કોમલ હૈ, કમજોર નહિ
શક્તિ કા નામ નારી હૈ
જગ કો જીવન દેનેવાલી
મૌત ભી તુજસે હારી હૈ!
~ અજ્ઞાત
આજે જીવનમાં વિવિધ રંગોથી ખુશીઓ ભરી દેતો દિવસ એટલે ધૂળેટી અને જેમના લીધે આ ધૂળેટી મનાવી શકીએ છીએ તે આપણી માં અને જીવનમાં ડગલે પગલે જરૂર પડે શક્તિની તે સ્ત્રીનો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ.
ખરેખર,મને સવાલ થાય છે કે મહિલાનો કોઈ દિવસ હોય ખરો? કેમકે મારું માનવું છે કે 'સ્ત્રી વિના આપણો એક પણ દિવસ નથી!! ' કારણકે સ્ત્રી વિના આ પૃથ્વી પર દેહ ધારણ કરવો શક્ય નથી! સાક્ષાત ઈશ્વરને જયારે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા પૃથ્વી પર અવતરવાનું મન થાય ત્યારે પણ તેને માની જરૂર પડે છે ,એક સ્ત્રીની જરૂર પડે છે! આ તો આપણે બધાં સ્ત્રીનું સન્માન કરીએ ,તેનું પણ આપણા જીવનમાં ઘણું મહત્વ છે તેવું યાદ કરાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં સોશિયાલીસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દિવસો દરમિયાન ન્યુયોર્કમાં કામ કરતી મહિલાઓ શોષણને કારણે પરેશાન હતી અને છેલ્લા એક વર્ષથી હડતાલ કરી રહી હતી.તેને સાંભળનાર કોઈ નહોતું એટલે આ સંઘર્ષને સમર્થન આપતા ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમણે સન્માનિત કર્યા. આખરે તે મહિલાઓએ કામના કલાક અને સારા પગારની લડતમાં જીત મેળવી.
રૂસમાં આ દિવસની ઉજવણી ફેબ્રુઆરીના અંતમાં ૧૯૧૩ના રોજ કરવામાં આવી હતી.યુરોપમાં ૮ માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસનાં સમર્થનમાં મહિલાઓએ રેલી કાઢી. સાથે જ યુરોપમાં વિશ્વ મહિલા દિન ઉજવણીનો પાયો નંખાયો.સન ૧૯૭૫માં પહેલીવાર યુનાઇટેડ નેશન્સે ૮ માર્ચના રોજ આ દિવસની ઉજવણી કરી અને આ દિવસને વૈશ્વિક સ્તરે માન્યતા મળી.
આજે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થાય છે. જયારે આપણા દેશમાં તો પ્રાચીન સમયમાં જ નારી શક્તિના સન્માન કરવા માટે કહેવાય ગયેલું કે, “યત્ર નારી પૂજયન્તે તત્ર રમન્તે દેવતા” જ્યાં નારીઓનું સન્માન થાય છે ભગવાનનો વાસ થાય છે.
એક તરફ સ્ત્રી સન્માન કરવા માટે “ યત્ર પૂજયન્તે ...” શ્લોક સાંભળવા મળે ત્યાં બીજી તરફ એવું પણ સાંભળવા મળે છે કે, “ સ્ત્રીની બુદ્ધિ પગની પાનિએ!” હકીકતમાં આ વિધાન સાચું પણ છે. કારણકે સ્ત્રી જીવનમાં દરેક ડગલું સમજી વિચારીને ભરે છે, કેમકે તેની પર એક નહી બબ્બે કુટુંબની આબરૂ અને જવાબદારીનો ભાર છે!!..
મનુષ્ય માટે જીંદગીમાં અતિ મહત્વનું કાઈ હોય તો તે છે “સંસ્કાર”! સારા સંસ્કારો પણ માના ગર્ભમાં જ પ્રાપ્ત થાય છે. બાળકને બોલતા, ખાતા,પીતાં હાલતા-ચાલતાં મા શીખવે છે. (હું એમ નથી કહેવાં માંગતો કે બાળકના ઘડતરમાં પિતાનો કોઈ ફાળો નથી. બનેનો ફાળો છે જ. બંને પોતપોતાની ફરજ નિભાવે છે.) સ્ત્રી એ તો ઉત્કૃષ્ટ સમાજનો પાયો છે.
