એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 7)
મનન આવતાં જ કાનન નો આત્મવિશ્વાસ વધી ગયો હતો.
સાંજે કાનન અને મનન લાયબ્રેરીના બહાને એક ગાર્ડનમાં મળ્યાં.પહેલી દશ મિનીટ તો કશું જ વાત કર્યા વિના જ પસાર થઈ ગઈ.કાનન માટે દશ મિનિટ મૂંગા રહેવું એટલે બહુ અઘરું કહેવાય.
“લાયબ્રેરી જવા નીકળ્યાં હતાં?” મનનના મૂરખ જેવા પ્રશ્નથી કાનન ને હસવું આવી ગયું.કાનને આડું અવળું જોયું.
“તમને પૂછું છું.”મનન હવે સરખો ગૂંચવાયો.
હવે કાનન થી હસવું રોકાયું નહીં.ખડખડાટ હસી પડી.
“અહીં આપણે બે જ છીએ. મિત્રો છીએ. તને, સોરી, તમને,મારા પપ્પા નો અનુભવ થઇ ગયો છે.જો હું એમ કહું કે મનન ને મળવા જઈ રહી છું તો આવવા દે? આવા બુદ્ધુ જેવા પ્રશ્નો કેમ પૂછો છો ફોટોગ્રાફર મહાશય? એન્ડ રિલેક્સ,જસ્ટ રિલેક્સ.”
“આ બે પુસ્તકો તમારે રાખવાનાં છે હવેથી જયારે મળીએ ત્યારે હાથમાં પકડી રાખજો. સમજી ગયા? અને આ શું તમે તમે માંડ્યું છે.કાનન,માત્ર કાનન.”
હવે મનન પણ થોડો રિલેક્સ થયો.
ત્યારબાદ બન્નેની વાતો ચાલી,ચાલતી રહી.વચ્ચે વચ્ચે મનન ને પણ બોલવાની તક મળતી ખરી.
છૂટાં પડતી વખતે ફરી કાનને મનનની ટાંગ ખેંચવાની તક ઝડપી.
“આજે લાયબ્રેરી નું બહાનું છે,કાલ તમે મારી બહેનપણી થવાના છો,સમજી ગયા ને”
રાત્રે ફરી કાનને પોતાની જીવન કિતાબ ખોલી.તેને યાદ આવી પોતાના મૌનની તાકાત.
જેમ જેમ વાંચન વધતું ગયું,વાંચનમાં વિવિધતા વધતી ગઈ તેમ એને એક વસ્તુ તો સમજાઈ જ ગઈ કે કોઈ એક આદર્શ,પંથ કે ધર્મનું પૂંછડું પકડવાને બદલે દરેક જગ્યાએથી સારું સારું લઈને પોતાનું એક આગવું વ્યક્તિત્વ વિકસાવવું.જીવનમાં આગળ વધવું હશે તો કોઈ અજ્ઞાત શક્તિની મદદની આશા રાખવાને બદલે પોતે જ રસ્તો શોધવો પડશે.
ધૈર્યકાન્ત ને પણ હવે કાનન ની મૌન તાકાતનો અનુભવ થવા લાગ્યો હતો.તેઓ સૂચના આપતા કે ટીવીમાં અમુક કાર્યક્રમ નહીં જોવાના અને અમુક જ જોવાના તો કાનન ટીવી જોવાનું જ બંધ કરી દેતી અને રીમોટ પપ્પાના રૂમમાં રાખી આવતી. રેડિયોમાં ફિલ્મનાં ગીતો સંભળાય જ નહીં,ગવાય નહીં એટલે કાનન રેડિયો પપ્પાના રૂમમાં મૂકી આવી.કાનન પોતા તરફના અવિશ્વાસ નો બદલો મૌનની તાકાતથી આપવા લાગી.
પછી તો મુલાકાતોનો આ દોર લંબાતો ગયો.મનનને પણ કચ્છ માં જ રહેવું હતું એટલે સોમથી શુક્ર નોકરી પાછળ જાન રેડી દેતો. શનિ-રવિ રીઝર્વડ ફોર કાનન.કાનન ની તો આખી કાયાપલટ થઇ ગઈ.મનન ની મૈત્રી એ તેને હિમ્મતવાન બનાવી.નિયંત્રણો ની બેડીઓ હવે ફૂલની માળા સમાન લાગવા માંડી.આ નિયંત્રણો નો એણે ફાયદો પણ ભરપૂર ઉઠાવ્યો.લાયબ્રેરીના બહાને,બહેનપણી ઓ સાથે અભ્યાસના બહાને મનન સાથેની મુલાકાતો ગોઠવવા માંડી.
સરૂબેનને લાગ્યું કે કાનન હવે પપ્પા ના સ્વભાવને અનુકૂળ થઇ ગઈ છે.એને પણ સંતોષ હતો.કાનન ના પપ્પાને લાગ્યું કે પોતાનો ઉછેર રંગ લાવી રહ્યો છે અને કાનન એક આજ્ઞાંકિત પુત્રી બની ગઈ છે.
કાનન તન અને મનથી આકર્ષક બની રહી હતી.પ્રેમ,સાચો પ્રેમ,નિર્મળ પ્રેમ એ ખાતર સમાન હોય છે.તમે કોઈને પણ પ્રેમ આપશો પછી તે પત્ની હોય,સંતાન કે મા-બાપ,અરે કોઈ પણ જીવંત વસ્તુ હોય,સામેની વ્યક્તિ ખીલી ઉઠશે.આપણું વર્તન ખાલી આપણા માટે જ નહીં પણ સામેની વ્યક્તિ માટે પણ નવજીવન બક્ષનારું હોય છે.અને આ વસ્તુ નો જીવતો જાગતો દાખલો હતો કાનન અને મનન વચ્ચે પાંગરતો પ્રેમ.
ગંભીર અને ઓછાબોલો મનન કાનન સાથેની મૈત્રીથી હવે બોલકો બન્યો હતો જેનો ફાયદો તેની નોકરીને પણ મળતો હતો.અને કાનન હવે મનન ને સાંભળવા,સમજવા ઓછું બોલતી હતી.બંને ની ખાસિયતો નું જાણે કે આદાનપ્રદાન!!!!
પરસ્પર મુલાકાતોનો આ દોર પાંચ વર્ષ ચાલ્યો.કાનન હંમેશ મુજબ અભ્યાસ માં અવ્વલ રહી હતી અને ગ્રેજ્યુએટ પણ થઇ ગઈ હતી.
એક દિવસ કાનને દાદીની હાજરીમાં મમ્મી સાથે વાત છેડી જ દીધી.
“મમ્મી,તને યાદ છે આપણે જગન્નાથપુરી ગયાં હતાં ત્યાં એક ફોટોગ્રાફર યુવાન સાથે અજાણતાં જ ઓળખાણ થઇ ગઈ હતી?”
“હા પણ તેનું શું છે? સરૂબેને યંત્રવત પૂછ્યું.
મમ્મી,અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માગીએ છીએ.” કાનને કહ્યું.
“એ ગોંડલ વાળો ફોટોગ્રાફર? એના સાથે કેવી રીતે પ્રેમ થાય,એટલે કે તું માંડવી અને એ ગોંડલ.તારું ગોંડલ જવાનું તો ઘણા વર્ષથી બંધ છે” સરૂબેન તો હતપ્રભ થઇ ગયાં.
“મમ્મી,મારું બંધ છે,એનું તો નથી ને.મનન પાંચ વર્ષથી અહીં જ છે અને શનિ-રવિ નિયમિત મળીએ પણ છીએ.”કાનને બીજો આંચકો આપ્યો.
“ગોંડલ નો છોકરો હોય તો પૂછવાનું જ ન હોય.” દાદીબા તો ઉત્સાહમાં આવી ગયાં.
સરૂબેન પોતાની દીકરી ની હિંમત પર ઓવારી ગયાં. એની સામે છેલ્લાં પાંચ વર્ષના કાનન ના ફેરફાર નું રહસ્ય પણ ખુલી ગયું.
“તેં પ્રેમ કરતી વખતે તારા પપ્પાના સ્વભાવનો જરા પણ વિચાર નહોતો કર્યો? તને શું લાગે છે,પપ્પા રજા આપશે? મમ્મીને ચિંતા પેઠી.
“તું અને દાદીબા છો પછી મારે ચિંતા શેની” કાનન આજ પૂરા મૂડમાં હતી.
“મારી મદદની તો આશા જ ન રાખજે.દાદીએ વાત કરવી હોય તો કરે.માંડ માંડ મારો સંસાર ગોઠવાયો છે ત્યાં વળી તું આ નવું તૂત લાવી.”સરૂબેને તો જાણે હાથ જ ઊંચા કરી દીધા.
“સરૂ,દીકરીએ પહેલીવાર કંઈક માગ્યું છે.એમ સીધે સીધી ના પડાતી હશે? ચિંતા ન કર.હું બેઠી છું ને.મારી કાનન માટે હું ગમે તેટલું અપમાન સહન કરવા તૈયાર છું.”દાદીએ વાતને પૂરી કરવાના ઈરાદા સાથે કહ્યું.
કાનન પણ સમજતી હતી કે વાત ધારે છે એટલી સરળ નથી.આમ તો અશકય જેવી જ છે.
“કાનન,તને શું લાગે છે?તારા પપ્પા માનશે?અને જો ન માન્યા તો?મારું શું થશે?”મનન થોડો ઢીલો પડ્યો હોય એવું કાનને અનુભવ્યું.
“મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી?” કાનન બોલી તો ગઈ પણ પછી એ પણ ગંભીર થઈ ગઈ.
બીજે દિવસે રવિવારે બંને જણાએ બધી જ શક્યતાઓ વિચારી જોઈ.બધા જ પ્લાન વિચારી જોયા.અને કઈ પરિસ્થિતિ માં કેવી રીતે માર્ગ કાઢવો તે પણ ફાઈનલ કરી નાખ્યું.
