Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 7

પ્રકૃતિ હવે પ્રારબ્ધને હેરાન કરતી બંધ થઇ ગઇ. કેમ કે તેની બાજી ઉલટી પડતી હતી. પ્રારબ્ધને હેરાન કરવા માટે પ્રકૃતિએ જે કંઈપણ નુસખા અજમાવ્યા હતા તે દરેકમાં પ્રકૃતિ અસફળ રહી હતી. પ્રકૃતિ ધીમે ધીમે પ્રારબ્ધને ઓળખવા લાગી હતી. તે સમજતી હતી તે એટલો પણ પ્રારબ્ધ ખરાબ ન હતો.

પ્રારબ્ધ પણ પ્રકૃતિના નિખાલસપણાંને ઓળખતો થઈ ગયો હતો. પરંતુ હજુ પણ તે તેને ભાવ આપતો ન હતો. પ્રારબ્ધના મતે એવું હતું કે અમીર છોકરીઓની દોસ્તી કરવી એટલે પૈસાની બરબાદી. પ્રારબ્ધ રહ્યો મધ્યમ કુટુંબનો. તે મોજશોખ પાછળ પોતાના પૈસા વેડફી શકે તેવો ન હતો. આથી તે છોકરીઓની દોસ્તીથી દૂર જ રહેતો. પણ અંદરખાને પ્રકૃતિની માસુમિયત તેને ગમતી હતી.

એક દિવસ કોલેજ છૂટતી વખતે ધોધમાર વરસાદ વરસ્યો. આજ પ્રીતિ પણ આવી ન હતી. પ્રકૃતિ એકલી તેનું ટુ વ્હીલર લઇ ઘરે જતી હતી. તે આખી ભીંજાયેલી હતી.છતાં પણ બિન્દાસ્ત પણે વરસતા વરસાદમાં તે ઘરે જતી હતી. અચાનક તેના સાધનમાં પંક્ચર થયું. સુમસામ રસ્તા પર આમ ગાડી બંધ થતાં તે થોડી ગભરાઈ ગઈ,પણ પછી હિંમત કરી તેણે જાતે જ પોતાનું વ્હીકલ દોરીને ગેરેજ સુધી લઈ જવાનું નક્કી કર્યું. પણ રસ્તો ખૂબ લાંબો હતો. હાર માને તે પ્રકૃતિ શાની..? વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.

ભીંજાયેલા કપડામાં પ્રકૃતિને ચાલતા પણ ફાવતું ન હતું. ને વળી સાથે પોતાનું ટુ વ્હીલર.તેમ છતાં તે ધીમે ધીમે ચાલતી હતી. અચાનક પ્રકૃતિની બાજુમાંથી પુર જોશથી એક બાઇક પસાર થયું. પ્રકૃતિને થતું કે તે કોઈની મદદ માંગે. પણ આજકાલ સમય એવો છે કે કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન મુકવો જોઈએ- તે વાત પ્રકૃતિ બરાબર સમજતી હતી.

પ્રકૃતિ પોતાનું વાહન હાથ વડે હાંકતા હાંકતા થાકી ગઈ. એવામા પુરજોશે ગયેલ યુવાન પાછો વળ્યો. પ્રકૃતિ ગભરાઈ ગઈ. તે પોતાના કપડા સરખા કરવા લાગી. તે યુવાને પ્રકૃતિ પાસે જઈ પોતાનું બાઈક ઊભું રાખ્યું. પ્રકૃતિના ધબકારા વધી ગયા. તેને થયું કે આ યુવાન તેને પરેશાન કરશે. એકાંતનો લાભ ઉઠાવી તેની સાથે ખોટું કરશે. પ્રકૃતિ પોતાનું સાધન લઇ આગળ ચાલવા માંડી. તે યુવાનની પાછળ થી બુમ પાડી," ઓય.. ઉભી રહે..!"

પ્રકૃતિએ પાછળ જોયું. પછી તેણે
પોતાની ચાલવાની ઝડપ વધારી આગળ વધી. તે યુવાને સાથે સાથે બાઇક ચલાવ્યું. પ્રકૃતિને ગભરાયેલી જોઈ યુવાનને પણ જાણે મજા આવતી હોય તેમ તેની સાથે સાથે ચાલવા લાગ્યો.

“ શું છે...? કેમ હેરાન કરે છે..? તને એમ કે આ છોકરી એકલી છે તો તેની એકલતાનો ફાયદો ઉઠવીએ..!! હું કોઇથી ડરતી નથી. સીધી રીતે ચાલતો થા, નહિતર જોવા જેવું થશે..!” પ્રકૃતિ અચાનક ઊભી રહીને ખુબજ ગુસ્સાથી તે યુવાનની સામે એકીટશે બોલવા લાગી.

પ્રકૃતિની વાત સાંભળીને તે યુવાન તો જોર જોરથી હસવા લાગ્યો. પ્રકૃતિના ગુસ્સાને કંટ્રોલ કરવા તેણે ધીમેથી પોતાનું હેલમેટ ઉતાર્યું. અને પૂછ્યું, “ મને ના ઓળખ્યો પ્રકૃતિ..?”

તે યુવાનને જોઈ પ્રકૃતિ પણ જોર જોરથી હસવા લાગી. “ પ્રારબ્ધ તું..? તે તો મને ડરાવી જ દીધી.” કહી પ્રકૃતિ ફરી હસવા લાગી.

“ તને આમ એકલી ચાલતા જોઈ તો મને થયું આ પ્રકૃતિ જ છે. એટલે હું પાછો આવ્યો. પણ તને ગભરાયેલી જોઈ તને વધુ ડરાવવાની મને પણ મજા આવી. સોરી યાર..! હેરાન કરવા બદલ..! આમ જોવા જઈએ તો તે પણ બને ઓછો હેરાન નથી કર્યો.. હો..! ” પ્રકૃતિની સામે જોઈ હસતા હસતા પ્રારબ્ધને કહ્યું.

“ ઇટ્સ ઓકે યાર..! પણ આજે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પણ હિંમત હારુ તેમ નથી. એટલે ગુસ્સાથી તારી સામે વાત કરી. તે થોડું વધારે નાટક કર્યું હોત તો આજ તું ચોક્કસથી મારા હાથનો માર ખાત.” પોતાની ગાડી ઉભી રાખી પ્રકૃતિ નીચે જ પલાંઠી વાળી બેસી ગઈ.

🤗 મૌસમ 🤗