હજુ સમય છે Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

હજુ સમય છે

“ હા સર ,હું આવતીકાલ વહેલી સવારે જ ત્યાં રીપોર્ટીંગ માટે પહોંચી જઈશ.”

“ ચોક્કસ સર.”

“ ગૂડ નાઈટ .” કહેતા તેણે ફોન કટ કર્યો.

“કોરોના શરુ થયો ત્યારે એમ થયું હતું કે ,’હાશ નવો વિષય મળ્યો.બાકી તો રોજ ખૂન ,ચોરી-લુંટફાટ ... એકનાં એક જ સમાચાર.’ “ફલેટનો મુખ્ય દરવાજો ખોલતાં બબડ્યો. “ ને હવે રોજ કોરોના ...કોરોના ...” કહેતા ઊંડો શ્વાસ છોડ્યો.

સોલ્ડરબેગ સોફા પર મૂકી ફ્રિજમાંથી બોટલ કાઢી પાણી પીધું. ડિનર કરવાની ઈચ્છા ના હોવાથી સીધો બેડરૂમમાં પ્રવેશ્યો. બારી સ્લાઇડ કરતા ઠંડા પવનની લહેરખી તેના શરીર સાથે ટકરાઈ.
નાઈટ લેમ્પ શરુ કરી બેડ પર લંબાયો. દિવસભરના ખૂબ જ કામકાજને કારણે થાકેલો સમર નિંદ્રાધીન થઈ ગયો.

ત્રીસ વર્ષીય સમરને નાનપણથી જ રીપોર્ટીંગ કરવાનો ખૂબ જ શોખ. ટીવીમાં આવતા સમાચાર જોઇને એન્કરની માફક બોલવાની પ્રેક્ટીસ કરતો. રાત-દિવસની મહેનતે તેનું સ્વપ્ન સાકાર કર્યું. એક ન્યુઝ ચેનલમાં નોકરી પણ મળી ગયી. તેની કામ કરવાની ધગશથી તેના બોસ પણ ખૂબ જ ખુશ હતાં.

******


અડધી રાત્રે અચાનક તંદ્રા તૂટી તરસ લાગવાને કારણે સમરે સાઇડ ટેબલ પર જોયું. પાણી નહોતું. નિસાસો નાખી બેડ પરથી ઉભો થઈ ધીમી ચાલે કિચન તરફ ગયો. ફ્રિજ ખોલીને હજી બોટલમાંથી પાણીના બે ઘૂંટડા ભર્યા , ત્યાં જ અચાનક કોઈ આવતું હોય તેવો અહેસાસ થયો. પાછુ વળી જોયું તો એક પડછાયો દેખાયો. તેની આંખો ત્યાં જ ચોંટી ગઈ. શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું .હાથમાં રહેલી બોટલ નીચે પડે તે પહેલા તેને પકડી લીધી. બોટલ ફટાફટ ફ્રિજમાં મૂકી પાછુ જોયું તો હજુ તે પડછાયો ત્યાં જ ઉભેલો દેખાયો.


હવે તો સમરના કપાળે પરસેવો વળી ગયો . શ્વાસ પણ એકદમ અધ્ધર થઈ ગયો. હોય તેટલી હિંમત એકઠી કરી પરસેવો લૂછતાં ધીમા સ્વરે પૂછ્યું, " ક...કો... કોણ છો? "
"આટલા સમયથી અહીંયા હોવા છતાં પણ મને ના ઓળખ્યો..." મંદ હાસ્ય સાથે સામેથી ઉતર મળ્યો .
હવે સમરના હ્નદયના ધબકારા એકદમથી વધી ગયા,છતાં જાણવાની જિજ્ઞાસાથી હિંમત કરતા પૂછ્યું , "ત...તારું... તારું નામ શું છે? તારું સરનામું... ? "


આ સવાલ સાંભળી તે ખડખડાટ હસ્યો , પણ સમરને આ હસવું ભયાનક હોય તેવું અહેસાસ કરાવી રહ્યું હતું.. હસતા -હસતા તેણે જવાબ આપ્યો, "મારું નામ કોરોના છે. " આ સાંભળતા જ સમર નીચે ફસડાઈ પડ્યો.


"કેમ શું થયું?" મંદ મંદ હસતાં આગળ પૂછ્યું , "આમ તો રોજ તમે લોકો આખોદિવસ મારાં નામનું રટણ કરો છો, ને હું જાતે તમારી સામે આવી નામ જણાવ્યું તો ડરી ગયો? " સમર એકદમ ડઘાઈ ગયો. શું કરવું ને શું ના કરવું તે વિચારવા લાગ્યો. ખૂબ વિચાર કરીને એક સવાલ પૂછ્યો " તું અહીંયા શા માટે આવ્યો છો? "



"તને બાય -બાય કહેવા. " હાથના ઈશારાથી બાય -બાય કરતા કહ્યું. "પણ મને જ શા માટે? બીજા કોઈને કેમ નહીં? " સમર ધીમે -ધીમે ઉભા થતા -થતા બોલ્યો.


"તને એટલા માટે કે રોજ તું મારાં વિશે જ બોલે છે. મારી તમામ માહિતી લોકો સુધી પહોંચાડે છે એટલે. " કહેતા હસવા લાગ્યો.


સમર થોડીવાર માટે તો વિચારવા માંડ્યો કે, 'ખરેખર આ શું થઈ રહ્યું છે? શું હશે આનું રહસ્ય? આખરે હકારમાં ડોક ધુણાવતા મનમાં જ વિચાર કર્યો કે, આ મનમાં સવાલો રાખવાથી કશું જ નહીં થાય. આને પૂછીશ તો જ જવાબ મળશે. '



"મને એક વાતનૉ જવાબ દે” કહેતા સમરે પૂછ્યું, " તું અહીંયા શા માટે આવ્યો છે? તને કોણે મોકલ્યો છે? અને આખા વિશ્વને હેરાન કરવાનો તને અધિકાર કોણે આપ્યો છે? "


આટલા એકીસાથે સવાલો સાંભળી હસતા -હસતા તે (કોરોના ) બોલ્યો, " વાહ ! આખરે તો તું માનવી જ ને!! મનમાં સળવળતા બધા જ સવાલો પૂછ્યા ખરા. તને તારા સવાલોના જવાબ જ જોઈએ છે ને? " સમર હકારમાં ડોક ધુણાવી.


તેને જવાબો આપવાની શરૂઆત કરતા કહ્યું, "તારે એ જ જાણવું છેને કે મને કોણે મોકલ્યો?”
“હ...હા ...”
હાથની આંગળી ઉપર તરફ કરતા બોલ્યો, “ મને ઈશ્વરે મોકલ્યો છે. આ બધુ જ ઈશ્વરનું નક્કી કરેલું આયોજન છે. હું તો ખાલી નિમિત્ત માત્ર છું. રહી વાત વિશ્વને હેરાન કરવાની તો તે તમારા જ કરેલા ખરાબ કર્મોનું ફળ છે. આ પ્રકૃતિ દેવીનૉ શ્રાપ લાગ્યો છે તમને લોકોને. "


સમરે એકદમ અચંબિત થઈને પૂછ્યું , "પ્રકૃતિ દેવીનૉ શ્રાપ? પણ કઈ રીતે? કાંઈ સમજાય તે રીતે બોલ. "


તે જવાબ આપતાં બોલ્યો , " સાંભળ. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. જેમાં મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, નદી -તળાવો, સમુદ્રો, વૃક્ષ -વેલીઓ, પહાડો, ખીણો વગેરે નું સર્જન કર્યું. સૂર્યના અતિશય તાપને સહન ના કરવો પડે એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઓઝોન નામનું એક સ્તર બનાવ્યું. વરસાદ રૂપી અમૃત વરસાવી આ ધરતીને લીલીછમ બનાવી. ઈશ્વરે તમામ જીવોને જીવવા માટે અગણિત વસ્તુઓનૉ ખજાનો આપ્યો, પણ મનુષ્ય સ્વાર્થી નીકળ્યો.! પોતાના નિજી જરૂરીયાતો માટે સ્વાર્થી બની ગયો.! પોતાના સ્વાર્થ માટે તે બીજાને નુકસાન પહોંચાડવાની હદ પણ વટાવા લાગ્યો.!”
“મનુષ્યે પહેલા તો વૃક્ષો કાપ્યા,જેના લીધે વૃક્ષ પર નિવાસ કરતા પશુ -પક્ષીઓ દુઃખી થયા. કચરાનું યોગ્ય નિરાકરણ કરવાને બદલે નદી -તળાવોમાં ઠાલવવા લાગ્યો. ગંદકીના કારણે નદી માતા દુઃખી થઈ. ટેક્નોલોજીનૉ વ્યાપ વધવા લાગ્યો. હવામાં ઝેરી ગેસ ભળવાથી ઓઝોનનું સ્તર ઘટવા લાગ્યું. આ બધાને દુઃખી જોઈ પ્રકૃતિ પીડાવા લાગી. આ રીતે પ્રકૃતિની પીડા જોઈને ભગવાન પણ ખુબ દુઃખી થયો ને વિચારવા લાગ્યો કે, 'મેં જે તમામ જીવોનાં સુખ માટે બનાવ્યું તેને મનુષ્ય પોતાના સ્વાર્થ માટે બીજા જીવોને દુઃખી કરી રહ્યો છે. '


