એક હતી કાનન... - 13 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 13

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 1૩)
આ બાજુ મનન ને ખાલી ચિંતા નહીં ભય પણ પેઠો હતો.શું થશે માંડવીમાં બાપ-દીકરી વચ્ચે કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને?
કાનન ઘરેથી નીકળી.બસ પકડી સીધી ભુજ ભેગી થઈ ગઈ.મનન સાથે સાંજે ભુજ મળવાનું નક્કી થયું હતું.રાત્રિ બસમાં બન્ને ગોંડલ જવા નીકળી જવાનાં હતાં.આમ તો આખો દિવસ હતો.ભુજમાં કોઈ સંબંધીઓ નહોતાં એવું પણ નહોતું પણ પપ્પા ના જવાબથી અને સાવ આવાં વર્તન થી એનો મૂડ એટલો બધો ખરાબ થઇ ગયો હતો કે એક ખૂણામાં બાંકડો શોધી ને બેસી ગઈ.એકદમ નિરાશામાં માથે હાથ દઈને બેઠી હતી.જીંદગીમાં પહેલી વાર આટલી નાસીપાસ થઇ હતી.
વિચારોમાં ને વિચારોમાં તેને ખ્યાલ ન રહ્યો કે મનન બિલકુલ પોતાની પાસે ઊભો છે.સ્થળ અને સમયનું ભાન ભૂલીને મનન ને ભેટી જ પડી.કાનનનો ચહેરો જોઇને મનન ઘણું બધું સમજી ગયો.
એકાદ કલાકમાં કાનન સ્વસ્થ થઇ ગઈ.મનને કંઈ પૂછવાનું જરૂરી ન સમજ્યું અને કાનને કંઈ કહેવાનું.કાનને વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો.તેને પોતાને પણ એ વાતનો સંતોષ થઇ ગયો કે તેણે શક્ય એટલા તમામ પ્રયત્નો કર્યા હતા.તે ભાવિ સપનાઓમાં ખોવાઈ ગઈ.
જિંદગીનો છેલ્લો સંઘર્ષ પૂરો થઇ ગયો હતો,હવે બસ શાંતિ જ શાંતિ હતી.મનન અને સાસરામાં ખોવાઈ જવા માગતી હતી.ભૂલી જવા માગતી હતી ભૂતકાળ અને ભૂતકાળનાં પ્રસંગોને.નવેસરથી જિંદગી ગોઠવવા માગતી હતી કાનન.
લાગણી અને પ્રેમ માં તડપતી કાનન પોતાના પ્રેમમાં માત્ર મનન કે તેનાં કુટુંબીજનો નહીં પણ સમસ્ત દુનિયાને ડૂબાડી દેવા માગતી હતી.
અત્યારે પોતાના મનમાં ભાવિ જિંદગીના ચાલી રહેલા વિચારોને કારણે કે સોનેરી સપનાંઓને કારણે મનનને જોઇને તે શરમાઈ ગઈ.જાણે કે નવોઢા.
મનન ને પણ આ ગમ્યું.
મનન આમ તો સાંજે જ આવવાનો હતો.આખો દિવસ ગમે તેમ પસાર થઇ ગયો પણ પછી રહેવાયું નહીં એટલે રાતની બસમાં જ ભુજ જવા નીકળી ને સવારે પહોંચી આવ્યો.બસમાંથી ઉતરતાં સામે જ કાનન ને એકલી અટૂલી બેઠેલી જોઈ અને પહોંચી આવ્યો.
બન્ને જણા નિરાંતે એક સારી હોટલમાં ચા-નાસ્તા માટે ગયાં.
કાનને બે દિવસના બનાવોની વિગતવાર વાત મનન ને કરી.મનન પોતાના સસરાના આવા વ્યવહારથી ખૂબ જ ગુસ્સે થઇ ગયો.
મનન નો ગુસ્સો ભભૂકી ઉઠ્યો.
“આ તે મારી કેવી લાચારી છે કે તારું આવું અપમાન મારે સહન કરી લેવું પડે છે.મારા માટે,મારા સ્વમાન માટે પોતાના સ્વજનો સામે પડેલી તને હું કોઈ જ મદદ કરી નથી શકતો.તારું અપમાન કરનાર તારા પપ્પા સિવાય કોઈ હોત તો મારી તાકાતનો પરચો તેને બતાવી આપત.પછી ભલેને મારું જે થવાનું હોય તે થાય.”
મનનની અસ્વસ્થતા તેના શબ્દોમાં પ્રગટ થઇ ગઈ.ગંભીર પ્રકૃતિના મનનને આટલો બધો ગંભીર કાનન પણ પહેલીવાર જોઈ રહી હતી.
બપોરના મનનના એક કલીગ ને ત્યાં બન્ને જણાએ આરામ કર્યો અને સાંજની બસમાં ગોંડલ જવા નીકળી પણ ગયાં. જાણે પહેલીવાર આટલી હૂંફ નો અનુભવ મળ્યો હોય એમ મનન ના ખભે માથું ઢાળીને જિંદગીના સંઘર્ષનો થાક ઉતારતી કાનન ઊંઘી ગઈ.
બે વ્યક્તિઓની આંખમાં આજે ઊંઘ નહોતી.એક મનન અને બીજા ધૈર્યકાન્ત.
