Tirth yatra books and stories free download online pdf in Gujarati

તીર્થ યાત્રા

મોટીબા, રિક્ષા આવી ગઈ, નાના દીકરા શ્રીકાંતના અવાજથી બામાં તાજગી આવી ગઈ. તેઓ જલ્દીથી એમનો સામાન સમેટવા લાગ્યા. હજુ તો દસ વાગ્યા હતા. અગ્યાર વાગ્યાની 'બસ' હતી અને પછી એમની દીકરી શીલા અને સંબંધી કિશોરભાઈ, સ્મૃતિબેન પણ બસ સ્ટેશન પર મળશે. કેટલાય દિવસોથી એમના મનમાં ઈચ્છા હતી કે પોતાનું ઘડપણ સુધારીલે. હરિદ્વાર જઈ ગંગમૈયામાં ડૂબકી મારી આવે. જ્યાં સુધી દેહ માં થોડી ઘણી તાકાત છે તો યાત્રાએ થઈ જાય. નહીં તો પછી કોઈની સહાયતાની જરૂર પડે.
આમ તો વિજયાબેન મક્કમ મનના અને શરીરે સ્વસ્થ હતા. એમના પતિ ટુરીઝમની નોકરી કરતા હતા, એટલે ઓળખાણથી એમણે બસમાં થોડી ઘણી યાત્રાઓ કરી હતી. પરંતુ ઘણા વર્ષોથી એમને હરિદ્વાર જઇ, માં ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા હતી. આ વખતે સારો સંગાથ પણ મળી ગયો હતો. ઈશ્વરે જાણે એમની વાત સાંભળી હોય એમ બધું જ નક્કી થઈ ગયું. ઘરની ખાસ કોઈ ચિંતા હતી નહીં. મોટો દીકરો વકીલ હતો. અને નાનો દીકરો ડોક્ટર હતો. દીકરી પણ પરણીને સાસરે ગઈ હતી. એટલે ઘરની તો નિરાંત હતી.
અને આ ઘરની જવાબદારીઓ તો એવી છે કે કદી પૂરી ના થાય. પહેલા પોતાના દીકરાઓનું કરવાનું , પછી છોકરાઓના છોકરાઓનું કરવાનું. નાના દીકરા શ્રીકાંતની બેબી હજુ બે વર્ષની થઈ હતી. હજુ તો હરવા - ફરવામાં, બોલવામાં એને તકલીફ પડી રહી હતી. બસ બેસાડો ત્યાં એક જ જગ્યાએ શાંતિથી બેસી રહે. નાનો દીકરો અને વહુ બંને ડોક્ટર હતા એટલે એમના દવાખાનામાં વ્યસ્ત રહેતા.
' મોટી બા, રીક્ષા આવી ગઈ છે. ' બાને મોડું કરતા જોઈ નાના દીકરા શ્રીકાંતે ફરી કહ્યું અને વિજયાબેન વિચારની નિંદરમાંથી જાણે ઝબકીને જાગ્યાં. એમણે જલ્દી નાસ્તો ભરી લીધો અને સામાન લઈને બહાર નીકળ્યાં. શ્રીકાંતે એમને રિક્ષામાં બેસાડ્યા. એમનો સામાન મૂકી અને બાને પગે લાગીને બાજુમાં ખસી ગયો. વહુ તો દવાખાને જવા નીકળી ગઈ હતી. શહેરમાં મોટો દીકરો રહેતો હતો. એના છોકરાં તો મોટા થઈ ગયા હતા. એટલે એની ખાસ એવી કોઈ ચિંતા નહોતી, પરંતુ નાનો એમની સાથે રહેતો હતો. એની દીકરી રીવા નાની હતી એટલે એની ચિંતા રહેતી. એણે કોણ સાચવશે? બાય રાખીએ તો પણ પોતાનાની જેમ તો ના જ રાખે ને? આમ વિચારતાં વિચારતાં જ વિજયાબેન ની આંખમાં આંસુ આવી ગયા.
