સોળે શણગાર સજેલી નવોઢાના રૂપેરી ભાલ પર સુહાગનનો લાલ ચાંદલાની ભાતી ક્ષિતિજના આળાથી સૂર્ય પોતાનું કોમળ તેજ ધરતી પર છાંટી રહ્યો હતો. પરોઢિયાના ઝાકળથી બાગના મનોહર ફૂલની સુસ્તિમાં સ્ફૂર્તિ ખીલવી રહ્યો હતો. સવારમાં ભીડભાડથી ખચોખચ શહેરમાં એ બાગના વાતાવરણનું દૃશ્ય દિવસના કોલાહલ અને ઘોંઘાટથી ગજાવતા શહેરમાં તાજગી અને ઉત્સાહનો અનુભવ કરાવતુ હતુ.જોત જોતામાં નાના નાના ભૂલકાઓના પગરવથી એ ઉપવન મેહકવા લાગ્યુ.
આ બાગ શહેરના મધ્યમાં રામાનંદ સોસાયટીની સામે આવેલુ હતુ.આજુબાજુ ના બાળકો સવાર અને સાંજ ત્યાં જ પોતાનો મુકામ બનાવેલો હોઈ. એ બાગ પણ બાળકોના રમવા,કૂદવા કે દોડવાથી પ્રફુલ્લિત થતો હોઈ એમ ખીલી ઉઠતો.બાગની સામે જ સ્નેહાનું ઘર આવેલું હતુ. તે સ્નેહા સવાર અને સાંજ મન મૂકીને બાગમાં પતંગિયાની માફક રમતી હોઈ , દોડ લગાવતી હોઈ અને ફૂલછોડ સાથે વાતો પણ કરતી હોઈ.બાગમાં આવ્યા પછી જ તે જીવંત રહેતી હતી.
સ્નેહા એ એક કોમળ હાસ્યથી ઘરને મહેકાવતી છોકરી હતી. તે દાદાદાદીની છત્ર છાયામાં ખીલી રહી હતી.તેના માતાપિતા અલગ અલગ શહેરમાં નોકરી કરતા હોવાના કારણે તે દાદાદાદી પાસે રાખવાના સંજોગો થયા.દાદાદાદી પણ સ્નેહા સાથે પોતાની અંતિમ દિવસો ખુશીથી વીતાવી રહ્યા હતા. સવારે સ્નેહાને શાળા માટે તૈયાર કરવી, બાગમાં લઈ જવી એમ આખું વાતાવરણ જીવંત બની રેહતુ.
એક દિવસ સવારે સ્નેહા તેના દાદા જોડે બાગમાં આવે છે અને એક ગુલાબનો છોડ લગાવે છે. તે માત્ર છોડ નહિ પણ જિંદગી લગાવે છે.એ ગુલાબના છોડને પ્રેમથી માવજતમાં લાગી જાય છે. સવારે વહેલા ઊઠી ને પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને ગુલાબના છોડને સિંચવુ, છોડની આજુબાજુ ક્યારો કરવો અને ખાતર આપવું.આટલું જ નહિ, સ્નેહા તે છોડ સાથે પોતાના ઘરમાં કે શાળામાં બનતી સુખદુઃખ ની તમામ વાતો કહી દેતી. જાણે તે માત્ર છોડ નહિ પણ એક સારો સાથી હોઈ એમ અને તે છોડ પણ સ્નેહા આવે તો જાણે એની સંવેદનાથી પ્રજવલિત થઈ જતો.આમ, બંનને એકબીજા સાથે લગાવ થઈ ગયો હતો.સ્નેહાના મુખ પર જેમ સ્મિત રેલાઈ એમ તે છોડ પર પણ સ્મિત રેલાવા લાગી જતું.સ્નેહાને ખાસ કોઈ દોસ્ત ન્હોતું, તે ફૂલછોડ સિવાય.
સ્નેહા શાળામાં જઈને ઘરે આવે તે પેહલા જ તે છોડની મુલાકાત લેવા જતી.છોડ સાથે વ્હાલભરી વાત કરતી, ફૂલને ચુમતી અને પછી ઘરે આવતી. ઘરે આવ્યા પછી પણ બારીમાંથી તે છોડને જોયા કરતી અને તે છોડ જાણે તેને જ નીરખીને ઉભો રહ્યો હોઈ એમ જ પ્રતીત થયા કરતુ.સ્નેહા તે છોડને જોયા કે મળ્યા વીના એકપણ દિવસ રહી જ શકતી ન્હોતી.આમ બંને વચ્ચે અતૂટ લગાવ થઈ ગયો હતો.આ લગાવ અને સંવેદના થકી સ્નેહાના ચેહરા પર ખુશી જોવાય રહી હતી, કેમ કે સ્નેહા તેના માતાપિતાથી દૂર હોવાના કારણે તે મુર્જાયેલા ફૂલની માફક ફિકી પડી ગઈ હતી.માબાપથી સંતાનને દૂર રહેવાની પીડા શું હોઈ તે ફૂલ જેવી માસૂમ બાળકી બરાબર સમજતી હતી.
એકદિવસ બન્યું એવુ કે તે બાગના સ્થાને સરકારી કચેરી બનવા જઇ રહી હતી, પરંતુ પર્યાવરણ રક્ષણ સમિતિ તેનો વિરોધ કરી રહી હતી.આ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો. જ્યાં સુધી તેનો ચુકાદો ન આવે ત્યાં સુધી તે બાગમાં કોઈ આવ કે જાવ ન કરી શકે તેવી કોર્ટની નોટિસ દીવાલે ચિપકાવી દેવામાં આવી હતી. તેથી બાળકોના કદમ બાગમાં પડવાના બંધ થઈ ગયા, બાગ નિર્જન બની પડ્યો.
આ વાતની સૌથી મોટી અસર સ્નેહા પર પડી.જાણે કોઈએ એનું જીવન જ ઉજાડી લીધું હોઈ એમ.બારીમાં બેઠી બેઠી નિસાસા નાખતી નાખતી તે ગુલાબના છોડને નિહાળી રહી હતી અને ગુલાબનો છોડ પણ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સ્નેહા તેની પાસે આવે અને પ્રેમભરી વાતો કરે.જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ ત્યાં સ્નેહા અને અહીંયા ગુલાબનો છોડ બંને કરમાવા લાગ્યા હતા. એવું ન્હોતું કે પાણી ન મળવાના કારણે છોડ સુકાઈ રહ્યો હોઈ પરંતુ ચોમાસાની ઋતુ હતી, વરસાદ સપ્રમાણમાં થઇ રહ્યો હતો. પણ તે છોડ સ્નેહાના પ્રેમનો તરસ્યો હતો. સ્નેહાનુ કરમાતું મુખ જોઈને એક એક પર્ણ દિવસે ને દિવસે ખરી રહ્યું હતું અને સુકાય રહ્યું હતુ.આ કેવી લાગણી , સંવેદના કે પછી સ્નેહ હતો જે એકના કરમાવાના લીધે બીજું કરમાઈ જાય.
સ્નેહા દિવસ રાત બસ તે ગુલાબના છોડ પાસે જવાની કામના કરતી હતી. એ કામના પૂર્ણ ન થવાના લીધે દુઃખમાં સપડાઈ રહી હતી.તે દુઃખની અસર ગુલાબના છોડને પણ વર્તાઈ રહી હતી.બપોરના સમયે સ્નેહા બારીની પાસે બેસી રહી હતી.અચાનક ઉભી થઈને બાગ તરફ પોતાના પગ આગળ વધારે છે. ગેટની પાસે કોઈ ન્હોતું એટલે સીધી બાગમાં જતી રહે છે અને ગુલાબના છોડ પાસે જાય છે.ઘણા દિવસથી સંઘરેલી વાતો કરવા લાગી જાય છે, કેટલીક શિકાયત હોઈ છે તો કેટલીક પ્રેમભરી વાતો.તે એની સાથે રમવા લાગી, પતંગિયાના જેમ દોડવા લાગી.તે રોજ બપોરે બાગમાં જવા લાગી.છોડની સાથે પ્રેમભરી વાતો કરવા લાગી અને એની સાથે રમવા લાગી.આમ ફરી એના મુખ પર સ્મિત પાછું આવે છે અને તે સ્મિત જોઈને ગુલાબના છોડને સંવેદના જાગે છે અને કરમાયેલા છોડમાં પણ જાન આવે છે, સજીવન થવા લાગે છે.
આજે પણ રોજના જેમ જ બપોરે બાગમાં ગુલાબના છોડ પાસે રમતી હોઈ છે તો પાછળથી અવાજ આવે છે, " બેટા કઈક ખાય લે.ભૂખી થઈ હોઈશ." એટલામાં એનું સ્વપ્ન તૂટે છે અને તે ગુલાબના છોડ સાથે રમવાનું, પ્રેમભરી વાતો કરવાનું ભ્રમ પણ તૂટે છે. તે સ્વપ્ન જ જોઈ રહી હતી અને સ્વપ્નમાં ગુલાબના છોડને મળી રહી હતી. જેનાથી તેને ખુશી મળી રહી હતી અને એ જ ખુશી અને એના મુખ પરના સ્મિતને જોઈને તે છોડ લાગણી અને સંવેદના થકી સજીવન થઈ રહ્યો હતો.આમ, જ રોજ સ્નેહાની સંવેદના થકી જ છોડ પણ ખુશીથી મહેકવા લાગ્યો.