HUN ANE AME - 9 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 9

મોડી રાતે ઘરની બાલ્કનીમાં એક ફોટો હાથમાં લઈ રાકેશ ઊભો હતો.

" શું વાત છે?" પાછળથી આવી રાકેશના ખભા પર હાથ મુકતા સાગરે પૂછ્યું અને પોતાના પરિવારનો ફેમિલી ફોટો જોતા રાકેશે જવાબ આપ્યો " કંઈ નઈ."

" તો અહીં કેમ ઉભો છે?"

"મારે તમને એક વાત કહેવી 'તી."

"બોલ. શું કહેવું છે?"

"જીજુ! હું કાલે વડોદરા જઈ રહ્યો છું."

"વડોદરા?!" આશ્વર્ય સાથે તેણે રાકેશને પૂછ્યું.

"હા"

"કેમ અચાનક? ઓલ ઓકે?"

"ના, ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર જ છે. હું કામ માટે જાઉં છું." થોડી ક્ષણ પછી તેણે ફોટો બાજુમાં મુક્યો અને સાગર સામે જોયું. " દીદી? "

"એ સુઈ ગય છે!... ક્યારે જવાનું છે?"

"એમ, કાલે સાંજે ચાર વાગ્યે જવાનું છે?"

"હમ. હું શિવાનીને કહી દઉં છું. એ સવારે તને પેકિંગ માં હેલ્પ કરશે. ગુડ નાઈટ." આટલું કહી તે રાકેશની પીઠ થાબડી ત્યાંથી ચાલ્યો ગયો અને તે ત્યાંજ ઊભો હતો. ગૂમસૂમ અને નિરાશ થઈને.

______________

વહેલી સવારે દરવાજો ખુલતાની સાથે જ ફઈ ઘરમાં પ્રવેશ્યા અને મોટે અવાજે બધાને કામ ચીંધવાનું કામ હાથ ધર્યું, "એલા હુતા સો કે જાયગા? જાગો જાગો! આ સૂરજ નારણ માથે છડાહ. હું કરો સો?" એટલામાં વનિતા રાધિકાના રૂમમાંથી બહાર આવી. "અરે...! આવો ફઈ."

"હું તો ક્યારનીય આવી, તમી હું કરો સો? આઘડીયા મેં'માન આવશે. વખતનું તો ભાન રાખો."

"અરે બધું થઈ જશે ફઈ. તમે અહીં બેસો, બધું તૈય્યાર જ છે." અમિતાએ ફઈને બાજુમાં સોફા પર બેસાડ્યા. રાધિકાની જેમ અમિતાના લગ્ન પણ ફઈએ જ કરાવેલા. એટલે બધાને મન ફઈ માટે માન હતુ અને માન ખાતર બધા તેનું માનતા. પણ અમિતા ફઈને ભારે પડતી અને ફઇની સામે બધું બોલી નાખે. ફઈને પણ તેની વાત ગમતી અને તે જેમ કહે તેમ ફઈ માની લેતા.

"અરે દીકરી જરા જોતો રાધિકા ત્યાર થય."

"હા હા ફઈ. એ તૈય્યાર થઈ ગઈ છે અને બધી તૈય્યારી પણ કરી વાળેલી છે."

"તો ઠીક. બટા! તું એક હમજણી છો લે"

શેરીમાં તૈય્યારી પુરેપુરી કરેલી અને ખુબ મોટું આયોજન થઈ રહ્યું. રહીશાય દેખાડવામાં કોઈ વાતની તાણ ન રાખેલી. આવું કરવા પાછળનું કારણ પણ હતું. એક તો મહેશ પોતાની મોટાઈ બતાવા માંગતો હતો, બીજું સામે મયુરનો પરિવાર પણ પૈસાવાળો હતો અને તેના આવા વતર્નથી બધા સમજી શકે કે મહેશની હેંસિયત ઊંચી છે અને બન્ને બરાબરીના ઘર છે. તેના આ પ્રસંગમાં તમામ લોકોએ હાજરી પૂરી અને દરેક લોકો ખુશ થયા. મયુરનો પરિવાર પણ ઘણી તૈય્યારી કરીને આવેલો. મહત્તા એવી બતાવી કે બધા વખાણ કરી કહેવા લાગેલા કે રાધિકા નસીબવાળી છે કે મોટા ઘરમાં જાય છે. પણ બધાની વચ્ચે બેસીને પણ તેનું મોં લટકેલું જ હતું.

