આ કથા તો છે પ્રાચીન, છેક ત્રેતા યુગની, આપણા કળયુગની નહિ. સમયના અપાર સાગરમાં યુગો મોજા જેવા ઉછળે છે અને વિલીન થઈ જાય છે, પણ સૃષ્ટિ તેની તે જ, પ્રકૃતિ પણ તેવી. જાણે તેના તે જ વાયુ, પાણી, ભૂમિ અને આકાશ. તેના તે જ સૂર્ય, ચંદ્ર ને તારા. જાણે તેના તે જ સમષ્ટિ અને માનવી, નહિ !
સરયુ નદીને કિનારે અયોધ્યા નામે એક નગર હતું ઈશ્વાકુ વંશના રાજા દશરથ વૃદ્ધાવસ્થાને લીધે રાજ્યની ધરા તેમના પાટવી કુંવર રામને સોંપવાના હતા. પરંતુ કાળક્રમે થયું એવું કે કૈકયીમાતાએ રામને વનવાસ આપવાની હઠ લીધી અને દશરથ રાજા એ પણ હૃદય પર પથ્થર મૂકીને વચન નિભાવવાનું હોવાથી રામને ન ચાહવા છતાં વનવાસ જવાની આજ્ઞા આપવી પડી.
ચિત્રકૂટ, મંદાકિની, ગંગા, તમસા અને નર્મદા સમી નદીઓ વટાવી રામ, સીતા, અને લક્ષ્મણ ગોદાવરીને તીરે પંચવટી આવી પહોંચ્યા. પ્રકૃતિની ગોદમાં નગરના કોલાહલ અને કાવાદાવાથી મુક્ત કેવી પરમ શાંતિ ! એક પ્રભાતે રામ નિંદ્રામાંથી ઊઠીને જુવે તો સીતા નથી. ક્યાં હશે ? શોધતા શોધતા જોયું તો નદીને કિનારે સીતા કંઈક વિચારમાં ડૂબી ગયા હતા.
રામ કહે છે કે અહીં એકલા એકલા શું કરો છો ? સીતાજી કહે છે કે ' માં ગોદાવરીને જોઈને માં સરયૂ યાદ આવે છે, ને અયોધ્યા પણ... ' એટલામાં નદીને કાંઠે એક વૃક્ષ ઉપર ક્રોચ યુગલને જોઈને રામે સીતાને કહ્યું, તેના વિષાદને દૂર કરવા. જો, જો સીતા આ કેવા મજાના પંખી છે ? આટલા સુંદર પંખી મે તો આજે જ જોયા, નહિ અયોધ્યામાં કે નહિ મિથિલામાં સીતાએ કહ્યું, અને પ્રેમી પંખીઓને નિરખી રહી. ' ત્યાં ક્યાંથી હોય ? એ તો મહાનગરો છે. હા, ઋષિ વાલ્મિકીના આશ્રમમાં એક દિવસ આવું ક્રોચ યુગલ ઉડતું ઉડતું ક્યાંકથી આવી ચઢયું. અને પ્રેમમાં ડૂબી ગયું.
એટલામાં ત્યાં એક પારધી આવી ચડયો. ' પછી ' સીતાનો શ્વાસ ઘડીભર થંભી ગયો ! તીરથી એકનો વધ કર્યો. બિચારું પંખી તરફડતું , ઘવાયેલું નીચે પડ્યું ને મરી ગયું. ' ના ' સીતાએ હળવેથી ચીસ પાડી. એટલામાં પંખીની ચીસ સાંભળી વાલ્મીકિ ઋષિ ત્યાં દોડી આવ્યા. પારધીને જોયો. હણાયેલું પ્રેમપંખી જોયું. ઋષિનો આત્મા ઘવાયો ઋષિએ પારધીને શ્રાપ આપ્યો. શ્રાપ શ્લોક રૂપે અને તેમાંથી નિર્માણ થયું ' રામાયણ. '
"રામાયણ" માં શું આવે રામ ? સીતાએ કૂતુહલથી પૂછ્યું. મને ખબર નથી મે ' રામાયણ ' ક્યાં વાંચ્યું છે ! એટલામાં તો તરસ્યું હરણનું એક ટોળું નદીએ પાણી પીવા આવ્યું, એમાંથી એક રૂપાળું મૃગ ગેલથી સીતાના પગ ચાટવા લાગ્યું. સીતા હસી પડી. કેવું સુંદર ' સુવર્ણમૃગ ' ! સીતા એને પકડવા મથી પણ ન પકડાયું. ' મારા રામ ! પેલું હરણ પકડી લાવોને. મારે જોઈએ છે.' ' રામે કહ્યું એને કેમ કેદ કરવું છે ? એનો શો અપરાધ ? ' પરંતુ સીતાએ સ્ત્રીહઠ ન છોડી, ચંદ્ર માટે રડતા રામે બાળહઠ ન છોડી હતી તેવી જ રીતે. કહ્યાગર કંથ રામ હાર્યા અને હરણ પાછળ દોડ્યા, સીતાને નદી કિનારે એકલી મૂકીને આગળ આગળ હરણ દોડે ને પાછળ પાછળ રામ.
શ્રી રામ જાણે ઝાંઝવા પાછળ દોડતું તરસ્યું મૃગ દોડે તેમ દોડ્યા. રામ થાક્યાં ન છૂટકે તીર માર્યું ને હરણ મરાયું, એ તો માયાવી મૃગ હતું. હરણરૂપે, રાક્ષસ મારીચ, મરતા મરતા ચીસ તેણે પાડી ' ! લક્ષ્મણ... લક્ષ્મણ... ! ' , ' સુવર્ણમૃગ ' તો સોનાનાં હોય કદી ? રામને થયું. થાકીને રામ એક શિલા પર વિશ્રામ કરવા બેઠા અને સ્મૃતિઓના અરણ્યમાં ખોવાઈ ગયા.
સર્વત્ર માયા, માયા, પિતાશ્રીએ ચંદ્ર માટે વલખાં મારતા મને પાણીમાં ચંદ્રના પ્રતિબિંબની માયાથી છેતર્યો. બાળપણમાં માયા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ન સમજાયો. પણ આજે ? સીતાએ કેવું મ્હેણું માર્યું હતું ? જીવતું કે મરેલું સુવર્ણ મૃગ લાવો. મેં સમજાવી ખોટી માયામાં ન ફસાવાય. ત્યારે કહે : ' ક્યાં સ્વયંવરના વીર પ્રતાપી મારા રામ જેણે શિવધનુષ્યના ટંકારથી મને જીતી લીધી અને ક્યાં આ વનવાસી રામ ! ' જગત જબરું છે. પિતાશ્રી એમની રાણી માકૈકેયીની માયામાં ફસાયા અને સર્વસ્વ ગુમાવ્યું. માયા, માયા, સમગ્ર અસ્તિત્વમાં માયા ! અને રામ ઉઠ્યા, ખાલી હાથે, ભારે હૈયે ....
આ કેવો સુનકાર ! પંચવટી કેવી ખાલીખમ ? બધા પંખીઓ ક્યાં ઉડી ગયા? બધા પુષ્પો અને વેલાઓ શીદને કરમાઈ ગયા ? આ તે કેવી પાનખર ! રામ પંચવટીમાં અનેક આશંકા - કુશંકા સાથે પ્રવેશ્યા, સીતે, સીતે, રામે સાદ પાડ્યો પણ એમના સાદના પડઘા એ ન પડ્યા. પાછળ પાનખરનાં ખરેલા પાન ઉપર ખરેલાં પર્ણોના ફફડાટનો અવાજ આવ્યો. રામ દોડ્યાં, જોયું તો હણાયેલું, મરતું વૃદ્ધ જટાયુ. સીતાહરણની વાત કરતા કરતા એના શ્વાસ ચિરકાળ પર્યંત શાંત થઈ ગયા. રામે પંખી ના દેહને છાતીએ લગાવ્યું અને ચોધાર આંસુએ રડી પડ્યા.
સીતાહરણથી વ્યાકુળ રામ સીતાની શોધ માં કિષ્કિંધા પહોંચ્યા. વાનર સેનાની મદદથી સાગર પાર કરી લંકા ઉપર ચઢાઈ કરવા સેતુ બાંધ્યો. હનુમાને અશોક વાટિકા ઉજ્જડ કરી. રામ અને લક્ષ્મણે રાક્ષસોના સમુદાય ને વિધ્વંસ કર્યા. અંતે રામે રાવણનો વધ કર્યો, અને 14 - 14 વર્ષના વનવાસને અંતે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન, અંગદ અન્ય વાનરો સાથે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું.
રાત વિતે છે. પેલી અગાસીમાં 14 વર્ષ પછી રામસીતા ઉંચે આકાશમાં એકલા અટુલા ચંદ્ર ને જોતા, એક પ્રકારની નીરવ શાંતિમાં ખોવાઈ જાય છે. ' આ નફ્ફટ ચાંદલિયો કેવો એની ચાંદનીને છોડીને, આપણી સામે ટગર ટગર જોવે છે ? ' ' બોલ આકાશમાંથી તોડીને ચંદ્ર તારા ખોળામાં મૂકી દઉં ? ' રામે કહ્યું હતું ત્યારે સીતા શું બોલી હતી ખબર છે ? ' સ્વામી મારો ખોળો તો તમે ભરી દીધો જ છે. મને ચંદ્રનો શો ખપ ?...'
સરયૂ વણથંભી વહ્યા કરે છે. ઋતુ ચક્ર અવિરત ચાલ્યા કરે છે. સમય ક્ષણભર પણ થંભતો નથી. સીતાના વનવાસમાં 14 - 14 વર્ષ વીતી જાય છે. ક્યાં લંકાનો રજા રાવણ અને ક્યાં આ અયોધ્યાનો ધોબી ? રામે ધોબીના આરોપ પર વિશ્વાસ કરી સીતાનો ત્યાગ કર્યો ! રામ માટે સીતા ત્યાગ સીતાહરણ કરતાંય વધુ વસમો નિવડે છે. છેવટે ગગનભેદી જયઘોષ વચ્ચે સીતા અણીશુદ્ધ રીતે ચિતામાંથી હેમખેમ બહાર નીકળી રાજા રામ સામે આવીને અટકે છે.
સીતા લવ - કુશ તરફ આંગળી ચીંધે છે, જુઓ તમામ કુંવરો હવે ઉછરી ગયા છે. હવે એમને મારી નહિ પણ તમારી જરૂર છે. મને મારી ધરતીમાતા બોલાવે છે. ત્યાં ધરતી ફાટે છે ને ધરતીની પુત્રી ધરતીમાં અલિપ્ત થઈ જાય છે. રામ મનોમન વિચારે છે કે આ કેવી સર્વત્ર માયા... માયા... !!
( ' રામચરિતમાનસ ' ના મૂળ કથાની છૂટછાટ સાથે... )