એક હતી કાનન... - 2 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 2

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 2)
એક જીવનયાત્રા પૂરી થઇ.
અને એક શરૂ થઇ કલમને સથવારે.
તપને લેપટોપ ઓન કર્યું. કી બોર્ડ પર એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.
એક હતી કાનન...

“એય મિસ્ટર,નવા નવા લાગો છો આ ફિલ્ડમાં.તમારે ટુરીસ્ટને શોધવા જોઈએ એને બદલે ટુરીસ્ટ તમને શોધે છે” કાનન ફટાફટ ગુજરાતીમાં બોલી તો ગઈ પણ પછી તરત ખ્યાલ આવ્યો કે પોતે ગુજરાતની બહાર છે.કાનનને પોતાની ધૂનમાં એ પણ ખ્યાલ ન રહ્યો કે મનન ગુજરાતી સમજી ગયો છે. પછીની સૂચનાઓ હિન્દીમાં જ આપી.
“ચાલો,ફટાફટ ફોટા લેવા માંડો” કહીને કાનન ઊગતા સૂર્ય સમક્ષ વિવિધ પોઝ આપવા માંડી અને મનન પણ આજ્ઞાંકિત રીતે ફોટોગ્રાફ લેવા માંડ્યો.
મનનને પણ હવે રસ પડવા લાગ્યો હતો. એણે પ્રશ્નોના બીજા હુમલા ખાળવા ક્લિક કરવાનું ચાલુ જ કરી દીધું હતું.
“અને હા,તમે ખાલી ફોટોગ્રાફર જ છો કે ગાઈડ પણ?” કાનને જાણે ઊલટતપાસ કરતી હોય તેમ પૂછ્યું.

”જગન્નાથપુરીનાં બે સ્વરૂપ.મંદિર આસપાસનો એરિયા યાત્રાધામ અને મંદિરથી જેમ જેમ દરિયાકિનારા તરફ જાઓ એટલે પ્રવાસધામ. આમ જગન્નાથપુરીનાં બે સ્વરૂપ અને બંને પોતપોતાની રીતે વિશિષ્ટ. દરેક જનરેશનને આકર્ષે એવું સ્થળ એટલે જગન્નાથપુરી. મંદિરમાં જગન્નાથજીનું એક રૂપ જોવા મળે જયારે દરિયાકિનારે બીજું.”
મનને શ્વાસ લેવા રોકાવાનું જોખમ ખેડ્યું. પણ હવે કાનનને મનનની વાતમાં રસ પડ્યો હતો એટલે ચૂપ રહી.
“જેમ જેમ મંદિર નજીક જાઓ તેમ તેમ આપણા દેશમાં ધાર્મિક સ્થળોએ જોવા મળતું ટિપીકલ વાતાવરણ જોવા મળે અને દરિયાકિનારા નજીક જાઓ એટલે મોટી મોટી હોટેલો ,પહોળા રસ્તાઓ અને દરિયાકિનારા તરફથી આવતા મંદ મંદ પવનો.”
“કાનન,ચાલ હવે હોટેલ ભેગાં થઈએ.” સરૂબેન,કાનન ની મમ્મી,ની બૂમે મનનને વાત રોકવી પડી.
“આ છે મારું હોટેલનું સરનામું અને અમારું રોકાણ અહીં ત્રણ દિવસનું છે.સમયસર ફોટા પહોંચાડી દેજો.અને હા,ફોટા સારા આવ્યા હશે તો જ પૈસા મળશે એ ભૂલતા નહીં.” જે ઝડપે કાનન આવી હતી તે જ ઝડપે પોતાનાં મમ્મી પપ્પા સાથે ચાલી ગઈ.
મનન ને કળ વળતાં સારો એવો સમય લાગ્યો,જરૂરત કરતાં પણ વધારે.
થોડી ક્ષણો તો પોતે શા માટે આવ્યો છે તે યાદ કરવામાં જ પસાર થઇ ગઈ.

મનન કુદરતને ખોળે ફરવાનો શોખીન.ફરવા કરતાં રખડવાનો શોખીન શબ્દ એના માટે વધુ યોગ્ય ગણાય. નાનો હતો ત્યારથી જ નદી કે દરિયાકિનારે કલાકો સુધી બેસી રહેતા મનન માટે મોટા થયા પછી તો દરિયાકિનારો જ એની ફેવરીટ જગ્યા બની ગઈ હતી. વેકેશનમાં એકાદ અઠવાડિયું નીકળી પડે, એક બેગ,ડાયરી,પેન અને એક કેમેરો લઈને. એ એક અઠવાડિયું તે પોતાની જાત સાથે ગાળતો. ફોટોગ્રાફીના શોખને પણ પૂરો કરતો.

કોલેજનાં છેલ્લાં વર્ષની પરીક્ષા પૂરી થઇ ગઈ હતી. આ વેકેશન પણ છેલ્લું હતું અને ટ્રીપ પણ. એટલે જ આ વખતે એણે પસંદગી ઉતારી હતી ઊગતા સૂર્યની દિશા તરફ એટલે કે જગન્નાથપુરી.
આવી જ એક વહેલી સવારે કાનન એનાં મમ્મી પપ્પા સાથે પુરીના દરિયાકિનારે સૂર્યોદય જોવા આવી હતી અને ભેટો થઇ ગયો હતો મનનનો.
જ્યાં સુધી કાનન દેખાતી બંધ ન થઇ ત્યાં સુધી મનન એ દિશામાં તાકીને ઉભો રહી ગયો હતો,

ક્યાંથી આવી હતી? ક્યાં ગઈ? શા માટે આવી હતી?
ન જાન,ન પહેચાન.બસ વંટોળની જેમ આવી અને તોફાન પછીની શાંતિ પ્રસરાવતી ચાલી પણ ગઈ.
મનન સ્થિર રીતે ઉભો હતો ત્યાં બીજું એક કપલ પણ આવ્યું.
“ભૈયા થોડે ફોટોગ્રાફ્સ ખીંચવાને હૈ. નિકાલ દોગે?”
“ક્યા મેં ફોટોગ્રાફર લગતા હૂં?” મનને વડચકું ભરી લીધું.
કપલ બિચારું મનન નો ગુસ્સો સમજ્યા વિના એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોતું જતું રહ્યું.
કેમેરાનો રોલ પૂરો થવાનો હતો.વધેલા ફોટા આમતેમ પાડી અને ડેવલપ કરાવવા ઉપડી ગયો બજાર તરફ.બજાર ખૂલવાને તો હજી બે એક કલાકની વાર હતી.સમય પસાર કરવા માટે એક હોટેલમાં ચા નાસ્તો કર્યો અને એકાદ અખબાર ખરીદીને પાનાં પણ ઉથલાવ્યાં. ફરવા નીકળે ત્યારે ઘડીયાળ ક્યારેય ન પહેરતા મનનને આજે ઘડીયાળની વિશેષ ખોટ સાલતી હતી.રોલ ડેવલપ માટેની એકાદ લેબ ખુલતી જ હતી અને પહોંચી ગયો.રોલ ડેવલપ કરાવવા આપી દીધો અને સાંજ સુધીમાં અરજન્ટ ડીલીવરીનો વાયદો પણ મેળવી લીધો.
હોટેલમાં ભરાઈને ક્યારેય ન બેસનારો મનન આજે હોટેલના રૂમમાં ભરાઈ ગયો હતો. એક અજાણી યુવતી વાવાઝોડાં ની જેમ એની જીંદગીમાં પ્રવેશી હતી અને દિલો દિમાગનો કબજો જમાવીને બેસી ગઈ હતી.નાસ્તાના ભારને કારણે કે યાદોના ભારને લીધે જમવા પણ ન ગયો.હોટેલનો વેઈટર પણ એકાદ વાર આવીને ચિંતાતુર ચહેરે ખબર પૂછી ગયો.
કાનન એટલે ગોળમટોળ ચહેરો.
કાનન એટલે થોડા કર્લી વાળ,
કાનન એટલે ચંચળ આંખો.
અને કાનન એટલે સદાય હસતો ચહેરો.
કાનનને વાગોળતાં વાગોળતાં મનનની આંખો ક્યારે મળી ગઈ એની ખબર જ ન પડી. આખરે જિંદગીનો લાંબો અને બોરિંગ સમય પૂરો થવાનું મનને અનુભવ્યું. પહોંચી ગયો ફોટા લેવા.રસ હતો પેલા દશ ફોટાઓમાં. દશે ફોટા જોયા. ફરીફરીને જોયા. મનન ફોટાને ફરીફરીને જોતો હતો અને લેબવાળો મનનને. મનન જાગ્યો.જલ્દી જલ્દી પેમેન્ટ કરી સીધો પહોંચી ગયો કાનને જે સરનામું આપ્યું હતું તે હોટલ પર.
બેલ મારી.કાનને જ દરવાજો ખોલ્યો. મનને પણ કશું બોલ્યા વિના ફોટાનું કવર કાનનના હાથમાં પકડાવી દીધું. કાનન ફોટા જોવા લાગી.ફોટા જોવામાં એટલી ડૂબી ગઈ કે મનન પોર્ચમાં પડેલા સોફામાં બેસી ગયો ત્યાં સુધી ખબર જ ન પડી.મનન નિરાંતે કાનનના બદલાતા હાવભાવ જોતો હતો.આખરે કાનન ને લાગ્યું કે દરેક પોઝ પોતાની સૂચના મુજબ જ આવ્યો છે ત્યારે જાગી.પોતે દરવાજો રોકીને ઉભી હતી અને ફોટોગ્રાફર આરામથી પોતાને જોઈ રહ્યો હતો.
ઓચિંતું જ કંઈક યાદ આવ્યું હોય તેમ કાનને કવરની અંદર જોયું.બે ત્રણ વાર ફોટા વચ્ચે બીલ શોધવાનો પ્રયત્ન પણ કરી જોયો.બીલ ન મળતાં પૂછી બેઠી.
“એય,મિ.ફોટોગ્રાફર,બીલ please?”
“બીલ? શેનું બીલ? હું પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી. આ તો મારો શોખ છે, મારું પેશન છે.”મનને મુશ્કુરાતે ચહેરે જવાબ આપ્યો.
હવે નવાઈ પામવાનો વારો કાનનનો હતો. સ્થિર બની ગઈ કાનન.જાણે પથ્થરની મૂર્તિ. મૂંગા રહેવાનું જેના સ્વભાવમાં જ નહોતું તે ચંચળ કાનન એકદમ જડ જેમ ઊભી રહી ગઈ. તેને રહીરહીને સમજાયું કે પોતે કેવી ભૂલ કરી બેઠી છે. મોડે મોડે એ પણ ભાન થયું કે મનને ગુજરાતીમાં જવાબ આપ્યો છે.
પોતાની ભોઠપ છુપાવવા પાણીનો ગ્લાસ ધરી દીધો અને સામે સોફામાં ગોઠવાઈ ગઈ.
“બાય ધ વે,કાનન.આમ તો ગોંડલ પણ હવે કોલેજના પ્રથમ વર્ષમાં એડમીશન માંડવી-કચ્છ લેવાનું છે.” હવે કાનન સ્વસ્થ થઇ ગઈ હતી.
“ચા કે કોફી?”
“ચા”
“તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી તો તે વખતે જણાવ્યું કેમ નહીં?”
“તમે તક જ ક્યાં આપી હતી?”
ફરી પાછી કાનનની બોલતી બંધ.
‘મનન,બી.કોમ.લાસ્ટ યર, રહેવાનું ગોંડલ.”મનન પણ હવે કાનન ની મૂંઝવણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાના મૂડમાં આવી ગયો હતો.
ગોંડલ નું નામ આવતાં જ કાનન પાછી ફોર્મ માં આવી ગઈ.કારણ કે પોતે હમણાં જ ગોંડલ છોડ્યું હતું.
“ગોંડલ? ક્યાં રહેવાનું,અભ્યાસ કઈ કોલેજમાં?અહીં કેટલા દિવસનો પ્રોગ્રામ છે?કોણ કોણ સાથે છે? કાનને એના સ્વભાવ પ્રમાણે પ્રશ્નોની ઝડી વરસાવી.બન્ને એ ખૂબ વાતો કરી.
કાનનનાં મમ્મી પપ્પા ખરીદી કરીને આવ્યાં. કાનને મનનની ઓળખાણ કરાવી અને પોતે એને પ્રોફેશનલ ફોટોગ્રાફર માની કેવી ભૂલ કરી હતી તે પણ કહી દીધું. કાનને હોંશે હોંશે ફોટા પણ બતાવ્યા.એક અજાણ્યા ફોટોગ્રાફર સાથે હસીહસીને વાતો કરતી જોઈને ધૈર્યકાન્ત,કાનનના પપ્પા,ના મોં પર અણગમાના ભાવો ઉપસ્યા. જેની નોંધ મનને પણ લીધી. સરૂબેનને તો ફોટા ખૂબ જ ગમ્યા પણ ધૈર્યકાન્ત ઉપર ઉપરથી ફોટા જોઇને રૂમમાં ચાલ્યા ગયા.
મનનને લાગ્યું કે હવે જવું જોઈએ.
ગમે તે કારણે કાનન અને મનને સરનામાંની આપલે ન કરી.કદાચ ભાવિ પર પૂરતો વિશ્વાસ.

(ક્રમશ: શુક્રવારે)