હવે વિજયાબેનને આ શું સૂઝ્યું, તે યાત્રાએ જવા તૈયાર થયાં છે. વિજયાબેન ને થયું કે મારી પૌત્રીની કોણ સંભાળ લેશે ? એમના માતા-પિતા તો દવાખાને જતા રહેશે, ત્યારે આ ફૂલ જેવી નાની બાળકીનું કોણ? આમ વિચારો ના વમળમાં વિજયાબેન બસમાં આવીને પોતાની સીટ પર બેસી ગયાં. એમની દીકરી શીલા અને સંબંધી કિશોરભાઈ અને સ્મૃતિબેન પણ બસ સ્ટેશને સમયસર આવી ગયાં હતા. બધાનું 'રિઝર્વેશન' પણ એક બસમાં જ હતું. હજી તો બસને ઉપડવામાં કલાકની વાર હતી વિજયાબેન કઈ પણ બોલ્યા વગર આંખો બંધ કરીને ઈશ્વરનું નામ ભજવામાં લાગી ગયા. પરંતુ એમના મનમાં તો ' તુમુલ યુદ્ધ ' ચાલી રહ્યું હતું. વારે વારે રીવાનો ફૂલ જેવો ચહેરો નજર સામે તરી આવતો હતો. રીવા શું કરતી હશે? આજે તો રવિવાર છે એટલે એમની પુત્રવધુ ઘરે અડધા દિવસની ડ્યુટી પૂરી કરીને અત્યારે આવી પણ ગઈ હશે. પરંતુ આ તો એક અઠવાડિયાની વાત છે. જે થશે, એ જોયું જશે ! રીવાએ દુધ પિધું હશે કે નહીં, એને તો દાળ-ભાત ચોળીને સૂતાં સૂતાં જ ખવરાવવાં પડે છે. ક્યાંક ગળામાં કશુંક અટકી ના જાય. વચ્ચે વચ્ચે પાણી પણ પીવરાવું પડે છે. આ બધી વાતની પેલી કામવાળી બાઈને તો ખબર હોય નહીં.
વિજયાબેનના મનમાં હજી આ દ્વન્દ યુદ્ધ ચાલું જ હતું. ' શું મેં આ સારું કર્યું કે હું રીવાને મૂકીને યાત્રાએ જાવ છું. એક અઠવાડિયામાં તો એ હેરાન પરેશાન થઈ જશે. તો શું હું પાછી ઘરે ચાલી જઉં. પણ અહીંથી એકલી કેવી રીતે જઈશ. " ના રડીશ રિવા દીકરા. ના રડીશ, હું આવું છું. ગંગાજીમાં સ્નાન તો મેં મારા બાળપણમાં આવીને કર્યું જ હતું. હવે તો મારી રીવાને સાચવવી એ જ મારી સાચી તીર્થયાત્રા છે. જ્યાં સુધી જીવીશ, ત્યાં સુધી તેની સારસંભાળ લેતી રહીશ. બધા જ યાત્રાળુઓ આવી ગયા હતા અને બસ ઉપડવાની જ હતી, ત્યાં વિજયાબેન તેના સંબંધી ને બોલ્યા કે મારી રીવા મને યાદ કરી રહી છે." શું વાત કરો છો, વિજયાબેન ? કિશોરભાઈએ કહ્યું. હા, કિશોરભાઈ મેં નક્કી કરી લીધું છે હવે તો હું પાછી ઘરે જ જઈશ. મારું મન તો રીવામાં જ છે, દેહથી જ હું અહી છું. મારાથી નહીં જઈ શકાય યાત્રાએ. તમે મને ઘરે જવા માટે રિક્ષા બંધાવી આપો. બધાને ખૂબ જ નવાઈ લાગી. વિજયાબા આટલાં જલ્દી કેમ પાછા આવ્યા? વિજ્યાબેને તો રીવાને પોતાની છાતીએ લગાવી દીધી, અને કહ્યું - " મારી તીર્થયાત્રા તો દીકરી તારી કેળવણીમાં જ છે." ત્યાં સુધીમાં તો શ્રિકાંત અને તેની પત્ની આવીને બાને પગે લાગી રહ્યા હતા. દરેકની આંખો અશ્રુઓથી ભીંજાયેલી હતી.


- ત્રિવેદી ભૂમિકા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED