વહેલી સવાર માં એક રીક્ષા આવી ને સોસાયટીના ગેટ પાસે ઉભી રહી અને તેમાંથી એક વીસેક વર્ષ નો યુવાન પોતાનો સામાન લઈને નીચે ઉતર્યો.
"કેટલાં થયા ?" તેણે રીક્ષા વાળાને પૂછ્યું.
મધુર અને શાંત સ્વર. એવું લાગતું જાણે કોઈ દસ બાર વરસનો કુમળો બાળક બોલતો હોય. તેના સ્વાભાવમાં એક અનોખો આનંદ અને ભિન્નતા હતી. જોનારને એમ લાગે કે કોઈ સાધારણ અને નિઃસ્વાર્થ માનવી તેની સામે ઉભો છે. વિશાળ હૃદય અને ખુલ્લા મનનો ઉદાર તે સહજ પણ કોઈને દા' ન આપે તેવો હોંશિયાર હતો. બોલવામાં તેની વાક્પટુતાને કોઈ પામી શકે તેમ નહિ. જો કે જરૂર વગરનું ન બોલવું અને શ્રવણ-ચક્ષુ જ મુખ્ય રાખવા એ તેને સહજ હતું.
"પચાસ રૂપિયા, શેઠ." રીક્ષા વાળાએ જવાબ આપ્યો.
તરત જ ખીંચા માંથી પૉકેટ કાઢ્યું ને પૈસા આપ્યા. રિક્ષાવાળો જતો રહ્યો અને રીક્ષાનો અવાજ બંધ થવાથી અને બીજો કોઈ અવાજ ન હોવાથી શાંતિ ચો-તરફ છવાઈ ગઈ. હજુ સ્ટ્રીટ લાઈટ નો જ પ્રકાશ આવતો હતો અને સૂર્યને તો ઘણી વાર હતી. ખભા પર લટકાવેલી બેગ સરખી કરી અને નીચે મુકેલી બેગને હાથમાં લઈ તે યુવાન સોસાયટીનો ગેટ ખોલી અંદર ગયો. ગેટ ખુલવાનો અવાજ આવ્યો એટલે રસીલા કાકી ડોકિયું કરી જોવા લાગ્યા. તેને એ તો ન જ સમજાયું કે કોણ છે? પણ છે કો'ક આપડી જ સોસાયટીનું! એમ વિચારી કપડાં ધોતાં - ધોતા એકીટશે તેની સામે જોઈ રહ્યા. અંદર આવતા આવતા તેની નજર રસીલા કાકી પર પડી અને પોતાને ઘૂરીને જોતા કાકી પર ધ્યાન ન આપતા તે આગળ ચાલતો થયો. એક બે ત્રણ એમ કરતા તે પાંચ મકાન વાટ્યો ને c-6 નંબર ના મકાનમા અંદર ગયો અને આ બધું રસીલા જોય રહી ને કદાચ સમજી ગઈ.
સવાર પડ્યું અને શહેર ધીમે ધીમે ભાગવા લાગ્યું. શેરીમાં થોડી ખટપટ વધી અને સૌ પોતાના કામ પર જવા મથામણ કરવા લાગ્યા. જેમ વાવેલી ધરતીમાં છોડના ઉગવાની એક ખેડૂત રાહ જોતો હોય તેમ રસિલાકાકી પેલા યુવાનની બહાર નીકળવાની રાહ જોતા હતા. તે આમ જાય,તેમ જાય અને c-6 સામે જોતાં જાય. એકવાર તે લલ્લુકાકાના મકાન સામે જોઈને ઉભા'તા તેવામાં પાછળથી અવાજ આવ્યો, "કેમ શું થયું રસીલાબેન?" તેણે જવાબ આપતા કહ્યું,"અરે કાઈં નય વનીતાબેન, આ કપડાં ધોયા અને હવે તમારા ભાઈની ગાડી તૈયાર કરું છું." "ઠીક ત્યારે તો કરો, તેના વગર તો ક્યાં ચાલવાનું છે?" "હા, એમ જ ને." પણ જતા જતા તે લલ્લુકાકાના ઘર તરફ નજર મારતા ગયા. નસીબ તેના એવા કે તે ઘરમાં અંદર ગયા ને લલ્લુકાકાના મકાનની બાલ્કની માંથી તે યુવાને ડોકિયું માર્યું.
તેજવંત આંખો અને શીતળ સફેદ કાયાના તે યુવાને મોમાં બ્રશ ઘસતા ઘસતા આખી શેરીમાં ડોકિયું માર્યું. પેલી બાજુ આઠ અને આ બાજુના સાત એમ ટોટલ પંદર મકાન સામે જોયું અને પછી નીચે શેરીમાં જોયું. વિનોદકાકાની ગાડી માંથી રસિલાકાકીએ નાખેલ પાણી ટપકતું હતું, તો તેની સામેના મકાનમાં વનીતાબેન કપડાં ધોય રહ્યા, આગળ અમિત અને તેની બાજુમાં હર્ષ પોતાની બાઈક તૈયાર કરી કામ પર જવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાજુ છેલ્લા મકાનમાંથી ચંદ્રેશ અને મુકેશ બંને ભાઈ નીચે ઉતરી શેરીમાં આવ્યા. તેમાંથી મુકેશે બાલ્કનીમાં ઉભેલા યુવાન સામે જોયું અને ડોકું હલાવ્યું તો તેણે સામું ડોકું હલાવી નિઃશબ્દ શુભસવાર કહી વળ્યું. મુકેશ જરાં ખટપટિયા સ્વભાવનો છે. કોઈ વાત જાણ્યા વગર તેને ચેન ના પડે. બે દિવસથી શેરીમાં વાતો ચાલતી હતી એટલે તેનાથી રેવાયું નહિ ને પૂછવા લાગ્યો,"તમે નાના?"
"હા." પેલા યુવાને જવાબ આપ્યો.
"તો તમે જ રાકેશભાઈ એમ ને?"
"હા. એ હું જ."
શેરીમાં ઉભેલા તમામે આ સંવાદ સાંભળ્યો અને ઉપસ્થિત તમામ રાકેશ સામે જોય રહ્યા. તેઓએ પહેલીવાર લલ્લુકાકાના નાના દીકરાને જોયો હતો અને તેણે પેલ્લીવાર શેરીના લોકોને જોયા. થોડીવાર પછી તે અંદર ગયો અને બાકીના બધા પોતાના કામે લાગી ગયા.
આપણા દેશની ઘરેલું સ્ત્રીનું બધુજ કામ પત્યા પછી જો કોઈ કામ વધતું હોય તો તે આખી સોસાયટી, ગામ કે આડોસ પાડોસ ના સમાચારની આપલે કરવાનું. રામનંદન સોસાયટી શહેરના કિનારા પર એટલે શાંતિ ઘણી વધારે હતી. વાહનની અવર - જવર ખુબ ઓછી અને કામ સિવાય સોસાયટીમાં બુઢ્ઢાઓ સિવાય કોઈ ના દેખાતું. સોસાયટીની સામેના રોડ પર પડેલા બાંકડાની કતારો માં ચારપાંચ ડોસલા બેઠા હોય. તેવા સમયે રામનંદન માં સ્ત્રીઓ સમાચાર વહેંચવાનું શરુ કરી દે. ત્રણ નંબર ની શેરીમાં રસીલા ને વનિતા બન્ને વાતો કરતા બેઠા હતા.
"તમે સાંભળું?, લલ્લુકાકાનો નાનો આવ્યો છે."
"હા રે વનિતાબેન! સવારે હું કપડાં ધોતીતિ, તઈ જ રિક્ષામાંથી ઊતરો ."
"સવારે ઉભોતો બાલ્કની માં." વનિતાએ કહ્યું.
"એમ?"
"હા. અમે જોયો. જાગીને બ્હાર આવેલો એ."
થોડીવારમાં આ સમાચાર આખી શેરીમાં ફરી પાછળની શેરીમાં સુરેશભાઈના ઘર સુધી પહોંચી ગયા. સાંજે જમતા જમતા તેની ઘરવાળીએ સુરેશને જાણ કરી અને જાણ પાક્કી કરવા તેણે મહેશને પૂછી લીધું. મહેશે જવાબ આપતા કહ્યું," હા, સંભળાય તો છે પણ મેં તેને જોયો નથી." તેણે ફોન કરી નિરવને બોલાવ્યો અને તેની પાસેથી પાક્કા સમાચાર કર્યા. બે દિવસમાં આ સમાચાર જુના થઇ ગયા. પણ રાકેશ માટે હજુ બધુ જ નવું હતું.
તેને સવારમાં વહેલા ઉઠવાની ટેવ. જાગીને મોર્નિંગ જોગિંગ કરવાનું શરુ કર્યું. સામે વનિતાબેનની મજા બગડી ને તેના ભાગનું કામ રાધિકા ને શીરે થયું. એક સવારે તે કપડાં ધોતી હતી અને તેવા સમયે રાકેશ મોર્નિંગ વોક કરી પાછો આવ્યો. ઘરના પગથિયાં ચડતા પહેલા તેની નજર રાધિકા સામે ગઈ અને સામાન્ય રીતે પગથિયાં ચડી ગયો. ઉપર બાલ્કની માંથી ડોકું કરી તેની સામે જોતો તે અંદર ઘરમાં ચાલ્યો ગયો. તેની ઇન્ટર્નશીપ શરૂ થવાની હતી અને એટલે તેની મિટિંગ માટે તે બપોરના સમયે નીકળી ગયો. મિટિંગ પતાવી તે રિક્ષામાં પાછો આવતો હતો તે સમયે તેણે રાધિકાને બાઈક લઈને કૉલેજ થી આવતા જોય. થોડો સમય આવું ચાલ્યું. પણ હવે રાધિકાની નજર રાકેશ પર લાગી. બન્ને માંથી કોઈના મનમાં કશું હતું નહીં પણ સાથે રહેતા, એક ઉમ્મરના અને સરખા વિચારો વાળા એટલે સહજ બન્ને એક બીજાને નિઃસ્વાર્થ ભાવે જોતા. બન્નેની પરિસ્થિતિ લગભગ સરખી જ હતી.
લલ્લુકાકા લગભગ આઠ વર્ષ પહેલા જ સુરત રહેવા માટે આવેલા. ગામમાં ઘણું સારું હતું તેને. પણ સિટીનો મોહ થતા તે અહીં આવી ગયા. જોકે રાકેશ તો થોડો હઠીલો, નીરવનાં કહેવા છતાં પોતાની સ્કૂલ ના ફેરવી અને ત્યાં ગામમાં જ અભ્યાસ કરતો. બાર પૂરું કર્યા પછી પણ નિરવે તેને સુરત આવી જવા માટે કહેલું. પણ રાકેશ એકનો બે ના થયો અને ભાવનગરની યુનિવર્સીટી માં આગળનો અભ્યાસ શરૂ કરી દીધો. કોમ્પ્યુટરમાં એક્સપર્ટ રાકેશને વીડિયોગ્રાફી માં વધારે શોખ હતો. નીરવનાં દબાણથી તેણે ભાવનગરમાં વીડિયોગ્રાફી પડતી મૂકી અને કૉલેજ પૂરી કરી સુરત આવી ગયો. ડિજિટલ માર્કેટિંગ માં ઇન્ટર્નશીપ શરૂ કરી અને તેનો કોન્ટ્રાક્ટ છ મહિનાનો ફિક્સ થયો.
ઘણીવાર કોઈ એવા વ્યક્તિ સાથે આપણી મુલાકાત થઈ જતી હોય જેની સાથે બેસીને કે વાતો કર્યા પછી પણ આપણે એને સમજી ના શકીયે. રાકેશ પણ તેમાંથી જ એક હતો. ઓછું બોલનાર, તમને એમ થાય કે આને આપણે કહીયે છીએ તે સમજાય છે કે નય? પણ તે એટલો હોંશિયાર હતો કે આપણે અડધું બોલીયે અને તે આખું સમજી જાય. તેની સામે એક એવું પાત્ર હતું જેણે પેલી વાર રાકેશ નું ધ્યાન ખેંચ્યું. જોકે પરિસ્થિતિ તો બની છે કે બન્ને એક બીજા માટે સાદગી રાખે છે પણ તેનાથી આગળ ના રાધિકા કશું વિચારે છે કે ના રાકેશ. બસ એક બીજાને એકબીજાના અરીસા રૂપે જ જોઈ રહેલાં.