પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 2 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 2

૨) મનોચિકિત્સા
સવારના દસના ટકોરે મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને મનોચિકત્સક ડૉ. વિશાલ પાસે લઈ જવા માટે નીકળ્યા. દાદીને એ વાતની જાણ થતાં જ મિતેષભાઈને રોકયાં.

" મિતેષ, લોકો સિદ્ધાર્થ માટે કેવી-કેવી વાતો બનાવશે? આપણો સિદ્ધાર્થ વગોવાય જશે." દાદી સમાજની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
" એનાં સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. લોકોએ જે વિચારવું હોઈ તે વિચારશે પણ આપણે આપણા સિદ્ધાર્થનું વિચારવું રહ્યું." એમ કહીને મિતેષભાઈ દવાખાને જવા નીકળી પડ્યા.

મિતેષભાઈના પર્સનલ આસિસ્ટને દવાખાનામાં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી; એટલે મિતેષભાઈને રાહ જોવાની જરૂર નહોતી. તે તો સીધા ડૉક્ટરની પાસે જ જતા રહ્યા. એમ પણ પૈસાદાર વ્યક્તિને કોઈ જગ્યાએ રાહ જોવી નથી પડતી. પૈસાના જોરે બધું જ કરી લેતાં હોઈ છે, પણ ગરીબ માણસે તો લાઈને લાગવું જ પડે છે. ડૉ.વિશાલભાઈ મિતેષભાઈ સાથે વાતચીત કરતાં જતાં હતા અને સિદ્ધાર્થના વર્તન પર નજર નાખતા જતાં હતાં. સિદ્ધાર્થના ચહેરા પર બેચેની વર્તાય રહી હતી. તે સતત વિચારોમાં જ હતો.
"હેલ્લો, સિદ્ધાર્થ કેમ છે તું?" ડૉક્ટરે વાતચીત કરવા માટે પૂછ્યું. સિદ્ધાર્થે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. ડૉક્ટરે પણ વાતચીત કરવા માટે ફોર્સ કર્યો નહિ.
" ડૉક્ટર, તે કોઈ જવાબ નહિ આપે. બસ એમજ ગુમસુમ અને વિચારોમાં ખોવાયેલો જ રહે છે." મિતેષભાઈ બોલ્યા.
" સિદ્ધાર્થ, ક્યારથી આવું વર્તન કરે છે? " સિદ્ધાર્થ વિશે માહિતી પૂછતાં ડૉક્ટર બોલ્યા.

" છ મહિના સુધી કોમામાં રહ્યો અને કોમામાંથી બહાર આવ્યા પછી પણ, દોઢ મહિનેથી આવું જ વર્તન કરે છે."

" સિદ્ધાર્થને કોમામાં જવાનું શું કારણ હતું. કોઈ અકસ્માત કે પછી.....?" ડૉક્ટર વાક્ય પૂર્ણ કરે એ પહેલાં જ મિતેષભાઈને ફોન આવે છે. ફોન પર વાત કરી દીધા પછી ડૉક્ટરને,
" સોરી ડૉક્ટર, કંઈક કામ આવી ગયું છે એટલે હમણાં જવું પડશે. પણ આવતીકાલે સિદ્ધાર્થ અને તેનાં દાદી આપણી પાસે આવી જશે તો કાલની એપોઇમેન્ટ પાકી રાખો."

" ઓકે."

સિદ્ધાર્થને લઈને મિતેષભાઈ નીકળી જાય છે. એક ગાડીમાં સિદ્ધાર્થને ડ્રાઇવર જોડે ઘરે મોકલી દે છે અને બીજી ગાડીમાં તે નીકળી જાય છે. એક વ્યાપારી માણસ પોતાના પરિવાર કરતાં પણ ધંધાને વધુ મહત્વ આપે છે.
દાદી ઘરની બહાર જ સિદ્ધાર્થની રાહ જોઈને ઊભા હતા. એટલામાં સિદ્ધાર્થ એકલો જ ડ્રાઇવર જોડે ઘરે આવ્યો.
" શેઠ ક્યાં ગયા?" દાદીએ ડ્રાઈવરને પૂછ્યું.
" તેમને કંઈક કામ આવી ગયું એટલે દવાખાનેથી જ સીધા ઓફિસે જતાં રહ્યા." ડ્રાઈવરે જણાવ્યું.

બાપ માટે બેટાથી વિશેષ કામ બીજું શું હોઈ શકે? આવી હાલતમાં પણ દીકરાને એકલો મૂકતા જીવ કેમ ચાલ્યો! દાદી મનમાં પોતાના દીકરાને ખરુંખોટું સંભળાવવા લાગ્યા. મનમાં બબડતાં બબડતાં સિદ્ધાર્થ તરફ ધ્યાન ગયું એટલે 'ડૉક્ટરે શું કહ્યું હશે ? સિદ્ધાર્થને સારું થઈ જશે કે કેમ ? ' એ બધી ચિંતા થવા લાગી.
"હવે, મિતેષ આવે એટલે જ ખબર પડે." એમ કહીને સિદ્ધાર્થને ઘરમાં લઈ ગયા.

દાદી અને સિદ્ધાર્થ સોફા પર ગોઠવાયેલા હતા. સિદ્ધાર્થ તો સ્નેહાની જ ધૂનમાં હતો અને દાદી ઘડિયાળ સામે તાકી રહીને મિતેષભાઈની આવવાની રાહ જોઈ રહ્યા હતા. માણસ જ્યારે કોઈ ચિંતામાં હોઈ કે પછી કોઈ સમાચાર જાણવાની તાલાવેલીમાં હોઈ ત્યારે તે સમય પસાર કરવો કપરો બની જતો હોય છે. સમય થતાંજ મિતેષભાઈ ઘરે આવ્યા.

" ડૉક્ટરે, સિદ્ધાર્થને શું કહ્યું ? સારું થઈ જશે કે?" દાદી પ્રશ્નો સાથે મિતેષભાઈ પર વરસી પડ્યા.
" ડૉક્ટર કંઈક કહે તે પહેલાં જ ખાસ કામ આવી ગયું એટલે વાત થઈ નહિ. પણ આવતીકાલે તમારે સિદ્ધાર્થને લઈને જવાનું છે." વાત પૂરી કરતાંની સાથે જ ફોન વાગે છે. મિતેષભાઈ ફોન પર વાત કરતા કરતા તેમના રૂમમાં જતા રહે છે તો બીજી તરફ દાદી સિદ્ધાર્થના માથામાં વ્હાલભર્યો હાથ ફેરવે છે.

બીજા દિવસે સવારે દાદી અને સિદ્ધાર્થ દવાખાને ગયાં. સિદ્ધાર્થને કોમામાં જવા પાછળનું કારણ જાણવાનું ગઇકાલે અધૂરું રહ્યું હતું ત્યાંથી જ ડૉક્ટરે શરૂઆત કરી.
" સિદ્ધાર્થ કૉમામાં કેવી રીતે ગયો?"
" સિદ્ધાર્થને કૉમામાં જવા પાછળનું કારણ પ્રેમ છે." દાદીએ જવાબ આપ્યો.
" સિદ્ધાર્થને સારું તો થઈ જશે કે?" દાદીએ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા.
" થોડો સમય લાગશે, પણ સારું થઈ જશે." ડૉક્ટર સિદ્ધાર્થના વર્તનનું નિરીક્ષણ કરતા કરતા બોલ્યા. તે સતત સિદ્ધાર્થના હાવભાવ, હલનચલન અને વર્તન પર નજર રાખી રહ્યા હતા. થોડાં સમય પછી બોલ્યા, " સિદ્ધાર્થ લાગણીશીલ સ્વભાવવાળો છે એટલે કોઈપણ ઘટનાની અસર મન ઉપર વધુ થાય છે. તો મને સિદ્ધાર્થના જન્મથી લઈને કૉમામાં જવા સુધીની એવી ઘટના વિશે માહિતી આપો જેની તેના મન પર સીધી અસર થઈ હોય."

દાદી સિદ્ધાર્થના બાળપણમાં ડોકિયું કરીને,તેની સાથે બનેલી ઘટના વિશે માહિતી આપવા લાગ્યા.

ક્રમશઃ.......