HUN ANE AME - 37 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 37



સવારની અખૂટ તૈયારી રાત્રીના સંગીત ફંકશનમાં દેખાય રહી હતી. ચારેય બાજુ ચમકાટ કરતી લાઈટ અને ઘરની સુંદર સજાવટ. એમાં પણ રંગબેરંગી કપડાથી સજજ જન મેળો તેમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

અવનીને લલ્લુકાકાના રૂપમાં પોતાના પપ્પા તો ગીતા જેવી માં મળી ગયેલી. બે ભાઈ અને ભાભીનો પ્રેમ હતો. એ પોતાના પરિવારને યાદ કરતી આવી સાંજમાં પણ હરખાવાનું જાણે નાટક કરતી હોય એમ અંદરથી થોડી ઉદાસ હતી. તે ભલે બોલે કે ન બોલે પણ એનો ભાઈ તો એની રગ રગને ઓળખતો. સૌ કોઈ એના આ ફંકશનમા આનંદ માણી રહ્યા હતા. એની સામે જોતા રાકેશ તેની પાસે ગયો અને કહેવા લાગ્યો, "શું થયું અવની? કેમ ઉદાસ દેખાય છે?"

"ના રે ના, હું ક્યાં ઉદાસ છું? હું તો બહુ ખુશ છું."

" અચ્છા, મારાથી જુઠ્ઠું બોલે છે!"

"હું શું કામને જુઠ્ઠું બોલું?"

તેના ખભાએ હાથ મૂકી પાછળ ફરી બધા મહેમાનો અને ઘરના લોકો સામે જોતાં તે બોલ્યો, "જો, બધાં લોકો કેટલા ખુશ છે અને ઉત્સુક પણ એટલા જ છે."

"તમે છો?"

"કેમ નહિ?"

"તો પછી હું પણ છું." અવનીએ રાકેશને જવાબ આપ્યો.

સૌ લોકો એકબીજા સાથે વાતોમાં પરોવાયેલા હતા, એ બધાની સામે જોઈ રાકેશે અહમને ઈશારો કર્યો તો તે હા કહેતું માથું હલાવી બહાર જતો રહ્યો.

અવનીએ આશ્વર્ય સાથે પૂછ્યું, " શું છે ભાઈ?"

"તું બસ ખાલી જો"

એટલામાં તેના ડ્રાઈવર સાથે અહમ અંદર આવ્યો અને તેના હાથમાં એક ગિફ્ટ હતી જેના પર એક ચબરખી ટાંગેલી હતી. ડ્રાઇવરના હાથમાંથી લઈ તેણે એ ગિફ્ટ અવનીને આપી.

"શું છે આમાં?"

"ખોલ અને જો, શું છે?"

અવનીએ એ ગિફ્ટ ખોલી તો અંદર ગાય સાથે ઉભેલા રાધાકૃષ્ણ ની જોડી હતી. રાકેશ સામે જોઈ ફરી પૂછવા લાગી "આ...?"

"વાંચ. શું લખ્યું છે કાગળમાં?"

તેણે ટાંગેલો કાગળ ઉખેડી વાંચ્યો તો આંખો આંસુથી ભરાઈ આવી. તે કાગળમાં લખેલું હતું;
" પ્યારી અવની, ભલે અમે તને ના અપનાવી કે ફરી ઘરમાં ના બોલાવી. પણ અમને ખુશી છે કે તને એક સારો પરિવાર મળી ગયો. કદાચને અમે ફરી તને જોઈ પણ નહિ શકીએ કે આ ઘરમાં તને પાછી બોલાવી નહિ શકીએ. તારા લગન થઈ રહ્યા છે તો જરૂર રાકેશે સારા ઘરમાં જ તને પરણાવી હશે. અમે આવી નહિ શકીએ પણ ખુશ છીએ. આ રાધાકૃષ્ણની જેમ તારો પ્રેમ સદા માટે વહેતો રહે અને તું સુખી રહે એવા આશીર્વાદ મોકલીએ છીએ.

તારા જનેતાં,
તારા આઈ બાબા."

આ ગિફ્ટ અવનીના મમ્મી પપ્પાએ મોકલાવેલી, જેને જોઈ તે રાકેશને પૂછવા લાગી, "આ... તેની સુધી મારા લગનની વાત કઈ રીતે ગઈ?"

હસતાં રાકેશે જવાબ આપ્યો, "મને ખબર હતી કે આવા અવસર પર તું તારા ઘરને યાદ જરૂર કરીશ. એટલે બે દિવસ પહેલા મે ડ્રાયવરને હાથ તારી કંકોત્રી તારા ઘેર મોકલી અને તેઓએ તને આ આશીર્વાદ આપ્યા છે."

રડતી અવનીના આંસુ લૂછી તે કહેવા લાગ્યો, " મારી બહેન કશું બોલે એ પહેલાં જ હું સમજી જાઉં છું. હવે રડવાનું બંધ કર અને તારા આ પ્રસંગને યાદગાર બનાવ."

કહી તે અવનીને બધાની વચ્ચે લઈ ગયો અને સંગીત શરૂ થઈ ગયું. બધાં આનંદ અને ઉત્સાહથી નાચવા લાગ્યા. અવનીને હાથ પીઠી ચોળાઈ અને રીત રિવાજ સાથે પ્રસંગ આગળ ચાલતો રહ્યો. આ અવસરમાં રાકેશ પણ પાછળ ન્હોતો. રાધિકાએ કર્તિકના ઘેર જવાનું હતું પણ અવનીના કહેવાથી આજનો પ્રસંગ તેણે અહીં જ કર્યો. લલ્લુભાઈ અને નિરવ તથા મનાલી તો એના સંગીતમાં બધા મહેમાન સાથે ઝૂમ્યા જ. પણ સૌથી વધુ રાકેશ નાચ્યો અને તેની સાથે શ્વેતા અને મયુર સાથે રાધિકા. એને આ રીતે શ્વેતા સાથે નાચતા જોઈ અવની વિચારી રહી હતી કે એના લગન પછી રાકેશ એની વાત જરૂર માનશે અને શ્વેતા સાથે કદાચ લગ્ન પણ કરે. એ પોતાના ભાઈના નવા જીવન વિશે વિચારી રહી હતી અને એ ખુશીમાં કે પોતાના ભાઈને પણ સારું પાત્ર મળશે એ પણ શ્વેતા અને અને રાકેશ સાથે દિલ ખોલીને નાચી.

સવારે વિધિવત મંડપ રોપણનું કામ પતાવી દેવાયું અને રાહ સાંજે આવનારી જાનની હતી. અવનીને સોળે શણગાર સજાવી દેવાય. ખાસ તેની માટે જ ડિઝાઇન કરેલા કપડામાં તે સુંદર તો હતી પરંતુ જાણે કોઈ આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગતી હતી. સજેલી અવની આવનારી જાનની પ્રતીક્ષામાં એકલી પોતાની રૂમમાં બેઠેલી અને સ્વાગત માટે બાકીના લોકો આમ તેમ દોડધામ કરતા હતા. બેન્ડવાજાની રમઝટ અને ફટાકડાના અવાજ ગુંજી રહ્યાં હતાં. બસ થોડી જ ક્ષણોમાં તેના લગ્નની વિધિ શરૂ થવાની હતી. એવામાં જ્યારે બાકીના લોકો દરવાજે સ્વાગત માટે ઉભેલા ત્યારે શ્વેતા અવનીની ભાળ લેવા તેનાં રૂમ સુધી ગઈ. તે અરીસા સામે જોઈને બેઠેલી.

"શું વાત છે, એકદમ પરી જેવી લાગે છેને કંઈ!"

