રામાયણ આધારિત છે મર્યાદા પુરુષોત્તમ રામના વનવાસ પર, ભરત અને રામના મિલન પર, સીતાના હરણ પર, લક્ષ્મણના ભાતૃભાવ પર, કૈકયીના વરદાન પર, દશરથનો પુત્ર વિયોગ પર, મા કૌશલ્યાના ત્યાગ પર,હનુમાનના ભક્તિભાવ પર, રાવણના વધ પર.રામાયણમાં દરેક પાત્ર પોતાના સંસ્કાર, ગુણો અને બલિદાન માટે જાણીતા છે. એમાનું એક પાત્ર ઊર્મિલા.ઊર્મિલાએ જનકની પુત્રી ,લક્ષ્મણની પત્ની તરીકે આપને ઓળખીએ છીએ, પરંતુ એક ત્યાગ, બલિદાન અને વિરહ વેદનામાં ચૌદ વર્ષના વનવાસ માટે રામ, લક્ષ્મણ અને સીતા ગયા હતા પણ સાચી વેદના તો ઊર્મિલા, ભરત અને દશરથ એ ભોગવી હતી.દશરથ અને ભરતના ત્યાગ માટે રામચરિતમાનસ માં અશ્રુભીની આંખો થઈ જાય એમ વર્ણન કરવામાં આવ્યુ છે.પરંતુ ક્યાંકને ક્યાંક ઊર્મિલાનો વિરહ લુપ્ત અવસ્થામાં જ રહ્યો હતો.
********
મંથરાની કુટનીતિથી મા કૈકેયીએ દશરથ પાસે ચૌદવર્ષ રામ વનવાસ જાય અને ભરતને ગાદી સોપવી એવા વરદાન માગ્યા અને રામાયણનું સર્જન થયું.પિતાનું વચનપાલન કરવું એ પુત્રની ફરજ છે તેથી જ રામ સાથે સીતા અને લક્ષ્મણ પણ વનવાસ જવા માટે તૈયાર થઈ જાય છે.પોતાના પતિની વનવાસ જવાની ખબર સાંભળતા જ ઊર્મિલા પણ સાથે જવા માટે મન કરીલે છે.
" સ્વામી, હું પણ તમારી સાથે તમારી છાયા થઈને વનમાં આવીશ." વિનમ્ર ભાવે ઊર્મિલા બોલી.
" ના, ઊર્મિલા. હું વનવાસ ભાઈ રામની સેવા કરવા માટે જાઉં છું. જો તું મારા જોડે હોઈશ તો મારું ધ્યાન ભાઈની સેવાથી ભટકી જશે અને હું ભાઈનો દોષી થઇશ."લક્ષ્મણે મક્કમતાપૂર્વક ના પાડી.
ઊર્મિલા એક પણ શબ્દ બોલ્યા વીના પતિની આજ્ઞાને શિરોધાર્ય કરી દીધી.પરંતુ પતિના વનવાસ પછી ઊર્મિલાની દશા કેવી થશે તેનો વિચાર માત્ર લક્ષ્મણના મસ્તિષ્કમાં ન આવ્યો. ભાતૃભાવ ને પ્રાધાન્ય આપીને વનવાસ જવા માટે લક્ષ્મણ નીકળ્યો.એક તરફ પિતાની આજ્ઞા માટે રામ વનવાસ જઈ રહ્યા હતા તો બીજી તરફ પતિની ફરજ પાલનમાં ચૂક ન રહે તે અર્થે ઊર્મિલાનો ત્યાગ હતો. પરંતુ રાજા દશરથ અને ઉર્મિલાના દુઃખ સરખા જ હતા. દશરથનો પુત્ર વિયોગમાં દેહ ત્યાગ થયો અને ઊર્મિલા પતિ વિયોગમાં નિષ્ક્રિય દેહ થઈ ગયો. દેવતાઓને પણ ઈર્ષ્યા થતી એવી અયોધ્યાનગરી જાહોજહાલીથી દેદીપ્યમાન હતી પણ મહેલના ખૂણેખૂણામાં અંધકાર છવાયેલું હતું. મા પુત્ર વિયોગમાં, ભરત ભાઈ વિયોગમાં, કૈકેયી પશ્યાતાપમાં અને ઊર્મિલા પતિ વિયોગમાં આંસુ સારી રહ્યા હતા.
ભરત ભાઈ રામને વનમાંથી પાછા લાવવા માટે માતાઓ અને ગુરૂજી સાથે વનમાં જવા માટેની તૈયારી કરતા હોઈ છે ત્યારે ઊર્મિલા પાસે જાય છે. ઉર્મિલાને આશ્વાસન આપે છે કે તે જરૂરથી રામ, સીતા અને લક્ષ્મણને પરત લાવશે,પરંતુ સાથે લઈ જવા માટે ન કહ્યું. ઊર્મિલા એ પણ જીદ ન કરી.મનમાંને મનમાં આંસુઓને પી ગઈ.તે જાણતી હતી કે કદાચ જો સાથે જઈશ તો પતિ લક્ષ્મણનું મન વિચલિત થઈ જશે.પોતાના પતિથી દૂર રહેવાની વેદના તો છે પણ પતિની ભાતૃભાવ પ્રત્યે સંવેદના છે.મહેલના ઝરુખામાથી માર્ગ પર નજર નાખીને બેસી છે કે ક્યારે ભરત સંગે લક્ષ્મણ ઘરે આવે પણ નિરાશા જ હાથ લાગે છે. ફરી ઊર્મિલા દીવાના પ્રકાશમાં પણ ખુદને અંધકાર કરી બેસે છે.તે પોતાની જાતને અર્ધનિંદ્રામાં લઈ જાય છે, જીવતી લાશ થઈને પથારી વશ થઈ પડે છે.કેવી વ્યથા અને લાચારી ઉર્મિલાની? જે શબ્દોથી ક્યારે પણ વર્ણવી શકાય તેમ નથી.
******
પ્રભાત કાળે સીતા સ્નાન કરવા માટે ગઈ હોઈ છે.રામ ધ્યાન અવસ્થામાં બેઠેલા હોઈ છે અને લક્ષ્મણ કામ કરી રહ્યો હોઈ છે.ત્યારે ગગન વાટેથી રાવણની બહેન શુરપંખા પસાર થઈ રહી હતી. તે તેજસ્વી પુરુષોને જોઈને અંજાય જાય છે અને કામેરછા જાગે છે.એક સુંદર સ્ત્રીનું રૂપ લઈને રામ સમક્ષ પ્રગટ થાય છે.રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા અને સંસારની મોહમાયાથી પરે હતા.એટલે રામ લક્ષ્મણ તરફ ઈશારો કરે છે.લક્ષ્મણ શુરપંખા પર ક્રોધની અગ્નિ વરસાવે છે અને તેનું નાક કાપી નાખે છે.
આ ઘટનાથી ઉર્મિલાને રામ પ્રત્યે ફરિયાદ જાગે છે કેમ કે લક્ષ્મણના લગ્ન ઉર્મિલા સાથે થયા હોવા છતાં કેમ ભાઈ રામે શુરપંખાને લક્ષ્મણ પાસે મોકલી? લક્ષ્મણ પણ વનમાં જઈને હિંસક પ્રાણીઓ સાથે રહીને એક સ્ત્રી સાથે પ્રાણી જેવું વર્તન કર્યું.આ કેવી દુર્બળતા લક્ષ્મણમાં આવી ગઈ છે? ઉર્મિલા જ્યેષ્ઠ ભ્રાતા રામ અને લક્ષ્મણના આવા વલણ પાછળ ખેદ વ્યક્ત કરે છે. ઉર્મિલાની લાગણી દુભાય છે. પણ એ લાગણી કોની સમક્ષ પ્રગટ કરી શકે? માતા કૌશલ્યા ક્યારેક ક્યારેક ઉર્મિલાના કક્ષમાં આવતા.નિશબ્દ થઈને અશ્રુ સારીને જતાં રહેતા હતા. ઉર્મિલાની લાગણી અને વ્યથાને વાચા આપવા વાળું મહેલમાં કોઈ ન્હોતું.
ઉર્મિલા પિતા જનકના ઘરે પણ જઈ ન્હોતી શકતી.પિતાની આજ્ઞા હતી કે જ્યાં સુધી લક્ષ્મણ વનવાસથી પરત ન આવે ત્યાં સુધી અયોધ્યામાં જ રહેવું. ઉર્મિલા અયોધ્યામાં જ રહી પણ પિતાએ હમેશા સીતાને જ પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું.સીતાના ત્યાગ અને બલિદાન માટે ગર્વ કરતા હતા.પરંતુ ક્યારેય ઉર્મિલાની વ્યથાને સમજી શક્યા નહિ. પતિ વિયોગમાં ઉર્મિલાનો ત્યાગ,વિરહ અને યાતના નર્કથી ઓછી ન્હોતી. ઉર્મિલાને સર્વ તરફથી નિષ્ફળતા જ મળી.
*****
રાવણના વધ અને ચૌદ વર્ષના વનવાસ પછી રામ, લક્ષ્મણ અને સીતાનું અયોધ્યામાં આગમન થવાનું હતું.અયોધ્યાનગરી દીવડાથી જગમગતી હતી, ચારેબાજુ ખુશી અને ઉત્સાહથી દિવાળીની ઉજવણી થઈ રહી હતી. મહેલ દીવડાની રોશનીમાં સોનાની લંકાને પણ ઝાંખો પાડી રહ્યો હતો, પરંતુ મહેલના એક ખૂણામાં હજુ પણ અંધકાર હતો. એ અંધકાર ઉર્મિલાના કક્ષનો હતો, ઉર્મિલાના જીવનનો હતો. લક્ષ્મણ ઘરે આવ્યા તો હતા પણ તેમણે ભ્રાતા રામ પ્રત્યે જ પરમ સ્નેહ અને પ્રેમ હતો. ઉર્મિલા પ્રત્યેની લાગણી હૈયાના કોઈ ખૂણામાં દબાવી દીધી હતી. ઉર્મિલાને લક્ષ્મણના સ્વામી ભાવ માટે માન તો હતું જ પણ પત્નિ પ્રત્યેના સ્નેહની ઉણપનું દુઃખ હતું.
રામાયણનું એક એવું પાત્ર ઉર્મિલા જે લાગણી,વ્યથા,દર્દ,પીડા કે વિરહને પ્રગટ કરવાનો અવસર જ ન મળ્યો. ઉર્મિલા એ સહનશક્તિ, સંસ્કાર અને મર્યાદામાં રહીને જીવન પસાર કરતી સન્નનારીનું પ્રતીક છે.જે સંઘર્ષોથી લડીને તેની સુંગધ ચારે બાજુ પ્રસરાવી છે.