હું અને અમે - પ્રકરણ 38 (છેલ્લો ભાગ) Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 38 (છેલ્લો ભાગ)

પોતાની બહેનને વિદાય આપી એટલે એના જતા જતા દરેક લોકો જતા રહ્યા. ઘરના દરેક સભ્યોને લઈને લલ્લુકાકા પણ પોતાને ઘેર જતા રહ્યા. મોહનને તો પહેલાથી જ કહી દેવાયું હતું કે લગ્ન પછી તે ફરી મયુરના ઘરમાં જતો રહેશે. મયુર પણ રાધિકા સાથે પોતાના ઘેર ગયો અને વધ્યું તો બસ એટલું કે રાકેશ અને એની શરાબ.

જોકે એક રીતે રાકેશે બહુ મોટી સફળતા મેળવી લીધી હતી. એક સાથે રહીને પણ વિરોધમાં ચાલતા મહેશ અને પોતાના પરિવારને સાથે બેસતા ઉઠતા કર્યા. કાર્તિકની આશાને ફોગટ ન જવા દીધી અને પોતાની બહેનને એક સુખી અને સારો સંસાર શરૂ કરાવ્યો. એના માટે આ બધામાંથી પસાર થવું એ કોઈ આસાન કામ નહોતું. એને ઘણી બધી મુશ્કેલી આવી, પણ અડગ ઉભા રહી એણે પોતાની સાથે જે થયું એ અવની અને કાર્તિક સાથે ન થવા દીધું. એથીયે વિશેષ કે અવનીને કાર્તિકના પરિવારે હસતા મોઢે સ્વીકારી. આથી એને એ વાતનો પૂરો સંતોષ હતો કે કાર્તિકે અવનીને દુઃખી નહિ થવા દેવાનું જે વચન આપ્યું છે તે ખાલી નહિ જાય.

તેઓના લગ્ન પછી પહેલીવાર જ્યારે તેણે ગૃહ-પ્રવેશ કર્યો, તો એ પણ જબરદસ્ત રીતે કરાયો. આવતાની સાથે જ વર્ષાએ પોતાના એકના એક દીકરાની વહુને પોતાના જ ઘર જેવો અહેસાસ કરાવી દીધો. " નીડર અને મક્કમ થઈ જે જોઈએ તે માંગી લેજે. મનની વાત મનમાં ન રાખતી." કહી વર્ષાએ એને સ્વતંત્રતા અને માની હૂંફ આપી દીધી. વાજતે-ગાજતે તેઓનું ઘરમાં સ્વાગત કરાયું. પ્રીતના જીતની ખુશીએ તેઓને આજે પત્ની અને પતિનું સૌભાગ્ય સોંપી દીધું અને પામેલા પ્રણયે બંને નવદંપતી એકમેકમાં ઓળઘોળ બની ગયા. વચમાં રહેલી દરેક સીમાઓનો અંત આવી ગયો અને અવનીએ પોતાની જાતને કાર્તિકના હસ્તગત કરી દીધી.

અત્યાર સુધી એકલા રહેતા રાકેશના જીવનમાં બહેન બની અવનીના રૂપમાં ખુશી આવી. પણ એક જ ઝટકામાં જાણે એનાથી બધું જ છીનવાઈ ગયું. અવનીના પગ ઘરની બહાર નીકળતા જ કોઈએ રાકેશની ભાળ લેવાનું પણ ગણકાર્યું નહિ. સ્તબદ્વ બની એક જ મુદ્રામાં રાકેશ હાથમાં શરાબનો ગ્લાસ લઈને બેઠો રહ્યો. ઝાઝરમાન ઘર આજે અંધારધોમ બની ગયું. ફરી આજે રાધિકાએ સુતા સમયે બારીમાંથી ડોકિયું કર્યું. પરંતુ એને રાકેશના ઘરમાં ના તો અજવાળું દેખાયું કે ના એના ઘરમાં કોઈ હલચલ દેખાય. ચિંતાની લકીર સાથે તેણે પોતાની બારી બંધ કરી અને મયુરની બાજુમાં સુઈ પોતાની રૂમની લાઈટો બંધ કરી દીધી.

સવાર પડતા જ અવની વર્ષાના કામમાં હસ્તક્ષેપ કરવા લાગી અને પોતાના ઘરની જેમ જવાબદારીઓને ઉઠાવતા થઈ ગઈ. રસોડામાં પોતાના હાથની પહેલી રસોઈ બનાવતે સમયે વર્ષાએ તેને પૂછ્યું, "અવની, તે ઘેર ફોન કરી રાકેશના સમાચાર પૂછ્યા?"

"મન તો થાય છે કે અત્યારે જ ફોન કરું. પણ કદાચ એ હજુ જાગ્યો નહિ હોય. થોડે મોડેથી ફોન કરીને એની સાથે વાત કરી લઈશ."

"ઠીક છે, જેવી તારી મરજી. બાકી તારા પપ્પાએ લલ્લુભાઈને ફોન કરી બોલાવી લીધા છે. આજે જ બધું રીત-રિવાજનું કામ પતિ જાય એટલે પછી નિરાંતે તમારે જે કરવું હોય, ક્યાંય બહાર જવું હોય તો તમે જઈ શકો."

"મને લેવા માટે તો ભાઈ જ આવવાના છેને?"

"એની તો મને ખબર નથી, તારા પપ્પાએ કહ્યું છે કે લલ્લુકાકા સાથે વાત થઈ, એણે કીધું છે કે નિરવ અને મનાલી આવી જશે."

હસીને વર્ષાએ તેના ગાલ નીચે વ્હાલ ભર્યો હાથ ફેરવતા વાત કરી. એની વાતને પણ એક નાનકડી મુસ્કાન આપી અવનીએ બિરદાવી લીધી. થોડે મોડેથી અવનીએ પોતાના રૂમમાં જઈને ભાઈને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ ફોન ના ઉપાડ્યો.
"ભાઈએ ફોન ના પાડ્યો! હજુ સુધી નહિ જાગ્યો હોય?" વિચારતા તેણે થોડીવાર પછી ફોન કરવાનો નિર્ણય લીધો.

લગભગ દસેક વાગ્યે કહ્યા પ્રમાણે નિરવ અને મનાલી બંને અવનીને લેવા માટે આવી ગયા. હસ્તે ચેહરે અવનીએ કાર્તિકના નામનું મંગળસૂત્ર અને ભાઈના આપેલા આભૂષણો પહેરી નિરવભાઈ સાથે ચાલી નીકળી. લગ્ન પછી પહેલીવાર પિયરના ઓટલે ગીતાએ પણ અવનીનું સ્વાગત કર્યું. આમ તો અવની રામનંદન સોસાયટીમાં પણ પહેલીવાર જ આવેલી. આવતાની સાથે ઘરના લોકો તેને સમાચાર પૂછવા લાગ્યા. પણ એનું ધ્યાન ઘડિયાળમાં ગયું અને જોયું તો અગિયાર વાગી ગયેલા. એણે ફરી રાકેશને ફોન કર્યો તો આ વખતે ફોન પણ ના લાગ્યો. બે વાર પ્રયત્ન કર્યા પછી એણે ઘરના ફોનમાં ફોન કર્યો. તો ટેબલ પર પડેલાં ફોનમાં માત્ર રિંગ જ વાગી, પણ કોઈએ જવાબ ના આપ્યો. તેનાં મસ્તક પર ચિંતાની લીટી આવી ગઈ.

ગીતા પૂછવા લાગી, "શું થયું અવની બેટા?"

"મમ્મી, હું ક્યારની ભાઈને ફોન કરું છું. પણ એ ફોન નથી ઉપાડતો. ને હવે તો ફોન પણ નથી લાગતો!"

"તું ઘરના ફોનમાં ફોન કરને."

"એ પણ કર્યું મમ્મી. કોઈ જવાબ જ નથી દેતું. મોહનભાઈ પણ સામે મયુરભાઈ ને ત્યાં ચાલ્યા ગયા છે. હું એને ફોન કરું?"

"હા કરને અવની, ખબર તો પડે રાકેશ ક્યાં ગયો છે?" નિરવ કહેવા લાગ્યો. તુરંત તેણે મયુરના ઘેર ફોન લગાવ્યો. આ બધું સોફા પર બેઠેલા લલ્લુભાઈ બસ મો બગાડીને જોઈ રહેલા. પણ ઘરમાં બાકીના દરેક સભ્યની ચિંતા વધી ગઈ અને ફોન પરથી આવતા જવાબની રાહ જોવા લાગ્યા. પેપર વાંચી રહેલો મયુર ત્યાં જ બેઠેલો, ફોનની રિંગ વાગી કે સામે ઊભેલી રાધિકાએ ફોન ઊંચક્યો, "હેલ્લો"

"રાધિકા ભાભી!"

"અવની!"

"હા ભાભી, મારે તમારું એક કામ છે. તમે પ્લીઝ સામે અમારા ઘેર જઈને જુઓને ભાઈ ક્યાં છે?"

"કેમ, શું થયું? બધું બરાબર છેને?" રાત્રીના સમયે સામેના ઘેર અંધારું જોયાની રાધિકાની ચિંતામાં હવે વધારો થયો.

અવની બોલી, " હું ક્યારની તેને ફોન કરું છું પણ તે ફોન નથી ઉપાડતો અને હવે તો તેને ફોન પણ નથી લાગતો."

"ઠીક છે હું ત્યાં જઈને તને ફોન કરું છું." તેણે ફોન મૂક્યો અને જવા લાગી તો મયુરે તેને પૂછ્યું, "શું થયું રાધુ? ક્યાં જાય છે?"

"અવનીનો ફોન હતો. એને કોઈ કામ હશે પણ રાકેશ ફોન નથી ઊંચકતો. એટલે એના ઘેર જઈને જોયાવું કે વાત શું છે?"

"હા ઠીક છે જા." કહી મયુરે તેને જવા દીધી. પણ થોડીવાર વિચાર કરી એ પણ એની પાછળ ગયો.

આ બાજુ દરેક લોકો ચિંતામાં હતા કે શું થયું હશે. અવની તો એકદમ ચિંતાતુર બની બેસી ગઈ, "શું થયું હશે? તે કેમ જવાબ નથી આપતો?"

અવનીની વાત સાંભળી લલ્લુભાઈ બોલવા લાગ્યા, " અરે એની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. દારૂડિયો થઈ ગયો છે, બાટલી નાંખીને પડ્યો હશે ક્યાંક."

"શું બોલો છો તમે પપ્પા? કદાચ આજે રવિવાર છે એટલે મોડે સુધી સૂતો હશે. આમેય કાલે એને ફોન ચાર્જ કરવાનો મોકો નહિ મળ્યો હોય અને એની રૂમ સુધી ઘરના ફોનની રિંગ થોડી સંભળાવાની છે? થાકીને સૂતો હશે, જાગશે એટલે ફોન કરશે." નિરવ બોલ્યો.

એટલામાં શેરીની વચ્ચોવચ એક મોંઘીદાટ ગાડી આવીને ઊભી રહી. સૌ કોઈ એની સામે જોઈ રહ્યા. કોઈએ નીચેથી સાદ કર્યો, " લલ્લુભાઈ, ... ઓ... લલ્લુભાઈ!"

ઘરમાંથી નિરવ અને લલ્લુભાઈએ બાલ્કનીમાં આવીને જોયું તો નીચે કોઈ ગાડી પાસે ઊભેલું અને ગાડીની બીજી બાજુથી શ્વેતા નીચે ઉતરી અને પેલા માણસ સાથે અંદર એના ઘેર આવી. તેણે કાર્તિક અને હકુકાકાને પણ ફોન કરી બોલાવેલા. એ પણ તેની સાથે હતા . તેને જોઈને અવની આશ્ચર્યમાં મૂકાઈ ગઈ.

તે બોલી, "શ્વેતા મેડમ તમે?"

"હા હું."

" શું વાત છે? તમે અહીં આવ્યાં અને આ... " તે યાદ કરતા બોલી, "... આ તો એ જ છેને, જે સંગીતના દિવસે અમારા ઘેર આવેલા અને તમે રાકેશભાઈ સાથે એની રૂમમાં વાત કરતા હતા."

તો પેલો માણસ બોલ્યો, "હા હું એ જ છું. હકીકતમાં હું એક વકીલ છું અને રાકેશભાઈ માટે મે ઘણું કામ કરેલું છે. તમારા સંગીતના દિવસે જ એમણે મને કહેલું કે લગ્નના બીજા દિવસે હું તમારી પાસે આવું અને એનું કામ પૂરું કરું."

" કેવું કામ?" નિરવે પૂછ્યું.

એણે પોતાની પાસેથી એક ફાઈલ કાઢી અને એના હાથમાં આપતા કહ્યું, "આ તેઓની પ્રોપર્ટીની ફાઈલ છે."

નિરવે ફાઈલ હાથમાં લેતાં પૂછ્યું, "એટલે?"

વકીલે જવાબ આપતા કહ્યું, "તેઓએ એસ. એમ. ડિજિટલ માં રહેલા પોતાના તમામ શેયર અને મુંબઈનો સ્ટુડિયો તમારે નામ કરી દિધો છે. સાઈડમાં શરૂ કરેલી લાઇટની ફેક્ટરી એણે અવની અને કાર્તિકને નામ કરી છે. અવની જે ગાડીમાં ફરતી એ ગાડી અને એના માટે જે કંઈ પણ ખરીદેલું એ દરેક એના ઘરમાં છે, જે આજથી અવની અને કાર્તિકને માટે. બાકી રહેતું એનું ઘર અને મુંબઈનો ફ્લેટ બંને અને એનું બેન્ક બેલેન્સ, તમારે નામ કર્યો છે." આટલું કહી તેણે નિરવની ફાઈલ નીરવને અને અવનીની ફાઈલ કાર્તિકને આપી દીધી.

