Ek Hati Kanan.. - 3 books and stories free download online pdf in Gujarati

એક હતી કાનન... - 3

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - ૩)

ગમે તે કારણે કાનન અને મનને સરનામાંની આપલે ન કરી.કદાચ ભાવિ પર પૂરતો વિશ્વાસ.
“બેન કોનું કામ છે?”
“એ... બેન કોનું કામ છે?”વિચારમગ્ન કાનને પહેલીવાર સાંભળ્યું નહીં એટલે શોર્ટિંગ વિભાગના કર્મચારીએ થોડા ઊંચા અવાજે કહ્યું.
મનન સાથેની પોતાની પ્રથમ મુલાકાતમાં ખોવાયેલી કાનન પોસ્ટ ઓફીસના શોર્ટિંગ વિભાગના એક કર્મચારીના પ્રશ્નથી ઓચિંતી ઝબકી ગઈ.
“મારે,મારે રમણભાઇ નું કામ છે, તેમને બોલાવી આપશો?”
“સામે બેસો.” ટપાલી એ એક લાકડાના બાંકડા સામે ઇશારો કરી કહ્યું.
કાનન બાંકડા પર બેસીને ઝડપથી બની ગયેલા બનાવો વિશે વિચારી રહી હતી. કેટલું બધું બની ગયું હતું એના જીવનમાં?
એમાં પણ છેલ્લા થોડા દિવસમાં બનેલા બનાવો એટલા ઝડપથી બની ગયા હતા કે તેને વિચારવાનો સમય જ નહોતો મળ્યો. રહી રહીને તેને એક જ પ્રશ્ન સતાવતો હતો કે માણસના અહં,જીદ આગળ લોહીના સંબંધોની કોઇ જ કિમત નહીં? લાગણીના સંબંધોનો આ તે કેવો દુરુપયોગ?
“બોલો બહેન,” રમણભાઇના અવાજે તેની વિચારયાત્રા ને બ્રેક મારી.
“આ છે મારું ગોંડલનું સરનામું. મારી કોઇ પણ ટપાલ આ સરનામે રીડાયરેક્ટ કરવાની, ભૂલ્યા વિના. આમ તો ઓફિસીયલ રીતે અરજી આપી જ છે, પરંતુ મારું તમને આ અંગત કામ.” કાનને સરનામાનો કાગળ રમણભાઇ ને આપતાં સૂચના આપી.
“ભલે બહેન,હવે તમે બિલકુલ ચિંતામુક્ત રહેજો. આ જવાબદારી હવે પોસ્ટ ખાતાં કરતાં મારી અંગત વિશેષ રહેશે” સરનામાનો કાગળ ખિસ્સામાં મૂક્તાં રમણભાઇ એ તેને ધરપત આપી.
”બહેન એક વિનંતી કરું? હોદ્દાની રીતે નાના માણસો ભાગ્યે જ પામતા હોય એવી લાગણી અને વર્તન આપના તરફથી મળ્યાં છે તો આજે મારી ચા નું માન નહીં રાખો?”
રમણભાઇ ના આગ્રહને ટાળી ન શકી કાનન.
રમણભાઇ માટે પણ કાનન અજાણી તો નહોતી જ. અવારનવાર ટપાલ દેવા જતા એટલે તેને ઓળખતા હતા. વધારામાં કાનનને ઘરે પાણી પીવા રોકાવાનો તેમનો રોજિંદો નિયમ. તેમાં પણ ખાસ ટપાલની રાહ જોતી, ઉત્સુક્તાપૂર્વક રાહ જોતી, રમણભાઇએ નામ યાદ કરવાનો પ્રયત્ન કર્યો, મનન, બરોબર એની જ ટપાલની રાહ જોતી કાનન તેને બરાબર યાદ હતી. અને તેમાં પણ કાનનની ખાસ સૂચના,મનનની ટપાલ હાથોહાથ દેવાની પણ તેને યાદ હતી. કાનન રાહ જોતી હોય અને મનન નો પત્ર ન હોય ત્યારે તો પોતાના પગ પણ ઢીલા પડી જતા અને પોતે પણ કારણ વિનાનો અપરાધભાવ અનુભવતા. કાનન પણ રમણભાઈનો અપરાધભાવ ઓછો કરવા કે પોતાની ઉત્સુક્તા છુપાવવા પાણીનો ગ્લાસ લાવીને ધરી દેતી.
“મનન ની ટપાલ હોય છે ત્યારે તો પાણીનો ગ્લાસ પણ નથી મળતો” રમણભાઇ ને પોતા દ્વારા થતી કોમેન્ટ પણ યાદ આવી.
વિદાય લેતી લેતી કાનન ના ચહેરા પર પોતાની રમણભાઇ સાથેની વાતચીત ને તાકી રહેલા કર્મચારીઓ માટે અણગમાના ભાવો સહજ રીતે ઉપસી આવ્યા.
કાનન ને એ પ્રશ્ન હંમેશાં સતાવતો કે સમાજને પુરૂષ અને સ્ત્રીના સંબંધોને એક જ દ્રષ્ટિથી જોવાની અને વિચારવાની ટેવ કેમ હશે ? શું પુરૂષ અને સ્ત્રી વચ્ચે મૈત્રી ન હોઈ શકે? સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધોને શંકાની દ્રષ્ટિથી જોવાની આપણા સમાજની આ ટેવ ક્યારે છૂટશે?
જો કે સેંથીમાં સિંદુર જોઈ સમજી ગયેલા રમણભાઈને પણ એ વાત ન સમજાઈ કે હવે મનન ની ટપાલ તો આવવાની નથી તો રીડાયરેક્ટ કોની ટપાલ કરવાની હશે?
પોસ્ટ ઓફિસથી ઘરે જતી વખતે રસ્તામાં કાનન રમણભાઈ ના સહકારપૂર્વક વર્તન ઉપર વિચારી રહી હતી.હોદ્દાની રીતે નાના માણસો માત્ર સારાં વર્તનની જ આશા રાખતા હોય છે,જે ભાગ્યે જ મળે છે તેના ઉપરીવર્ગ તરફથી કે લોકો તરફથી. કાનનને હોદ્દાની રીતે નાના પણ મનના મોટા,લાગણી ભૂખ્યા આવા લોકો પ્રત્યે વિશેષ પક્ષપાત હતો.
ઘરે જતી વખતે કાનન માનવ સ્વભાવની ખાસિયતો વિશે વિચારી રહી હતી અને એમાં પણ પપ્પાના સ્વભાવ વિશે. એક જ શબ્દમાં કહેવું હોય તો જીદ્દી,જીદ્દી,જીદ્દી.
કાનનના વિચારો ફરી પાછા નજીકના ભૂતકાળ ના બનાવો પર કેન્દ્રિત થયા. કેવા વિચિત્ર સંજોગોમાં અહીં હતી? હજી ગઇ કાલે જ લગ્ન થયાં હતાં મનન સાથે અને આજે પિયર હતી, મનનના ઘર ને બદલે.
કાનન ને લાગ્યું કે તેને થોડાં એકાંત ની જરૂર છે.શાંતિ ની જરૂર છે. ક્યાંક અહીં આવવાનો હેતુ માર્યો ન જાય.બગીચામાં એક સરસ ખૂણો શોધી બેસી ગઈ.
ભૂતકાળમાં,બાળપણની યાદોમાં સરી પડી કાનન.
મમ્મી પાસેથી સાંભળેલી વાતો સપાટી પર તરી આવી.મમ્મી એ એકવાર કીધેલું.
“તારા પપ્પા એ બહુ નાની ઉમરે માં ગુમાવી. દાદાએ નોકરી અને પપ્પાના ઉછેર વચ્ચે સમતોલન જાળવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઘરના સંજોગો એ દાદાને બીજાં લગ્ન કરવા મજબૂર કર્યા અને આગમન થયું તારા હાલનાં દાદીબાનું એટલે કે પપ્પાના ઓરમાન માં નું. તારાં દાદી એ પપ્પાને જાળવી પણ લીધા. પરંતુ બે વર્ષ બાદ તારી ફઈ એટલે કે પપ્પાની ઓરમાન બેન ના આગમને પરિસ્થિતિ બદલી નાખી. સ્વાભાવિક રીતે જ દાદીબાએ પપ્પાની ઓરમાન બેનનું વધારે ધ્યાન રાખવું પડતું. દાદીએ બેલેન્સ જાળવવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ઘરની જવાબદારી ઉપરાંત બે બાળકના ઉછેરની જવાબદારીમાં તારા પપ્પા તરફ ધ્યાન ઓછું અપાતું હોય એવું લાગ્યું. તારા પપ્પા તો આ બધી વાતો સમજવા માટે નાના હતા પણ તારા દાદા આ વાત સ્વીકારી ન શકયા.”
મમ્મીએ વાતનો દોર સાધતાં આગળ ચલાવ્યું.
“ગમે તે કારણે દાદાના મનમાં એવી લાગણી ઘર કરી ગઇ કે પુત્રીના જન્મ બાદ તેની બીજી પત્ની પોતાના પુત્રનું ધ્યાન નથી રાખતી અને તેના પરિણામે તેઓ તારા પપ્પાનું વધારે પડતું ધ્યાન રાખવા લાગ્યા,આળપંપાળ કરવા લાગ્યા અને આમ તારા પપ્પાના જીદ્દી સ્વભાવના બી રોપાયાં. બે વર્ષ બાદ તારા પપ્પાની બીજી બેનના આગમને પરિસ્થિતી એટલી હદે બગાડી નાખી કે બાપ-દીકરો બન્ને સાથે મળીને એકબીજાની જીદને પોષવા લાગ્યા અને આ સ્થિતિ એટલે સુધી વણસી કે પૂર્વગ્રહનાં આ બી વટવૃક્ષની જેમ સમગ્ર સ્ત્રી જાતિ તરફની નફરતમાં પરિણમ્યાં. સમય જતાં આ નફરતમાં ઘટાડો થયો પણ તારા પપ્પાનો જીદ્દી સ્વભાવ તો કાયમ રહ્યો.”
કાનન સમજણી થઇ ત્યારથી તેના અનેક નિરુત્તર પ્રશ્નોમાંથી પપ્પાનો સ્વભાવ એ તેના માટે યક્ષપ્રશ્ન રહ્યો હતો. કુદરતની ભેટ સમાન તીવ્ર યાદશક્તિ તેના માટે શ્રાપરૂપ બની ગઇ છે એવું તે અનુભવતી. દાદીબા અને મમ્મી પાસેથી સાંભળેલી વાતોના આધારે ઘણીવાર પપ્પાના સ્વભાવના અંકોડા મેળવવાના પ્રયત્ન છતાં પણ ઘણું બધું તેના માટે હજુ પણ રહસ્ય જ રહ્યું હતું.
બાળમાનસ હંમેશાં નાજુક હોય છે અને તેના પર પોતાના માતા-પિતાના વર્તનની અસરો ખૂબ ઊંડી પડતી હોય છે. યોગ્ય રીતે બાળઉછેર કરવા માગતાં માતા-પિતાએ ઉપદેશથી દૂર રહી પરસ્પરનાં વર્તનમાં અને બાળક પ્રત્યેનાં વર્તનમાં ખૂબ જ સંભાળ રાખવી જોઇએ. નાની ઉંમરે બાળકના મનમાં બંધાતી ગ્રંથિઓ આગળ જતાં સ્વભાવ ઘડતરમાં કેટલો મોટો ભાગ ભજવે છે તેનું જીવંત ઉદાહરણ હતા ધૈર્યકાન્ત.
કાનન ને દાદીબાની કેટલીક વાતો પણ યાદ આવી.
“ધૈર્યકાન્ત નામ ભલે તારા પપ્પાનું પણ ધૈર્યશીલ સ્વભાવ તો તારાં મમ્મી સરૂબેનનો. આત્મવિશ્વાસ,ધીરજ અને શાંત સ્વભાવનો ત્રિવેણી સંગમ એટલે તારાં મમ્મી. મમ્મીના શાંત સ્વભાવથી ક્યારેક હું અકળાઇ પણ જતી.”

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED