HUN ANE AME - 6 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 6


ઉપરની રૂમમાં બંધ રાધિકા રડતી આંખો સાથે માત્ર વિચાર જ કરતી રહી ગઈ, કે તે લોકોની વચ્ચે જઈને સમજાવે. તેણે જોર જોરથી દરવાજો ખખડાવ્યો, વનિતાએ દરવાજો ખોલ્યો પણ તેણે રાધિકાને નીચે જતા અટકાવી અને એક થપ્પડ મારી ત્યાંજ ઘરમાં બેસારી દીધી.

નીચે લલ્લુકાકાએ રાકેશને ધુતકાર્યો ને તે ઘર છોડી ચાલતો થયો. તેના મોં માંથી લોહી વહેતુ હતું ને હાથ પગ દર્દને માર્યે કથળતા હતા. જેવો જ તે જવા લાગ્યો લોકો તેને તીરછી અને ગુસ્સાની નજરે જોવા લાગેલા ને મનમાં બબડવા લાગેલા. પાછળથી આવતા અવાજ તરફ તેના કાન હતા ને પાછળ મહેશ અને હકુકાકાનો કાર્તિક બોલતા હતા, "જોઈ છે તારી જાતને? આવો નફ્ફ્ટ હોઈશ એવી ખબર જ ન્હોતી નહિતર પહેલા જ તને કાઢી મુકેત. ક્યાં તું ને ક્યાં અમી. તારામાં છે શું? તારા બાપને લીધે જવા દીધો નકર અહીંયા જ ભાંગી નાખેત. છે હૂ તારે? એક પઈશા ની આવડત નથી ને અમારી સરખામણી કરેસ." તો કોઈ વચ્ચે જ કૂદી પડ્યું, "આવા કપાતરને કાઢ્યો ઈ જ સારુ કર્યું તમી."

અપમાનના આવા શબ્દો સાંભળતો તે શેરીના દરવાજા બહાર નીકળી ગયો. ક્યાં જવું? શું કરવું? કંઈજ ખબર નઈ. બસ એક જ સ્થિતિમાં ચાલતો રહ્યો. થોડે દૂર જઈ રોડની બાજુ માં એક ફૂટપાથ પર બેસી ગયો. એક દમ ગૂમસૂમ ને એકીટશે રોડ તરફ નજર. રાત્રીના લગભગ અગિયાર વાગેલા. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો ને એક નંબર લગાવ્યો. થોડીવારમાં એક ગાડી આવીને ઉભી રહી. એક સ્ત્રી અને પુરૂષ નીચે ઉતરી દોડતા તેની પાસે આવ્યા.

તે સ્ત્રીએ આવીને તેના હાથ પકડી લીધા ને કહેવા લાગી, "રાકેશ! શું થયું તને? આમ આ હાલત કોણે કરી તારી? આમ અહીં કેમ બેઠો છો? ને ઘરે મામાને કહ્યું તે? રાકેશ...રાકેશ...!"


એ જ નજર માં ને એ જ સ્થિતિમાં તેણે તેની સામે જોયું, "ના દીદી."

"તો ચાલ..રાકેશ, પહેલા તું ઘરે ચાલ" નમ્રતાથી પેલો પુરૂષ બોલ્યો અને તેણે એવીજ રીતે જવાબ આપ્યો, "ના જીજા. હવે ઘરે જવાય તેમ નથી. તમે મને તમારી સાથે લઈ જશો?"

"હા લઈ જઈએ પણ આ બધું છે શું? તું કઈંક કે' તો ખરો." તેણે ફરી પાછું પૂછ્યું ને એ જ સવાલ રાકેશે પાછો પૂછ્યો,"હવે હું ઘરે નઈ જઈ શકું, તમે તમારા ઘરે મને લઈ જાશો?"

તે સ્ત્રી તેના ફઈની દીકરી શિવાની એટલે રાકેશની બહેન હતી ને પુરૂષ સાગર તેનો ઘરવાળો એટલે લલ્લુને જમાઈ થાય. રાકેશ માટે તેને ઘણું માન હતું ને એટલે જ રાકેશે તેના પર વિશ્વાસ કરી તેને ફોન કરીને બોલાવેલા. તેણે એકની એક વાત બે વાર કરી એટલે તે બન્ને એકબીજા સામે જોવા લાગ્યા ને પછી રાકેશને પોતાની ગાડીમાં બેસાડી ચાલતા થયા. રાકેશે રસ્તામાં તેઓને બધી હકીકત કહી સંભળાવી ને તેની બહેને તેને પોતાના જ ઘરે રહેવા માટે કહેલું. રાત્રે ઘરે પહોંચી તે નાહીને સ્વચ્છ થઈ ગયો. પણ તેની સ્થિતિ જેમની તેમ જ હતી.

બન્ને સ્વભાવના સારા હતા ને રાકેશ માટે બન્ને ને લાગી આવેલું. પોતાના પરિવારે જ સાથ ન આપતા રાકેશનું મન ભરાઈ આવેલું. તે ઉદાસ અને ગમગીન રહેવા લાગેલો. તેને ખોટા સાબિત થવાની કે લોકોના તુચ્છકારવાની ભીતિ ન હતી. બસ મનમાં એક ધ્રાસ્કો બેસી ગયેલો કે અન્યએ સમજવાનો પ્રયત્ન ના કર્યો. પણ પોતાનો પરિવાર એ બધાની સાથે ભળી ગયો. બે દિવસ સાગર અને શિવાની આ જોઈ રહ્યા અને વિચાર કરતા કે તેણે રાકેશ માટે કશું કરવું જોઈએ. દિવાળીનો સમય હતો ને ઘરનું વાતાવરણ ગમગીન રહે તેવું બંનેથી જોવાતું નહિ. બન્ને તેને લઈ બજારમાં ગયા અને દિવાળીની ખરીદી કરવા લાગ્યા. રાકેશ કંઈક બોલે તે માટે તે દરેક વખતે પૂછે "આ જો કેવું લાગશે?", "આ લેવું છે?" ને દરેક વખતે તે જવાબ આપીદે "તમને જે સારુ લાગે તે." તેઓએ રાકેશ માટે કપડાં લીધા પણ પસંદગી તો શિવાનીને જ કરવી પડી.

આ બાજુ રાધિકાની હાલત પણ વધારે સારી ન હતી. તેની મસ્તી ને હરખ જાણે સંવંત ની જેમ આછા પડતા ગયા. તેને સતત તે રાતના ભણકારા લાગવા લાગ્યા. શેરીમાં થતી ધમાલ અને એ ધમાલમાં પિચાતો રાકેશ તેના મનમાં ઘર કરી ગયા. તેને સમજાય ગયું કે જે રાકેશ તેને પ્રશ્નો પૂછવા આવેલો તેના મનમાં ક્યાંક ને ક્યાંક મારે માટે જગ્યા બની ગઈ અને રાકેશ તેનાથી અજાણ છે. તેને પણ રાકેશ સારો લાગવા લાગ્યો પણ હવે તેનો કોઈ અરથ નથી. સમય વીતી ગયો અને બન્નેના મનની મનમાં જ રહી ગઈ. ક્યારેક પોતાને કોસતી તો ક્યારેક પોતાના નસીબને ઠપકો આપતી તે હવે પોતાના જ મનને સમજાવા લાગી કે હવે દરેક વિકલ્પ બંધ છે અને રાકેશના પાછા આવવાનો કોઈ રસ્તો નથી. દિવાળીનો દિવસ તેનો ફિક્કો પડી ગયો. તો સામેના મકાનમાં જ્યારે નજર કરતી ત્યારે લલ્લુકાકાના ઘરે પણ કોઈ ખુશ ના દેખાતું. છતાં એ અલગ વાત હતી કે રામનંદનમાં રાધિકા સિવાય કોઈને કશોય ફેર નહી પડેલો અને તે સ્થિતિને નીરવ અને જયંતિ જ સમજી શક્યા.

દિવાળીના દિવસે પણ રાકેશને ઉદાસ જોઈ શિવાનીની ખુશી ભાંગી જતી. બહારથી મીઠાઈ લઈને જેવો જ સાગર ઘરે આવ્યો એટલે તેણે સાગરને રાકેશ તરફ ઈશારો કર્યો. મીઠાઈના બોક્સ નીચે મૂકી તે તેના તરફ ગયો અને દાદરમાં ઉદાસ બેઠેલા રાકેશની બાજુમાં બેસી ગયો. તેના ખભા પર હાથ મૂકી બોલ્યો, " રાકેશ, તું આ રીતે ઉદાસ થઈને બેઠો રઈશ તો કેમ ચાલશે? તું વિચાર કર કે તારી આ હાલતથી કોઈને કશુંય ફેર પાડવાનો છે?"

" વાત તમારી સાચી છે. પણ મને એ નથી સમજાતું કે હું શું કરું? મારા મનમાં એ રાત હજુ તાજી છે, એ.. એ હટતી જ નથી."

સાગરે ફરી કહ્યું, " જો, તુ મોઢું લટકાવીને બેસીશ કે ખુશખુશાલ થઈશ, કોઈને કશો ફેર નથી પાડવાનો. પણ અમે તને આ રીતે જોવા નથી ઈચ્છતા."

"શું કરતા હશે બધા? મારા ઘેર શું ચાલતું હશે? તે લોકોને મારી કદર પણ ના થઈ કે હું શું કરીશ? ક્યાં જઈશ?" રાકેશે ઉદાસ મને વાત કરી. એક ઊંડો શ્વાશ લઈ સાગરે તેને જાણ કરી, "જો તે લોકોને તારી કદર હોત તો અત્યાર સુધી તને અહીં આમ ના બેસવા દેત. ક્યારનોય તને પાછો ઘેર બોલાવી લીધો હોત. બાઈ દી વે, નીરવ નો મારા પર થોડીવાર પેલા ફોન આવ્યો 'તો."

"ભાઈનો!"

"હા"

"શું કહ્યું તેણે?"

"નથીંગ. પણ તારા વિશે પૂછતો હતો એટલે મેં તારા સમાચાર આપ્યા."

"મને ખબર છે. તે દિવસે પણ ભાઈએ મારી સાઈડ લીધેલી. પણ તે પપ્પા સામે નઈ બોલી શકે."

"તો?" સાગરે સવાલ કર્યો.

" તમે સાચા છો. કોઈને મારા વિષયે કશોય ફેર નથી પાડવાનો અને પડે તો પણ હું ત્યાં પાછો જવા નથી માંગતો જ્યાં લોકોને બીજાની સમજ ના હોય. થૅન્ક્સ કે તમે મને રાખ્યો."

સાગરે તેને સ્માઈલ આપતા કહ્યું, " બસ, હવે આ વાતને અહીં જ ખતમ કર અને જો તારી શિવાની દીદી તારી ભાવતી વાનગી બનાવે છે. અમે તને ખુશ જોવા માંગીયે છીએ. કાલે નવું વર્ષ છે, બધું જ ભૂલીજા ને ચાલ મારી સાથે. નવો રસ્તો પકડ." રાકેશ તેને સ્માઈલ આપી તેનો હાથ પકડી ઘરમાં અંદર ગયો.

રાત્રીના સમયે રામનંદન સોસાયટીમાં દરેક લોકો હરખભેર દિવાળી ઉજવી રહ્યા હતા. દરેકે નવા કપડાં પહેર્યા અને આનંદમાં ઝુમી ફટાકડા ફોડતા હતા. પણ નવા કપડાં પહેરી રાધિકા ચુપચાપ બધાની સામે જ જોય રહેલી. વનિતાએ મહેશને બોલાવી કહ્યું કે તે રાધિકા સાથે વાત કરે અને મહેશે ચોખ્ખું કહી દીધું, " રે'વા દે મમ્મી. એની જાતે વાત કરશે, ને ના કરે તો પડી રેવા દેજે. મેં એને નોહ્તુ કીધું આવું કરવાનું." ક્યાંક દુઃખ તો ક્યાંક સુખ, કોઈ હસતું રમતું તો કોઈ ઉદાસ બની બેઠેલું. કોઈનો આનંદ અપાર ને મસ્તાનું બની ઝુમતું તો કોઈની વિખેરાયેલી વિલાસ. આ બધું સાથે જોતું દિવાળીનું અંધારું ધીમે ધીમે ચાલતું થયું ને નવા વર્ષની સવાર આવી.

બધું ભૂલવાનો પ્રયત્ન કરતો રાકેશ સવાર થતા સાગરના કહેવાથી તૈય્યાર થઈ તેની સાથે ચાલ્યો. સાગરના અડોશ - પાડોશમાં લોકો તેને પૂછતાં, "આ કોણ છે સાથે?" ત્યારે સાગર હસીને બધાને રાકેશ સાથે ઓળખાવતો. એવામાં રઘુ તેની પાસે આવ્યો અને સાગરને નમસ્કાર કર્યા. સાગરે પણ તેને નમસ્કાર કરી અને રાકેશનું નામ આપ્યુ. એટલે તે કહેવા લાગ્યો, "તું તો... લલ્લુભાઈનો દિકરો... રાકેશને?"

"હા કાકા તમે ઓળખો છો તેને?" રાકેશે આશ્વર્ય સાથે પૂછ્યું.

"મેં જાણ્યું જે રામનંદન સોસાયટીમાં તારી સાથે થયું."

"રઘુકાકા તમને કઈ રીતે ખબર?" રાકેશને બીજું આશ્વર્ય થયું. તે એક હળવું હાસ્ય મોઢા પર લાવી બોલ્યો, "બેટા મને ખબર છે. હું પણ પેલા રામનંદન સોસાયટી માં જ રેહ્તો. હવે અહીં આવી ગયા પણ ત્યાં હજુ બધા મને ઓળખે છે. હું સુરેશની બાજુમાં રેહ્તો, તમારી પાછળની શેરીમાં. સુરેશે મને કહ્યું, મેં તને જોયો એટલે હું સમજી ગયો કે તું રાકેશ જ છે."

તેણે સાગરને કહ્યું કે જઈને હિતેશને બોલાવી લાવે અને ફરી રાકેશ સાથે વાત આગળ વધારી. "કોઈને કશું કહેવું કે વાત કરવી એ કોઈ ગુન્હો નથી. તે તો રાધિકાને ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો છે , મને નથી લાગતું કે તારામાં કોઈ દોષ હોય. કોઈ માણસ પોતાના દિલની વાત કરે એમાં કશું ખોટું નથી. સાચું ને?"

"સાચું તો છે કાકા, પણ તે લોકોને જે ગમ્યું તે તેણે કર્યું અને મારા પરિવારને જે ગમ્યું તે તેણે કર્યું."

"આ જ તારી મોટાઈ છે બેટા!" રઘુએ બન્ને હાથ રાકેશના ખભા પર મૂકતાં હસીને કહ્યું. એટલામાં સાગર હિતેશ સાથે આવ્યો. "બેટા આ મારો દિકરો છે, હિતેશ અને હિતેશ આ રાકેશ છે, રામનંદનમાં પેલા લલ્લુકાકા ખરાને! એનો નાનો દીકરો." તેણે હિતેશને સલાહ આપી કે આને દોસ્ત બનાવીને રાખે. તેના ગયા પછી હિતેશ અને રાકેશ બન્ને દોસ્ત બની સાથે રહેતા થઈ ગયા. તે રાકેશ વિશે બધું જાણતો એટલે બેસતા વર્ષને દિવસે તેણે રાકેશને સાથે રાખી તેને ખુશ કરવાના તમામ પ્રયત્ન કરેલા. તો આ બાજુ રાધિકાને સમજવાવાળું કોઈ ન્હોતું. એક સામે રહેતી નંદિની ક્યારેક આવતી અને તેને ઉદાસીમાંથી બહાર કાઢવાના તમામ નકામા પ્રયત્નો કરતી.

બેસતા વર્ષને દિવસે નવરાં પડી તે દોડતી રાધિકા પાસે આવી ગઈ. બંને વચ્ચે વધારે વાત થાય તે પહેલાતો તેના ફઈ રાધિકાને ઘેર આવી ચડ્યા ને નંદિની તેને લઈ રાધિકાની રૂમમાં જતી રહી. બહાર વાતોમાં ને વાતોમાં ફઈએ ફરી રાધિકાના લગનની વાત કરી તો ફરી વનિતાએ તેને ટાળી. પણ ફઈ પાક્કો ઈરાદો કરીને આવેલા એટલે તરત જ ભડક્યા, "વાત તો મેં ગયા વારેય કરેલી વનિતા. તે દિ' તે આમ જ ના પાડી. જોયું ને હુ થયું ઈ. વેલો વધારે હૂકાય ઈ પેલા પાંદડા છતાં કરી નખાય. મારી કને છે છોકરો. મયુર નામ છે, ભણેલો છે ને હાચવશે તારી છોડીને." વનિતાનું મન તો એટલું નહોતું માનતું પણ મહેશે અને અમિતાએ હવે નક્કી કરી નાખ્યું કે વધારે રાહ ન જોવી. છેવટે વનિતાએ હા કહી વાત આગળ વધારવા ફઈને કહી દીધું ને રૂમમાં બેસી રાધિકા અને નંદિની ખિન્ન મને સાંભળ્યા કર્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED