દાદા Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા

વાર્તા:- દાદા
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




પાંચ વર્ષનો અમિત એનાં દાદા સાથે ખૂબ રમતો. એને એનાં દાદા ખૂબ વ્હાલા હતા. મમ્મી કે દાદી વઢે નહીં એટલાં માટે એ હંમેશા પોતાનાં દાદાને જ સાથે રાખતો. પોતાની દરેક વાત એ દાદા પાસે મનાવતો. જે વસ્તુ મમ્મી પપ્પા ન લાવી આપે એ દાદા સાથે જઈને લઈ આવે. આ બાબતને લઈને ઘણી વાર અમિતની મમ્મી અને પપ્પા વચ્ચે ચકમક ઝરતી. આમ ને આમ જ સમય પસાર થતો હતો.


આખો દિવસ અમિત દાદા સાથે બેસીને ટીવી જુએ, મોબાઈલમાં ગેમ્સ રમ્યા કરે. એની મમ્મી ઘણી વખત ટોકે. પોતાનાં સસરા હોવા છતાં ક્યારેક તો એમને પણ ખિજવાઈ જતી, પણ સાંભળે એ બીજા. પરિણામ એ આવ્યું કે સાત વર્ષની ઉંમરે તો અમિતને ચશ્મા આવી ગયા. પણ ટીવી જોવાની કે ગેમ્સ રમવાની સ્થિતિમાં કોઈ સુધાર ન આવ્યો. નંબર સતત વધતા જ ગયા. આખરે એવી પરિસ્થિતી ઊભી થઈ કે હવે ચશ્મા વગર અમિતને કંઈ જ દેખાતું ન હતું. એની રોજિંદા પ્રવૃત્તિઓ કરવામાં પણ એને તકલીફ ઊભી થવા લાગી.


હવે અમિતનાં મમ્મી પપ્પા એને કુદરતી ઉપચાર કેન્દ્રમાં લઈ ગયા. જ્યાં એની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો. નંબર થોડા થોડા ઘટવા લાગ્યા. આખી ટ્રીટમેન્ટ પતતાં સુધીમાં તો નંબર ખાસા ઉતરી ગયા હતા. હવે એ માત્ર વાંચવા માટે જ ચશ્મા વાપરતો.


ફરીથી એ એનાં દાદા સાથે ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત થવા લાગ્યો. એનાં દાદા કોઈનું સાંભળતા નહોતા. એમનાં વ્હાલા અમિતને કોઈએ કંઈ કહેવાનું નહીં. આખરે પરિણામ એ આવ્યું કે ઘરમાં ઝગડા વધતા ગયા, જે અંતે છૂટા પડીને બંધ થયાં. હવે અમિત એનાં મમ્મી પપ્પા સાથે અલગ ઘરમાં રહે છે અને એની મમ્મી એની ખૂબ જ કાળજી રાખે છે, પણ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખે છે કે એની કોઈ પણ ખોટી જીદને સમર્થન ન મળે.


આ બાજુ અમિતનાં દાદા હજુ પણ એમ જ માને છે કે એમણે કંઈ જ ખોટું કર્યું નથી. અમિતની યાદમાં આંખો ભીની કરતા રહે છે અને ચશ્માનાં કાચ લૂછતાં રહે છે.


મિત્રો, આ વાર્તા થકી હું એટલું જ કહેવા માંગું છું કે દાદાને બાળકો વ્હાલા જ હોય. પરંતુ એમને એટલાં પણ લાડ ન કરવા કે એમની જાતને નુકસાન પહોંચે. સારા નરસાનો ભેદ શીખવાડવો, સંસ્કારોનું સિંચન કરવું, આપણી સંસ્કૃતિ પ્રત્યે લગાવ ઉભો કરવો વગેરે કાર્યો કરવા. મોટા ભાગના દાદા દાદી આવું જ કરતાં હોય છે, પણ જેઓ નથી કરતાં એમણે ચેતી જવાની જરૂર છે. વધુ પડતો લાડ બાળકને અપંગ બનાવી દે છે. એ દરેક બાબતમાં કોઈનાં પર નિર્ભર થવા માંડે છે. એ સમજી જાય છે કે દાદા આગળ મમ્મી કે પપ્પાનું કશું ચાલતું નથી, એટલે એનો ગેરલાભ ઉઠાવતું થઈ જાય છે.


વડીલો હંમેશા સાચી સલાહ જ આપતાં હોય છે, પરંતુ એમણે એ ન ભૂલવું કે તેમનાં દિકરા વહુ પણ હવે મા બાપ બન્યાં છે. તેમને પણ પોતાનાં બાળકને કેવી રીતે ઉછેરવું એ ખબર હોય છે. જમાના પ્રમાણે પણ થોડી બાબતો બાળકને શીખવવી પડે, નહીં તો એ બધાથી પાછળ રહી જાય. આજનાં આ સ્પર્ધાત્મક યુગમાં બાળકને લાડ કોડથી માત્ર ઉછેરવું જ પૂરતું નથી, એને વ્યવહારિક જ્ઞાન પણ આપવું જ પડે. શાળા કક્ષાએ થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કરવું પડે, જેથી એનો આત્મવિશ્વાસ વધે.


નોંધ:- ઉપરોક્ત બાબત એ સત્ય ઘટના છે. પાંચ વર્ષ જુદા રહ્યા પછી હવે ફરીથી બધાં સાથે રહેવા માંડ્યા છે. અમિત પણ હવે સાચું ખોટું સમજીને તે રીતે જ વર્તન કરે છે. હવે દાદા અને દિકરો ઘરમાં બેસીને ટીવી કે મોબાઈલને બદલે સવાર સાંજ બગીચામાં જઈને બેસે છે. દાદા પોતાની જ ઉંમરનાં વડીલો સાથે સમય પસાર કરે છે અને અમિત અવનવી રમતો રમે છે. કલાક પછી બંને ઘરે પહોંચી જાય છે.


આ કોઈની લાગણી દુભવવા માટે લખવામાં આવ્યું નથી, માટે કોઈએ મન પર ન લેવું. 🙏


- સ્નેહલ જાની