હું રાવણ... Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

હું રાવણ...

રાવણ : એકપાત્રીય અભિનય
(ધીમા ડગલા ભરતો એક યુવક રાવણના પરિવેશમાં સ્ટેજ પર આવે છે.)

(બંને હાથ જોડી ઉપર તરફ જોઇને) જય શિવ શંકર! જય ગંગધારી! જય શ્રી રામ!...

(બધાની સામું થોડીવાર જોઇને સ્ટેજની મધ્યમાં ગોઠવેલ સિંહાસન પર બેસે છે.) હું શિવભક્ત રાવણ! તમે એજ વિચારી રહ્યા છો ને કે ‘શ્રી રામ સાથે દુશ્મની કરી તેની સામે લડનાર રાવણ આજે તેનું નામ શા માટે લઇ રહ્યો છે. સદાય જે મુખમાંથી માત્ર તુમાખીભર્યા સ્વરો નીકળતા તે દસ મુખો ક્યાં ગયા? જેના અટ્ટહાસ્યથી ગગન ગુંજી ઉઠતુ તે આજે સાવ શાંત સ્વરમાં કેમ અત્યાર સુધી બોલી રહ્યો છે? તો તમે આજે વિચારવાનું બંધ કરી દો. તમે આજ દિન સુધી મારા એક સ્વરૂપને જ ઓળખો છો અને તમારા મનમાં મારા માટે બંધાયેલ ધારણા પ્રમાણે મારી એક છબી તમે તમારા મસ્તિષ્કમાં કંડારી લીધી છે, પણ આજે હું એ મૂર્તિને ખંડિત કરીશ. આજે હું તમને મારા બીજાં સ્વરૂપના દર્શન કરાવીશ, કેમકે દરેક સિક્કાની બે બાજુ હોય છે તે તો તમે બધાં જાણો છો જ ને!...

(સહેજ ઉંચા અવાજે ) હું નથી દાનવ કે નથી પૃથ્વીલોકનો માનવ; હું છું ધરતીલોકની નીચે આવેલ પાતાળલોકનો રક્ષક. દ્રારપાળ. જય અને વિજય અમે બંન્ને દ્રારપાળ. એકવાર એક નાની ભૂલને કારણે શ્રાપ મળ્યો અને તે શ્રાપના નિવારણ માટે પ્રભુના હાથે મોક્ષપ્રાપ્તિનો માર્ગ સ્વીકાર્યો. પૃથ્વી પર ત્રણવાર અવતાર ધર્યા તેમાં ત્રીજો અવતાર એટલે રાવણ અને કુમ્ભકર્ણ.

તમે રામાયણ તો ઘણીવાર જોઈ છે અને સાંભળી છે પણ ખરા. જેમ તમારા આધુનિક ચિત્રપટમાં એક હીરો અને એક વિલન હોય તેમ તમે લોકોએ મને પણ વિલન જ માની લીધો બરોબરને ! (કહેતા મંદ મંદ હસતા) પણ હું વિલન નથી. હું પણ હીરો જ છું અને કેમ ના હોય, તમારા એ ચલચિત્રમાં પણ બે હીરો તો હોય જ છે ને?!... તો હું પણ શ્રીરામની માફક રામાયણનો હીરો જ ગણાવું. તમને લોકોને એમ થતું હશેને કે ‘કઈ રીતે?’ તો મને એક સવાલનો જવાબ આપો કે શું તમને મારવા કે મોક્ષ અપાવવા સાક્ષાત પ્રભુ આવશે ખરા?!....(કહેતા મંદ મંદ હશે છે.)

રામાયણમાં તમે ઘણીવાર જોયું છે મંદોદરી મને સમજાવે છે. તે પણ તમારી જેમ એમ જ માનતા હતા કે હું અધર્મનું આચરણ કરું છું. હું જે કઈપણ કરું છું તે ખોટું કરું છું,( નિસાસો નાખતાં) પણ તે ક્યારેય મને ના સમજી શક્યા કે મારા એ અધર્મના આચરણ કરવાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો!!...

તે તો સૌની પોતાની વિચારસરણી. બાકી આપણે આપણી નજરમાં કેટલાં સાચા છીએ તે મહત્વનું છે.

રામાયણના ઘણાં પ્રસંગો મને રાક્ષસ સાબિત કરે છે, પરંતુ મારી અંદર પણ એક મનુષ્ય હદય છે. સીતાહરણ. એક એવો પ્રસંગ કે જેને લીધે જ તમે તે પ્રસંગથી જ તમારી અંદર મારી ખોટી છબી કંડારી લીધી છે. મેં એક સાધુનો સ્વાંગ રચી સીતાહરણ કર્યું તે તમે જોયું, પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે મેં તેમને અશોકવાટીકામાં જ શા માટે રાખ્યા? (ધડીભર બધાની સામું એકીટશે જોઇને) છે જવાબ તમારી પાસે?....

તમે તો સીતાહરણનું સાચું કારણ પણ ક્યાં જાણો છો. તમે એમ માનો છો કે લક્ષ્મણજી એ સુપર્ણખાનું નાક કાપી નાખ્યું તે વાતનો બદલો લેવા માટે મેં સીતાહરણ કર્યું? (નકારમાં માથું ધુણાવતા) ના. (સહેજ ઉચા અવાજે ) હું કાયર નથી. હું બ્રાહ્મણ અને ક્ષત્રિય છું.જો હું તમામ દેવતાઓ અને નવ ગ્રહને બંદીવાન કરી શકતો હોય તો શ્રી રામ સાથે બદલો ના લઈ શકું? અને છતાં પણ મારે બદલો જ લેવો હોત તો બીજી રીતે લેત, પણ મારી અંદર શ્રી રામ પ્રત્યે ક્યારેય બદલાની ભાવના હતી જ નહી.

સીતાહરણ કર્યું ત્યારનો એક પ્રસંગ તમને કહું. હું શયનકક્ષમાં પહોચ્યો ત્યારે રાણી મંદોદરી મારી સામે પ્રશ્નસૂચક નજરે જોવા લાગ્યાં. તેમણે મને કહ્યું કે, ‘ હે સ્વામી! આ તમે શું કર્યું? શું તમે જાણો છો કે તમે દેવી સીતાનું હરણ કરી તમારા કાળને નોતર્યો છે?! એ જગતજનની છે અને તમે તેનું જ હરણ કર્યું?’ ત્યારે મેં તેમણે કશો જવાબ આપવાને બદલે માત્ર હસ્યો. સાચું કારણ તો એ હતું કે હું મારી લંકા નગરીને પાવન કરવા દેવી સીતાને લઇ આવ્યો હતો. એક બાપ પોતાની દીકરીને પોતાને આંગણે લઇ આવ્યો હતો. (પળભર માટે સાવ શાંત થઈને )

દેવી સીતા મારી પુત્રી સમાન હતી. તે કોઈની પત્ની હતી, માટે મને કોઈ અધિકાર નહોતો કે હું તેને મારા રાજમહેલમાં લઇ આવું. જો હું એ જગતજનનીને ના લઇ આવ્યો હોત તો મારો રામ, શેષાવતાર લક્ષ્મણજતિ અને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર સમાં હનુમાનજીના ચરણોને સ્પર્શ કરી લંકાનગરી ધન્ય ના થઇ હોત.

બીજો પણ એક પ્રસંગ છે. તેમાં પણ તમે ખોટી જ ધારણા બાંધી છે. તમે ભાઈ વિભીષણને લાત મારી મેં કાઢી મુક્યો એ પણ જોયું, પણ મેં શા માટે કાઢી મુક્યો તે તમે જાણો છો? તે રામભક્ત હતો. જો એ મારી સેનામાં હોત તો રામ તેની સામે શસ્ત્ર ના ઉઠાવત. અને વિભીષણ પણ તેના વ્હાલા પ્રભુ સામે ના લડત; એટલે જ મેં તેને લાત મારી. મને ખબર હતી કે તે જશે તો શ્રી રામના ચરણે જ જશે અને મારા મરવાનું કારણ પણ તે જ જણાવશે. કેમકે તે જ્યાં સુધી તે ના જણાવે ત્યાં સુધી હું મરું નહી ને મારો ઉદ્ધાર થાય નહી. આને કદાચ મારી મૂર્ખતા ગણો, પણ તમે એક વાત ભૂલી જાઓ છો કે, મારી અંતિમ ઘડીએ પ્રભુ શ્રી રામે જ લક્ષ્મણમેં મારી પાસે રાજનીતિ શીખવા મોકલ્યો હતો. રાજનીતિનો જાણકાર શું સામે ચાલીને પોતાનું મોત માંગે ખરો? મારો સ્વજન દુશ્મન સાથે ભળે એટલે એનું શું પરિણામ આવે તે હું ન જાણતો હોય એવું તો નહોતું.

મેં શ્રી રામ સાથે દુશ્મની મારા અને નિશાચરકુળના મોક્ષ માટે કરી, બાકી જયારે હનુમાને લંકા સળગાવી અને અંગદનો પગ મારી આખી સભામાં બેઠેલા એકેય યોધ્ધા ના હલાવી શક્યા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે મારા રામની સેનામાં એવા વીર યોદ્ધા છે કે મારા રામને મને મારવા બહું રાહ નહી જોવી પડે.
પ્રભુ શ્રીરામના હાથે મોક્ષ મેળવ્યા પછી હું શ્રાપમાંથી મુક્ત થયો, પણ એક વાત ના સમજાઈ કે 'આજ દિવસ સુધી મારા પુતળાને શા માટે બળવામાં આવે છે?' કારણકે મને મારવાનો અધિકાર રામ સિવાય કોઈને નથી. શું તમારી અંદર રામ વસે છે? જેમણે પિતાના વચનને ખાતર ચૌદ વર્ષનો વનવાસ વેઠ્યો. ગાદીના અધિકારી હોવા છતાં ત્યાગ કર્યો.શું તમારી અંદર એક પણ ગુણ છે શ્રી રામનો? જવાબ આપો.

(થોડીવાર શાંત રહી અટહાસ્ય કરે છે.)

આ બધું જાણ્યા પછી પણ તમે હજુ એમ માનતા હોય કે મેં જે કર્યું તે ખોટું છે, તો તમે મને હજુ સમજી શક્યા નથી અથવા તમે સત્યનો સ્વીકાર કરી નથી શકતા.

(મોટેથી) જય શ્રી રામ!...

(અચાનક અદ્રશ્ય થઇ જાય છે )

તમે મને શોધી રહ્યા છો, પણ હું તમારી અંદર જ છું. જેને તમે દશ મસ્તક ગણો છો પણ તે મસ્તક નહોતા, પરંતુ તે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, અભિમાન જેવા વિકારો હતાં. જે તમારી અંદર પણ છે. મેં તો શ્રાપમાંથી મુક્ત થવા માટે પ્રભુ સાથે દુશ્મની કરી, પણ તમે આ વિકારોમાંથી મુક્ત થઈ તેની ભક્તિ કરો. કારણકે તે તો કરુણાનો સાગર છે. જય શ્રી રામ!... જય શ્રી રામ!...