છેલ્લો કોળીયો Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો કોળીયો

એક હતો ચકો અને એક હતી ચકી

બહુ વર્ષો પહેલાની આ વાત છે એક જંગલ હતું, અને આ આખા જંગલમાં એક રાજાનું રાજ ચાલતું એ જેમ કહે એમ જ થાય બધા નર પક્ષીઓ કમાવા જાય અને માદા પક્ષીઓ એમનો માળો સંભાળે અને બચ્ચાઓની દેખભાળ કરે, આખો દિવસ આમને આમ પસાર થઈ જાય..જંગલના રાજાના નિયમો બહુ કડક હતા ખાસ કરીને માદા પક્ષીઓ પ્રત્યે. તેમને અમુક ચોક્કસ પ્રકારના જ કપડાં પહેરવાના, ઉડવા- હરવા- ફરવા બધી જ વાતમાં નિયમો અને સીમાઓ, જ્યારે જ્યારે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે ત્યારે તેમને દંડ મળે કઠિન શિક્ષા મળે વર્ષોથી આ પ્રથા ચાલતી હતી જેના કારણે નર પક્ષીઓ વધુને વધુ ઉધ્ધત બનતા જતા હતા તેમને એમ જ લાગતુ હતુ કે આ જંગલ અને આ બધી માદાઓ એમના તાબામાં છે, પરંતુ રાજા એ નિયમો કે સીમાઓનું આયોજન નાજુક અને કોમળ માદા પક્ષીઓના રક્ષણ માટે કર્યુ હતુ, વર્ષો વિતતા ગયા અને મુળ હેતુ માટે રચેલ નિયમો પણ વિસરાય ગયા, રાજા મૃત્યુ પામ્યા, નવા રાજા આવ્યા એમના વિચારો ઘણા ક્રુર અને માદા વિરોધી હતા એમને માદા પક્ષીઓને હેરાન કરવાની ખુબ મજા આવતી તેમણે અત્યાચાર શરુ કર્યા અને આ જાણે જંગલનો ચીલો બની ગયો દરેક નર પક્ષી પોતાની માદા પક્ષીને મારે તેને અલગ રીતે હેરાન કરે, જંગલમાં ઉડવાનું શીખતી નાની નાની માદાઓને પણ હેરાન કરે ચકો ચકીને મારી પણ લે અને પોપટ મેનાને ખાવાનું પણ ના દે,આ સિલસિલો ચાલે રાખ્યો,નર પક્ષીઓ હવે માદા પક્ષીઓને કામે મોકલવા લાગ્યા ઘરની સંભાળ અને આવકની દેખભાળ હવે માદા પક્ષીઓના સીરે આવી ગઈ, અમુક ઘરોને બાદ કરતાં તમામ નર આવું કરતાં કામકાજ કરે નહીં એક થી બીજા ઝાડ પર જઈને ટાઈમપાસ કરે આ ક્રમ શરુ રહ્યો કેટલાય વર્ષો સુધી માદા પક્ષીઓ સાંજ પડે સુખ દુ:ખની વાતો કર્યા કરતી, તેઓનો બળાપો વ્યાજબી હતો. દિવસ બદલાઈ પણ વાત અને પરિસ્થિતિ એની એ જ રહી.


એક વાર એક નાની ચકલી એ સાહસ કર્યું એ તક જોઈને જંગલની બહાર ઉડી નીકળી ત્યાં જઈને એણે નિરીક્ષણ કર્યુ કે આ દુનિયા કેટલી અલગ છે તેણે આવુ કેમ છે એ જાણવા અને મથવા પ્રયાસ કર્યો એ નાની ચકલીબેન એક મિત્ર મળ્યો જેનું નામ હતુ કાયદો. તેની પાસે ઘણું જ્ઞાન હતું, સત્તા હતી, આ બધુ ચકલીબેન જોતા રહ્યા તેને થયુ કે જો આ કાયદો અને આ સતા મારી મમ્મી અને અને બીજી બધી આન્ટીઓને મળે તો કેવુ સારુ અકારણ થતા તેમના પરના અત્યાચાર ઓછા થશે, ચકલીબેન એ મક્કમ નિર્ણય કર્યો અને કાયદાની મુલાકાત મમ્મીઓ અને આન્ટીઓ સાથે કરાવી પહેલા તો બધા ડઘાય ગયા અસ્વીકાર કરવા લાગ્યા પણ અંતે માની ગયા, અને કાયદો અન્યાય ન થાય તેવી કાળજી સાથે એનું કામ કરવા લાગ્યો. એક લાંબા સમય પછી મળેલી મોકળાશના કારણે કેટલીક માદા પક્ષીઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજી ન શકી એ નર પક્ષીઓ પર સાચા ખોટા બધા જ આરોપો મુકવા લાગી અને કાયદો ક્યારક અજાણ હતો અને ક્યારેક જાણવા છતા અન્યાયને રોકી શકવા અસક્ષમ હતો, માદા પક્ષીઓ આવી જ રીતે જીવવા લાગી અને પોતાની બચ્ચીઓનો ઉછેર આમ જ કરવા લાગી સાસરે વળાવતી વખતે પણ હળવેથી કહી દેતી,” જો તારો ધણી કંઈ પણ કહે તો સહન જરાય કરતી નહીં, સમાયોજન આપણા પુરખો એ બહુ કર્યુ હવે એ કરે આપણે નહીં કરવાનું.” આ વાત પણ આમને આમ ચાલ્યા કરી અને મુળ હેતુ ભુંસાઈ ગયો.આજે ફરી કોઈ એક નર પક્ષી રાહ જોઈ રહ્યો છે એક નવી તકનો..અને સિલસિલો આમ જ ચાલ્યા કરશે.

છેલ્લો કોળીયો : વાત સ્ત્રીઓને આઝાદ કરવાની હતી પણ આપણો ભાર પુરુષોના બંધન પર વધારે રહ્યો, વાત સમતોલન જાળવાની હતી પણ આપણો ભાર પોતાનું પલડુ ઊચું કરવા પર વધારે હતું.