પહેલીવાર ધૈર્યકાન્તે અનુભવ્યું કે તે એકલા છે.નથી કોઈ તેને સાંભળનારું,સમજનારું કે હુંફ આપનારું.અત્યાર સુધી માં અને પત્ની તરફથી મળનારો સાથ,ભલે કમને,પણ હવે પૂરો થયો હતો.આજે એને પહેલીવાર અહેસાસ થઇ રહ્યો હતો કે પત્ની અને માં એ એને કેટલા બધા સાચવી લીધા હતા.
આજે સરૂબેન અને દાદીબા હોલમાં સોફા પર જ સૂઈ ગયાં હતાં.
આજે પહેલીવાર રૂમમાં એકલા હતા અને જીંદગીમાં પણ.આજે તે પોતાના વર્તનનો હિસાબ શોધતા હતા,બચાવ શોધતા હતા.
એકાંતથી માણસ એટલે જ ડરતો હોય છે કે એકાંતમાં માણસ પોતાની જાત સામે સાચો પ્રગટ થતો હોય છે.
ધૈર્યકાન્ત ભૂતકાળમાં સરી પડ્યા.
પોતાના જીવનમાં કાનનના આગમને કેટલો બધો ફેરફાર કર્યો હતો.પુત્રના મૃત્યુ પાછળ કાનન નો કોઈ જ દોષ ન હોવા છતાં કાનનને ટાળતા રહ્યા,ટટળાવતા રહ્યા.શિસ્ત નાં બહાને અપાતી સૂચનાઓ માં સ્પષ્ટ અણગમો દેખાતો હોવા છતાં પણ કાનન તેને સ્વીકારતી રહી.બેન્કેથી પરત આવતાં છવાતી સ્મશાનવત શાંતિ અને જવા નીકળતા કાનનના ચહેરા પર દેખાતી ખુશીની ચમક સમજી શકે એવા નાદાન પણ ન હતા.
સાવ એવું પણ ન હતું કે એને બાળકો પ્રિય જ ન હતા.મિત્રો,પાડોશીઓ,સંબંધી ઓ અરે સાથે નોકરી કરતા કલીગ્સ નાં બાળકો સાથે હસીને વાત કરતા.એકાદ બે વાર પોતાની પત્નીએ એ બાબતે ધ્યાન પણ દોર્યું હતું.
એક દિવસ સરૂબેને એને સમજાવવાની કોશિશ પણ કરી હતી.
“કાનને આખી જિંદગી આપણું કહ્યું જ કર્યું છે.ભણવા માટે અલગ રાખી તો તે પણ સ્વીકારી લીધું.દાદીબાને મદદ કરવા ઘરનું બધું કામ પણ સંભાળી લીધું.કોલેજ કરવા પોતાના જાણીતા વાતાવરણમાંથી અહીં બોલાવી લીધી તો જરા પણ વિરોધ કર્યા વિના ચાલી આવી.અભ્યાસમાં આપણી બધી જ અપેક્ષા કરતાં તેણે વધુ જ આપ્યું છે.આજે પહેલીવાર કશું માગી રહી છે તો ના ન પાડો, બિચારીને નિરાશ ન કરો.જો તમને લાગતું હોય કે મેં મારી આખી જિંદગી તમારી તનમન થી સેવા કરી છે તો તેના બદલામાં કાનનને આટલું આપી દયો.હું અને મારી દીકરી આપનાં જિંદગીભર નાં ઋણી રહેશું.અને હા વિશ્વાસ રાખજો કે કાનન ની પસંદગી જરા પણ ઉતરતી નહીં હોય,”
અત્યારે હવે તેને પણ લાગી રહ્યું હતું કે પોતે પણ પોતાના પિતાજીની રૂઢીચુસ્ત અને જડ વાતોમાં આવી ગયા હતા.એમ તો મનન મળવા આવ્યો ત્યારે કેટલી નમ્રતાથી વાત કરી કાનન ના હાથની માગણી કરી હતી.કાનન નાં તો એણે બે મોઢે વખાણ કર્યાં હતાં અને જયારે બેધડક રીતે કહી દીધું કે કાનન ની લાયકાત મારા કરતાં અનેકગણી વિશેષ છે.ત્યારે પોતે ખુશ થવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા અને મનન ને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો હતો.
ધૈર્યકાન્ત ને આઘાત તો એ લાગ્યો હતો કે એ સમયે પહેલી ઊભી પોતાની દીકરી થઇ ગઈ હતી.મનન તો શાંતિથી બહાર નીકળી ગયો હતો પણ કાનન ના શબ્દો તેને હાડોહાડ વાગ્યા હતા.
“પપ્પા,મને અને મનન ને એક થતાં કોઈ નહીં રોકી શકે.તમે પણ નહીં”
ધૈર્યકાન્ત એ આજે પહેલીવાર સ્વીકાર્યું હતું કે મનન ને સંમતિ ન આપવાનાં બે કારણો એક પોતાનો ઘવાયેલો અહમ અને બીજી છેતરાયાની લાગણી.બાકી ક્યાં કોઈ ખામી હતી મનન માં.
પોતાની ભૂલનો સ્વીકાર અને આત્મમંથન પછીની ઊંઘ ધૈર્યકાન્ત ને મીઠી લાગી.
પરિવર્તન ભલે દૂર હતું પણ શરૂઆત તો થઇ ચૂકી હતી.
(ક્રમશ:સોમવારે)