એક ટુકડો કાગળ Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ટુકડો કાગળ

બહાર ધોધમાર વરસાદ પડતો હતો, વાતાવરણ ઘણુ ઠંડક વાળુ હતુ..જરા પણ ઈચ્છા થતી ન હતી તેમ છતાં હું ઉભો થયો…બારી ખોલ્લી થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો અને વાતાવરણના ભેજને અનુભવતો રહ્યો. થોડીવાર પછી ફોનમાં તારીખ જોઈ તારીખ હતી. ૧૩/૭ આજે બર્થ ડે હતો અમિષાનો.એક ક્ષણ માટે થયુ કે વિશ તો કરી શકુને યાર.. પણ પછી એના શબ્દો યાદ આવી ગયા. વિચાર અને બારી બંને બંધ કરી..કેમ કે બંન્નેનું અકારણ ભીંજાવું મને પરવડે એમ ન હતું.

               તૈયાર થઈને ઓફિસ જવા નીકળી પડયો…ઓફિસ પાસેના બસ સ્ટોપ પર ઉતરીને ઓફિસ તરફ જતો જ હતો ત્યાં કોલેજનો માધવ મળી ગયો.. અમે લગભગ આજે બે વર્ષ પછી મળી રહ્યા હતા, તેણે સહજભાવે જ પુછી લીધૂ કે, “ તું બહુ બિઝી થઈ ગયો છે ને કંઈ અમિષાના મેરેજમાં આખુ કોલેજ ગ્રુપ હતું, તને બાદ કરતા, કેમ ન આવ્યો તું ? “

               સવારથી મન અમિષા તરફ ખેંચાતુ હતુ અને ફરી અમિષા હું મનોમન બબડયો. અને કહ્યું, “અરે હા ત્યારે એક અગત્યના પ્રોજેકટ પર કામ ચાલતુ હતું પણ હવે મળીશુને આપણે, અત્યારે મને જવા દે, મારે ઓફિસ જવામાં લેઈટ થાય છે.”

               “બે વર્ષ થઈ ગયા પણ આ અમિષા મારો પીછો છોડતી નથી.” ગણગણતા હું લિફટમાંથી મારી કેબિનમાં પહોંચ્યો.થોડી ફાઈલો ખોલી કામ કરવા મથ્યો પણ મન લાગે તેમ ન હતું એ તો અતિતની ફાઈલ ખોલીને એવું બેઠુ હતું કે બંધ કરવાનું નામ જ લેતું ન હતું, અમિષા અને હું બીજા ધોરણથી સાથે  ભણતાં હતા, તે છેક દસમા સુધી પછી બંન્નેના રસ્તા બદલાયા અને શહેર પણ, ક્યાંક સંપર્ક પણ છુટી ગયો હતો. ફરી એક વાર અમે કોલેજમાં સાથે થઈ ગયા અમિષા મારા શહેર સુરતમાં ભણવા માટે આવી હતી. પહેલેથી એકબીજાને ઓળખતા જ હતા એટલે મિત્રતા થતા વાર ન લાગી. અને કદાચ મિત્ર કરતા પણ વધુ.. મને યાદ છે, અમિષા એ ઘણી વખત પ્રયાસ કર્યો હતો..પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો પણ હું તેની વાતને મજાકમાં ખપાવી દેતો...કેમ કે હું ડરતો હતો પ્રેમથી..પ્રેમ શબ્દથી કેવી રીતે સમજાવુ અમિષાને કે આ અગાઉ પણ મેં ખુબ પ્રેમ કર્યો હતો કોઈને પણ એનું પરિણામ ખુબ ખરાબ હતું અને મારે નથી રિપીટ કરવો આવો કોઈ ઈતિહાસ, મારે નથી જોઈતું કોઈ મારી લાઈફ પાર્ટનર..બંદા તો અકેલા ભલા. આવું હરવખતે કહી દેતો. પણ અમિષા ક્યારેય માઠુ ન લગાડતી એ તો હમેંશા રાહ જોતી મારી કોણ જાણે કેમ એને એમ લાગ્યા કરતુ કે હું એક દિવસ એવો આવશે અને મારો વિચાર બદલાશે. ઘણો સમય પસાર થઈ ગયો કોલેજના ત્રણ વર્ષ પુરા થઈ ગયા ન મારુ મન બદલાયુ કે ન અમિષા..હા પણ હમણા હમણા એ ચિડાઈ જતી હતી કેમ કે તેના ઘરે તેના લગ્નની વાતચીત શરુ  થઈ ગઈ હતી.

               કોલેજ પુરી થઈ ગઈ મળવાનું બહુ ભાગ્યે જ બનવા લાગ્યું પણ રાત્રે મેસેજમાં લગભગ વાત થતી..ધીરે ધીરે આ છોકરીએ મને પાંચ વર્ષમાં કન્વીસ કરી લીધો હતો કે પ્રેમ ફરી એક વાર થઈ શકે પણ હું તો હું હતો એકદમ જિદ્દી અને અડીયલ પાંચ વર્ષ પછી પણ હું રાહ જોતો હતો કે ફરી અમિષા મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મુકે અને હું હા પાડી દઉં કેમ કે પહેલ કરવાનો મને ડર હતો..પણ કદાચ અમિષા મારી રાહ જોઈને થાકી ગઈ હતી.

               મારે મારા વતન એટલે કે અમિષાના શહેર જવાનું થયુ સવારે એક પ્રસંગ એટેન્ડ કરવાનો હતો અને સાંજે મેં અને અમિષા એ મળવાનું નક્કી કર્યુ.. માત્ર મળવાનું જ નહિ પણ મેં પણ મનોમન કંઈક નક્કી કર્યુ હતુ.. એક કોરા કાગળ પર બધી જ લાગણીઓને શાહીથી ઉતારી દીધી હતી.

“પ્રિય અમિષા,

હું જાણુ છું કે હું છું કે આ કહેવા માટે મેં બહુ લાંબો સમય લીધો છે પણ તું કે હું શું કરુ ? તું તો જાણે છે ને તારા આરુષને થોડો ગાંડો જ છે. મને માફ કરજે મેં બહુ રાહ જોવરાવી તને. તું મારી સામે બહુ બાહોશ બને છો પણ હું જાણુ છું કે મારા પ્રેમના અસ્વીકારથી મેં તને ઘણીવાર રડાવી છે. પણ હવે નહિં આજે હું સ્વીકારું છું કે હું ખોટો હતો અને તું સાચી તારા અને મારા સંબંધને નામ આપીએ ? ચાલ એક નવુ જીવન નવેસરથી જીવીએ ?

અમિષા, હું તને ખુબ પ્રેમ કરુ છું..મારી જીવનસંગીની બનીશ.. આઈ પ્રોમિસ તારા ચહેરા પર આવતી લટોથી લઈને તારા ગાલ પર પડતી કરચલીઓ સુધી તારો સાથ આપીશ.

તારા જવાબની રાહ રહેશે.”

વિથ લવ & રિસ્પેક્ટ

આરુષ .

            હવે આ એક કાગળનો ટુકડો માત્ર ન હતો, પરંતુ એ પ્રેમપત્ર હતો જે અમિષાને ડીનર ટેબલ પર આપવાનો હતો..પણ પછી વિચાર્યુ કે એને જતી વખતે આપીશ..આ અસમજસમાં રેસ્ટોરન્ટ પહોંચ્યો અને મારી સામે  અમિષા ઉભી હતી. સફેદટોપ, કાનમાં બટરફલાઈ શેપની ઈંરિંગસ, બ્લેક જિન્સ અને ફ્લેટ મોજડીમાં એ હમેંશની જેમ ખુબ મોહક લાગતી હતી..એક ઉષ્માભેર આલિંગન સાથે મળી અમે નક્કી થયેલ ટેબલ પર ગોઠવાય ગયા. વેઈટરને ઓર્ડર કર્યો અને અમે વાતો કરવા લાગ્યા.. જમવાનું પીરસાયુ અને જમતા જમતા અમિષા એ એવું કંઈક કહ્યુ કે એના પછી ગળા નીચે ઉતારેલા બધા કોળિયા કડવા થઈ ગયા.

            અમિષા બોલી, “ આરુષ, મેં તારી બહુ રાહ જોઈ..મને ખબર છે તે મને બાંધી ન હતી.. પણ હવે હું આ નહિ કરી શકું મમ્મી પપ્પા એ મારા માટે એક છોકરો પસંદ કર્યોછે..આવતીકાલે એ લોકો સંબંધ નક્કી કરવા આવવાના છે.. તને મેસેજ કરવાનું વિચાર્યુ ઈનફેક્ટ મેસેજ ટાઈપ પણ કર્યો sent કરતાં મન ભારે થઈ ગયુ એટલે મેસેજ delete કરી નાખ્યો પછી તારુ અહીં આવવાનું થયું એટલે વિચાર્યુ કે તને મળીને જ આ વાત કહીશ અને તેના પછી પેલા છોકરાને મળીશ.”

            આટલુ બોલતા બોલતા એના ગળે ડુમો ભરાઈ ગયો હતો. મેં કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી માત્ર ”સરસ“ એટલુ બોલ્યો..મારા શર્ટના ડાબા ખિસ્સામાં પડેલ પ્રેમપત્ર અને ખિસ્સાની પાછળ ધબકતુ હ્રદય ચીસો પાડીપાડીને મને કહેતુ હતુ કે અમિષાને કહી દે કે તું પણ એને પ્રેમ કરે છે. પણ હું કંઈ જ ન બોલ્યો બસ એને જોતો રહ્યો..કેમ કે કદાચ આજે એને છેલ્લી વાર આટલી નજીકથી જોઈશ પછી તો કોને ખબર.બિલ ચુકવ્યુ અને અમે છુટા પડયા..કદાચ કાયમ માટે.

            બેવકુફ..નાલાયક..મુર્ખ અને બીજા કેટલાય શબ્દથી મારી જાતને કોષતો રહ્યો..ખિસ્સામાંથી પ્રેમપત્ર કાઢ્યો અને મારી આંગળીઓ એના પર ફેરવતા બોલ્યો , “ તું લાયક જ નથી અમિષાને, તને કોઈ હક નથી કે તું એને પાંચ વર્ષના અંતે પ્રપોસ કર અને એવી ઉમ્મીદ રાખ કે અમિષા જેવી છોકરી આજીવન તારી રાહ જોવે...તારો અહમ અને તારી જિદ્દ જ  એકબીજા માટે બનેલા છો..હવે અમિષાને શાંતિથી નવું જીવન જીવવા દેજે.” આટલુ બોલી હમેંશ માટે અમિષાના પ્રેમને આ એક કાગળના ટુકડા સાથે બંધ કરી દીધો...પછી ન કોઈ મેસેજ કે ન કોઈ મુલાકાત મેં મન અને સોશિયલ સાઈટ પર અમિષાને બ્લોક કરી નાખી હતી.. એણે પછી પણ ઘણા પ્રયત્નો કર્યા હશે પણ મેં બધા રસ્તા બંધ કરી દીધા હતા.

            “સર..સર તમને બોસ બોલાવે છે..” મને લગભગ હલબલાવતા પટ્ટાવાળા તનસુખભાઈ બોલ્યા.

               હું સભાન થયો હાથમાં રહેલા પેલો કાગળનો ટુકડો ઘડી વાળીને મુકી દીધો. અને બોસ પાસે જવા મારી જાતને તૈયાર કરી.