આપણે વર્ષોથી એક વાક્ય સાંભળતાં આવ્યા છીએ કે, “ એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.” તો એ વિધાનને સાચું સાબિત કરતી એક વાત. મા શું કરી શકે તેનો એક નાનકડો પ્રસંગ....
એક વિધાર્થી ઘરે આવ્યો એટલે તેની મમ્મીએ કહ્યું, “ તારી સ્કુલેથી એક ચિઠ્ઠી આવી છે.” બાળકે જરા ગભરાઈને પૂછ્યું, “ મા! તેમાં શું લખ્યું છે?” ત્યારે માએ જવાબ આપતા કહ્યું કે, “ બેટા! તેમાં લખ્યું છે કે, ‘ તમારો દીકરો સ્કૂલનો સૌથી હોશિયાર વિધાર્થી છે. અમારી પાસે એવાં કોઈ શિક્ષક નથી કે આવાં પ્રતિભાવાન બાળકને ભણાવી શકે. તમે તમારા બાળકના પ્રશિક્ષણની વ્યવસ્થા બીજે કરો.” આ વાતને વર્ષો વીતી ગયા. તે બાળક તે વિધાર્થી ખૂબ મોટો માણસ બની ગયો હતો. તેની માતાનું નિધન થઈ ગયું. વર્ષો બાદ ઘરે આવ્યો. તે વિધાર્થીએ એક ડ્રોવર ખોલ્યું તો તેમાં એક ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું કે, “ મેડમ, તમારો દીકરો સ્કૂલનો એક નંબરનો બુદ્ધુ વિદ્યાર્થી છે. અમારા સ્કુલના શિક્ષકો તેને શીખવાડી, ભણાવી તંગ થઈ ગયા છે, માટે અમે તેને સ્કૂલમાંથી કાઢી રહ્યા છીએ.” ચિઠ્ઠી વાંચી પેલા વ્યક્તિએ તે ચિઠ્ઠીમાં નીચે લખ્યું, “ મા! ખરેખર આ તારો દીકરો થોમસ આલ્વા એડીસન બુદ્ધુ જ હતો,જેને તેની માતાના વિશ્વાસે અને સમર્થને મોટો વૈજ્ઞાનિક બનાવી દીધો.”
આમ એક સ્ત્રીનું મહત્વ દરેકના જીવનમાં ઘણું છે. કારણકે પૃથ્વી પર આવવાં માની જરૂર પડે. હાથ પર રક્ષા બાંધવા બહેનની જરૂર પડે. જીવનના પથમાં આગળ જતાં પત્નીની જરૂર પડે. વાર્તા સાંભળવા દાદીની જરૂર પડે! સ્ત્રી વિના સંસાર ચક્ર જ અટકી જાય. જો કોઈ એમ કહે કે સ્ત્રીની જરૂર ના પડે તો તેને યાદ કરાવવું રહ્યું કે, ‘ જયારે દૈત્યોનાં સંહાર કરવાના થયાં ત્યારે દેવતાંઓએ પણ માનું આહ્વાન કરેલું. ભગવાન રામને જયારે જે કાર્ય માટે પૃથ્વી પર આવેલાં તે કાર્ય પૂર્ણ કરવા મા કૈકેયી, મંથરા અને મા જાનકીની જરૂર પડેલી. આમ ભગવાનને પણ એક સ્ત્રીની મદદની જરૂર પડતી હોય તો આપણે ક્યાં ખેતરના મૂળા છીએ!...
સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. કારણકે સ્ત્રી ધારે એવા બાળકને જન્મ આપી શકે. ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પણ પાન મા કરાવે ત્યારે આ ધરતીને શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ જેવા મહાનુભાવો મળે!
સાગરમંથન : માણસ ગમે તેના ઋણમાંથી મુક્ત થઈ શકે છે, પણ એક સ્ત્રીના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. કારણકે ઈશ્વર પણ તેમાંથી મુક્ત નથી થઈ શક્યો!!...