અવનીને અરીસામાં પાછળથી દરવાજો ખોલી અંદર આવતી શ્વેતા દેખાય એટલે હરખ ભેર તે ઊભી થઈ ગઈ.

"આવો શ્વેતભા... બ્... શ્વેતા મેડમ"

"તારા અટકતાં શબ્દોથી સમજાય છે કે તું બીજું કશું કહેવા માંગતી હતી!"

"નય, એ તો જરા... અં... હા, જીભ અટવાય ગઈને, એટલે."

"તને પણ ખોટું બોલતા તો નથી જ આવડતું. તારો ચેહરો કંઇક બીજા શબ્દો વણી રહ્યો છે અવની."

તે ચુપચાપ ઊભી રહી અને માથું નીચું કરી ગઈ એટલે શ્વેતાએ એને ફરી પૂછ્યું. "મને સહેજે પણ ખોટું નહી લાગે, શું વાત છે અવની? કહે મને."

"અં... મારે તમને એક વાત પૂછવી છે."

"બોલ, પૂછ તારે જે પૂછવાનું હોય તે. જવાબ તને સાચો જ મળશે."

"મને... મને અંદરથી એવું લાગે છે કે તમારા મનમાં ક્યાંક ને ક્યાંક ભાઈ માટે થોડી લાગણી છે. શું હું સાચું સમજી રહી છું?"

તે હસીને બોલી, " શું કહું તને અવની?..." અને ભાવુક બની જવાબ આપતા કહેવા લાગી, "... કદાચ તારી વાત સાચી પણ હોઈ શકે અને નહિ પણ. એક સમયે મને પણ એવું જ લાગે છે કે તે એક જ છે જે મારે લાયક છે. એની જેવો માણસ મે આજ સુધી નથી જોયો. તેની લાઈફમાં આટલું બધું થયા છતાં એ હિંમતથી ઊભો છે. મને ગર્વ છે કે હું એની સાથે કામ કરું છું અને તને પણ હશે કે તને આવો ભાઈ મળ્યો. મે આવા વિષય પર વિચારવાનો કે પછી એની સાથે પર્સનલ થવાનો પ્રયત્ન નથી કર્યો. હા, જો એ કહેશે અથવા કોઈ બહાને મારી અને એની લાઈફ એક થશે તો બની શકે કે હું ના નહિ પાડી શકું."

અવની થોડી હરખાતા એના બન્ને હાથ પકડી બોલી, " સાચે? જો એ તમને પ્રપોઝ કરે અને કહે તો તમે એની સાથે સેટલ થશો?"

"તારા ભાવને હું સમજી શકું છું અવની. આ તું નહિ, પોતાના ભાઈને એકલો મૂકીને જવાની તારી ચિંતા બોલી રહી છે. ખોટું ના લગાડતી અવની, પણ આ માત્ર એક કલ્પના જ છે. ક્યારેક મને પણ એના વિચારો આવી જતાં હતાં અને આ વાતની રાકેશને પણ ખબર છે. પરંતુ એક શક્ય વાત એટલી જ છે કે અમે એક નથી થવાના. આ ખુલાસા અમારી વચ્ચે થઈ ચૂક્યો છે."

"એટલે ભાઈએ?..."

"મેં! એક વખત અમે ઓફિસમાં બેઠા હતા. જ્યારે તે સુરતથી હંમેશને માટે મુંબઈ જવા નીકળવાનો હતો. તે સાંજે મે જ તેને કહેલું કે એના માટે મારા મનમાં લાગણીઓ જનમવા લાગી છે."

શ્વેતા એટલું બોલતાં બોલતાં બાજુના પલંગ પર બેસી ગઈ. અવની પણ તેની બાજુમાં બેસતાં પૂછવા લાગી, "ભાઈએ શું કહ્યું તમને?"

" તે દિવસે અમારી વચ્ચે વધારે વાત તો ના ચાલી. કારણ કે એની મુંબઈની ફ્લાઈટ મિસ થઈ ગયેલી અને ઘરમાં રાધિકા એકલી હતી. એની ચિંતામાં એ ઓફિસથી કામ પતાવી જલ્દી પાછો આવી ગયેલો. તે દિવસથી આજ સુધી હું એની રાહ જોઉં છું. એણે જતા જતા કહેલું કે મારા જેવું તને કોઈ બીજું મળી જશે. પણ આજ સુધી એના જેવું મને કોઈ ના મળ્યું." એની આંખ ભીની થવા લાગી એટલે તેણે પોતાની તર્જનીથી આંખ સાફ કરી.

અવની તેને કહેવા લાગી, "હું મનાવીશ. હું કહીશ ભાઈને. મેં એની પાસેથી પ્રોમિસ લીધું છે કે મારા લગ્ન પછી એ તમને પ્રપોઝ કરશે!"

જુઠ્ઠી મુસ્કાન આપી શ્વેતા બોલી, "તું હજુ રાકેશની જિદ્દને ઓળખાતી નથી. આશા મને પણ છે કે આ શક્ય બને, પણ આ તારું અને મારુ સપનું બનીને જ રહી જવાનું છે. એના મનમાં તો કંઈક બીજું જ ચાલે છે. કાશ કે હું અને એ અમે બની શકીયે. પણ આ માત્ર સપનાની વાત બની જવાની છે."

શ્વેતાની કરેલી વાતે અવની ઉદાસ બની ગઈ. નીચે જાન મંડપ સુધી આવી ગયેલી અને બ્રાહ્મણ મહારાજે "કન્યા પધરાવો સાવધાન" નો નારો પણ લગાવી દીધેલો. અવનીને લેવા માટે તેના બંને ભાઈ નિરવ અને રાકેશ એની રૂમમાં પહોંચ્યા. આવીને જોયું તો અવની અને શ્વેતા બંને બેઠા હતા. તેઓ આવીને અવનીનો હાથ પકડી ધીમે ધીમે મંડપ સુધી લઈ જવા લાગ્યા. અવની રાકેશ સામે જોઈ રહેલી. એના મનમાં માત્ર એક જ વાત ચાલતી હતી કે જે બહેન પર એટલો સ્નેહ વરસાવ્યો, એને ખોટું વચન કેમ આપ્યું? ભાઈના આ અજબ વર્તનને તે સમજી ન્હોતી શકતી. રૂમના દરવાજા સુધી આવતા આવતા એ રાકેશને પોતાની બાથમાં ભીડી આત્યારથી જ તેનાથી અલગ થવાનો વિચાર કરી ઉદાસ થવા લાગી. રાકેશે તેને સમજાવી અને આગળ ચાલવા કહ્યું. એના પગલાં આગળ ચાલતા હતા પણ તેના ભાઈ પાસેથી આવતી સિગારેટની ગંધ તેના મનમાં ભીતિ ઉત્પન્ન કરી રહી હતી.

મંડપમાં આવી તેણે પોતાની બહેનને કાર્તિકની બાજુમાં બેસાડી દીધી અને ત્યાં જ ઉભો રહ્યો. એક પછી એક વિધિ પુરી થવા લાગી. અવનીનું ધ્યાન ગયું કે ભાઈ અહીં જ ઉભેલો, પણ અચાનક ક્યાં ચાલ્યો ગયો? લલ્લુભાઈ અને ગીતાએ કન્યાદાન કર્યું અને પોતાની બહેનને આશીર્વાદ આપી નિરવ અને મનાલીએ તેનો હાથ કાર્તિકના હાથમાં સોંપ્યો, પણ ચારેય બાજુ ફરતી અવનીની નજર રાકેશને ન્હોતી ગોતી શકતી. ગળામાં મંગળસૂત્ર બાંધી અને મસ્તકમાં સિંદૂર લગાવી કાર્તિકે અવનીને અપનાવી લીધી. અંતે સમય વિદાયનો આવ્યો.

ભલે આજ સુધી કોઈએ ભાળ ના લીધી, પરંતુ રાકેશનો પરિવાર તો પોતાનો જ ને! અને તેઓના કારણે જ આજે મારુ નવું જીવન શક્ય બન્યું છે એવા વિચારથી અવની લલ્લુકાકા અને ગીતાને ભેટી પડી. એની આંખોમાં ઉપકાર અને એનાથી અલગ થવાના આંસુ એક સાથે આવી રહ્યા હતા. નિરવભાઈ અને મનાલીભાભીને પ્રમાણ કરી તે પોતાના સાસરિયા તરફ ચાલતી થઈ. તેના મૈય્યરનો હાથ છોડાવી રાધિકા તેને ટેકો આપતી આગળ ચાલવા લાગી. રડતી અવની તો જાણે બેસાદ્ય બની ગયેલી. એનું ધ્યાન રાધિકા તરફ ગયું તો અચાનક જાણે એના શરીરમાં ચેતના દોડવા લાગી અને ચારેય બાજુ જોવા લાગી. એનું રુદન બંધ થયું અને નજર ક્યારેક શ્વેતા સામે તો ક્યારેક પોતાના પરિવાર સામે ફરવા લાગી.

"અચાનક શું થયું અવની?" રાધિકા એને પૂછવા લાગી.

તે કશું ના બોલી અને ઘરમાં આમ તેમ જોતી તે બધાને પૂછવા લાગી, "ભાઈ...," ઘભરાહટ ભરેલો તેનો ચેહરો સ્પષ્ટ દેખાતો હતો, "ભાઈ ક્યાં છે? તે કેમ દેખાતો નથી? ક્યાં ગયો?"

નિરવ તેને શાંત કરાવતા કહેવા લાગ્યો, "અવની, જો શાંત થઈ જા. એટલામાં જ ક્યાંક હશે. કોઈ કામથી ગયો હશે."

"તેને આવા સમયે શું કામ હોય શકે નિરવભાઈ?" તે આજુબાજુ દોડતી તેને શોધવા લાગી. અંતે પાછળ તેના રૂમ તરફ ફરી અને દોટ મૂકી તે તેના રૂમમાં ઝટકા સાથે દરવાજો ખોલી અંદર આવી ગઈ. તેની પાછળ રાધિકા, લલ્લુકાકા, નિરવ અને કાર્તિક આવી પહોંચ્યા અને દરવાજે ઉભા રહ્યા. આવીને જોયું તો દારૂના અનેક ગ્લાસ ભરીને રાકેશ જમીન પર બેઠેલો. ચાર ગ્લાસ પીય અને પાંચમો હાથમાં લીધેલો. અવનીએ દોડતા આવી તેના હાથમાંથી ગ્લાસ ફેંકાવી દીધો. તેનું ધ્યાન અવની સામે ગયું તો જમીન પર ગોઠણભેર બેઠેલી અવનીને તેણે બંને હાથથી પકડી લીધી.

"તું જાય છે?"

"હા, તે જ મોકલી છે મને."

"તું જાય છે?"

"તમારી હાલત સારી નથી ભાઈ, આજના દિવસે પીવાની શું જરૂર હતી?"

"તો શું કરું? હવે તો બસ આ મારી લાઈફ છે. મેં કહેલુંને તને, તારા ગયા પછી પણ આ મારો સાથ આપશે."

"બસ ભાઈ..." તે રડતા અવાજે બોલી, "... બસ કરો હવે. મને ખબર છે આપ આ બધી રમત જાણી જોઈને કરો છો."

"એવું લાગે છે તને?"

"હા ભાઈ! તમારી કિંમત મારી સિવાય કોઈ નથી જાણતું. આજ સુધી હું તમને રોકતી રહી અને બને ત્યાં સુધી આ બધાથી દૂર રાખતી રહી. પણ હવે નહિ આવું તમને રોકવા. મારી ગેરહાજરીમાં શરાબખાના નહિ જતા અને સિગારેટ તો બિલકુલ નહિ."

"ઠીક છે જા. હું પણ તને નહિ રોકુ. તું તો જાય છે તારા પરિવાર પાસે અને હા, ક્યારેક જો પિયર જવાનું મન થાયને, તો બિન્દાસથી રામનંદનમાં જતી રહેજે. ત્યાં તને બધા જ મળશે. અહીં તો શું ખબર હું અહીં તને મળું કે ના મળું, મારો મોહ છોડી દે."

"આવું શું બોલો છો ભાઈ" કહી તે તેને આલિંગન આપવા ગઈ તો રાકેશે તેને રોકી દરવાજા તરફ કરી, "ચાલ જા હવે." રાકેશે થોડા કડક અવાજમાં કહ્યું તો તેણે દરવાજા તરફ ડગ ભર્યા. ત્યાં જઈને તેણે પાછું વળી જોયું તો અવળું ફરી રાકેશ ખિસ્સાની તલાશી લઈ રહ્યો હતો. તપાસ કરતા એણે ખિસ્સામાથી એક સિગારેટ કાઢી અને મોં માં મૂકી. આ જોઈ તે દોડતી આવી અને પીઠ પાછળથી પોતાના ભાઈને બાથ ભરી રડવા લાગી.

"બસ કર હવે.." કહી તેણે પોતાના મોંમાંથી સિગારેટ ફેંકી દીધી અને બહેનને કસીને પકડી લીધી. તે તેને બહાર દરવાજે રાધિકા સુધી લઈ ગયો. અવનીનો હાથ છોડતા જ ચાલવાના પ્રયત્ન સાથે તે લથડિયું ખાવા લાગ્યો. તે પડે એ પહેલાં જ અવનીએ "ભાઈ...!" કહી જોરથી ચિંસ પાડી અને તેને પકડી લીધો. એની આંખમાંથી આંસુ બંધ થવાને બદલે વધતા જતા હતા. જેમ-તેમ કરી રાકેશે પોતાની જાતને સંભાળી અને અવની તરફ પાછળ ફરીને જોયું, તો તેને ધક્કો મારતા કહ્યું, "તું જાને હવે યાર..! નહિતર મને રડાવીશ. ચાલ જા."

આ દ્રશ્યના સાક્ષી લલ્લુકાકા, નિરવ, કાર્તિક અને રાધિકા હતા. કાર્તિક તેની પાસે જઈને બોલ્યો; "મને એ તો ખબર નથી કે તમારી જેમ અવની મારી સાથે રહેશે કે હું તમારી જેમ એનું ધ્યાન રાખી શકીશ. પણ તમને વિશ્વાસ આપુ છું કે હું એને કોઈ દિવસ દુઃખી નહિ થવા દઉં." તેણે કાર્તિકના ગાલ નીચે હાથ ફેરવ્યો અને બંનેને વિદાય આપી. રાધિકા તેને લઈને ચાલતી થઈ તો તેની પાછળ દરેક ચાલતા થયા અને તે એકલો રહી ગયો. ઉદાસ મન અને પોતાના દબાવેલા આંસુને એણે મુક્ત કર્યા, જતી બહેનની વિદાયમાં તે જમીન પર ઢળી પડ્યો.

