એક હતી કાનન... - 14 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક હતી કાનન... - 14

એક હતી કાનન... (રાહુલ વોરા)
(પ્રકરણ – 14)
પરિવર્તન ભલે દૂર હતું પણ શરૂઆત તો થઇ ચૂકી હતી.
મનને જોયું તો કાનન આરામથી તેના ખભે માથું ઢાળી સૂતી હતી.પાંચ વર્ષથી પણ અધિક સમયની મિત્રતા આખરે લગ્નમાં પરિણમી હતી.મિત્રતા એકદમ ગાઢ પણ ક્યાંય મર્યાદાભંગ નહીં.એકદમ પરિપકવ વર્તન.અને એટલે જ ઊંડે ઊંડે એવી આશા હતી કે પોતાના સસરા પીગળશે અને એમના તરફથી મંજૂરી મળી જશે.મનન ને ફરીફરીને એ જ પ્રશ્ન સતાવતો હતો કે એક પિતા પોતાની પુત્રી સાથે આવું વર્તન કરી શકે?આવું કહી શકે?અને તે પણ એક ભણેલ ગણેલ બેંક ઓફિસર જેવો પિતા.
આજે કાનન પોતાની જીવનસાથી બનીને આવી રહી હતી.કાનન સાથેની મિત્રતા એ મનન ના જીવનમાં પણ જોમ ભર્યું હતું.તેની કાયાપલટ પણ કાનન ને આભારી હતી.
પાછલી રાતે કાનન જાગી.હવે એ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગઈ હતી.એણે જોયું કે મનન એને જ તાકી રહ્યો હતો.બન્ને ના ચહેરા પર નવી જિંદગી શરૂ કરવાનો આનંદ હતો.હવે કાનન વધુ ને વધુ સંકોચાઈ રહી હતી.
"મનન,યાદ છે તને એક વાર મમ્મી - પપ્પા બન્ને એક દિવસ માટે ભુજ ગયાં હતાં ત્યારે આપણે આખો દિવસ બીચ પર રઝળપાટ કરી હતી.એ દિવસે આપણે ભૂતકાળમાં થી શું શીખ્યાં અને ભાવિ સપનાઓની થોડી રૂપરેખાઓ દોરી હતી." કાનને કહ્યું.
"હા પણ એનું અત્યારે શું છે?" મનને કહ્યું.
કાનન હજુ પણ પોતાની મસ્તીમાં બોલ્યે જાતી હતી.
“હું દુનિયાની એક માત્ર અભાગી સ્ત્રી છું કે જેની લગ્ન પછીની પ્રથમ રાત્રિ એસ.ટી.બસમાં અને તે પણ એકલે અને બીજી રાત્રિ પતિ સાથે પણ એસ.ટી.બસમાં વીતી રહી છે.”
“અને દરિયા દેવની સાક્ષીએ થોડા શપથ પણ લીધા હતા.”મનને યાદ કરાવ્યું
"જેમ કે હું દાદાજી જેવો નહીં બનું અને ધૈર્યકાન્ત જેવો તો હરગીજ નહીં.”
“હું દાદીજી જેવી બનીશ અને મમ્મી જેવી ડગલે ને પગલે સમાધાન કરનારી તો બિલકુલ નહીં.”
“આપણે સંતાનો પર નજર રાખવા સીસીટીવી કેમેરાનો રોલ નિભાવશું પણ વર્તશું મિત્રો તરીકે,માર્ગદર્શક મિત્રો તરીકે.”
“હું દીકરાને લાડ ભરપૂર કરીશ પણ એની ભૂલોને છાવરીશ બિલકુલ નહીં.”
“હું પણ દીકરીને હથેળીમાં રાખીશ પણ માં તરીકેના તારા ઘડતરમાં આડો નહીં આવું”
અને છેલ્લે એક વાતમાં તો સંપૂર્ણ સહમત હતાં કે
“કાયમી અલગ રહેવાની ટેવ પડી જાય એ જોખમ સમજીને પણ દીકરાને પરણાવીને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અલગ રહેવા ની તક પૂરી પાડશું જેનાથી એને સ્વતંત્રતા મળે,સ્પેસ મળે,ઘર ચલાવવાની ટ્રેનીંગ મળે અને જવાબદારી નું ભાન પણ થાય.“કાનને પૂર્ણાહુતી કરી.
લગ્ન બાદ નવવધૂ તરીકે કાનન પહેલીવાર સાસરે પગ મૂકી રહી હતી.મનન તેનો આ ફેરફાર માણી પણ રહ્યો હતો.
આગલે દિવસે કાનન ના મામા માંડવીમાં જે બન્યું તેની આછી પાતળી રૂપરેખા આપી ગયા હતા અને કાનન આવે તો તાત્કાલિક જાણ કરવા માટે પણ કહી ગયા હતા.
