ ન મળે, મને ચાલશે. હું મર્યાદામાં જીવી લઈશ. હું ઘરે રહીને મારા સંતાનોને મોટા કરી લઈશ પણ આ મારી જાતને સાબિત કરવામાં અને પુરુષ સમોવડી થવામાં મારી જાતને રોજ સળગતી નથી જોઈ શકતી." મારી કલીનીકમાં આ વાક્ય પછી ફકત આંસુઓના ડૂસકાં જ સંભળાતા હતા.

સ્ત્રીઓ આવી અને સ્ત્રીઓ તેવી છે, આપણે એ સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રી માતા છે એવું પણ અસંખ્ય માત્રામાં સંભળાય છે અને એ જ સ્ત્રી પર અસંખ્ય અભદ્ર શબ્દ પ્રયોગ પણ થાય છે, ઝઘડો ભલે બે પુરુષ વચ્ચે ચાલતો હોય પણ એમાં ગુસ્સો પ્રદર્શિત કરવા બોલાતી ભાષા સ્ત્રીઓને અને એના અંગત અવયવોને અનુલક્ષીને જ હોય છે. એના સિવાયની વાત કરીએ તો છેલ્લા પાંચ દાયકામાં સ્ત્રીઓની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રીઓના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એક ઝુંબેશ ચાલે છે સ્ત્રીઓ માટે પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝુંબેશની જરૂરિયાત કેટલી છે ? સમાજની અંદર ભણેલી સ્ત્રીઓ, કામ કરતી સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી સ્ત્રીઓનો એક અલગ મોભો છે પણ એ સ્ત્રીઓના જીવનના અંગત અરીસામાં પડેલી તિરાડો જોઈએ છીએ ? આપણો સમાજ બદલાયો છે પણ પેલી *(કંડીશન અપ્લાઈ) સાથે. આપણે છૂટ આપી છે પણ સ્ત્રીના એક પગમાં ઘરની જવાબદારીની સાંકળ બાંધીને. અહીં સ્ત્રીઓને ઘરની જવાબદારીઓમાંથી મુક્તિ અપાવવાની વાત નથી પણ એક પ્રાથમિક સમજ વિકસાવવાની વાત છે. સરળ સમજ એટલી જ છે કે જો કોઈ મનુષ્ય માટે કોઈ પણ કામ નાનું નથી ! તો શા માટે આપણે સ્ત્રીઓ અને પુરુષોના કામના ભાગલા પાડીને શા માટે આજે અતિઆધુનિક યુગમાં પણ જીવીએ છીએ ? પુરુષ જેટલી મજૂરી કરીને કે પોતાની આવડત દેખાડીને સ્ત્રીને પૈસા કમાવવામાં શરમ કે સંકોચ નથી થતો તો શા માટે પુરુષને ઘરના કામ કરવા માટે આટલો શોભ અને સંકોચ થાય છે ? ઘરના દસ્તાવેજ પર નામ નોંધવા માટે જેમ હકની વાતો આવી જાય છે તો ઘરની અંદરના દરરોજના કામ માટે શું કામ આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ? ઘર બંનેનું છે એટલે એની માવજત પણ બંને મળીને જ કરવી પડે જો એક જણ આમને આમ પોતાની શક્તિ ખર્ચે રાખશે તો એક દિવસ એ કરમાઈ જશે.

દરેક સ્ત્રીની સ્થિતિ આવી છે એવું હું નથી કહેતી પણ ઘણી બધી સ્ત્રીઓ આમાંથી બાકાત નથી. સ્ત્રીઓને અડધી કલાક ચાલવા જવું હોય કે પછી થોડી વાર પોતાનો અંગત સમય કાઢવો હોય તો તેને મળતો નથી, અને અમુક સમય પછી એના શોખ એના રસોડાની વરાળમાં બાષ્પીભવન પામી જાય છે, એનું વધતું શરીર જોઈને આપણે એના પર હસી લઈએ છીએ કે ટીકા ટિપ્પણી કરી લઈએ છીએ પણ એના પર વધી રહેલા કામના ભારની કાળજી કરવાનુ ચૂકી જઈએ છીએ. સ્ત્રીઓનું જીવન રસોડા અને ઓફિસ વચ્ચે ફૂટબોલની માફક ફંટાતું રહે છે અને આપણે એની પાસે બેસીને એની સાથે સંવાદ કરવાનું ટાળીને એક - બે ગમતી ભેટની લાલચ આપી દઈએ છીએ. કેટલાય ઘરોમાં મેં આવા સંવાદો સાંભળ્યા છે કે, " આના પપ્પા જાતે પાણીનો ગ્લાસ પણ ન લે.", " આમને ગરમ રોટલી ના મળે એટલે પત્યું, બહુ વડકા ભરે.", "મારી ઈચ્છા તો છે પણ આના પપ્પા નહિ માને." ત્યારે લૈંગિક સમાનતા સામે ખરેખર પ્રશ્ન થાય. પુરુષને સ્ત્રી જેવું બનીને કામ કરવાનું તાત્પર્ય નથી, પણ સ્ત્રીને સ્ત્રી રહેવા દઈએ એને રોબોટ કે મશીન બનતા અટકાવી શકીએ તો સાચું વુમન એપારવમેન્ટ થયું ગણાશે અને ખરેખર આ આઠમી માર્ચની ઉજવણી સાર્થક થશે.

અહીં મુગ્ધા કેસમાં ફેમિલી કાઉન્સેલિંગ સેશન્સ લેવાયા, ધીરે ધીરે મુગ્ધા ઠીક થઈ રહી છે. અને હવે એનો ટાઇમ ટ્રાવેલનો વિચાર બદલીને લાઇફ પાર્ટનર સાથે વેકેશનમાં ટ્રાવેલ કરવાની યોજનાઓ બનાવી રહી છે. મુગ્ધા અને તેમના પતિ હવે ઘર અને નોકરી બની સમાન રીતે સંભાળે છે.

#છેલ્લો કોળિયો: સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી જેવું વર્તવાનું નથી પણ એક માણસ તરીકે માણસ જેવું વર્તવાની જરૂર છે. આર્થિક અને સમાજિક જીવનમાં તાલમેલ ન હોય તો આવેગિક જીવન ખોરવાય જાય છે પછી કાં તો સંબંધ માંદો
પડે છે કાં તો માણસ.