પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 10 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 10

૧૦) પ્રેમનો ઈલાજ, પ્રેમ.
સિદ્ધાર્થના સ્વસ્થ થવાની ખુશી ઘરમાં સૌના મુખ પર વર્તાય રહી હતી. સિદ્ધાર્થની વર્તણુકમાં ઘણો ફરક આવી ગયો હતો. તેમછતાં ડૉ.વિશાલભાઈએ સ્નેહાને હજુ સિદ્ધાર્થના વર્તન પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી. એટલે સિદ્ધાર્થને સ્નેહા જોડે હજુ વધુ સમય પસાર કરવાનો મોકો મળી ગયો. સિદ્ધાર્થ જ્યારે પણ સ્નેહા જોડે હોઈ ત્યારે આત્મિય ભાવ વધી જતો. તેને સ્નેહા જોડે ગાઢ સબંધ થઈ ગયો હતો.

મિતેષભાઈને સિદ્ધાર્થ સંપૂર્ણ સ્વસ્થ જણાયો. તેઓ વિલંબ કર્યા વિના જ સિદ્ધાર્થ પાસે જઈને નિર્મલભાઈની છોકરી તાન્યા જોડે લગ્ન કરવાની વાત કરી. સિદ્ધાર્થે કોઈ જવાબ ન આપ્યો. તે ચુપચાપ રહ્યો. નિર્મલભાઈએ ધંધાના ફાયદા અને તાન્યાના વખાણ કર્યા, પણ સિદ્ધાર્થ આગળ તે બધું નિર્થક ઠર્યું.
" પપ્પા, આ મારી જિંદગી છે. મને મારી રીતે જીવવા દો. મને પૈસા કે ધંધાની લાલસા નથી. મારે મારી જિંદગી જીવવી છે અને આજ પછી મને ક્યારેય આ બાબતે વાત ન કરતા. " સિદ્ધાર્થે સીધેસીધી ના જ કહી દીધું. મિતેષભાઈને કશું બોલવા જેવું રહ્યું નહિ. તે ડૉ. વિશાલભાઈ પાસે પહોંચી ગયા. તેમને સિદ્ધાર્થ તાન્યા જોડે લગ્ન કરી લે, તે માટે કોઈ ઉપાય કરવા કહ્યું. ડૉ.વિશાલભાઈએ તે વાતની ચર્ચા સ્નેહા જોડે કરવા કહી.

મિતેષભાઈએ સ્નેહાને મળવા માટે ઑફિસમાં બોલાવી.સ્નેહાના મનમાં સિદ્ધાર્થને લઈને અઢળક વિચારો ચાલી રહ્યા હતા. કેમ કે સિદ્ધાર્થનું વલણ સ્નેહા માટે લાગણીભર્યું હતું.તેથી તે સિદ્ધાર્થથી દુર જવા માગતી હતી. તે મનોમંથન સાથે ઑફિસે પહોંચી.
" આવ સ્નેહા, બેસ." મિતેષભાઈ સ્નેહાને કઈ રીતે સમજાવવી તે વાત બનાવવા લાગ્યા.
" સ્નેહા,હવે સિદ્ધાર્થને કેવું છે?"
" એકદમ સ્વસ્થ થઈ ગયો છે અને હવે એને ઈલાજની જરૂર નથી જણાતી. "
" તારો ઉપકાર માનું એટલો ઓછો છે. તું ન હોત તો સિદ્ધાર્થનું શું થતું? " સ્નેહા ઈશારા સાથે અભિવાદન સ્વીકાર્યું. " સિદ્ધાર્થની લાગણી દુબાવવાનું જે પાપ મારાથી થયું છે એનું શું?" તે કહેવા માંગતી હતી પણ ચૂપ રહી ગઈ.
" સ્નેહા તારે બીજું એક કામ કરવાનું છે. (સ્નેહા વિસ્મય ચહેરો બનાવીને મિતેષભાઈ સામે જોયું.) સિદ્ધાર્થને તાન્યા સાથે લગ્ન કરવા રાજી કરવાનો છે."
હું એની સામે જ જઈ શકતી નથી અને ઉપરથી એવું કામ આપ્યું કે ફરી તેની લાગણીને ઠેસ પહોંચે. " સિદ્ધાર્થ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે એટલે તેની જિંદગીના બધા જ નિર્ણય ખુદ લઈ શકે છે. એને પરાણે કે મરજી વિરુદ્ધ કોઈ નિર્ણય થોપવાની જરૂર નથી."
" પણ તું સમજાવીશ તો તે માની જશે અને તારી બધી જ વાત તો તે માને છે. બેટા, એક બાપ માટે આટલું કર."
સ્નેહા દ્વિધામાં મુકાયેલી હતી. તેના લગ્ન અઠવાડિયા પછી થવાના હતા. તેથી જ તો સિદ્ધાર્થથી દુર જવા ઈચ્છતી હતી.

"મારું કામ તેનો ઈલાજ કરવાનો હતું, તે મેં કર્યું." સ્નેહા લગ્નની વાત જણાવતા બોલી, " મારા લગ્ન આવતા અઠવાડીયે છે એટલે મારી પાસે પણ સમય નથી." સ્નેહાની ડાયરી હાથમાં આપતા, " લો, સ્નેહાની ડાયરી , મારા માટે અમાનત સમાન નીવડી."

ઑફિસના દરવાજોનો અવાજ આવતા, સ્નેહા અને મિતેષભાઈનું ધ્યાન તે તરફ ગયું.જોયું તો સિદ્ધાર્થ ગુસ્સામાં ત્યાંથી જઈ રહ્યો હતો. સિદ્ધાર્થ વાત સાંભળી ગયો એ વાતની સ્નેહાને ફાડ પડી. તે ન ઈચ્છવા છતાં સિદ્ધાર્થની પાછળ ગઈ. સિદ્ધાર્થ ગુસ્સામાં ગાડી લઈને ત્યાથી જતો રહ્યો.
"સ્નેહા, સિદ્ધાર્થને રોક ?" મિતેષભાઈ ગભરાયેલા સ્વરે બોલ્યા.
" તમે ચિંતા ન કરો. સિદ્ધાર્થ એવું કશું જ નહીં કરે અને તે ક્યાં ગયો હશે એની પણ મને ખબર છે." એમ કહીને સ્નેહા સિદ્ધાર્થની પાછળ ગઈ.
સિદ્ધાર્થ બગીચાની બેન્ચ પર ઊંડા વિચારો કરતો બેઠો હતો. તેની નજર સ્નેહા પર પડતા, " હવે તો હું સાજો થઈ ગયો છું. કશું બાકી રહી ગયું કે શું ઈલાજ કરવામાં?"
"સિદ્ધાર્થ, તું ખોટું ન વિચાર."
" હું કશું વિચારવા જ નથી માંગતો. તું ચિંતા ન કર, ફરી તારે ઈલાજ કરવાની જરૂર નહીં પડે.હું ખુશ છું." સિદ્ધાર્થ મોટેથી હસવા લાગ્યો. પણ તેની હસીમાં દર્દ સ્પષ્ટપણે જણાય આવતું હતું.
" સિદ્ધાર્થ હજી તું મને ખોટી સમજી રહ્યો છે. " સ્નેહા રડતાં-રડતાં કહ્યું.
" હવે તો સ્નેહાના રૂપમાંથી ડૉ. સ્નેહાના રૂપમાં આવી જા. અને કહેવું પડે તારી અભિનય કલાને, હુબેહૂ સ્નેહા બનીને મને ભ્રમમાં મૂકી દીધો. હું તો તને સ્નેહા સમજીને પ્રેમ જ કરવા લાગ્યો હતો.પણ.... " સિદ્ધાર્થ ત્યાં જ થોભી ગયો. " અઠવાડિયા પછી તારા લગ્ન છે તો ત્યાં તું ખુદની જ ભૂમિકા અદા કરજે." ટોણા મારીને સિદ્ધાર્થ ત્યાથી જતો રહ્યો. સ્નેહા પોક મૂકીને રડવા લાગી. તેને પણ અંદરથી ખરાબ લાગી રહ્યું હતું, પણ સમયે જે ખેલ ચલાવ્યો તે મુજબ થયું.

સિદ્ધાર્થ ગંભીર બની ગયો હતો. તે અંદરથી ભલે ઘવાયો હતો પણ બહારથી તો સ્વસ્થ બની ગયો હતો. તે ઑફિસે જવા લાગી ગયો હતો અને દરેક વ્યવસાયને લગતા નિર્ણય લેવા લાગી ગયો હતો. બીજી તરફ સ્નેહાના લગ્નની ધામધૂમથી તૈયારી શરૂ હતી. ઘરમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. પણ સ્નેહાના ચહેરા પર ગંભીરતા છવાય ગઈ હતી. ચોમેર હસતા ચહેરા હતા ત્યારે સ્નેહાની આંખોમાં પાણી હતું. લગ્નનો દિવસ જેમ વધુ નજીક આવી રહ્યો હતો તેમ તેમ સ્નેહા તૂટી રહી હતી, હારી રહી હતી. તે સિદ્ધાર્થના વિચારોમાં અટવાઈ ગઈ હતી.
લગ્નનો દિવસ સામે આવીને ઉભો રહી ગયો. શરણાઈ, ઢોલ અને સરગમ રેલાઈ રહી હતી. સૌ કોઈ લગ્નને માણવા માટે ખુશી પ્રગટ કરી રહ્યા હતા. જાનની પધરામણી થવાની તૈયારી જ હતી.સ્નેહાના મમ્મી સ્નેહાની બહેનપણીઓને મીઠો ઠપકો આપતા બોલ્યા, " તમે બધી કેટલી તૈયાર થશો, જાઓ સ્નેહાને તો જુઓ કે તૈયાર થઈ કે નહીં."
સ્નેહાની બહેનપણીઓ સ્નેહાના રૂમમાં ગઈ અને રૂમમાં જઈને જોયું તો સ્નેહા કશે જ જોવા ન મળી. ચારેબાજુ ઘરમાં સ્નેહાની શોધખોળ ચાલુ થઈ ગઈ, પણ સ્નેહા નજરે ન પડી. છેવટે બધે શોધ્યા પછી તેની એક ચિઠ્ઠી હાથ આવી. "મારે પ્રેમનો ઈલાજ કરવાનો બાકી રહી ગયો હતો, બસ તે જ કરવા માટે જાઉં છું. તમે મારી ચિંતા ન કરતા."

*********

" કેમ અંધારામાં બેઠો છે.ઘરે નથી જવાનું કે શું ? " સિદ્ધાર્થ અવાજ તરફ નજર કરતા જ જોતો જ રહી ગયો.
" તારા તો આજે લગ્ન છે અને તું અહીંયા શું કરે છે?"
"ઈલાજ કરવા આવી છું."
" હું તો સંપૂર્ણપણે ઠીક છું તો મારો શું ઈલાજ કરીશ તું?"
" સિદ્ધાર્થ, હું તારો નહીં પણ મારો ઈલાજ કરવા આવી છું. મારા દિલનો , મારા પ્રેમનો ઈલાજ કરવા આવી છું."
"હજુ તારા દિમાગમાંથી સ્નેહાનું ભૂત નથી ઉતર્યું?"
" હું ક્યારેય સ્નેહા નથી બની. મારી પાસે સ્નેહાની ભલે ડાયરી હતી પણ, એ ડાયરીનું એકપણ પાનું નથી વાંચ્યું. ત્યારે પણ હું જ હતી અને આજે પણ હું જ છું." સ્નેહા ઘૂંટણ સરખી બેસીને સિદ્ધાર્થને એકરાર કરવા લાગી.
" હું તારાથી દુર જવાના જેટલા પ્રયત્ન કર્યા તેમ તેમ નજીક આવતી ગઈ. સિદ્ધાર્થ, તું મારા પ્રેમનો ઈલાજ બનીશ."

સિદ્ધાર્થ સ્નેહાને બાથમાં ભરીને રડવા લાગ્યો અને બોલ્યો, " પ્રેમનો ઈલાજ, પ્રેમ જ હોઈ શકે."

--- સમાપ્ત---