જૂનું ઘર Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

જૂનું ઘર

વાર્તા:- જૂનું ઘર.
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આજે સૌની આંખ ભીની હતી. સવારથી સૌ જાણે એકબીજા સાથે અત્યંત ગંભીર રીતે લડ્યા હોય અને સંબંધ તોડી નાંખ્યો હોય એવી રીતે બોલચાલ બંધ હતી. સવારથી ઘરમાં સ્મશાનવત શાંતિ હતી. કોણ કોને સાંત્વના આપે એ જ સમજાતું ન હતું.

જિંદગીનાં બાવીસ વર્ષ જે ઘરમાં કાઢ્યા એ હવે છોડીને જવાનું હતું. આમ તો એ ઘર એમનું પોતાનું ન હતું, ભાડાનું હતું. રાજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તેમજ એમણે વારે ઘડીએ સ્થળાંતર ન કરવું પડે એટલે એક જ જગ્યાએ તેઓ સ્થાયી થવા માંગતાં હતાં.

રાજની પત્ની સ્નેહા ખૂબ જ સમજદાર સ્ત્રી હતી. રાજને પોતાનાં નસીબ પર ગર્વ થતો હતો આવી પત્ની મળ્યા બદલ. જે ઘરમાં તેઓ રહેતાં હતાં એ એક ભાડાનું મકાન હતું, પરંતુ એમનાં ઓળખીતાનું હતું, જેમને માટે આ ઘર માત્ર એક મિલકત હતી. તેઓ ક્યારેય આ ઘરમાં રહેવા આવવાનાં ન હતાં. આથી જ ભાડે આપવાનું નક્કી કર્યું. ઓળખીતા હોવાને લીધે રાજે એમની પાસે આ ઘરની માંગણી કરી. ખૂબ જ નજીવા ભાડા સાથે એમણે રાજીખુશીથી આ મકાન રાજને ભાડે રહેવા માટે આપી દીધું. ઉપરાંત, ક્યારેય ભાડું એક રૂપિયો પણ ન વધાર્યું. બાવીસ વર્ષ આ ઘરમાં તેઓ એકસમાન ભાડાદરે રહ્યાં.

આ મકાન ક્યારે ઘર બની ગયું એની રાજ અને સ્નેહાને ખબર પણ ન પડી! બંને બાળકો તો મોટા થયાં પછી એમને ખબર પડી કે આ એમનું ઘર નથી. આ ઘર સાથે એમને એટલી બધી માયા બંધાઈ હતી કે આખરે એક દિવસ એમણે આ જ ઘર ભવિષ્યમાં ખરીદી લેવાનો નિર્ણય કર્યો. યોગાનુયોગ જ્યારે ઘર ખરીદવા માટે તેઓ સક્ષમ બન્યાં ત્યારે જ એ ઘરનાં માલિકે પણ તેઓ ઘર વેચવાના છે એવી જાહેરાત કરી. સૌ કોઈ ખુશ હતાં, ઘર કાયમ માટે પોતાનું થવાનું એ જાણીને.

પણ કહેવાય છે ને કે, 'ધાર્યું ધણીનું જ થાય!' આ ઉક્તિ અનુસાર એ માલિકને આ ઘરનાં બદલામાં એક ધંધાદારી વ્યક્તિ પાસેથી ધારણા કરતાં બહુ મોટી રકમ મળવાની હતી. આથી માલિકે રાજને પોતાને માટે અન્ય સ્થળે ઘર શોધવા કહ્યું. રાજ પડી ભાંગ્યો. ઘરે જઈને જ્યારે એણે પોતાની પત્ની અને બાળકોને આ વાત કરી ત્યારે તેઓની પણ કંઈક એવી જ હાલત થઈ. આ ઘર ભલે ભાડાનું હતું, પણ એમણે પોતાનાં સુખદુઃખનાં દિવસો અહીં પસાર કર્યા હતાં.

જ્યારે ખાતરી થઈ કે હવે આ ઘર તેઓ નથી જ ખરીદી શકવાનાં ત્યારે આખરે મન મનાવીને એમણે સામાન પેક કરવા માંડ્યો. જેમ જેમ એક એક વસ્તુ મૂકતાં ગયાં એમ એમ એની સાથે જોડાયેલી યાદો વધુને વધુ ઘેરાતી ગઈ. આખરે બધો સામાન પેક થઈ ગયો. એક જ રૂમમાં પેક કરેલો સામાન મૂક્યો કે જેથી ટ્રક આવે ત્યારે ભરતી વખતે સરળતા રહે. આખરે એમણે પણ એમનું પોતાનું એક ઘર લઈ જ લીધું હતું. એ ઘર એમનું પોતાનું હતું, ખરીદ્યું હતું, છતાં પણ આ ઘર છોડવાની કોઈની પણ ઈચ્છા ન હતી. રહીરહીને સૌને એક જ વિચાર આવતો હતો કે, "હજુ પણ જો માલિકના વિચારો બદલાઈ જાય તો આ જ ઘર આપણું થઈ જાય!" પરંતુ એવું થયું નહીં.

આખુંય ઘર ખાલી જોઈને આજે સૌ કોઈ ગમગીન બની ગયાં હતાં. શું બોલવું એ કોઈને સૂઝતું ન હતું. ભલે આ ભાડાનું હતું, પણ બાવીસ વર્ષથી એમની ચડતી પડતી આ ઘરે જોઈ હતી. કેટલીય ખુશીઓની પળો આ ઘરમાં વિતાવી હતી, જે હમણાં સૌને યાદ આવી રહી હતી.

અંતે ટ્રક આવી અને સામાન ભરીને એ જૂનું ઘર ખાલી કર્યું. જ્યાં સુધી દેખાતું હતું ત્યાં સુધી એને જોયા જ કર્યું......

વાર્તા વાંચવા બદલ આભાર.

સ્નેહલ જાની.