પોસ્ટકાર્ડ - જીવનનો ટુકડો SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોસ્ટકાર્ડ - જીવનનો ટુકડો

પોસ્ટકાર્ડ- જીવનનો ટુકડો

'તમારો પત્ર મળ્યો. વાંચીને આનંદ થયો.' આ ઉક્તિ અત્યારે એકદમ વરિષ્ઠ નાગરીકોને જ યાદ હશે. એ સંબોધનો સાથે લખાતાં પોસ્ટકાર્ડ એક પીળા રંગનાં પાતળાં કાર્ડનો નહીં, આપણા જીવનનો એક ટુકડો હતાં.


'રા.રા. શ્રી …. રાય', (મનમાં તો 'ભાડમાં જાય'), 'પ્રિય હ્રદયવાસીની', (વિવાહ બાદ. પછી તો 'બાબલાની બા', કદાચ એ પણ નહીં. સીધા શરૂ!) જેવાં સંબોધનો અને 'પાય લાગું', 'સાષ્ટાંગ પ્રણામ' વડીલોને કે 'તમારા ચરણોની દાસી' એમ પત્ની પતિને શરૂના દિવસોમાં લખતી ત્યારે સામું પાત્ર આપણી સમક્ષ અમુક લાગણી સાથે ઉભું હોય એવું ચિત્ર આંખ સામે આવી જતું.


ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફિસ વાંચી હશે. તેમાં દીકરીના એક પત્ર માટે તલસતો વૃદ્ધ એમ જ રાહ જોતો મૃત્યુ પામે છે અને ત્યાં જ દીકરીનો સાચે જ ખુશખબરનો પત્ર આવે છે. બીજી અમર કૃતિ 'આંધળી મા નો કાગળ' કવિતા હતી જેમાં ગામડે નિરાધાર થઈ ગયેલી આંધળી મા દીકરાને પોતાની આપવીતી લખે છે પણ સાથે 'કાયા તારી રાખજે રૂડી' કહેવાનું ચૂકતી નથી. સામે મા પ્રત્યે અનુકંપા હોવા છતાં લાચાર દીકરો માની કેટલીક ગેરસમજ દૂર કરે છે એ 'દેખાતા દીકરાનો જવાબ' પણ વાંચવા જેવું કાવ્ય હતું. સરસ્વતીચંદ્રમાં તો કાગળ લખવાની વાત અવારનવાર આવે છે. કુમુદ અને સરસ્વતીચંદ્રનો પત્રવ્યવહાર પણ યાદગાર છે. આ બધું વાંચતાં પોસ્ટકાર્ડ યુગની યાદ તાજી થઈ.

રવીન્દ્રનાથ ટાગોરની ફિલ્મ ‘ડાકઘર’, રાજેશ ખન્નાની ફિલ્મ ‘આખરી ખત’, ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર’.., ‘બડે દીનોકે બાદ વતનસે ચિઠ્ઠી આઈ હે’.., ‘ફૂલ તુમ્હે ભેજા હે ખત મેં ‘.., ‘કોરા કાગજ થા યે મન મેરા’..., ‘હમને સનમ કો ખત લિખા’.. જેવાં સુંદર ગીતો યાદ આવી જાય.

‘સુરભિ’ શ્રેણીના ‘સવાલ જવાબ’માં વચ્ચે પોસ્ટકાર્ડથી છલોછલ ભરેલી ત્રણ ચાર તાંબા કુંડીઓ રાખી રેણુકા શહાણે પત્ર ઉપાડે એટલે લખનારને કેબીસીમાં એક કરોડ લાગ્યા જેવો આનંદ થાય.

રેડીઓ પર ફરમાઈશ પ્રોગ્રામમાં 'મુળજીભાઈ, નાથાભાઈ, કાનજી, ગંગા, 70 વર્ષનાં જમકુબા અને બે વર્ષની ગગી' તરફથી અમુક ગામથી મોકલાતી ફરમાઈશ બધાં જ નામ સાથે વંચાતી. પછી ભલે એમાં અર્ધા ગીત જેટલો સમય જાય.

પોસ્ટકાર્ડને નાના અક્ષરોથી ભરી દઈ જેટલું બને તેટલું સમાવી દેવાનું ચલણ હતું. કેટલાક તો ખૂબ ખૂબ વાતો પોસ્ટકાર્ડમાં ઠાલવી દેવા આતુર હોય તો એવું બનતું. સામે કેટલાકને બે ચાર શબ્દોમાં જ કહેવાનું કહી દેવાની ફાવટ હતી તેથી પોસ્ટકાર્ડ લેખન ક્યારેય ખાસ ન વખણાએલી, અપ્રસિદ્ધ કલા હતી.

પાછલી સાઈડ કોરી રાખવી અશુભ મનાતું ઍટલે છેવટે ઓમ લખતા. ઉઘરાણીના પોસ્ટકાર્ડ હોય તો વેપારી પોતાની જાહેરાતનો છાપેલા ચિત્રને બદલે રબરસ્ટેમ્પ મારતા જેથી કોમર્શિયલ પોસ્ટની કેટેગરીમાં ન આવે.

સ્કેમ 1992 વિશે જોયું ન હોય તો સાંભળ્યું હશે. એ શેરબજારની તેજીમાં છોકરા છોકરીઓ ભાડે રાખી અમે શેર લે વેંચ કરી આપશું, તમને માલામાલ કરી આપશું, આજે જ અમારી પાસેથી શેર લો' જેવાં પોસ્ટકાર્ડ લખાવાતાં. સાદાં પોસ્ટકાર્ડ પર રતનપોળના સાડીવાળાઓ જાહેરખબર ઘેરઘેર મોકલતા. આગળ એમના વિશે લખાણ હોય અને પાછળ સ્ટેમ્પ. નહીંતો કોમર્શિયલ ગણી વધુ ચાર્જ થાય.


પાછલી બાજુ ક્યારેય કોઈ કોરી ન રાખતું.

એ પાછલી જગ્યા વિશે સ્મરણ- એક મિત્ર કોઈને નહીને એની વાગદત્તાને પોસ્ટકાર્ડ, એ પણ આવું ખીચોખીચ નાના અક્ષરે લખતા! લગ્નને વરસ બાકી હતું અને દર ત્રીજે દિવસે લખવાનું એમાં સુંદર કવર ક્યાંથી પોષાય?


ઇનલેન્ડ લેટર એટલે કે બંધ કાગળમાં તો ‘જળ વગરની માછલી’, ‘તારી પ્રેમવર્ષાનો પ્યાસો’ ને એવું પ્રેમીઓ ગાંધીરોડની ફૂટપાથ પર મળતી પોકેટ બુકો વાંચી લખતા.


પોસ્ટકાર્ડમાં ટૂંકું લખાણ એ પણ એક કળા હતી. હજી ક્યાંક પત્રલેખન સ્પર્ધાઓ યોજાય છે પણ એ વિસ્તૃત અને વિચારશીલ પત્રોની. ‘થોડામાં ઘણું કરી વાંચજો’, ‘દીકરીનું હસતું મોં જોવા આતુર છીએ’, ‘આપ (જમાઈ) પધારશો’, ‘ આવી સ્થિતિ છે બાકી તેજીને ટકોરો’ એવાં નિશ્ચિત અર્થ વાળાં વાક્યો વપરાતાં. ‘સ્નાન કરી વાંચજો’ લખ્યું હોય એટલે કોઈ ઉપર સિધાવ્યું. નજીકનાને તાર, દુરનાને પોસ્ટકાર્ડ.

બાળપણમાં જોયેલું યાદ છે કે પાડોશીને એમના બહાર ભણતા પુત્રે એક પોસ્ટકાર્ડમાં આગળ સામાન્ય પોતાના ખુશખબર લખી પાછળ એ મા-બાપનો ફોટાથી પણ લાઈવ પેન્સિલ સ્કેચ દોરેલો!


હોસ્ટેલમાં નોટીસબોર્ડ જેવું હોય એના ઉપર ત્યાં રહેતા વિદ્યાર્થીઓનાં પોસ્ટકાર્ડ લટકતાં. બધામાં સરખું જ લખ્યું હોય તો પણ કુતૂહલથી છાનામાના બીજાઓનાં પોસ્ટકાર્ડ વંચાઈ જતાં.

દિવાળી પોસ્ટકાર્ડનાં તો સેલ લાગતાં અને પાછળ જાતે દોરેલ ડિઝાઇનની કે ચિત્રની ક્રિએટિવિટી ઉત્તમ ગણાતી અને એની પ્રશંસા થતી- પ્રાપ્ત કરનાર મિત્રોને બતાવીને પોરસાતો.


સાદાં ગ્રીટિંગકાર્ડ પણ એકબાજુ કોઈ ભગવાન કે કુદરતી દ્રશ્ય પ્રિન્ટ કરેલાં ફેરિયાઓ પાસે વેંચાતાં. મોટે ભાગે એ જ મોકલાતાં.

'જાણી આનંદ થયો', 'મારા વતી પ્રણામ કહેશો', 'જેવી હરિ ઈચ્છા'(કોઈ ઉકલી જાય કે સંતાનની લગ્ન માટે ના પાડવા માટે), 'મારા વતી મને યાદ કરી ખાજો', 'મારા વતી ... ને રમાડજો' જેવાં સ્ટાન્ડર્ડ વાક્યો લખવામાં આવતાં હતાં.

કેટલાક પત્રો અર્ધા તો સહુ વડીલો, કુટુંબીઓ અને આડોશીપાડોશીનાં નામ યાદ કરીને જ ભરી મુકાતા.

સરકારે ટીવી, રેડીયો પરની સ્પર્ધાઓનાં થોકબંધ પોસ્ટકાર્ડ જોઈ સ્પર્ધાનાં પોસ્ટકાર્ડના 3 રૂ. સામાન્યના 50 પૈસા રાખેલા.

દૂર રહેતા પુત્રને ‘તબિયત સાચવજે, ખાવા પીવાનું ધ્યાન રાખજે, ઓઢજે પહેરજે’ વગેરે અને પરણેલી પુત્રીને મા ‘અમુક વ્રત કરજે, ઘરનાને સાચવજે, તબિયતના ખબર જમાઈ પાસે લખવતી રહેજે’ એવી સલાહો લખાતી જ. સામે પુત્ર પણ ‘મઝામાં છું, ચિંતા ન કરશો’ ને એવું લખતો જ. ફોન તો લક્ઝરી હતી. બસ પુત્રના અક્ષરો મળે એટલે મા-બાપનો કોઠો ઠરે. વાર લાગે તો મા ટપાલીની વાટ જોયા કરે.

‘આપને ત્યાં અમુક કન્યા રત્ન છે... આપના સુપુત્ર ... વિશે શ્રી ... એ વાત કરી છે’ એવાં પોસ્ટકાર્ડે તો ઘણી જિંદગી બનાવી છે સામે કેટલાંક પોસ્ટકાર્ડે જિંદગી તોડી પણ છે.

‘વેલકમ ટુ સજ્જનપુર’ ફિલ્મમાં શ્રેયાંસ તળપદે પોસ્ટઓફિસ બહાર બેસી કાગળ લખવાનું જ કામ કરતો હોય છે ને એમાંથી કોઈની જિંદગી સુધારે છે, પોતે નોવેલીસ્ટ બને છે.

આપણી સંસ્કૃતિ સાથે પોસ્ટકાર્ડ અને એની ખાસ શૈલી વણાઈ ગયાં હતાં. હવે તો પોસ્ટઓફિસમાં પણ પોસ્ટકાર્ડ મળતાં નથી. વોટ્સએપ અને ઈમેઇલથી ઘડીના છઠ્ઠા ભાગમાં નાના સંદેશમાં મોટું કહેવાય છે. પાંપણના પલકારાથી પણ જલ્દી વિશ્વના બીજા છેડે સમાચાર મળી જાય છે.

પોસ્ટકાર્ડના ઉપયોગો કેવા થતા? વડીલોને તેમાં સુદર્શન ચૂર્ણની ચમચી ઠાલવી મોંમાં ફાકતા જોયા છે. અરે કોઈ જગ્યાએ સ્ક્રુ ઢીલો પડતો હોય તો પોસ્ટકાર્ડને ફાડીને તેની ટુકડી ભરાવતા. એક મિત્ર ટુ વ્હીલરનો મીરર ઢીલો પડી ગયો હોય તો પોસ્ટકાર્ડ ખોસતા! એક મિકેનિક એ જ પ્રમાણે ટુ વ્હીલરની ગ્રીપ પર ગ્રીઝ લગાવી પોસ્ટકાર્ડથી કાળું લૂછતા! ભૈયાઓ એની ટોપલીમાંથી દાળ સરી જતી અટકાવવા કોઈએ ફેંકી દીધેલ પોસ્ટકાર્ડ થી બાઉન્ડરી બનાવતા અને ગુજરાત એક્સપ્રેસ જેવી ટ્રેઇનમાં તળેલી દાળવાળો તમને છાપાંના ટુકડામાં દાળ આપી ખાવા ચમચી તરીકે પોસ્ટકાર્ડનો ટુકડો આપતા. ગૃહિણીઓ કિચન શેલ્ફ પર ચરક કે ઢોળાએલી વસ્તુ ઉપાડવા પોસ્ટકાર્ડને હાથવગાં રાખતી.


સમય સાથે ઘણું બદલાય છે. ફેસબુક ને વોટ્સએપ મેસેજની સંસ્કૃતિ પર અસર ચોક્કસ દેખાય છે, તેમાં પણ અવનવી લેખનકલા ડોકિયું કરી જાય છે પરંતું જેટલી અને જેવી અસર પોસ્ટકાર્ડના નાના ટુકડે સંદેશ આપવાથી થતી હતી એ તો અલગ જ હતી. એ નાનાં એવાં કાર્ડનો ટુકડો આપણા અંતરનો અરીસો હતો. ‘હું તો કાગળિયા લખી લખી થાકી’ એમ ગોપી કહે છે પણ કોઈ ‘હું વોટ્સએપ કરી થાકી’ એમ નથી કહેતું.

'તે હી નો દિવસા ગતાઃ '
-સુનિલ અંજારીયા