મનન ના પિતાએ પણ ઘરના લોકોને એ સમજાવી દીધું હતું કે કાનન માત્ર પોતાના જ નહીં આપણા મનન ના સ્વમાન માટે પોતાના પિતા સાથે ઝગડીને આવી રહી છે એટલે એને કોઈ પણ બાબતે ઓછું ન આવે તે જોવાની જવાબદારી પણ આપણી રહેશે.
ગોંડલ આવ્યું.કાનન હવે છેલ્લા બે દિવસના બનાવોનો માનસિક થાક અનુભવી રહી હતી.પોતે પિયરના છત્ર વિનાની છે એવું પણ તેને લાગી રહ્યું હતું. પરાણે ધારણ કરેલી સ્વસ્થતા હવે પીગળી રહી હતી.
રીક્ષા કરી બન્ને ઘરે આવ્યાં.ઘરમાં પ્રવેશી.સોફા પર બેઠેલાં પોતાનાં સાસુ-સસરા ના પગ પાસે બેસી જ પડી.આખરે કાનન ભાંગી પડી.
“હવે તો તમે જ મારાં માતા-પિતાને સ્થાને છો.મારું સર્વસ્વ મૂકીને આવી છું.મને સ્વીકારજો.મને સાચવજો.ભૂલ થાય તો કાન પકડજો પણ તરછોડશો નહીં.હવે મારી સહનશક્તિની પણ હદ આવી ગઈ છે.ઉદાર ભાવે તમારા હૃદયમાં અને કુટુંબમાં સમાવી લેજો.કાનન થી હાથ જોડાઈ ગયા”
કાનન માંડ માંડ આટલું બોલી શકી.તેનાં રૂદન નાં બધાં જ બંધનો તૂટી ગયાં.કાનન એટલું બધું રડી કે હાજર બધાંની આંખો છલકાઈ ગઈ.કાનન ને આટલી બધી તૂટેલી મનન પણ પહેલીવાર જોઈ રહ્યો હતો તેને લાગ્યું કે હવે પોતે આ બધું નહીં જ જોઈ શકે ત્યારે તે બાજુના રૂમમાં ચાલી ગયો,પોતાનું રૂદન છુપાવવા.
હવે મનન ના પિતાએ બાજી સંભાળવા માંડી.
“જો કાનન બેટા,હું તને ખાતરી આપું છું કે આ ઘરમાં તારું સ્થાન અને માન બન્ને જળવાશે.હું માંડવી જઈશ અને તારા પપ્પા તને પાછા અપાવીશ,ચોક્કસ અપાવીશ.”
કાનન પહેલીવાર પિતાના વાત્સલ્ય નો અનુભવ કરી રહી હતી.
જોતજોતામાં છ મહિના વીતી ગયા.મનન માંડવી હતો તે દરમિયાન એમ.કોમ કરી લીધું હતું. તે હવે એક સ્થાનિક કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે જોડાઈ ગયો હતો.નવી નોકરી માં જોડાતાં પહેલાં બન્ને એ નાની દીવની ટુર પણ કરી લીધી.દીવની ટુરને નામ પણ આપ્યું લાઈફ સિઝન – 2.
બન્ને ને મોડે સુધી દરિયાકિનારે બેસવું ગમતું.ભીડ પણ ન હોય અને દરિયાનું સંગીત પણ માણી શકાય.એવી જ રીતે મોડે સુધી લાઈફ સિઝન – 2 માણી રહ્યાં હતા ત્યારે કાનને મૌન તોડ્યું.
“મનન,કેટલું સારું છે કે આપણે બન્ને Thalassophile છીએ.આપણે બન્ને આજે જે કંઈ છીએ તેના મૂળમાં થેલોસોફાઈલ એટલે કે દરિયા પ્રત્યેનાં આકર્ષણ કારણભૂત છે. ક્યારેક મને એમ થાય છે કે દરિયા પ્રત્યેના મારા ખેંચાણનો સંબંધ મારા કોઈ પૂર્વજન્મ સાથે જોડાયેલો તો નહીં હોય ને?જયારે જયારે હું બીચ પર હોઉં છું ત્યારે મને એવું લાગ્યા કરતું હોય છે કે કોઈ ચાર આંખો મને જોઈ રહી છે,મારો પીછો કરી રહી છે.”
મનન ખડખડાટ હસી પડ્યો.કાનન થોડી છોભીલી પણ પડી.
“જો કાનન,તું જે રીતે સંઘર્ષમાંથી પસાર થઇ છો અને પછી તેં જે તારી ઉંમર કરતાં પણ વધારે ઊંચી કક્ષાનું વાંચ્યું છે અને ખાલી વાંચ્યું હોત તો ઠીક છે પણ એના વિષે જરૂર કરતાં વધારે ચિંતન કર્યું છે તેની આ અસર હોઈ શકે.હવે જયારે વાવાઝોડું પસાર થઇ ગયું છે,જીવનના તોફાન નો તબક્કો પૂરો થઇ ગયો છે ત્યારે રીલેકશ થવાનો સમય આવ્યો છે.હું તો કહું છું કે થોડો સમય વાંચન અને ચિંતન ને આરામ આપ અથવા તો થોડું લાઈટ વાંચન કર.હવે સુખ પણ આપણું સહિયારું હશે ને દુઃખ પણ.” મનને સમજાવટના સૂરે કહ્યું તો ખરું પરંતુ એવું પણ અનુભવ્યું કે કાનન ક્યાંક ખોવાઈ ગઈ છે.
“ચાલો કાનનબેન,હવે ઊઠશું?લોકોને દીવમાં વાઈન નો નશો ચડે તને દરિયાનો ચડ્યો લાગે છે.”મનને વાતાવરણ ને હળવું બનાવવા કહ્યું.
આખરે લાઈફ સિઝન – 2 માણી ને બન્ને ગોંડલ પાછાં કર્યાં.
કાનને પોતાના સ્વભાવ પ્રમાણે સાસુ સસરા,જેઠ-જેઠાણી નાં દિલ જીતી લીધાં હતાં.પોતાની ભત્રીજી સાથે તો સાવ બાળક જ બની જાતી.તેની ભત્રીજી તો એને કાકી કરતાં ફ્રેન્ડ વિશેષ માનતી.કાનને પણ પોતાના સસરાને માંડવી જતા એમ કહીને રોકી રાખ્યા હતા કે હું સંપૂર્ણ સેટ થઇ જાઉં પછી જ જાઓ તો સારું રહેશે.અંદરખાને એને ડર હતો કે ક્યાંક પોતાના પપ્પા કંઈ એવું વર્તન કરે અને પોતાની માંડ માંડ ગોઠવાઈ રહેલી જીંદગીમાં પાછાં વમળો ઉઠે તો? અને થોડી એવી ઈચ્છા પણ ખરી કે સમસ્યા મારી છે તો ઉકેલ પણ હું જ લાવીશ.
દાદીબા અને દાદાજી હવે ગોંડલ જ રહેતાં હતાં.દાદીબા હવે દાદાજીને માંડવી જાવા જ નહોતાં દેતાં.બહુ ઈચ્છા કરે તો પોતે સાથે જાય અને પોતાની સાથે જ લેતાં આવે.દાદીબા ને ખ્યાલ હતો કે દાદાજી માંડવી હશે તો બાપ-દીકરીના સંબંધો સુધરતા હશે તો પણ નહીં સુધરવા દે.
દાદીબા ને મળવા અવારનવાર જાતી ખરી પણ દાદાજી ની ગેરહાજરી હોય ત્યારે જ. કાનને પોતાનાં પિયરનાં સગાં સાથે પણ ખપ પૂરતા જ સંબંધો રાખ્યા હતા.જરૂર પૂરતી જ અવરજવર રાખી હતી.પોતે સંબંધો સાચવવામાં ક્યાંય ઓછી ઉતરી ન હોવા છતાં પોતાના કપરા સમયમાં જોઈએ એટલો સાથ નહોતો મળ્યો એ વસ્તુ ન સમજે એટલી પણ અણસમજ ન હતી.
કાનન ની જિંદગી ખૂબ જ સારી રીતે ગોઠવાઈ ગઈ હતી,ગોઠવાઈ રહી હતી.
પણ હવે થયું ઉલટું.હવે કુદરત ને ગુંગળામણ થવા લાગી. કુદરતને લાગ્યું કે આમ ને આમ ચાલ્યું તો કાનન ની છુપાયેલી શક્તિઓ બહાર જ નહીં આવી શકે. આમ પણ કુદરતને આવી કાનન પહેલેથી જ પસંદ ન હતી. કુદરતને પણ એવું લાગ્યું કે કાનન સીધી સાદી ગૃહિણી બનીને જીવવા માટે નથી સર્જાણી.એમાં છુપાયેલી શક્તિઓ તો હજી અડધી જ બહાર આવી છે.હજી તો ઘણું બધું બહાર લાવવાનું બાકી છે. અને કુદરતે પોતાની બાજી બિછાવી,પોતાનો સાચવી રાખેલો હુકમનો એક્કો ઉતરી જ નાખ્યો.
રમણભાઈ,ટપાલી,એ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક બજાવી હતી. કાનનના નામનું એક કવર રીડાયરેકટ થઈને આવ્યું હતું.
(ક્રમશ:બુધવારે)