ગઈકાલે અનુપમભાઈ ની તરવા ન મળ્યાના અફસોસની as usual ખૂબ રસપ્રદ ફેસબુક પોસ્ટ વાંચી. હમણાં જ આડા તરવા ને ઊંડા તરવાની પોસ્ટ વાંચી. મેં પાંચ વર્ષ અગાઉ learning to swim નામે લેખ મૂકેલો, કોણ જાણે કેમ, અમુક લાંબો સમય ન ખોલેલ લેખ કે વાર્તાઓ સાથે એ ગૂગલ ડોકમાંથી ડિલીટ થઈ ગયો છે. ફેસબુક પર જ હતો. ખેર, અત્યારે ફરીથી લખું છું, મિત્રોની માહિતી માટે.
હું ઓચિંતો, બાય ચાન્સ 1994 માં સ્ટેડિયમ સ્નાનાગારમાં લર્નર ફોર્મ ભરી જોઈન થયો ત્યારે 37 વર્ષનો હતો.
શરૂમાં શિખાઉ બેચના વીસ પચીસ દરેક ઉંમરના લોકોને પાળી પકડી ઊભા રાખે અને પાણી પર આડા થઈ કીક મારવાનું કહે. વેગથી. પહેલાં તો કોઈ શરીર પાણીને સમાંતર કરી શકે નહીં. આપણે ઊભવા ટેવાયેલા હોઈએ, અહીં તો પાણી પર આડા રહેવાનું. એક વાર ફોર્સથી કીક મારતાં ફાવી જાય એટલે પાણી જ તમને એની બાંહો એટલે મોજાં પર ઝીલી લે.
ત્રણેક દિવસ પછી બે જણ સામસામા ઉભે. એક આડો થઈ પોતાને હાથ સાથી પાસે પકડાવીને કીકો મારી આડો રહેવા પ્રયત્ન કરે. મીનીમમ 50 કિક. પછી એનો સાથી આડો પડી કીકો મારે અને એ ઉભે. પેલો કીકો મારે એટલે એનો ફોર્સ તમને પાડી દેવા પ્રયત્ન કરે પણ તમારે ઉભવાનું જ. એટલે પાણીમાં બેલેન્સ જાળવતાં શીખો.
પછી તમને સાવ ચાર ફૂટ ઊંડા પાણીમાં બ્રેથ મારવા કહે જે માંડ પચીસ ત્રીસ ફૂટ હોય પણ કોઈ બે ચાર દિવસ કરી શકે નહીં કેમ કે એ લોકો હાથનું ભયંકર જોર આપતા હોય છે, ડૂબતો માણસ કરે એમ. જોર પગનું વધુ આપવાનું હોય. એમાં પણ પ્રેક્ટિસ પડે જોર કરતાં મૂવમેન્ટ અગત્યની બને. જ્યાં સુધી એક હાથ ને બીજી બાજુનો પગ એમ વારાફરતી ધબ ધબ કર્યા કરે ત્યાં સુધી તમે વર્ટિકલ થવા લાગશો પણ ઊભા નહીં રહી જાઓ. ઊભા રહ્યા કે ગયા.
થોડા જ વખતમાં તમે ધબ ધબ કરતા આડા તરવા લાગશો પણ જોર ખૂબ કરતા હશો. એ unconsciously ન ડૂબવા ધમપછાડા છે. ઊર્ધ્વ દાબ ના નિયમ મુજબ તમને પાણી નીચેથી સપોર્ટ કરે ત્યાં સુધી તમે તર્યા કરશો.
હવે બ્રેથ આખી મારતા થાઓ, ભલે જેમતેમ એટલે લેંગ્થ મારવાનું આવે જે સ્ટેડિયમ જેવા ઓલિમ્પિકસ ના પુલ માં 75 મીટર જેવી હોય છે. 50 મીટર તો સારા પુલ માં હોય જ. લેંગ્થ મારતાં શરૂમાં કાં તો ઊંડે થી શેલો તરફ પણ પાળી નજીક રહીને કરવાનું અથવા શેલો થી અર્ધો પુલ પસાર કરો એટલે આપોઆપ ખ્યાલ આવે કે પેલું પાણી ચાર ફૂટ હતું, આ આઠ ફૂટ થી વધારે છે. જેમ ઊંડું પાણી એમ લેંગ્થ સરળ બને.
તો પાણીના બે ભાગ કેમ?
આ ઊંડા ભાગમાં જ તમને શ્વાસ રોકી માથું નીચે કરી બે હાથ બહુ જોર ન કરી અથવા હાથ જોડી ઊંડે ડૂબકી મારવાનું કહે છે. જો કોઈ જોરમાં જાય અને ચાર ફૂટ પાણી હોય તો? હાથ બાથ છોલાઇજાય ને કદાચ માથું નજીક પાળી સાથે ભટકાય. હા,તળિયે એમ ન ભટકાય, પેલો ઊર્ધ્વ દાબ. પાણી તમને ડૂબાડવા નહીં, ઉપર ફેંકવા જ કોશિશ કરે.
પણ જો તમે એડવાન્સ ટ્રેનિંગ લીધી હોય ને ઉપર ડાઈવિંગ બોર્ડ પરથી ગૂંચળું વળી કે ખૂબ ઊંચેથી જંપ મારો તો જેટલા ફોર્સથી નીચે પડો એટલો જ ફોર્સ ઉપર ધકેલે. પડતી વખતે તમારું શરીર બંદૂકની ગોળીની જેમ પાણી કાપતું હોય. એમાં ઓછું ઊંડું હોય તો તાત્કાલિક રામ રમી જાય.
એટલે શ્વાસ રોકવાની કેપેસિટી મુજબ તમે હવે ડૂબકી લગાવી પાણીમાં, આવવા પુલમાં સામાન્ય તરવૈયો માંડ એક દોઢ ફૂટ ઊંડે જાય. નીચે ભૂરું પાણી અને સફેદ ટાઇલ્સ દેખાય.
પછી અઘરું પડે એ પહેલાં એક મીટર ઉંચે થી (પાણી પાળી એક મીટર) એટલો જંપ મારવાનો. 1, 2, 3.. સીટી વાગે એટલે બે હાથ જોડી મુંડી નીચી કરી કૂદવાનું. હાથ બાજુમાં પણ રાખી શકો. પડતાં જે ફોર્સ લાગે, પાણી રીતસર તમને મારે. ચારે બાજુથી.
એમ પડીને, પહેલાં તો પાણી નીચે જાઓ જ જાઓ, ધબ ધબ હવાતિયાં મારી ઉપર આવો અને લેંગ્થ પૂરી કરો..હવે ત્રણ મીટર ઊંચેથી જંપ. ભલભલા ખૂબ નીચે પાણી જોઈ ગભરાય. આ સ્ટેજે હું પણ. ઇન્સ્ટ્રક્ટરે સૂચવ્યું કે 3 મીટર બોર્ડ પર ઊભી સામે છેડે ઘડિયાળ સામે જુઓ. બે હાથ પહોળા કરો, પહેલો પગ આગળ, જોઈએ તો આંખ બંધ કરી બીજો પગ આગળ. અને.. ગુરુત્વાકર્ષણ તમને ખેંચે. બગલમાં, છાતી પર, તળિયે જે માર વાગે! ઉપરથી પડો એટલે ઊભા ને ઊભા જ ખૂબ ઊંડા જાઓ. તરત પાણી તમને ઉપર ફેંકે. હવે એ હાથ પગ પછાડી થોડી જ સેકન્ડમાં ઉપર આવવાનું.
હવે તમારી લર્નર થી જાણકાર સ્ટેજની પરીક્ષા.
એ જ રીતે તમને સીટી વાગતાં પાળી પરથી ડાઇવ મારવાની, લેંગ્થ મારવાની, બને એટલી ઝડપથી. ઇન્સટ્રક્ટર તમારી પીઠ પર બેસી જાય, પાછળથી તમારા પગ પણ ખેંચે. તમે છોડાવી કે એના વજનથી ગભરાઈ નથી જતાં ને? ડુબો તો નહીં જ. એ પીઠ પર બેસે એટલે થોડા અંદર ડૂબો પણ પેલો ઊર્ધ્વ દાબ.
આ બધા સાથે કદાચ ત્રણ, કદાચ પાંચ લેંગ્થ મારો એટલે ટેસ્ટ પાસ સર્ટિફિકેટ માં સહી કરે ને જાણકારમાં એડમીશન લઇ શકો.
પછી તો ચત્તા સૂઈ આકાશ સામે જોતાં તરવાનું, હાથ એન્જિન ના પિસ્ટનની જેમ to fro ને બદલે ગોળ પૈડાંની જેમ રાઉન્ડ ફેરવવાના, પગ બહુ ફોર્સ ઉપર નીચે કરવાને બદલે આગળ તરફ કરે એ ફ્રી સ્ટાઈલ શીખો. તમે શીખ્યા એ duck સ્ટાઈલ હતી. સ્પીડ માટે ફ્રી સ્ટાઇલ જરૂરી.
આ બધા છતાં મેં અમુક શીખવા એ સર ને પૂછ્યું , એ કહે કેમ? મેં કહ્યું ક્યારેક કોઈ ડૂબતા ને બચાવવા. એ હસ્યા. કહે આ શીખેલું તમને ડૂબવા નહીં દે, બીજાને બચાવવા ઘણી અલગ પ્રેક્ટિસ જોઈએ..
આ છતાં આ તો સ્વિમિંગ પુલ ની કસરત. નદી નાળાંમાં કામ ન પણ આવે.
વર્ષો પહેલાં નાગરમંડળની પિકનિક ચાણોદ ગયેલી. ત્યાં નર્મદાના કાંઠે હું પગથિયે કપડાં મૂકી પૂરા આત્મવિશ્વાસથી પડ્યો, સાવ એ ઘાટ મૂકી બીજે ઘાટ જવા, વીસેક ફૂટ. પાણીના પ્રવાહે જ મને પગથિયાંથી ઘણે દુર ખેંચી લીધો. એટલું જોયું કે સ્વિમિંગ પુલ માં એક પેર કિક થી જો બે ફૂટ તરાય તો અહી પાણી ના પ્રવાહ સાથે વીસેક ફૂટ. સામે તો વાત ન પૂછો. મારે નદી તરફ ઘૂસી ગયા પાછી ફરી ઘાટ તરફ,આડું તરવાનું હતું, પ્રવાહ સીધો જતો હતો. મુશ્કેલી તો પડી પણ બીજા ઘાટ ઇ દોરડી હાથમાં આવી ગઈ તે બહાર નીકળ્યો. હાર્ટ જે ધક ધક થાય!
અલાહાબાદ ત્રિવેણી સંગમ પર તો ગોરે જ કહી દીધું કે અહીં પાંચ ફૂટ દેખાય છે તે ગંગા બે ફૂટ જ દૂર એંસી ફૂટ ઊંડી હોઈ શકે. અહીં દોરડું પકડ્યા વગર તરવાની કોશિશ ન જ કરવી.
તો પણ પેલા ડૂબકીખોર છોકરા હતા જ જે પાણીમાં જઈ કશું લઈ આવતાં.
કોઈ અચ્છા સ્વિમર આ લેખ પર પ્રતિભાવ આપી શકે.
હજી ગયા વર્ષે બેંગલોરમાં લગભગ ઓલિમ્પિક લેવલના સ્વિમિંગ પુલમાં, પ્રેસ્ટીજ લેક હેબીટાટ વસાહતમાં પુત્રને ઘેર દર ત્રણ દિવસે એક વાર તરવા જતો, પાંચ લેંગ્થ લગાવતો. સ્પીડ હવે ઘટી ગઈ છે.