સગાઈની વિધિ ચાલુ હતી. વનિતાએ મહેશ અને અમિતાને એક બાજુ બોલાવી કહ્યું કે રાધિકા સાથે થોડી વાત કરી તેને સમજાવે તો કદાચ તે ખુશ થાય. મહેશ તરત ગુસ્સે ભરાયો ને કહેવા લાગ્યો, "કોઈ જરૂર નથી. મોં લટકાવે તો વાંધો નય. થોડા દિવસમાં એને પણ ભાન આવી જાશે ને જાતે સમજી જાશે." તો સામે ફઈએ પણ પોતાનું ઉપરાણું લેવામાં કશું બાકી ન રાખ્યું. સગાઈ પત્યા પછી વનિતા મયુર પાસે જઈને બોલી, "રાધિકાનું હજુ એટલું મન નથી લાગતું. તું એની સાથે વાત કરીને તેને સમજાવી લેજે." મયુરે પણ પછી તેની સાથે વાત કરી તેના મનને જાણવાની કોશિશ કરી પણ રાધિકા કશું ના બોલી. અંતે સાંજે બધા ના ગયા પછી નંદિની તેની પાસે આવી અને તેને કહ્યું, "રાધિકા, જો તારી ઈચ્છા હોય તો મન ભરીને રડી લે. પણ હવે મયુર તને જેવી જોવા માંગે છે તેવી બની જા." રાધિકા તેને ભેટી પડી અને ખુબ રડી.

"મારી કોઈ ઈચ્છા નથી અને મારે કોઈને કશું નથી કહેવું. આજે એકવાર ખાલી જો રાકેશ સાથે મુલાકાત થઈ જશે તો મારે તેની સાથે માત્ર એકવાર વાત કરવી છે."

રડતા રડતા બોલતી રાધિકાને પકડી નંદિની આશ્વર્યચકિત થઈ ગઈ અને તેને સમજાવા લાગી, "રાધિકા! શું બોલે છે તું?તને ખબર છે કે આ શક્ય નથી."

"મારે તેની સાથે ખાલી વાત જ કરવી છે."

"ના થઈ શકે રાધિકા. કોઈને ખબર નથી કે તે ક્યાં છે? અને એકવાર તારી પોતાની સામે તો જો. તારી આજે સગાઈ થઈ છે. તેની સાથે એટલું બધું થયા પછી તું તેને મળવા જઈશ ને કોઈને ખબર પડશે તો શું કહેશે બધા? ને જો મહેશભાઈને ખબર પડશે તો? તેનો તો વિચાર કર."

"હું બસ તેને ખાલી એક સવાલ જ પૂછીશ."

"હું તને કશું નથી કહેતી ને વાત તારા એક સવાલની નથી. એક વાર વિચાર કર કે રાકેશ તને મળવા માટે આવશે ખરો?"

"હા. એ આવશે." તેણે એટલા વિશ્વાસ સાથે કહ્યું કે નંદિની બીજું કશું વિચારી જ ના શકી.

"તું એક કામ કર. અહીં જ રહેજે, મને નથી ખબર કે તે ક્યાં છે? મને કોઈ સમાચાર મળે એટલે હું તને જણાવું." આટલું કહી તે ત્યાંથી જતી રહી. ઘરે જઈ તેણે રાધિકાની સગાઈના વખાણ કરી અને વાતોમાં બધાને ગોળ ફેરવી તેણે રાકેશ વિશે પૂછ્યું. નંદિનીને મનમાં થયું કે કદાચ જયંતિભાઈને કે ઘરે જો કોઈને રાકેશની જાણ હોય તો તેની પાસેથી સમાચાર લઈ શકાય. પણ કોઈએ કોઈ જાતનો પ્રત્યુત્તર ના આપ્યો. થોડીવારમાં બધા વિખેરાયા અને જયંતિ એકલો બેઠો રહ્યો. તકનો લાભ ઉઠાવી તેણે જયંતિને રાકેશ વિશે પૂછ્યું. જયંતિએ નિર્દોષ મને તેને કહ્યું, "પાક્કી ખબર તો નથી. પણ નીરવ સાથે વાત થઈ તો તે કહેતો હતો કે તેના કોઈ સગાની સાથે છે. પેલા રઘુકાકા અને તેનો હિતેશ અહીં પાછળ રહેતાને, ત્યાં આજુ બાજુમાં જ ક્યાંક છે."

બસ આટલું સાંભળતાની સાથે જ તે ચમકી અને હિતેશ થકી રાકેશનો કોન્ટેક્ટ થઈ શકે એવો વિચાર મનમાં દોડવા લાગ્યો. ભાઈને વાતોમાં ફસાવી તે ભાઈની ગાડીની ચાવી લઈ રાધિકા પાસે આવી. રાધિકાને બધી જ વાત કરી અને કોઈ બહાનું બતાવી બન્ને સખીઓ હિતેશને મળવા તેના આઈસ્ક્રીમ-પાર્લર પર પહોંચી ગઈ.

પાર્લરના કાઉંન્ટર પર આવી જોયું તો ત્યાં રઘુકાકા હતા.

"અરે! નંદિની, રાધિકા. તમે બન્ને અહીં?" આશ્વર્ય સાથે રઘુએ પૂછ્યું.

"હા કાકા. કેમ છે તમને?" નંદિની બોલી.

"મને શું થવાનું? પણ તમે બન્ને અચાનક અહીં?"

"હા કાકા. હિતેશભાઈનું થોડુંક કામ હતું. ક્યાં છે તે?" રાધિકાએ પૂછ્યું.

"એ તો ઘરે જતો રહ્યો, ઘણી વાર લાગી. જે કામ હોય તે મને કહી દ્યો હું તેને જાણ કરી દઈશ."

બન્ને ચુપ થઈ ગઈ અને એકબીજા સામે જોવા લાગી. રઘુને આશ્વર્ય થયું અને તેણે ફરી પૂછ્યું, "શું વાત છે?"

"કાંઈ નહિ કાકા..."

"અરે જે હોય તે કહી દે. તમે બન્ને ચિંતામાં લાગો છો. વાત શું છે?"

બન્ને ચૂપ થઈ ગઈ અને એકબીજા સામે જોયા કરી. નંદિનીએ કહ્યું, "ના કાકા. એવું કંઈ ખાસ કામ ન્હોતું. અહીંથી નીકળ્યા તો થયું કે તેને મળતા જઈએ."

પણ રઘુ સમજી ગયો. તેના મનમાં વિચાર આવ્યો કે "આજે જ રાધિકાની સગાઈ થઈ અને આ બન્ને એકલી આવી તો રાકેશ માટે તો નથી આવીને?" તેણે રાકેશની જાણ આપવા માટે હિતેશની સાચી વાત કરી " શું છે કે તમારે ત્યાં પેલા લલ્લુભાઈ ખરાને..."

આટલું સાંભળતા જ બન્ને અધીરી થઈ ગઈ "હા કાકા!" નંદિની બોલી.

"તેનો નાનો દીકરો રાકેશ ત્યાં આવ્યો છે. હિતેશનો સારો એવો દોસ્ત છે. તે આજે જાય છે એટલે હિતેશ ગયો છે."

"જાય છે?"

"હા"

"ક્યાં જાય છે?" રાધિકાએ પૂછ્યું.

"હવે એ તો બેટા મને બધી ખબર નથી અને હિતેશે પણ કાંઈ એવી વાત નથી કરી. પણ એ જવાનો હતો એટલે જ હિતેશ ઘરે જતો રહ્યો છે."

"તો અમે પણ તમારા ઘરે જઈએ. તેને ત્યાં જ મળી લેશું." આમ કહી બન્ને જવા લાગી તો રઘુએ તેને અટકાવતા કહ્યું "કશો ફાયદો નથી." બન્ને આશ્વર્ય સાથે પાછળ રઘુકાકા સામે જોવા લાગી. તેણે પૂછ્યું, "તમે હિતેશને બહાને રાકેશને મળવા આવ્યા છો ને?"

બન્ને આશ્વર્ય સાથે તેની તરફ જોવા લાગી. "ના કાકા એવું કશું નથી..."

"આ મારા આટલાં વરસ કાંઈ પાણીમાં નથી ગયા. હું બધું સમજી ગયો. પણ તમે બંને મોડા પડ્યા."

"એટલે?"

"રાકેશ ચાર વાગ્યે નીકળવાનો હતો અને અત્યારે તો પાંચ વાગવા આવ્યા છે. તે તો ઘણો દૂર નીકળી ગયો હશે."

નંદિનીએ રાધિકા સામે જોયું અને રાધિકા ઢીલા અવાજે બોલી, "મારો છેલ્લો સવાલ અને મારી છેલ્લી વાતો, મનમા જ રહી ગઈ નંદિની. ખબર નહિ તે હવે મળશે કે નહિ." રઘુકાકા બહાર આવ્યા અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, "બેટા! હું જાણું છું. મને ખબર છે કે રાકેશના નિર્દોષ સવાલોનો જવાબ દેવા તું આવી છે અને તને પણ ખબર છે, કે એના નિર્દોષ સવાલોની તેને કેટલી મોટી સજા મળી છે. તેણે મને કહ્યું હતું કે તે બધું ભૂલી જવા માંગે છે. તને પણ હું એટલું જ કહીશ. તું પણ એની જેમ બધું ભૂલીજા અને નવા રસ્તે જીવન આગળ વધાર."

"હા રાધિકા, હવે રાકેશને મનમાંથી કાઢીનાખ અને મયુરનો વિચાર કર." નંદિનીએ કહ્યું.

"હા કાકા. હવે મારી પાસે તો એજ રસ્તો વધ્યો છે. બીજું કશું બાકી જ ક્યાં રહ્યું છે?" આટલું કહી આંસુ લૂછતી તે પાર્લરની બહાર નીકળી ગઈ અને નંદિની પણ રઘુકાકાની રજા લઈ તેની પાછળ ચાલતી થઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED