' હજી કેમ નહીં આવ્યા હોય ? ' એમ કુમુદ વિચારતી હતી. અને રસ્તા પરથી પસાર થતી સાયકલની દરેક ટંકોરીના અવાજે ' એ આવ્યા ? ' ના તેને ભણકારા થતાં. સવારે સાડા નવે જમીને ગયા હતા. આમ તો રોજ ટિફિન લઈને જાય પણ આજે તેઓ જમીને ગયા હતા. ચાર વાગે એક આટો પણ મારી જાતા આજે તો એ પણ ના આવ્યા. આથી સ્ત્રી સહજ સ્વભાવે કુમુદને ચિંતાઓ વધુ થતી હતી. ' એ ' એટલે હરિપ્રસાદ - કુમુદ ના પતિદેવ. આજે રોજ કરતાં ઘણું મોડું થયું હતું. રાત્રીના સવા દસ તો થઈ જ ગયા હતા ને હા, સવા દસથી પણ શાયદ વધુ કેમકે બાજુમાં રહેતા મંગળાબાના ઘરનો એઠવાડ ક્યારનોય પતી ગયો હતો.
કુમુદ એકલી હતી એટલે પ્રતીક્ષા વધુને વધુ આકરી લાગતી હતી. કુમુદ અને હરિપ્રસાદ સિવાય ત્રીજું કોઈ આ ઘરમાં નહોતુ ને હોય પણ ક્યાંથી ? હરિપ્રસાદ ના માતા - પિતા તો બાળપણથી જ સ્વર્ગે સિધાવ્યા હતા. એ સમયે હરિપ્રસાદ ચાર વર્ષના હતા. એક બસ અકસ્માતમાં માતા - પિતાનું અવસાન થયેલું. હરિપ્રસાદ તેમની માસીની પાસે રહીને જ ઉછર્યા. ગામડામાં સાત ગુજરાતી અને ચાર અંગ્રેજી પૂરી કરીને એ નોકરીએ ચડ્યા હતા. નોકરીએ લાગ્યા ત્યારે તેઓ પંદર જ વર્ષના હતા. છેલ્લા દસ વર્ષથી એ એક ટંકશાળામાં મેનેજર તરીકે કામ કરતા હતા અને તેના ગ્રામવાસીઓ માટે તદ્દન નાના દરજ્જામાંથી મોટા અમલદાર ની પદવી સુધી પહોંચનાર કર્મચારીઓની યાદીમાં તેઓ સ્થાન પામ્યા હતા. ઘણા લોકોને તો તેઓ એક ઉદાહરણ રૂપ પણ બન્યા હતા. જેમ નાની ઉંમરે તેઓ નોકરી પર લાગ્યા તેમ નાની ઉંમરે એમના વિવાહ પણ થયા હતા. કુમુદ પરણીને આવ્યા ત્યારે તે બાર વર્ષના હતા. બાળકી હતા ત્યારે, છોકરમત હતા. શરૂઆતના બે ત્રણ વર્ષ તો સાસુ વગરની વહુ ઉઘાડી પડી ગઈ કહેવાય પણ ' આખરે હરિપ્રસાદની કેળવણી અને કુમુદ ની કઈક વિકસેલી હૈયા ઉકેલે પછી એને એક સફળ ગૃહિણી બનાવી. છતાં એ ખરું કે હજીયે કુમુદ અને હરિપ્રસાદ ' ગધ્ધાપચ્ચીસી ' માં જ હતા.' અને દાંપત્ય જીવનના પ્રસંગો તો બન્યે જતા પણ એ તો ' ઘેર ઘેર માટીના ચૂલા ' જ હોય છે. વળી, કુમુદ કંઇક વધુ લાગણીશીલ હતી. હરિપ્રસાદ પણ સંવેદનશીલ હતા. અને કેટલાક નજીવા પ્રસંગો પણ તેમને હોય તે કરતા વધુ ગંભીર અને દુઃખદાયક લાગતા... છતાં પણ તેઓ સુખી હતા.
ટંકોરી રણકી અને કુમુદને થયું કે ' હવે તો એ જ ! ' ઊભી થઈ. દરવાજો ખોલ્યો તો સાચે જ હરિપ્રસાદ હતા. હરિપ્રસાદે સાઇકલ અંદર લીધી તે આવીને પથારીમાં બેઠા. તેઓનો ચહેરો ઉદાસ લાગતો હતો. પણ કુમુદ ને એમ કે થાકીને આવ્યા હશે તેને પૂછ્યું - ' જમવા બેસો છો ને ? ' ' હા, કાઢ ' હરિપ્રસાદી કહ્યું ... કુમુદ બે - એક ક્ષણ એમને એમ ઊભી રહી. હરિપ્રસાદના અવાજમાં પણ કઈક બન્યું હોવાનો પડઘો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કુમુદ પ્રશ્નો પૂછીપૂછીને તેમને પરેશાન કરતી. આ વખતે કુમુદ એ વિચાર્યું કે તેઓ ખૂબ જ થાકીને આવ્યા છે એટલે નાહકના કોઈ પ્રશ્નો નથી પૂછવા જરા વધારે કામ હશે એટલે જ મોડું થયું હશે એમ વિચારીને તેને જમવાનું પિરસ્યું. રોટલાનું બટકું કાપ્યું ને જમવાને બદલે એના વિચારમાં સ્તબ્ધ થઈ ગયા. ' કેમ, કંઈ જોઈએ છે ? ગોળ આપુ.?' કુમુદ જ્યારે પીરસવા બેસતી ત્યારે એના મનમાં સતતપણે એક જ દહેશત રહ્યા કરતી : શાકમા મીઠું ઓછું કે વધુ તો નહીં હોય ને? કણિક સરખી બંધાઈ ન હતી એટલે રોટલો વધુ નરમ કે કડક તો નહીં લાગેને ? શું થશે ? '
' ના,ના. ' કહી હરિપ્રસાદ જમવા લાગ્યા. પણ એ યાંત્રિક રીતે જમતા હતા એ વાત કુમુદ પામી ગઈ હતી. હરિપ્રસાદ નો સ્વભાવ કંઈક તીખો હતો એટલે કુમુદ પણ સીધા પ્રશ્નો પૂછી શકે તેમ ન હતી. હરિપ્રસાદના મનમાં ચાલતા મંથનને પામવા કોઈ માર્ગ નહોતો મળતો. કુમુદ એમની સામે વિષાદભરી દ્રષ્ટિએ જોઈ રહી.
' હરિપ્રસાદ રાજીનામું મુકીને આવ્યા હતા. શેઠ સાથે સહેજ બોલાચાલી થઈ અને ' વટ ' કોઈ અજબ વસ્તુ લાગે છે. ' હરિપ્રસાદે - મૌખિક અલબત આપ્યું. છતાં ટંકશાળામાંથી બહાર આવ્યા પછી એણે ભાગ્યે જ એ ' રાજીનામા ' ને ગંભીરું ગણ્યું હતું. એને તો એમ જ હતું કે શેઠને મારા વગર ચાલવાનું નથી વળી આમ શેઠ મને છૂટો કરે એવું બને પણ નહીં લિમિટેડના ચોપડા છે. છેલ્લા એક માસનો હિસાબ બાકી છે એમ બની ન શકે... દરેક મનુષ્યને બાલ્યાવસ્થા વિત્યા પછી એ લાડ કરવા ગમે છે એ વાત મહદઅંશે બહુ સાચી છે. હરિપ્રસાદ તો રિસામણાની આ રમત રમતા હતા. અલબત્ત, અજાણપણે એના અંતરમાં ઊંડે ઊંડે હતું કે કાલે શેઠ ઘરે આવશે અને કહેશે; ' લ્યો, ચાલો હવે તમે તો હજુ એવા ને એવા જ રહ્યા ? ' એ વિચારે જ હરિપ્રસાદના મુખ પર આછું મંદ સ્મિત અને હૈયાની છાની મીઠાશ વ્યાપી ગય હતી. પરંતુ ભરતી પછી ઓટ શરૂ કર્યા પછી એને થયું કે ' ધારો કે શેઠ બોલાવવા ન આવે તો ? ' શેઠ પણ વટમાં રહે અને એમને એમ ચલાવ્યે રાખે તો ? કોઈપણ મધ્યમવર્ગના માણસને બેકાર રહેવું પોષાય નહીં એ શેઠ સાચી રીતે સમજે તેમ ' ઝખ મારીને આવશે ' એવો નિશ્ચય કરી તેઓ મૌન રાખે તો ? મારું શું થાય ? ઘરે કુમુદને કેમ કરીને કેહેવું ? કુમુદ પાછી રોતલ છે ! આવા વિચારો કરતા ઘરે આવ્યા ને ઘરમાં દાખલ થયા ત્યાં સુધી અને અત્યારે પણ જમતાં જતાં મનમાં એજ વિચારો ઘોળતા હતા. એનું મન સહેજ ખાટું બની ગયું અને દિલમાં વેદના ઉપડી. જમીને હાથ ધોયા, સોપારી ખાધી પણ આ બધી ક્રિયાઓ તેના મનોવ્યાપારને ઘુમાવવામાં કામયાબ નીવડે તેમ નહોતું. કુમુદ વાસણ ભેગાં કરી પાણીયારા નીચે મુકી ' સવારે ઉટકિશ ' એમ મનોમન કહી હરિપ્રસાદ પાસે આવી.
કેમ કઈં બોલતા નથી ? કુમુદ કુત્રિમ હસીને વાત ફેરવવાનો ડોળ કરતા બોલી: ' કાલે ગોળ લાવવાનું ભૂલશો નહી હો ! ' હરિપ્રસાદે આ વાત સાંભળીને જાણે નિરાશાથી છાતી બેસી જતી હોય એમ લાગ્યું ! પોતે આજ સાંજથી ખરી રીતે તો બેકાર હતા ! બેકાર ! અને કોણ નથી જાણતું કે ભલે પચાસ રૂપિયા મળતા હોય તો પણ નોકરી પર જ હોય છે ત્યારે માણસ પાંચસોનું દેવું હિંમતપૂર્વક કરી શકે છે ?
અત્યારે હરિપ્રસાદની બધી હિંમત પીગળી જતી લાગી અને સાચે જ હરિપ્રસાદ બેકાર થયો છે એવી વાત સૌ કોઈને ખબર પડી ગઈ હોય અને હરિપ્રસાદ પર સૌ લેણાંવાળા તૂટી પડતાં હોય તેમ હરિપ્રસાદ ને લાગ્યું કે નોકરી એ સો રૂપિયાની કમાણી જ નહીં પણ અનેક પળોનું આશ્વાસન અને પ્રતિષ્ઠા પણ હતી. પરંતુ બીજી જ ક્ષણે હરિપ્રસાદ નો સ્વમાની સ્વભાવ જાગી ઉઠ્યો નહીં... નહીં... એમ નમતું કેમ અપાય ? એટલી હદે શેઠની ગુલામી કેમ વેતરી શકાય ? મધરાત્રિ સુધી આવા જાતજાતના વિચારો એના મનમાં ચાલતા હતા. ઘડિયાળમાં જોતા જ્યારે બે વાગ્યા છે તેમ જણાયું ત્યારે અથાગ શ્રમનો બોજો એની આંખ પર સવાર થવા લાગ્યો અને થાક, કામ કરતાય વિચારોનો વધુ હતો. કુમુદ પણ અત્યારે ગાઢ નિંદ્રામાં સુઈ ગઈ હતી. એનું લાગણીભીનું, નિર્દોષ ભોળું અને નાજુક દિવાના પ્રકાશમાં અત્યંત ગૌર લાગતું મોં જોઈ રહ્યા હતા.
અત્યારે તેમને એક જ વિચાર આવતો હતો કાલે સવારે કુમુદ ટંકશાળ જવા માટે તૈયાર થવાનું કહશે ત્યારે તેને શો ઉત્તર આપશે. એમ ને એમ એવા બધા થતા વિચારોમા તે સુઈ ગયા. સવાર થયું અને તેની આંખો ઉઘડી ગઈ. સવારના સાડા છએ ઉઠવાનો નિત્યક્રમ હતો પણ આજ તેને ટંકશાળા જવાનું ન હતું માટે તે આંખો બંધ કરીને સુઈ રહ્યા. કુમુદે આવીને ઉઠાડવા માંડ્યા : ઊઠો , ઊઠો. કેટલું મોડું કરવું છે તમારે ? આજે તમારો ટંકાશાળા જવાનો મૂડ નથી કે શું ? તેને મજાક કરતા કહ્યું. હરિપ્રસાદને ચીડ ચડી જેનો ડર હતો એ જ વસ્તુ સામે આવીને ઊભી રહી. પોતાના રાજીનામાની વાત તેની પત્નીને કરવા નહોતા માગતા અને કુમુદના સવાલનો જવાબ ન આપી શકયા. કુમુદે હરિપ્રસાદના માથા પર હાથ મૂકીને કહ્યું કે તમારી તબિયત તો ઠીક છે ને ? હરિપ્રસાદે ના છૂટકે તબીયત સારી હોવા છતાં ' ના ' કહ્યું. પણ આટલા ખુલાસા કરવાથી વાત પતી જશે તેવી એની ગણતરી મિથ્યા નીવડી.
' માથું દુખે છે ? છાતીમાં દુખે છે ? શરીર દુખે છે ? શું થાય છે ? આમ તો સ્વાભાવિક ગણાય આવા પ્રશ્નો એક પત્ની પાસેથી. હરિપ્રસાદ ને વધારે ખીજ ચડી કુમુદ પણ કેવી લપીલી છે ! ' હવે તમે અહીંથી જાવ ને ! ' કંટાળીને હરિપ્રસાદે કહ્યું. ' ' ક્યાં જાઉં ? સરખો જવાબ તો આપતા નથી ને ! તમને થાય છે શું ? ' ગમે તે થયું હોય, તેનું તમારે શું ? તમે તમારું કામ કરો ને ! ' ' મારે કાંઈ નહિ, એમને ? ' પણ હવે તમારું કામ કરોને હરિપ્રસાદે કુમુદ ને કહ્યું. ' ચા ક્યારની ઠરે છે, એ પતે ત્યારે કોઈ કામની સૂઝ પડે ને ! ' કમને હરિપ્રસાદ ઉઠ્યા પણ જાણે પોતે કોઈ ગુન્હો કરીને ઘરમાં ન ઘૂસી ગયા હોય તેમ અંતરમાં ડરતા હતાં. એમના ચહેરા પર નિરાશા અને થાક હતાં.
રોજના ક્રમ મુજબ કુમુદે તેમના માટે નહાવાનું પાણી કાઢ્યું. હમણાં જ કુમુદ ' નોકરીએ નથી જવું ' એમ પૂછશે તો પોતે શું કહેશે ? એ દ્વિધામાં જ હતા કે ફરી કુમુદે પ્રશ્ન કર્યો તમારે આજે ટિફિન લઈને જવું છે કે જમીને જવાના છો ? હવે તેને વધારે ખીજ ચડી અને ગુસ્સામાં કહ્યું કે મારે આજે કામ પર નથી જવાનું. પણ એમ વાત પતી જવાની નહોતી. ફરી એકવાર કુમુદે કહ્યું કેમ નથી જવાના ? તરત જ કુમુદે કહ્યું - આમ પણ તમારી તબિયત ઠીક નથી એટલે અત્યારે નહીં જતા, બપોર પછી જજો. હરિપ્રસાદ ને થોડી શાંતિ થઈ ને ' ' હા ' એટલું જ કહ્યું. હરિપ્રસાદ નું અંતર પ્રતીક્ષા કરતું હતું, કે હમણાં શેઠ કોઈને મોકલશે કાં તો શેઠ પોતે જ ઘરે આવશે અને કહેશે કે ' હવે ચાલો હરિપ્રસાદ, આમ તો કઈ રીસાવાતું હશે? એમ કઈ થોડું રાજીનામું અપાતું હશે, લ્યો ચાલો હવે. ' શેઠ લાગણીશીલ અને દયાળુ હતા તેથી હરિપ્રસાદ તેમની પાસે આવી અપેક્ષાઓ રાખતા હતા, આમ ને આમ સાંજ પડી ને હરિપ્રસાદને હવે વધુ અકળામણ થવા લાગી. પોતે બેકાર છે એ વાતથી તે ઘણા પરેશાન થયાં ને એમને થયું કે હવે મારે જ શેઠ પાસે જવું પડશે. એમ વિચારીને તેઓ ગયા ને કુમુદને કહ્યું કે હું જરા બહાર એક લટાર મારી આવું તો મનને કંઈક ઠીક લાગે. શેઠનું ઘર બહુ દૂર ન હતું. રસ્તામાં જ શેઠ મળી ગયા ચાર આંખો એક થઈ. હરિપ્રસાદનું કાળજુ ધડકવા લાગ્યું, એની અંદર વસતા નોકરનું હૃદય જાણે કોઈ તકની શોધમાં હતું કે એક તક મળે તો બધું જ બરાબર કરી નાખું. ત્યાં જ શેઠે પૂછ્યું ' કા, કંઈ તરફ ? ઘરે જ આવતા હતા? ' ના... હા... ના... અચકાતા હરિપ્રસાદ બોલ્યા. બેકારીના થોડાક અનુભવે જ ઘર માંડી બેઠેલા થોડીક પ્રતિષ્ઠા બાંધી, ને સ્થિર સંસારમાં કોઈ તોફાન નહોતું ઉદભવવું એટલે તેમણે એક પણ તક ગુમાવવી નહોતી.
' લ્યો, ચાલો...' એ શબ્દો શેઠના હોઠ પર ના આવ્યા, પણ આંખોમાં એવા ભાવ હરિપ્રસાદે વાંચી લીધા હતા. ' તમે કઈ તરફ આમ ? આવો સવાલ નહોતો પૂછવો તેમ છતાંય સહજતાથી હરિપ્રસાદથી શેઠને પુછાય ગયો. ' હું ? હેં ...હા... તમને...! હરિપ્રસાદ મૌન થઈ ગયા. શેઠનું અડધું વાક્ય સમજી ગયા ને શેઠની પાછળ ચાલવા લાગ્યા. હરિપ્રસાદને સમજાયુ કે આ નાનકડી કસોટી જેવા થોડા સમયમાં એ નાહક મૂંઝાયા હતા. થોડી ધીરજ રાખી હોત તો શેઠ સ્વયં તેમના ઘરે આવવાના જ હતા. હવે તો જરાક એવી ભૂલ કરીને પોતે નમતું રહેવું પડ્યું હોય એમ લાગતું હતું. ને ફરીવાર ક્યારેય શેઠને રાજીનામાની બીવરાણી નહીં બતાવી શકાય.
શેઠ જાણે હરિપ્રસાદ ના વિચારો ને પામી ન ગયા હોય એમ બોલ્યા, ' હરિપ્રસાદ મૂંઝાશોમાં હુંયે એક દિવસ તમારી જેમ કોઈકનો નોકર જ હતો અને આ દુનિયામાં નોકરોએજ હંમેશા સ્વમાનની પરિભાષા બદલવી જ પડે છે.'
- ત્રિવેદી ભૂમિકા