સાંજે જુદાં પડતી વખતે બંને આત્મવિશ્વાસ થી ભરપૂર હતાં.બધા જ ઓપ્શન તૈયાર હતા,બધા જ પ્લાન તૈયાર હતા.
લાંબા સમય સુધી સંપર્ક શક્ય ન બને તો શું કરવું તે પણ નક્કી કરી રાખ્યું હતું.
આ બાજુ દાદીબા એ કાનન ની ગેરહાજરીમાં તક ઝડપી લીધી.
“તારી દીકરી કશુંક માગે,કદાચ પહેલીવાર માગે તો તું ના નહીં પાડ ને? જો તને તારા ઉછેર ઉપર વિશ્વાસ હોય તો ના ન પાડજે.”
“તું શેની વાત કરે છે તે સમજાતું નથી.કાનન ને મેં ક્યાં કોઈ વસ્તુમાં રોકી છે.અને ક્યારેક કશું કહ્યું હશે તો પણ તેના હિતમાં જ કહ્યું હશે.”ધૈર્યકાન્તે ખુલાસો કર્યો.
“કાનન એક છોકરાને પસંદ કરે છે,પ્રેમ કરે છે.એકવાર એને સાંભળી લેજે.સમજવાનો પ્રયત્ન કરજે.એણે પસંદ કર્યો હશે તો યોગ્ય જ હશે.સારો જ હશે.”દાદીબા એ સ્પષ્ટતા કરી.
“કોણ છે? આપણી નાતનો છે? ખાલી સારો છોકરો હોય એટલું પૂરતું નથી હોતું.તેનું કુળ,ગોત્ર ઘણું જોવું પડે.કાનન ને આ બધી વાતો સમજાય નહીં પણ તમારે તો સમજવી પડે ને? અને કાનન ના લગ્નનો મામલો હું જોઈ લઈશ.તમે બે જણા તો દૂર જ રહેજો.આમાં તમારે બાયડી જાતને પડવાનું જ ન હોય.હવે આ બાબતની કોઈ જ ચર્ચા ઘરમાં નહીં જોઈએ.” ધૈર્યકાન્ત તો ફેંસલો સંભળાવી ઊભા જ થઈ ગયા.
ત્યાં જ કાનને પ્રવેશ કર્યો.
“કાનન,અહીં આવ તો?” ધૈર્યકાન્તે એને બોલાવી.
“દાદીબા કહેતાં હતાં કે તેં કોઈ છોકરાને પસંદ કર્યો છે.”કોણ છે?કઈ નાતનો છે?શું નોકરી કરે છે?”
કાનન તો હોંશમાં આવી ગઈ.
“પપ્પા,તમને યાદ છે આપણે જગન્નાથપુરી ગયાં હતાં ત્યાં એક ફોટોગ્રાફર યુવાન સાથે અજાણતાં જ ઓળખાણ થઇ ગઈ હતી”? તેને કચ્છમાં જ નોકરી મળી છે.દવાની કંપનીમાં મેડીકલ રિપ્રેઝન્ટેટિવ છે.અમે એકબીજાને થોડા સમયથી ઓળખીએ છીએ.સ્વભાવ પણ બહુ સારો છે.કાનન નો ઉત્સાહ વધતો જતો હતો.અને..”
કાનન ને વચ્ચેથી જ અટકાવી ધૈર્યકાન્ત તાડૂક્યા.
“એ ફોટોગ્રાફર વળી દવાનો સેલ્સમેન ક્યારથી બન્યો અને તું એની સાથે ક્યારથી ફરતી થઇ? તું કોલેજ જાતી હતી કે એના જોડે રખડવા? જો કાનન એક વસ્તુ સમજી લે.હું એ રખડુ જોડે તારી જિંદગી બરબાદ થવા નહીં દઉં. અને હા,હવે ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે કાલથી બહાર નીકળવાનું બંધ,બિલકુલ બંધ.”
સરૂ,ક્યાં ગઈ?,તારી દીકરી ગમે તેના સાથે રખડે છે તે તને કંઈક ખબર નથી પડતી?તમે બૈરાં લોકો આખો દિવસ કરો છો શું ઘરમાં બેસીને,આટલું ધ્યાન પણ નથી રાખતાં દીકરીનું? કાલથી તારું પણ બહાર નીકળવાનું બંધ.”ધૈર્યકાન્તે ફેંસલો સંભળાવી દીધો.
“પણ પપ્પા,એકવાર તમે મળો તો ખરા?”કાનને સમજાવવાની કોશિશ કરી.
“મારે કોઈ રખડુ ને મળવું નથી.તારે હું કહું ત્યાં જ લગ્ન કરવાં પડશે એ વાત કાન ખોલીને સમજી લે.”ધૈર્યકાન્ત તાડૂક્યા.
“તો તમે પણ સાંભળી લો પપ્પા,હું લગ્ન કરીશ તો મનન સાથે નહીંતર કુંવારી બેસી રહીશ.”આટલું બોલી કાનન સડસડાટ રૂમમાંથી ચાલી ગઈ.
(ક્રમશ:સોમવારે)