આ પ્રકૃતિની પીડા ઈશ્વરના હ્નદય સુધી પહોંચીને તેને નિર્ણય કર્યો કે, ' હવે આ મનુષ્ય જાતિની શાન ઠેકાણે લાવવી જ પડશે. ભાન ભૂલી ભટકી ગયેલા મનુષ્યને પ્રકૃતિની કિંમત શું છે તેનો સાચો રાહ બતાવવો જ પડશે. ' ઈશ્વરે ખુબ દુઃખી થઈ મને અહીંયા મોકલ્યો. તમને ચેતવવા કે હજુ સમય છે, સમજી જાઓ. નહિતર આનાથી વધારે મહા ભયકંર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. હવે સમજાયું મેં આ બધુ શા માટે કર્યું."


આ બધું સાંભળી સમરની આંખોમાંથી અશ્રુઓ ટપકવા લાગ્યાં. એકદમ ગળગળા સ્વરે બોલ્યો, "તારી વાત એકદમ સાચી છે. આ અમારા જ કરેલ ખરાબ કર્મોનું ફળ છે. જે આજે અમે બધા જ ભોગવી રહ્યા છીએ. અમે જ વૃક્ષો કાપ્યા ને વરસાદ ઓછો પડવા લાગ્યો, નદી -તળાવમાં કચરો ઠાલવી પાણી પ્રદુષિત કર્યું ને રોગો થવા લાગ્યા, ટેક્નોલોજીનૉ વ્યાપ વધ્યો, હવા પ્રદુષિત પણ અમે જ કરી. જેના કારણે ઓક્સિજન ઓછો અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું.


હાથ ઉંચા કરી ઉપર તરફ જોઈને સમર બોલ્યો , “હે ઈશ્વર ! તારી રચેલી સૃષ્ટિને ખરાબ કરવાનું નીચ કાર્ય અમે જ કર્યું છે. તે આજે અમને પ્રકૃતિની કિંમત શું છે તે ખુબ જ સારી રીતે સમજાવી.” ઘુંટણભર નીચે બેસતા -બેસતા સમર રડવા લાગ્યો.


આખરે તે (કોરોના ) હસતા -હસતા બોલ્યો, "આજે તમે કરેલી ભૂલનો જે પસ્તાવો થયો તે જોઈ મને આનંદ થયો. હું જાઉં છું. મારું કાર્ય પૂરું થયું, પણ જતા -જતા સાવચેતીના પગલાં રૂપે એટલું જ કહીશ કે તમે પ્રકૃતિનું ધ્યાન રાખશો તો પ્રકૃતિ ક્યારેય તમને દુઃખી નહીં થવા દે. ભવિષ્યમાં આવનારી તમામ મુસીબતોથી તમને બચાવશે, બાકી મારાં કરતા વધુ ભયકંર મહામારી મોકલી ઈશ્વર તમારી શાન ઠેકાણે લાવી જ દેશે. " તે જતા જતા પાછુ વળી બોલ્યો, "અને હા જતા -જતા ફરી કહું છું “હજુ સમય છે, સુધરી જાઓ. તેમાં જ તમારી ભલાઈ છે. ' બાય.... " હાથ હલાવતાં અદ્રશ્ય થઈ ગયો.

*******
"બાય -બાય... " કહેતા સમર હાથ હલાવવા લાગ્યો. અચાનક જ તેની આંખ ઉઘડી ગઈ. પથારીમાંથી સફાળો બેઠો થયો. આંખો ચોળતા -ચોળતા વિચારવા લાગ્યો કે, ‘આ સ્વપ્ન હતું કે હકીકત? આખરે વિચારોની દુનિયામાંથી બહાર આવતા એક વિચાર કર્યો, ‘જે હોય તે, પણ તેણે સાચું જ કહ્યું, " હજુ સમય છે, સુધરી જાઓ.”

*સમાપ્ત *