Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 13

આજ તો અભિષેક સવારના 5 વાગે ઊઠી ગયો હતો. તે ઘણા દિવસથી પ્રકૃતિને નોટિસ કરતો હતો. તે કોઈ ટેન્શનમાં લાગતી હતી.આથી અભિષેકે પ્રકૃતિને સરપ્રાઈઝ આપવા નાહ્યા ધોયા વગર જ રસોડામાં ઘૂસી ગયો. સ્ટવ ચાલુ કરી માસ્ટર શેફની સ્ટાઇલમાં મસાલેદાર ચા બનાવી. અને ટૉસ્ટરમાં ટોસ્ટ ગરમ કર્યા. એના ચહેરા પર ગજબની ખુશી હતી. તે એમ જ વિચારતો હતો કે મારી આ સ્ટાઈલથી પ્રકૃતિ બહુ જ ખુશ થઈ જશે અને તેને રોજિંદા કાર્યમાં થોડો ચેન્જ આવશે. તેને ટ્રેમાં કપરકબી મૂકી ચા ભરી,બાજુમાં સરસ રીતે ટોસ્ટ ગોઠવી બે હાથે પકડીને પોતાના બેડરૂમમાં જવા પ્રયાણ કર્યું.

પ્રકૃતિને સરપ્રાઈઝ આપવાની ખુશી હતી,પણ કપમાં રહેલી ચા છલકાય નહીં તે ધ્યાન રાખવા તેની નજર ટ્રે પર જ હતી. તે ધીમી ધીમી ગતિએ ચાલતો હતો. તે બેડરૂમમાં પહોંચવા જ આવ્યો હતો ને તેને પગમાં ઠેસ આવી અને તેની જ બેદરકારીથી ઢોળાયેલ પાણી પર તેનું બેલેન્સ ન રહેતા તે લપસી પડ્યો. તેના હાથ માંની ટ્રે ઉછળીને બેડ પર પડી. પ્રકૃતિ અચાનક ઊઠી ગઈ. બેડની હાલત જોઈ પ્રકૃતિનું તો મગજ ગયું.અભિષેક પણ પ્રકૃતિને સારી રીતે ઓળખતો હતો. પ્રકૃતિને એક જ વાતનો ગુસ્સો આવતો, કે કોઈ તેના સાફ સુથારા ઘરને બગાડે તે.

"આવી બન્યું ..!" પ્રકૃતિને જોઈ ગભરાતા સ્વરે અભિષેકે કહ્યું.

" શું કરો છો અભિષેક..! કામ ઓછું કરવાની જગ્યાએ તમે તો કામ વધારો છો..! રવિવારે પણ કામની શાંતિ નહીં. ઉપરથી કામ વધાર્યું..નથી ફાવતું તો કેમ કરો છો આ બધું..? કોને કહ્યું હતું આવા નાટક કરવાનું...?" ગુસ્સામાં પ્રકૃતિ બકબક કરવા લાગી અને બેડશીટ અને બ્લેન્કેટ ધોવા કાઢવા લાગી. તેના ગુસ્સે ભરાયેલા ચહેરા પર તેના વિખરાયેલા વાળ તેના મોઢા પર આવી જતા.તે કામ કરતા કરતા તેના વાળ કાન પાછળ કરે જતી હતી. અભિષેક તેની આ સુંદરતાને નિહાળી રહ્યો હતો ત્યાં જ બાપુજી આવી ગયા.

" શાની ધમાલ છે સવાર સવારમાં..?" બાપુજીએ કહ્યું.
" અરે કાંઈ નહીં પપ્પા, ક્ષિપ્રા માટે ચા લાવ્યો હતો. પણ બેડમાં જ ઢોળાઈ ગઈ. તમને તો ખબર જ છે હવે મારી શું હાલત થશે એ..!!" ડરતા ડરતા ધીમેથી અભિષેકે કહ્યું. અભિષેકની વાત સાંભળી બાપુજી હસવા લાગ્યા ને ત્યાંથી ચાલ્યા ગયા.

" પ્રિયે..! આજ આપના માટે રિસોર્ટ બુક કરાવ્યો છે. 8 ના સુમારે આપને, આપના ભરથારને અને આપના સંતાનને રિસોર્ટમાં પહોંચવાનું છે. કૃપયા આપશ્રી શીગ્ર કાર્ય સમાપ્ત કરે." કામમાં વ્યસ્ત પ્રકૃતિ પાસે જઈ અભિષેક બોલ્યો.

અભિષેકની વાતોથી પ્રકૃતિને હસવું આવી ગયું. તેણે ઘણો પ્રયત્ન કર્યો કે તે હશે નહીં અને પોતાનો ગુસ્સો બનાવી રાખે પણ અભિષેકના નાટકોથી તે હસી જતી.બાપુજી સોફા પર બેઠા બેઠા અભિષેકની વાતોથી મલકાતાં હતા.

પ્રકૃતિ, અભિષેક અને ક્ષિપ્રા તૈયાર થઈ ગયા. બા બાપુજી માટે પ્રકૃતિએ રસોઈ પણ બનાવી દીધી. ત્રણેય ગાડીમાં ગોઠવાયા. ક્ષિપ્રા ખૂબ ખુશ હતી. આજ ખૂબ એન્જોય કરવા મળશે તે વિચારથી જ તે કૂદવા લાગતી.

પ્રકૃતિએ પણ મન બનાવ્યું હતું કે અભિષેક સાથે અન્યાય ન કરે. તે પોતાના અને ક્ષિપ્રા માટે ઘણું કરે છે તો તેને ખુશ રાખવાની પ્રકૃતિની ફરજ છે. અને આખર તે તેનો પતિ છે તો તેને ખુશ રાખવાનો પ્રયત્ન પણ કરતી. આમ તો બંનેનું દામ્પત્ય જીવન સુખી જ હતું. પ્રકૃતિ પણ ખુશ રહેતી અને અભિષેકને પણ તે ખુશ રાખતી. પણ અચાનક પ્રારબ્ધના આવવાથી તેનું મન ડગી ગયું હતું.

રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ પણ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા.

😊 મૌસમ😊