એક કાગળ Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કાગળ

એક કાગળ!

હિતેશ હજુ દ્વિધામાં હતો. આજની ઘટનાએ તેના મનને બેચેન કરી દીધું હતું. તે નક્કી નહોતો કરી શકતો કે શું કરવું અને શું ન કરવું? તેના નિર્ણય પર તો પોતાનો અને પોતાનાં પરિવારના ભવિષ્યનો મદાર હતો. તે નહોતો ઈચ્છતો કે તેની એક ભૂલની સજા આખો પરિવાર ભોગવે અને ભૂતકાળની એ ઘટનાનું પુનરાવર્તન થાય.

પથારીમાં પડખા ઘસીને કંટાળેલા હિતેશે ટાઈમ જોવા મોબાઈલ ઉઠાવ્યો. રાતના ત્રણ વાગ્યા હતા. આંખોમાંથી ઉંઘ ગાયબ હતી અને કાલે બધા લેકચર ભરવા જરૂરી હતા. આંખો પર પાંપણ દાબી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,પણ મનનું શું? એ તો મુક્ત ગગનમાં વિહાર કરતાં વિહંગ માફક અનેક વિચારોમાં ખોવાયેલું હતું. બંધ આંખોની પાછળ એક દ્રશ્ય દેખાવા માંડ્યું.

હિતેશ લાયબ્રેરીમાં બેસી વાંચી રહ્યો હતો. આજે આમપણ ખાસ કોઈ લેકચર ન હોવાથી સમય લાઈબ્રેરીમાં જ વિતાવવાનો નક્કી કર્યો હતો. લાઈબ્રેરીની નીરવ શાંતિનો ભંગ કરતાં પાયલનો ઝણકાર થયો. હિતેશ બુકમાં કલ્પનાની દુનિયામાં એવો ખોવાઈ ગયેલો હતો કે શ્વેતા સાવ પાસે આવીને ઉભી રહી ગઈ છતાં ખબર ન પડી.

શ્વેતાએ બુક હાથમાંથી ખેંચતા બોલી, “શું યાર, આખો દિવસ વાંચ વાંચ કરે છે.”

“તારે કામ હોય તે બોલ.” હિતેશના જવાબથી શ્વેતા ચિડાય ગઈ, પણ આજે ગુસ્સો કરવાના મૂડમાં નહોતી. આજે પોતાનાં દિલની લાગણી વ્યક્ત કરવા આવી હતી એટલે નરમાશપૂર્વક જવાબ આપતા બોલી, “હિતેશ, શું હું તારી સાથે કામ સિવાય વાત ન કરી શકું.” કહેતા શ્વેતાએ પોતાનો હાથ હિતેશના હાથ તરફ સરકાવ્યો અને તેની આંખોમાં આંખો પરોવી.

હિતેશ એક અજીબ ખેંચાણ અનુભવવા લાગ્યો.

“હિતેશ એક વાત કહું?” શ્વેતાએ થોડી પળ ચૂપ રહી. હિતેશના મનની ઈચ્છા જાણ્યા વિના જ આગળ બોલતા પોતાની જાતને ના રોકી શકી અને પોતાની અંદર અત્યાર સુધી ધરબાયેલ લાગણીઓને શબ્દરૂપે પ્રગટ કરી, “વિલ બી માય વેલેન્ટાઇન?” હિતેશ હજુ પણ શ્વેતા સામે અનિમેષ જોઈ રહ્યો હતો. પોતાનો સવાલ નથી સાંભળ્યો એવું લાગતા શ્વેતાએ તેનો હાથ પકડી હડબડાવ્યો.

“હં...” હિતેશની તંદ્રા તૂટી એટલે શ્વેતાએ પ્રશ્ન ફરી દોહરાવ્યો. હિતેશ કશું બોલ્યો નહી. શ્વેતાએ પોતાનાં પર્સમાંથી એક બોક્સ કાઢ્યું. એક ચળકતી ચેઈન કાઢી હિતેશ સામે ધરી. ચેઈન જોઇને હિતેશની આંખોમાં કઇંક જુદું જ દ્રશ્ય દેખાવા માંડ્યું. અચાનક ઉભો થઇ તે ચાલવા માંડ્યો. શ્વેતા હિતેશનું આવું અણછાજતું વર્તન જોઈ હેબતાઈ ગઈ.

હિતેશ ફટાફટ કોલેજની બહાર નીકળી બાઈક સ્ટાર્ટ કર્યું. રસ્તા પર સડસડાટ દોડતી બાઈક કરતાં મનમાં ચાલતા વિચારોની ગતિ તેજ હતી. ઘરે આવી સીધો બેડરૂમમાં ઘસી બે હાથ વચ્ચે માથું દબાવી બેસી ગયો.

હિતેશ પણ શ્વેતાને પ્રેમ કરતો હતો, પરંતુ તેની પણ મજબૂરી હતી. તેને સમજાતું નહોતું કે તે શ્વેતાને કઈ રીતે જણાવે? શ્વેતા સાથે લવમેરેજની વાત તો દૂર રહી, હિતેશ માટે તેની કલ્પના કરવી પણ શક્ય નહોતી. તેને થોડા મહિનાઓ પહેલાની ઘટના યાદ આવી ગઈ. તેના જ પરિવારમાં બનેલી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

વાત જાણે એમ હતી કે હિતેશના પિતાના મોટાભાઈની દીકરી કોલેજમાં ભણતી. તેની સાથે ભણતાં એક યુવક સાથે દોસ્તી થઇ ગઈ અને દિવસોની નિકટતાથી દોસ્તી પ્રેમમાં પરિણમી. બંનેમાંથી કોઈને પોતાનાં પરિવારમાં પ્રેમ વિશેની વાત કરવાની હિંમત નહોતી એટલે આખરી રસ્તો અપનાવ્યો કોર્ટમેરેજનો.

આ વાતની જાણ હિતેશના મોટાબાપુને ખબર પડતા ધ્રાસકો પડ્યો. દીકરીના પગલાથી દુઃખી અને સમાજના ડરને કારણે પોતાનાં ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો. મોટાબાપુના પગલાથી હિતેશના મનમાં પણ ડર પેસી ગયો.

****
બીજા દિવસે હિતેશ ફટાફટ કોલેજ પહોંચી ગેટ પાસે શ્વેતાની રાહ જોવા લાગ્યો. શ્વેતા જેવી નજીક આવી કે હિતેશે તેના હાથમાં એક કાગળ થમાવી દીધો. મનનો બોજ હળવો થયાના અહેસાસ સાથે હિતેશ ક્લાસ તરફ આગળ વધ્યો. શ્વેતા મનોમન ખુશ થઇ ગઈ. શ્વેતાએ ફટાફટ કાગળમાં મીટ માંડી. શ્વેતાની નજર કાગળમાં હિતેશનો પ્રેમ શોધતી હતી અને હિતેશ પોતાનાં માતા-પિતાના પ્રેમમાં ખુદને શોધતો હતો.

*સમાપ્ત*