"પણ એણે આ શું કામ કર્યું? અને એ છે ક્યાં?" અવની હજુ પૂછતી જ હતી કે એના ફોનમાં રાકેશના ઘરના ફોનની રીંગ વાગી. અવનીએ તુરંત ફોન ઊંચક્યો અને જવાબ આપ્યો "હલ્લો, ભાઈ?"

પણ સામેથી રાધિકાનો અવાજ આવ્યો, " અવની, હું રાધિકા વાત કરું છું."

"તમે? ભાઈ શું કરે છે?"

"અવની, મે દરેક જગ્યાએ જોઈ લીધું એ દેખાતો નથી. લાગે છે ઓફિસ ગયો હશે."

રાધિકાનો આ જવાબ સાંભળી અવની શ્વેતા સામે જોવા લાગી અને પૂછવા લાગી, " શ્વેતા મેડમ, આ બધું શું ચાલી રહ્યું છે? તમે અહીં આ પેપર લઈને આવ્યા છો, ભાઈને ફોન નથી લાગતો. એ ઘરમાં નથી, તો ક્યાં છે? ક્યાં ગયો છે તે?"

એક ઊંડો શ્વાસ લેતા તે બોલી, "અવની મે તને કહેલું કે કાશ તું જે કહેતી હતી એ સાચું થાત, પણ આ તારું અને મારું સપનું બની ને જ રહી જશે."

"એટલે?"

"અવની રાકેશ ચાલ્યો ગયો છે."

"ચાલ્યો ગયા છે! ક્યાં ગયા છે ભાઈ?"

"અવની, એ... ક્યાં ગયો છે એની તો મને ખબર નથી. પણ આજ સુધી એણે જેટલું મેળવ્યું. એ બધું એ તમને સોંપી કોઈ અજાણ જગ્યાએ જતો રહ્યો છે. એ હવે તારી કે મારી પાસે ક્યારેય પાછો નહીં આવે અવની."

તે બોલી, "તમે જુઠ્ઠી વાત કરો. છોને? મજાક કરો છોને?"

"કદાચ આ મજાક હોત, પણ આ હકીકત છે. સ્વીકારવી પડશે."

પોતાના મોં પર હાથ મૂકી તે અનાયાસ જમીન પર બેસી ગઈ અને એના મુખમાંથી ભાઈનો શબ્દ પોકારતી ચિસ નીકળવા લાગી. ઘરના દરેક સભ્ય જાણે સ્તબ્ધ જ રહી ગયા. કોઈ ફરક ન પડે એવા લલ્લુભાઈ પણ આંસુથી ન્હાવા લાગ્યા. તો આ દરેક સંવાદને ફોન પર સાંભળતી રાધિકાએ ભીની આંખ સાથે હળવેથી ફોન મૂકી દીધો. રાકેશના સદાને માટે ચાલ્યા જવાના સમાચારથી જેટલી અવની તૂટી એટલી જ રાધિકા પણ અંદરથી તૂટી ગઈ.

તે તેના ઘરને જાણે રાકેશને જ જોતી હોય એમ તાકી તાકીને જોઈ રહી. એની રૂમમાં જઈને એની દરેક વસ્તુને જોવા લાગી અને એના રૂમનો એ વિભાગ જ્યાં આજ સુધી જવાની કોઈને મંજૂરી ન્હોતી, પવનથી હલતા પડદા પાછળ જાણે અને કશું દેખાયું. એ ત્યાં જઈને જુવે છે તો એના પોતાના બનેલા પેઇન્ટિંગ થી આખો રૂમ ભરેલો હતો. રાધિકાના જાત જાતના ચિત્રો અને એક એક પલોથી રૂમ ભરેલો. પહેલાથી લઈને આજ સુધી એનો જેટલો સમય રાધિકા સાથે વીતેલો એ દરેકને કેદ કરતી એની ડાયરી પણ એ જ ટેબલ પર પડેલી જેના પર બેસીને રાધિકાએ રોજ સાંજે તેને શરાબ પિતા જોયેલો. એ ડાયરી લેતા તે ટેબલ પર બેઠી તો સામે રાખેલા અરીસામાં એને પોતાના ઘરની બારી દેખાય. એ સમજી ગઈ કે આ અરીસો પણ એણે જાણી જોંઈને જ મુકેલો. એની યાદોથી ભરેલા આ રૂમે રાધિકાને ઊંડે સુધી હચમહાવી દીધી. તેની એ ડાયરીને તે ત્યાંજ મૂકીને બહાર તરફ ચાલતી થઈ. પણ એને એ ખબર ન રહી કે મયુર પણ એની પાછળ આવ્યો છે. એને ખબર ન પડે એ રીતે મયુર એની દરેક ગતિ વિધિને જોતો રહ્યો અને જેવી એ બહાર ગઈ, કે મયુરે રાકેશના એ ખાનગી ખંડમાં પ્રવેશ કર્યો.

જે દ્રશ્ય રાધિકાએ જોયું એને જોઈ મયુર પણ નિઃશબ્દ બની ગયો. એ દરેક વાત સમજી ગયો અને ટેબલ પર પડેલી રાકેશની ડાયરી લઈને બહાર ગયો. આવીને જોયું તો સોફા પર આંસુ સારતી રાધિકા બેઠેલી. એનું ધ્યાન ન રહ્યું કે મયુર એની બાજુમાંથી નીકળી ઘરના મુખ્ય દરવાજે ઉભો છે. ત્યાં જઈને એણે પાછળ નજર કરી તો વિરાન ઘરમાં એકલી બેઠેલી રાધિકા સામે ટાંગેલા રાકેશ અને અવનીના ફોટાને તાકી તાકીને જોઈ રહી હતી. બાજુના ટેબલ પર પડેલા દસ વર્ષ પહેલાના રાકેશના ફોટાને હાથમાં લઈ, એના પર પ્રેમ ભર્યો હાથ ફેરવવા લાગી અને છાતીએ ચાપી લીધો. ગમગીન બની મયુર સમજી ગયો કે રાકેશ સદાને માટે ગુમનામ થયો છે. એ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલતો થયો અને રાધિકા ત્યાં જ રાકેશના ફોટાને જોઈને ચોધાર આંસુએ રડતી તેને યાદ કરી કહેવા લાગી, "રાકેશ! તે મને કહેલું કે હું તને ભૂલી જાઉં. પણ હવે જવાબ દે, હું તને ભૂલી જાઉં એવું કહેવાવાળો તું મને કેમ ન ભૂલી શક્યો?" એ ઘર જે રાકેશના હોવાથી બહુ રળિયામણું લાગતું હતું, વ્હાલું લાગતું, એ આજે રાધિકાને જાણે ખાવા દોડતું હતું. એમાં એના જીવનનો અંત ભાસી રહ્યો હતો. આજે જિન્દગી સમાપ્ત થયાનો ડર લાગી રહ્યો હતો. તેના ગયા પછી આ ઘર પણ ખાલી ખમ હતું અને હવે અહીં એક ક્ષણ રોકાવું એના અંગ અંગમાં અગ્નિ ઊભો કરી રહ્યું હતુ. છતાં તે રાત સુધી ત્યાંથી ના ખસી.

અંતે રાકેશને પોતાનામાં સમાવી, જેમ તેમ કરી જાતને સંભાળી તે મયુર માટે ઊભી થઈ ગઈ અને તેની યાદોને ત્યાં જ મૂકી એ મયુર પાસે ચાલતી થઈ. રાત્રે જમતી વેળાએ મયુર એને શાંત અને ઉદાસ બનેલી જોતો રહ્યો પણ એ કશું ના બોલ્યો. એણે રાધિકાને એના હાલ પર છોડી દીધી. રૂમમાં તે બેઠો હતો અને રાકેશની ડાયરી જોતો હતો કે અચાનક રાધિકા પાછળથી આવી અને મયૂરને એ ડાયરી વાંચતા જોયો. તેણે પોતાનું માથું એના ખભા પર ટેકવી દીધું અને તેને કસીને પકડી કહ્યું, "સોરી મયુર, પણ આજથી હું બસ તારી. માત્ર તુ જ મારો આધાર..."

તેને આલિંગન આપતા મયુર બોલ્યો, " મને તારી કોઈ પણ વાતથી ઇન્કાર નથી, કે ના સરથી. બસ તું મારી પાસે છે, એ જ મારા માટે બહુ થયું. બહુ જ અનોખો સંબંધ મળ્યો છે મને, તારો અને અમારો. "

****

તું તારું કરતો રહ્યો,
શોધું તારામાં મને.
રચ્યો અનોખો આ સંબંધ,
હું અને અમે.