વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી

લેખ:- વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





"ના હં મમ્મી, એ લાયબ્રેરીનાં સભ્ય બનવા માટે મને નહીં કહે. આ બધું મારાથી નહીં થાય. સ્કૂલનાં ચોપડા ઓછાં છે કે તુ એમાં બીજા ઉમેરવાની વાત કરે છે?"


વિશાલ હાલમાં આઠમા ધોરણમાં ભણે છે. એની મમ્મી એક ગૃહિણી છે, પરંતું વાંચનની શોખીન. એમનો નવરાશનો બધો સમય પુસ્તકો વાંચવામાં જાય. એમની ઈચ્છા છે કે એમનો દિકરો વિશાલ પણ લાયબ્રેરીનો સભ્ય બને, અને કંઈ નહીં તો રોજનું એક પાનું પુસ્તકમાંથી વાંચે. પરંતુ આજની પેઢીનો એ છોકરો ભણવાના પુસ્તકો જ જેને ભારરૂપ લાગતાં હોય એ વળી અન્ય પુસ્તક તો ક્યાં વાંચે?


હવે આ માતા અને દિકરાના કિસ્સામાં શું થયું એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે બાળકને નાનપણમાં મોબાઈલમાં કાર્ટૂન બતાવતાં બતાવતાં મોંમાં કોળિયા ભરવાને બદલે એને બધાંની સાથે જમવા બેસાડશો તો બધાંની ભેગું ભેગું એ પણ બધું જ ખાતાં શીખશે અને મોબાઈલથી દૂર રહેશે.


હવે જેને મોબાઈલની આદત જ નથી એને હાથમાં પુસ્તક આપવામાં વાંધો નથી આવતો. આને માટે બાળક નાનું હોય ત્યારથી જ એને ઘરનાં સભ્યો પણ વાંચતા દેખાય એ જરુરી છે, પછી ભલે ને એ વર્તમાનપત્ર હોય! દરેક વર્તમાનપત્રમાં દર શનિવારે નાનાં બાળકો માટેની જે પૂર્તિ આવે છે એ ખરેખર ખૂબ જ સરસ હોય છે. આમાં આવેલી ચિત્રવાર્તાઓથી તમે બાળકને વાંચનની શરૂઆત કરાવી શકો. એકવાર રસ જાગશે પછી એ જાતે જ આ સિવાયનાં પાનાંઓ જોવા માંડશે અને ધીમે ધીમે એને વાંચનની આદત પડી જશે.


એને માત્ર વાંચનની આદત નથી પાડવાની, સાથે સાથે એ જ્ઞાન પણ આપવાનું છે કે કયું સાહિત્ય વાંચવા યોગ્ય છે અને કયું નથી! નાની નાની વાર્તાઓથી શરૂઆત કરાવી એને મોટા લેખ વાંચવા તરફ વાળી શકાય. જ્યારે બાળક નાનું હોય અને વાંચતુ હોય ત્યારે એને સમજાવવાનું પણ રાખો કે એ જે વાંચે છે એ શું કહેવા માંગે છે. આનાથી એને વધારે રસ જાગશે. બાળકને જ્યારે વાંચેલી બાબતો સમજાતી થાય ત્યારે જ એને વધારે વાંચનની ભૂખ જાગે. પછી એને કશું કહેવું પડતું નથી. એ જાતે જ વાંચન ચાલુ રાખશે.


હવે તમને એમ થશે કે વાંચીને બાળકને શું મળશે? તો તમને જણાવી દઉં કે આજકાલ જે બાળકોનાં માનસિક રીતે હતાશ થઈ જવાનાં, આત્મહત્યા કરવાનાં, એકતરફી પ્રેમમાં ખોટું પગલું ભરવાનાં, કિસ્સાઓ આવે છે એને માટે ઓછું વાંચન, વધારે પડતો ખોટી દિશામાં વિડીયો જોવો, અને મિત્રો દ્વારા ખોટી માહિતિ મેળવવા જેવી બાબતો ભાગ ભજવે છે.


માત્ર ગુજરાતી જ નહીં, દરેક ભાષામાં સાહિત્ય જગત ખૂબ જ વિશાળ છે. અસંખ્ય પ્રેરણાત્મક વાર્તાઓ, સામાજિક વાર્તાઓ, માહિતિસભર લેખો તમને મળશે, જે બાળકોને વાંચવા મળે તો ચોક્કસથી જ તેમની માનસિકતા મજબૂત બનાવી શકાય. ઉપરાંત મહાનુભાવોનાં જીવનચરિત્રો પણ એટલાં જ પ્રેરણાદાયી હોય છે. બાળકોને એ વાંચવવા જ જોઈએ. જેટલું સારુ વાંચન એટલું સારુ આચરણ!


માનસિક રીતે સ્વસ્થ રહેવા અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થિતપ્રજ્ઞ રહેવા માટે સારુ વાંચન ખૂબ જ અગત્યનું છે. એક સારા પુસ્તકથી સારો મિત્ર કોઈ નથી. ઉચ્ચ વિચારોની સાથે સાથે માનસિક સ્વસ્થતા પણ વાંચન થકી મળે છે. કોઈ પણ ખોટું પગલું ભરવાની હિંમત ક્યારેય થતી નથી. વડીલો હોય કે નાનાં, સૌને આદર આપતાં શીખવા મળે છે. 'જેવું વાંચન તેવા વિચાર અને તેવું જ આચરણ' એ ઉક્તિ અનુસાર વાંચનની ટેવ પાડવી જ જોઈએ. વાંચન એ એકમાત્ર સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી છે.


આ લેખ વાંચનાર સૌને એક જ વિનંતિ કે ઘરનાં બાળકોને વાંચનની આદત પાડો. મોબાઈલ વાપરતાં અટકાવવાની જરુર નથી, પણ સાચી રીતે મોબાઈલ વાપરે એનું ધ્યાન રાખવું. પહેલાં મોબાઈલમાં વાંચવાની આદત પાડો, પછી ધીમે ધીમે પુસ્તક વાંચવાની આદત પડી જશે


આભાર.

શ્રીમતી સ્નેહલ રાજન જાની