ખોબામાંથી ચોખા ઉડાડી તેણે પોતાના ઘરને અલવિદા કીધી. રાધિકાએ તેને ગાડીમાં કાર્તિકની બાજુમાં બેસાડી દીધી અને ગીતાએ ગાડીનું પૈડું સિંચવાનું શરૂ કર્યું. વિધિ પુરી થતાં જ અવની કાર્તિક સાથે ચાલી પડી. રડતી અવનીને સહાનુભૂતિ આપવા કાર્તિકે એના હાથ પર હાથ મુક્યો. પણ ગાડીમાંથી પોતાના ઘર તરફ નજર કરતી અવની મનોમન પોતાના ભાઈને કહેવા લાગી; " મને લાગતું હતું કે હું તને સમજી ગઈ છું, પણ હવે લાગે છે કે નહિ. કેમ ખોટું વચન આપ્યું તે તારી બહેનને? એકલા જ રહેવાનું હતું, તો મને શું કામ દૂર મોકલી? મને ખબર છે ભાઈ, તું રડ્યો નહિ. પણ જાણું છું, મારા ગયા પછી તને કેવું લાગતું હશે. તારી નીતરતી એ આંખના આંસુ લુછવાવાળું કોઈ નહિ હોય. દિવસ રાત મારામાં શોધતા મારા વીરા, મારાથી અલગ થવાનું તારું દુઃખ કોણ ભાંગશે? હવે તારું ધ્યાન કોણ રાખશે? શરાબને હાથ નહિ લગાવવાનું જૂઠું વચન દીધું છે તે, કોણ કહેશે તને આજે થોડું ઓછું પીજે? કોણ તારી સંભાળ લેશે અને પૂછશે તને કે આજે આખો દિવસ તું કશું જમ્યો કે નહિ? ફરી ખાલી પેટે ડ્રિન્ક કરીશ અને તારા પેટમાં જે દુખાવો થશે, તેને કોણ જાણશે? અડધી રાત્રે કોણ તારા ખભા પર હાથ મૂકી કહેશે કે સૂઈ જા. તારી અનિંદ્રાને કોણ જાણશે? બાજુમાં બેસીને તારા ટેંશનમાં સહભાગી થવાનો અધિકાર તે કેમ લઈ લીધો મારી પાસેથી?"

આખે રસ્તે અવનીના મનમાં પોતાના ભાઈના વિચારો જ ચાલ્યા. તો આ બાજુ લગનની વિધિ પુરી થઈ કે સૌ કોઈ પોત - પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. ઘરના દરેક સભ્યોને લઈને લલ્લુકાકા પણ પોતાને ઘેર જતા રહ્યા. મોહનને તો પહેલાથી જ કહી દેવાયું હતું કે લગ્ન પછી તે ફરી મયુરના ઘરમાં જતો રહેશે. મયુર પણ રાધિકા સાથે પોતાના ઘેર ગયો અને વધ્યું તો બસ એટલું કે રાકેશ અને એની શરાબ. કોઈએ પાછું ફરી એ જાણવાનો પ્રયત્ન પણ ના કર્યો કે રાકેશ ક્યાં છે? એ શું કરે છે? એટલું કાફી નથી, કે કોઈએ એની રજા લેવાનું પણ મહત્વનું ના સમજ્યું. તે બસ હાથમાં દારૂથી ભરેલો ગ્લાસ લઈને પોતાની બારી પાસે બેસી એક પછી એક વ્યક્તિને જતા જોઈ રહ્યો અને અવનીની સામે નહિ, પણ એના ગયા પછી એની યાદમાં આંસુ સારી ત્યાં જ બેઠો રહ્યો. ઢળતી સાંજે ધીમે ધીમે અંધારાનું રૂપ લીધું અને ઝાઝરમાન ઘર આજે અંધારધોમ બની ગયું. ફરી આજે રાધિકાએ સુતા સમયે બારીમાંથી ડોકિયું કર્યું. પરંતુ એને રાકેશના ઘરમાં ના તો અજવાળું દેખાયું કે ના કોઈ હલચલ દેખાય. ચિંતાની લકીર સાથે તેણે પોતાની બારી બંધ કરી અને મયુરની બાજુમાં સુઈ પોતાની રૂમની લાઈટો બંધ કરી દીધી.


બીજા રસપ્રદ વિકલ્પો