પેલું ક્યાં છે?? Trivedi Bhumi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પેલું ક્યાં છે??


પ્રોફેસર રજનીકાંત રજાના દિવસે લિવિંગ રૂમમાં સોફા પર બેસી પુસ્તક વાંચતા હતા. ત્યાં એટલામાં જ તેમના ધર્મપત્ની રસોડાના દરવાજામાંથી નીકળી બીજા રૂમમાં ઉતાવળથી જતા દેખાયા. પ્રોફેસરે એમના તરફ જોઈને કહ્યું ' સુશી ' . ત્યારે ગુલાબની મુલાયમ પાંખડીઓ સમું સ્મિત વેરે છે. તેમના ધર્મપત્ની નું નામ ' સુષ્મા ' પણ તે વહાલથી તેમને સુશી કહી બોલાવતા. સુષ્મા અંદરના રૂમમાંથી બોલ્યા. તમે મને બોલાવી ? ત્યાં તો પ્રોફેસર રમૂજ કરતા કહે કે ' ના...ના... હું તો કવિતા કરું છું ! ' સુષ્માએ અંદરથી જ કહ્યું કે : આવો બબડાટ કરવા કરતાં મને અહીં મદદ કરોને ....
તેમના પત્નીની પણ એક ખાસિયત હતી. વાત કરવામાં તે નામના બદલે સર્વનામનો બહોળો ઉપયોગ કરે.... દા.ત. ' પેલી ક્યાં ગઈ ? ' હવે આમાં મારે શું સમજવું ? ચોપડી, પેન, ચમચી કે છોકરી ? આખી વાત સમજવામાં ખૂબ મુશ્કેલી પડે છે . તેથી ભારે ગોટાળા થાય... ત્યાં જ રસોડામાંથી સુષ્મા નો અવાજ આવે છે કે પેલું ક્યાં મૂક્યું છે ? મેં કહ્યું કે, તમે જ્યાં મૂક્યું હશે ત્યાં જ હશે ! પણ મને તો એ જડતું જ નથી. અરે હું, બધે શોધી ફરી એ ક્યાંય નથી ! મેં કહ્યું તો એ નહિ હોવું જોઈએ...! તમે કોઈને આપ્યું હશે. સુશી ગુસ્સે થતા બોલી... મેં કોઈને નથી આપ્યું... આજે મહેમાનો પણ હમણાં આવી જશે. ફરી મેં રમુજ કરતાં કહ્યું, ભલે આવે... આપણું ઘર ખુલ્લું જ છે... મારા મમ્મી, ભાઈ, ભાભી એ બધા આવવાના છે ! ને તમને અત્યારે રમુજ કરવાનું સૂજે છે. મેં કહ્યું કે તો તો આપણે એમના સ્વાગત ની બરાબર ખાસ તૈયારી કરવી પડશે ! પેલું ભાવનગર થી આભલાવાળુ લીધેલું તોરણ કબાટમાં છે તમે કહો તો .... શું તમે પણ સમજયા વિના બાફો છો . એને કબાટમાં ના મુકાય ! હવે મારે એ ક્યાં શોધવું ? યાદ કરો... તમે કોઈને નક્કી એ આપ્યું હશે.
અરે હા, યાદ આવ્યું એ તો પેલી લઈ ગઈ હતી પરમ દિવસે જ. તો જાવ અને પેલી ને ત્યાંથી લઈ આવો. ફરી સુશી ગુસ્સે થતા બોલી, એક તો આપણે આપવાનું અને આપણે જ લેવા જવાનું ! હાસ્તો ... જોવો ને લોકોનો સ્વભાવ છે આપણા ઘણા પુસ્તકો અમુક લોકો લઈ જાય છે. પછી પરત કરવાની તો વાત જ નહીં ! તમે વાનગી અંગેનું પુસ્તક શોધો છો ? સુશી કહે : ના ભ'ઈ ના... તમે રસોડામાં જઈ પાપડી ફોલો. મેં કહ્યું, તો એક કામ કરો તેને ફોન કરીને પેલું મંગાવી લો... અને સુષ્મા તેની બહેનપણીને ફોન લગાવીને મંગાવે છે, પણ તે વસ્તુ તેના ઘરે પણ નથી મળતી. ને ગુસ્સાથી સુષ્મા ફોન મૂકી દે છે.
તમે શું જોયા કરો છો મારી સામુ ? આ વખતે તો મને હસવું જ આવી ગયું. ગુલે ગુલશન, હજી તમને અમે પુરા નિરખ્યા જ છે ક્યાં? આપણું જ્યુસર બગડી ગયું હતું એ રીપેર કરાવીને હું લઈ આવ્યો છું, તું જ્યુસર વિશે વાત કરે છે ? સુશી કહે , ભ' ઇ સાબ' તમે ડા' પણ ડોળ્યા વિના રસોડામાં જાઓ અને બટેકા છોલો... ને તમે બધું શાક સુધારી લો. હું છત પર જઈને આવું છું... કદાચ પેલું ત્યાં હોય તો. હું પણ ભારે મૂંઝવાણો કે સુશી શું ગોતવા મથે છે. ક્યારની પેલું પેલું કરે છે પણ કંઈ સમજણ નથી પાડતી શું જોઈએ છે.
ઉપરથી નીચે આવતા આવતા સુશી બોલી : ' હું, યે કેવી ભૂલકણી છું ! છુંદો કર્યો હતો તો તેને તડકામાં મૂક્યું હતું ચાર દિવસથી છત પર ! આજે ઉંધિયું કરવા એની જરૂર પડી ત્યારે મેં આખું ગામ ગજાવ્યું ! ને હસી પડે છે. મેં કહ્યું વાહ ! સુપર્બ ! તમારું હાસ્ય જાણે ચારે તરફ ખીલેલો બટમોગરો ! અહો... ધન્ય ! ત્યાં જ મને અટકાવતા મારી રાણી કહે. બસ બસ હવે... ઊંધિયાની તૈયારી કરો... ને ઊંધિયા સાથે જલેબી તો જોઈએ ને ? આપણા ખાસ મહેમાન આવવાના છે ! તો જાવ અને બજારમાં જઈને શુદ્ધ ઘીની જલેબી લઈ આવો. આ વખતે મેં કહ્યુ, હં .... પણ પેલી ક્યાં છે ? સુશી કહે કોણ પેલી? અરે લાલ... લાલ... કપડાવાળી ! સુશી ગુસ્સાથી નજીક જઈને કહે કોણ લાલ ... લાલ... કપડાવાળી ? મેં કહ્યું આઈ મીન ...લાલ કપડાની થેલી ! જલેબી લાવા જોઈશે ને... હવે પેલું... ઠેકાણે મુકજો... પાછા. સુશી એ કહ્યું શું પેલું પેલું કર્યા કરો છો? મેં કહ્યું એજ જે તમારા હાથમાં છે પેલું " તપેલું ". સુશી બંને હાથથી તપેલું ઉગામતા કહે છે કે, હવે જાવ છાના માના નહીં તો આ.... ને હું જડપથી બહાર નીકળી ગયો બજારે જવા માટે.

- ત્રિવેદી ભૂમિકા