' ઝટપટ પરવારો તો સારું. મારે સાત વાગે તો શાળાએ પહોંચી જ જવું પડશે. સાંસ્કૃતિક કર્યક્રમની તમામ જવાબદારી મોટા બહેને મારા માથેનાંખી દીધી છે.' -
માથાને જરીક ઝટકો આપીને માનસીએ કાળો - ચળકતો ચોટલો આગળની તરફ લાવીને ઝૂલાવ્યો. પાણિયારા આગળ ભીના રૂમાલમાં લપેટીને મુકેલો ગજરો હાથમાં લીધો દર્પણમાં જોઈને ગજરો ચોટલામાં નાખ્યો. દર્પણમાં જોતાં- જોતાં જ તેણે પથારીમાં આળોટતાં માનવને લાડથી કહ્યું.
" પ્લીઝ, આજનો દિવસ જરા સાચવી લેવો પડશે? તમે જલ્દી ચા-પાણીથી પરવારો તો હું ચાનાં વાસણ સાફ કરીને શાળાએ સમયસર જવા નીકળું. તમને આ કેવી કૂટેવ પડી છે? બ્રશ કર્યા પછી તરત ગરમાગરમ ચાની ચૂસ્કી લેવાને બદલે પથારીમાં સૂતાં સૂતાં છાપાં વાંચવાની."
માનવે માનસીને કહ્યું, 'તું તો સવારની શાળા છે એટલે દરરોજ વહેલી સવારે ચાલી જાય છે. તને તારા માનવની સામે જોવાની પણ ક્યાં ફુરસદ છે? પછી તો પથારીમાં આડાં પડી છાપાં વાંચ્યા કરું નહીં તો શું કરુ...!
"સિધાવો દેવીજી આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તમારી રાહ જોઈ રહ્યો છે. મારી ચા - નાસ્તાની ચિંતા કર્યા વિના શાંતિથી પધારો." માનસીએ સાડીના પાલવને સરખો કરીને ડાયમંડ ચોક પરથી ખરીદેલી સુંદર મજાની સફેદ સાડીમાં પીન ભરાવી દીધી. પતિ સામે મીઠું સ્મિત કરીને ઘરની બહાર જવા માટે પગ માંડ્યા. થોડેક દૂર ચાલીને તેણે વળીને જોયું ત્યારે માનવ દરવાજામાં જ ઉભો'તો એણે હાથમાંનો કપ ઉંચો કરીને માનસીને બતાવ્યો અને હસી પડ્યો. માનસી એ પણ હસીને સામે હાથ ઊંચો કર્યો.
ઘરની નજીક જ આવેલી રીક્ષા સ્ટેન્ડ તરફ સત્વરે પહોંચવા માટે ચાલવાની ઝડપ વધારી. રીક્ષા તરત જ આવી પહોંચી ને માનસી ફટાફટ રિક્ષામાં બેસી ગઈ.
શ્રીમંત કુટુંબમાં જન્મીને - ઉછરીને મોટી થયેલી, બી.એડ.માં છ્યાસી ટકા મેળવીને ઉતીર્ણ થયેલી એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકાની નોકરીએ વળગેલી માનસી શાહ આજે અજબ ઉત્સાહમાં હતી. માધ્યમિક શાળામાં જોડાયેલી માનસીનો આ શાળામાં પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સદાયે અગ્રેસર રહીને કંઈ કેટલાય એવોર્ડ્સ અને પ્રમાણપત્રો ધરાવતી હતી. માત્ર બુદ્ધિ ચાતુર્ય અને શારીરિક કૌશલ્ય ધરાવતી તેજસ્વીની મહિલા ન હતી. રૂપમાધુર્યમાં પણ તે અજોડ હતી.
તેનું મૃદુહાસ્ય પ્રથમ નજરે જોનારને આંજી દેવા માટે પૂરતું હતું. પતંગિયાની જેમ શાળાના છાત્ર વચ્ચે ઉડાઉડ કરતી જોઈને શાળાના આચાર્ય બહેને આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી તેને સોંપી હતી. સ્વાગતગીત, બાળાઓના રાસ - ગરબા, ઉપરાંત મંચ વ્યવસ્થા, વેશભૂષા સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, બાળાઓની નાટિકાઓ, અને ઉદઘોષિકાની જવાબદારી પણ તે સંભાળતી હતી. સ્ટાફમા અન્ય બે શિક્ષિકાઓ પણ હતી. તેઓએ પણ પડદા પાછળ રહીને માનસીને પૂર્ણ સહયોગ આપ્યો હતો.
આગલા દિવસે સૌએ મળીને વિદ્યાર્થીઓને રાસ - ગરબાનો પુનઃ અભ્યાસ પણ કરાવ્યો હતો. માનસીની અંગત જિંદગી સંતુષ્ટ અને સુખ ચેનથી ભરપૂર હતી. ઉત્સવપ્રિયા માનસીને વિદ્યાર્થીઓ પ્રત્યે પણ પ્રેમભાવના હતી. વિદ્યાર્થીઓ માનસી મેડમ ને આવતા જોઈને ખુશ ખુશાલ થઈ જતા. માનસીની વિદ્યાર્થીઓ પ્રત્યેની અસીમ ચાહના તેમજ ઉત્સવો ઉજવવાની નીપુણતા જોઈને મોટા બહેને સાંસ્કૃતિક કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી માનસીને જ સોંપી હતી...
બરાબર પોણા સાત વાગે શાળાના પ્રાંગણમાં પહોંચી ગયેલી માનસી આજે લાલ બોર્ડર વાળી, કાંજી કરેલી શ્વેત સાડીમાં અપ્સરા જેવી અનુપમ લાગતી'તી. વિદ્યાર્થીઓ એને ઘેરી વળ્યા, માનસીએ ચોતરફ નજર નાખી શમિયાણા અને મંચ બંધાઈ ચૂક્યા'તા. ફૂલોની સેર અને આસોપાલવના તોરણ ઝૂલી રહ્યા'તા. વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો માટે અલ્પહાર તૈયાર હતા. વિદ્યાર્થીઓ માટે બિસ્કીટ, ચોકલેટ, ફળાહાર વગેરે આવી ગયા'તા. નાસ્તાની વ્યવસ્થાનો હવાલો ખૂબ આચાર્ય બહેન એટલે કે મોટા બહેન પાસે હતો એટલે તેમણે હોદા મુજબનું સરભરાનું તેમની દીર્ઘદૃષ્ટિ મુજબ આયોજન કર્યું હતું. મહેમાનો માટે મિનરલ વોટરના ઠંડા પાણી હાજર હતા અને આમ બરાબર આઠ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થયો, તેમજ ત્યાં પધારેલ મહેમાનો એ પણ માનસીબહેને કરેલ વ્યવસ્થાના વખાણ કર્યા હતા.
સૌ આ કાર્યક્રમથી ખૂબ જ ખુશ હતા. તેમજ મહેમાનો આવેલા તેમણે શાળાને એકવીસ હજારનો ચેક પણ અર્પણ કર્યો અને આમ, માનસી શાહ દરેક ના નજરમાં વસી ગયા તેમજ પોતાનું એક અલગ સ્થાન સૌ કોઈના દિલમાં બનાવી લીધું હતું. ત્યાર પછી દરેક કાર્યક્રમનું સંચાલન માનસીબેન ને જ સોપવામાં આવતું ને માનસી મેડમ પણ હોશેહોશે તમામ જવાબદારી તેમજ એક શિક્ષિકા હોવાની ફરજો અને કર્તવ્ય સંનિષ્ઠાથી બજાવતા રહ્યા. તે એક આદર્શ શ્રેષ્ઠ શિક્ષિકા બનીને એક સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા હતા. શ્રેષ્ઠ શિક્ષિકાના એવોર્ડ થી પણ તેમને સન્માવવામાં આવ્યા હતા.