લગ્નની કંકોત્રીનાં લોચા Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નની કંકોત્રીનાં લોચા

લેખ:- લગ્નની કંકોત્રીનાં લોચા😂😂😂
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની






લગ્ન એ આપણાં સમાજનું સૌથી પવિત્ર બંધન ગણાય છે. કારણ એટલું જ છે કે આ બંધન તો માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ થાય છે, પણ જોડાઈ જાય છે બે અજાણ્યા કુટુંબો એકબીજાથી. જે બે વ્યક્તિઓ આ બંધનથી જોડાય છે એ સમય જતાં ક્યાં તો એકબીજાનો શ્વાસ બની જાય છે, ક્યાં તો ગૂંગળામણ.


આ પ્રસંગની સૌથી મુશ્કેલ બાબત એટલે એમાં બોલાવવા કોને અને કોને અવગણવા એ નક્કી કરવું. ખરીદી અને અન્ય બાબતો તો ગમે તે રીતે પતાવી દેવાય છે, પણ આમંત્રણ આપવા માટેનાં સગાઓની યાદી બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. કોઈને ખોટું ન લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે.


આ યાદી બની ગઈ, એની બે ત્રણ વાર ઘરનાં તમામ સભ્યો દ્વારા ચકાસણી થઈ ગઈ, હવે આવે છે બીજું સૌથી મુશ્કેલ કામ - લગ્નની કંકોત્રી. સૌથી પહેલાં તો એની ડિઝાઈન નક્કી કરવામાં જ ઘણો સમય લાગી જાય છે. ઘરનાં તમામની પસંદગી અલગ અલગ હોય છે. કોઈને સાદી કંકોત્રી ગમે તો કોઈને એકદમ આકર્ષક!


કંકોત્રીની ડિઝાઈન નક્કી થયાં બાદ વારો આવે છે એમાંના લખાણનો. કોઈક દીકરીને લગતી લાગણીશીલ રચનાઓ લખાવે છે તો કોઈક દાંપત્યજીવનની મધુરતા દર્શાવતાં કાવ્યો! પોતાનાં ઈષ્ટદેવ અને કુળદેવીની કૃપાદ્રષ્ટિ તો એમાં સમાવિષ્ટ હોય જ છે.


પણ સાચું કહું ને તો ખરી મજા તો કંકોત્રીમાં લખેલ ટહુકો વાંચવાની જ આવે!


જો કોઈ છોકરાના લગ્ન હોય તો લખ્યું હોય,

"મારા કાકા/મામાના લગ્નમાં જરૂરથી આવજો."

તો વળી ક્યાંક લખ્યું હોય,

"માલા કાકા/મામાના લઘનમાં જલુલ જલુલથી આવજો."

ને પછી નીચે બધાં ટાબરિયાઓના નામ હોય.

તો વળી છોકરીના લગ્નની કંકોત્રીનો ટહુકો એટલે,

"મારી માસી/ફોઈનાં લગ્નમાં જરૂરથી આવજો." અથવા તો બાળકની કાલી ભાષામાં, "માલા માછી/ફિયાનાં લઘનમાં જલુલ જલુલથી આવજો."

પછી એમનાં વ્હાલા ભાણીયા, ભત્રીજા તેમજ ભાણી, ભત્રીજીઓના નામ હોય.


હવે તમને વર્ષો પહેલાંનો એક રમૂજી કિસ્સો કહું. મને નાનપણથી જ બધી કંકોત્રી સાચવવાનો શોખ હતો. હવે નથી. કંકોત્રી વાંચી એમાંથી ભૂલ શોધવાની મજા જ કંઈક અલગ હોય છે. ક્યારેક તો એમાં એવી ભૂલો હોય છે કે હસી હસીને બેવડ વળી જઈએ.


હું મારાં એક પડોશીને ત્યાં એમની નાની દીકરીને રમાડવા માટે ગઈ હતી. એમનાં ઘરે એક કંકોત્રી પડી હતી. ખૂબ જ સુંદર અને આકર્ષક હતી એ. મેં તો લઈને વાંચવા માંડી. હવે એમનાં સમાજમાં એવો રિવાજ કે જેમની સાથે લોહીની સગાઈ થતી હોય એવા તમામના નામો કંકોત્રીમાં ફરજીયાત લખવાના. આ જ કારણે એમનાં ઘરની કંકોત્રી હંમેશા વધારે પાનાની હોય. એમાં એક પાનું તો આખું દર્શનાભિલાષીઓના નામથી જ ભરેલું હોય. ઉપરાંત, દરેક વિધી વખતના નામો તો અલગ.


આ કંકોત્રીમાં દીકરીને લગતું એક સુંદર મજાનું લાગણીશીલ કાવ્ય હતું, તો દીકરાને સંસારનો સાર સમજાવતું કોઈ કાવ્ય હતું. સૌથી નીચે ટહુકો હતો.


"મારા કાકા/મામા/ફુવાના લગ્નમાં જરૂરથી આવજો." હું તો વાંચીને હસવા જ માંડી. ઘરમાં પેલાં કાકા, કાકી (ત્યારે અંકલ, આંટીનો જમાનો ન્હોતો) મને પૂછ્યા કરે કે, "શું થયું? કેમ આટલું બધું હસે છે?" પણ હું એકવાર હસવાનું શરુ કરું ને પછી તાત્કાલિક બંધ કરવાનું થોડું મુશ્કેલ છે. થોડી વાર પછી જ્યારે માંડ માંડ હસવાનું રોકાયું ત્યારે મેં એ કાકાને કહ્યું,


"કાકા, આ કંકોત્રી છપાવવા પહેલાં તમારાં સગાએ સરખી રીતે વાંચીને ભૂલો ન્હોતી સુધારી?" (અમારાં ઘરમાં પ્રુફ રીડિંગ થતું એટલે મેં આમ પૂછી નાંખ્યું. બુદ્ધિશાળી ખરી ને!😂) તો કાકાએ આ પ્રશ્ન પૂછવા પાછળનું રહસ્ય પૂછ્યું.


મેં કહ્યું, "કાકા, ટહુકો વાંચો. મારા ફુવાનાં લગ્નમાં આવવાનું લખ્યું છે. લગ્ન તો થયાં નથી હજુ. ફુવા કેમનાં થઈ ગયા?" ને પછી જે એમની હાલત થઈ છે!😂😂😂 પણ હવે કશું થઈ શકે એમ ન્હોતું, કેમ કે કંકોત્રી વહેંચવાનું અને નિમંત્રણ આપવાનું કામ એમનું પતી ગયું હતું.

બસ, એમણે એટલું નક્કી કર્યું કે આ લગ્નની કંકોત્રી વિશે કોઈ સાથે ચર્ચા કરવી નહીં.


આવું છે કંકોત્રીનું કામકાજ! લખવાથી માંડીને વહેંચવા સુધીમાં માણસને અડધો કરી નાંખે. એમાંય આવા લોચા વળી જાય તો કેવું લાગે?😀


જો તમે બધાં, આવી નાનકડી રમુજ શોધતા રહો અને હસતાં રહો.


આભાર.


સ્નેહલ જાની