એક હતી કાનન... - 5 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 5

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 5)
“મને પહેલીવાર તારા પપ્પા પ્રત્યે આટલો અણગમો ઉપજ્યો હતો અને વ્યક્ત પણ થઇ ગયો હતો મારાં વર્તનથી.”
નાની ઉમરથી જ કાનન અત્યંત તોફાની,ચંચળ અને જીદ્દી.ક્યારેય પગ વાળીને બેસવાનો સ્વભાવ જ નહીં.ભણવાનું,ખાવાનું અને રમવાનું એ કાનનની સતત ચાલતી પ્રવૃત્તિ.તીવ્ર યાદશક્તિને કારણે ક્લાસમાં જે ભણતી તે અને નિયમિત રીતે કરાતું હોમવર્ક જ તેને અભ્યાસમાં આગળ રાખવામાં પૂરતાં થઇ પડતાં. અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ હોય,પછી ભલે ને તે સ્પોર્ટ્સ,નાટક,વકતૃત્વકળા કે ગરબા,કાનન દરેકમાં ભાગ લેવામાં આગળ પડતી જ હોય.નંબર ની ચિંતા કર્યાં વિના કૂદી જ પડતી. કાનન ક્યારેક ક્યારેક પોતાની જાતમાં એટલી ખોવાઈ જતી કે દાદા-દાદીને પણ ચિંતા થતી.

કદાચ ભાવિના ગર્ભમાં આવી રહેલા સંઘર્ષ માટે કુદરત તેને તૈયાર ન કરતી હોય!!!

કાનન પણ દાદીબાની પૌત્રી કરતાં પુત્રી વિશેષ હતી.મોટાભાગનું બાળપણ અને કિશોરાવસ્થા એણે દાદી પાસે જ વિતાવી હતી.
આમ પણ કાનન ને લોહીના સંબંધીઓ કરતાં સ્નેહીઓ પાસેથી વધારે મળ્યું હતું.પછી તે લાગણી હોય,પ્રેમ હોય કે સન્માન.જયારે કાનન ને ખબર પડી કે દાદીબા પપ્પાનાં ઓરમાન માં છે ત્યારે તે નિર્દોષ ભાવે પૂછી પણ બેઠી હતી.

“દાદીબા,સાચે તમે પપ્પાનાં ઓરમાન માં છો?ઓરમાન માં હોવા છતાં તમે આટલાં સારાં કેમ છો? મારા પપ્પા તો સાચા પપ્પા છે ને?”

દાદીબા માટે તો કાનન સર્વસ્વ.દાદીબાનો પાછલી જિંદગીનો એકમાત્ર સહારો એટલે કાનન.પતિ અને પુત્રના વિચિત્ર સ્વભાવ વચ્ચે કાનન એના માટે રણમાં મીઠી વીરડી સમાન હતી.આમ પણ પતિ ઘરમાં ઓછા અને બહાર મિત્રો વચ્ચે વધુ હોય.
એકમાત્ર કાનનનાં થોડાં તોફાન સહન કરો એટલે કાનન સોનાની.પોતાના સમય પ્રમાણે રમે,જમે અને હોમવર્ક પણ કરી લે.સમજદારી એવી કે દાદીબા ને કામમાં મદદ કરવાની પણ એટલી જ હોંશ.ગમે ત્યાં રમતી હોય,ગમે તેટલી રમવામાં કે ભણવામાં મશગુલ હોય પણ કામના સમયે તો પહોંચી જ આવે. કાનન ની લાગણીશીલતા નો અનુભવ પણ દાદીબા ને અવારનવાર થતો રહેતો.રાત પડે ને જાણે કાનન બદલાઈ જાતી,

“દાદીબા,હું તમને બહુ હેરાન કરું છું,કેમ?કેટલાં થકવી નાખું છું.દાદીબા,તમે મને રસોઈ શીખવાડી આપો ને?હું તમને રોજ સારું સારું બનાવીને ખવડાવીશ.”

પથારીમાં પડતાંની સાથે જ મમ્મી-પપ્પા યાદ આવે અને નાનકડી કાનન આંસુ સારી લે.દાદીબા થી પણ આ વસ્તુ છાની ન રહેતી.
“દાદીબા,બધાં છોકરાં એનાં મમ્મી-પપ્પા સાથે રહી શકે તો હું કેમ નહીં?મારે પણ મારાં મમ્મી-પપ્પા સાથે રહીને ભણવું છે.” ક્યારેક કાનન જીદ કરી બેસતી.
દાદીબા વાત વાળી લેતાં પણ હૃદયમાં ઊંડે ઊંડે ખટકતું.
“બેટા,તારા પપ્પા જ્યાં નોકરી કરે છે ત્યાં સારી સ્કૂલ નથી અને તારા પપ્પાની બદલી પણ વારંવાર થયા કરે એટલે સ્કૂલો પણ બદલાવવી પડે.”દાદીબા સમજાવવાની કોશિશ કરતાં.
“તો પછી બધાં બેંકવાળાં નાં છોકરાં એનાં દાદી પાસે રહીને જ ભણતાં હશે?પણ દાદીબા,કોઈનાં દાદા-દાદી ન હોય તો તો એનાં મમ્મી પપ્પા જોડે જ રહેવું પડે ને?તમે નહીં હો ત્યારે હું પણ મારાં મમ્મી-પપ્પા જોડે રહીને જ ભણીશ.”કાનનના શબ્દોમાં ક્યારેક આવી નિર્દોષતા વ્યક્ત પણ થઈ જતી.

કાનન ના પ્રશ્નોનો મારો વધી જાય એટલે દાદી ગાંધીધામ કાગળ લખીને તેનાં મમ્મી પપ્પાને બોલાવી લેતાં.ક્યારેક બંને આવે અને ક્યારેક સરૂબેન એકલાં આંટો મારી જાય.
“મમ્મી-પપ્પા,હું સ્કૂલથી આવીશ ત્યારે તમે ઘરે જ હશો ને?ચાલ્યાં તો નહી જાઓ ને?
રાત્રે પણ ખાતરી કરી લેતી કે મમ્મી-પપ્પા ચાલ્યાં તો નથી ગયાં ને.
જુદાં પડતી વખતે કાનન ને સમજાવવી બહુ જ અઘરી પડતી.દુઃખ તો ધૈર્યકાન્ત અને સરૂબેન ને પણ થતું.
ક્યારેક સરૂબેન પતિને કહેતાં. “કાનનને સાથે ન રાખી શકાય? દાદીને પણ થોડો આરામ મળે.”
“લાડકોડમાં છોકરું બગડી જાય.અહીં રહે તો અભ્યાસમાં પણ ધ્યાન ન આપે.દાદીને કામવાળી કે રસોઇવાળી રાખવાની ક્યાં ના છે.” આવું કહી ધૈર્યકાન્ત વાતને ઉડાડી દેતા.
કડક સ્વભાવના અને શિસ્તના આગ્રહી ધૈર્યકાન્ત ન સમજી શકતા પત્નીની લાગણી અને ન સમજી શકતા કાનનની લાગણી.એને માટે તો નોકરી જ સર્વસ્વ હતી.
રજાઓ પડે કે કાનન પહોંચી જાય મમ્મી-પપ્પા પાસે.બહુ જ બધાં અરમાનો સાથે,બહુ જ બધી ઈચ્છાઓ સાથે.પણ પૂરાં તો કોઈક જ થાય.પપ્પાની ટકટક સતત ચાલુ જ હોય.કાનન ધૂળમાં ન રમાય,કાનન મોટેથી ન બોલાય. અને ‘વધારે તોફાન કરીશ તો ગોંડલ પાછી મોકલી દઈશ’ એ ધમકી તો ઉભી જ હોય.કાનન નો દિવસ તો પપ્પા ઓફિસે જાય પછી જ શરૂ થાય અને પપ્પા ઓફિસેથી આવે એટલે પૂરો.
શરૂશરૂમાં કાનન જિદ્દે પણ ચડતી અને પૂછતી પણ ખરી.
“પપ્પા,તમને વેકેશન ન હોય? હું જેટલા દિવસ અહીં રોકાઈ હોઉં એટલા દિવસ તમે પણ રજા લઇ લો તો કેવું સારું?”
ક્યારેક ધૈર્યકાન્ત એકાદ વીક ની રજા પણ લેતા.પણ ત્યારે તો એની ટકટક, શિખામણો,સૂચનાઓ એટલી વધી જતી કે કાનન પણ ઈચ્છતી કે પપ્પા જલ્દી જલ્દી ઓફિસે જાય.
કાનન ની ઉંમર વધવા સાથે ધૈર્યકાન્ત નાં નિયંત્રણો પણ વધવા માંડ્યાં અને કાનન નું વેકેશનમાં મમ્મી પપ્પા સાથે રોકાવાનું ઘટવા માંડ્યું.
રમત રમતમાં કાનન એસ.એસ.સી અને હાયર સેકન્ડરી પાસ પણ થઇ ગઈ.બન્ને બોર્ડ એક્ઝામ માં પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો.ધૈર્યકાન્ત તેની અભ્યાસની પ્રગતિથી એકદમ ખુશ હતા.કાનન ના અભ્યાસમાં પૈસાની તંગી ન પડે તેનું સતત ધ્યાન પણ રાખતા.અભ્યાસ સંબંધી કાનન ની કોઈ પણ માગણી મંજૂર થતી.અભ્યાસ જ એક એવી બાબત હતી કે તેમાં કાનન ને સંપૂર્ણ સ્વતંત્રતા રહેતી. પત્નીને પોતે નોકરી છોડાવી દીધી હતી પણ કાનન ભણી ગણીને આર્થિક રીતે પગભર થાય તેવી તીવ્ર ઈચ્છા તેમની હતી.
બારમાં ધોરણ સુધી કાનન એકદમ નિર્દોષ હતી.સ્વભાવમાં પણ એવી જ ચંચળતા ટકી રહી હતી.જેવા નિર્દોષ સંબંધો બહેનપણીઓ સાથે હતા એટલા જ સહજતાથી છોકરાઓ જોડે પણ સંબંધો રાખતી,જાળવતી.તેનું વ્યક્તિત્વ જ એવું હતું કે કોઈને પણ એની સાથે મિત્રતા રાખવી ગમતી.જેવી ધૈર્યકાન્ત ને જયારે પોતાના પિતા, એટલે કે દાદાજી, મારફત આવી બાબતોની ખબર પડી કે તરત જ જાહેર કરી દીધું કે કાનન હવે અહીં માંડવી ભણશે.ધૈર્યકાન્ત નું હાલનું પોસ્ટીંગ માંડવી હતું અને ત્યાં કોલેજ પણ હતી.
કાનન માટે તો આ સાવ નવું હતું.
કાનન ના નિરુત્તર પ્રશ્નોની હારમાળા માં વળી નવા પ્રશ્નો ઉમેરાયા.કાનન ને એ જ સમજાતું નહોતું કે છોકરાઓ જોડે મિત્રતા કેમ ન રખાય? તેના નિર્દોષ સ્વભાવને જાણે કે જમાનાનો રંગ જ નહોતો લાગ્યો.તેના માટે પપ્પાનાં આ નિયંત્રણો સમજ શક્તિથી બિલકુલ બહાર હતાં.
અને આમ કાનને ગોંડલ છોડવું પડ્યું. માંડવી શિફ્ટ થઇ.
કાનન પોતાની જાતને પિંજરામાં કેદ પંખી જેવી અનુભવવા લાગી.

(ક્રમશ:મંગળવારે)