બીજા દિવસે પ્રકૃતિએ તે યુવાનની શોધખોળ શરૂ કરી દીધી. આ માટે તેણે પ્રીતિનો સાથ લીધો. પ્રીતિએ બે દિવસ તપાસ કર્યા બાદ તે યુવાનનો આખો બાયોડેટા પ્રકૃતિને આપ્યો.
એ યુવાનનું નામ પ્રારબ્ધ છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી તે આવ્યો છે. અભ્યાસમાં ટોપર છે. થોડા દિવસ પહેલા જ તેણે આ કોલેજ જોઈન કરી છે. સ્વભાવે દયાળુ અને વિનમ્ર છે. પણ જો કોઈ તેને છંછેડે તો જલદી ગુસ્સે થઈ જાય છે. અમદાવાદમાં રહેવા માટે મકાનની શોધમાં છે.
પ્રીતિની વાતો પરથી પ્રકૃતિને લાગ્યું કે સામાન્ય પરિવારથી આવે છે અને એ પણ ગામડાનો છે.એટલે સ્વભાવે સારો જ હશે. પણ એનો ઘમંડ તો તોડવો જ પડશે. આ હેન્ડસમને પ્રકૃતિનો પરચો તો બતાવવો જ પડશે.
આખી કોલેજમાં પ્રકૃતિ કૉલેજના પ્યુન થી લઇ પ્રોફેસર સુધી સૌની પ્રિય હતી. તેના મસ્તીખોર અને રમૂજ સ્વભાવથી તે સૌના દિલ જીતી લેતી. કોલેજમાં પ્રકૃતિ ઘણા યુવાન દિલોમાં ધડકતી હતી.પરંતુ પ્રકૃતિ કોઈ સાથે દોસ્તીથી આગળ ક્યારેય વધી ન હતી. દોસ્તીથી આગળ વધી શકાય તેવું પાત્ર ક્યારેય તેને મળ્યું જ ન હતું. આજ પહેલી વાર પ્રકૃતિ ની ઊંઘ કોઈએ ઉડાડી છે.પરંતુ પ્રારબ્ધએ સહેજ પણ મચક આપી ન હતી.
રોજિંદા ક્રમ મુજબ બધા લેક્ચર ભરવા ક્લાસરૂમમાં એકઠા થયા. પ્રારબ્ધ પહેલાંથી જ ક્લાસ માં આવી ગયો હતો. પ્રકૃતિ અને પ્રીતિ તેની પાછળ ની બેન્ચ પર જ બેઠાં. કલાસરૂમ માં જેવાં પ્રોફેસર એન્ટર થાય બધાએ ઊભાં થઈ ગુડમોર્નિંગ સર..! કહેવા ઉભા થયા. તે સમયે પ્રકૃતિ એ પોતાના મોઢામાં રહેલી ચિંગમ પ્રારબ્ધ ની બેન્ચ પર લગાવી દીધી. પછી પ્રકૃતિ અને પ્રીતિ ધીમે ધીમે હસવા લાગ્યા. પરંતુ પ્રારબ્ધ જેવો બેસવા ગયો તેવો તેનો હાથ બેન્ચ પર પટકાતા તેની બોલપેન નીચે પડી ગઈ. તે બેઠા પહેલા જ પેન લેવા બેન્ચની બહાર આવી નીચે નમી પેન લીધી તેની નજર બેન્ચ પર ચોંટેલી ચિંગમ પર પડી. પછી તેને પ્રકૃતિ અને પ્રીતિને હસતાં જોયા. તરત તેને ખ્યાલ આવી ગયો કે આ પરાક્રમ એમના જ છે.
"હેલો મિસ x.. y.. z.. થોડી જગ્યા આપશો..? મારી બેન્ચ ખરાબ કરી દીધી છે કોઈએ..!!" પ્રકૃતિ ની પાસે આવી પ્રારબ્ધએ કટાક્ષમાં કહ્યું.
“હેલો મિસ્ટર A.. B..C.. મારુ નામ xyz નથી..પ્રકૃતિ છે. so you call me પ્રકૃતિ.. not say x.. y.. z.... ok...??" પ્રકૃતિ એ થોડું ચિડાઈને કહ્યું.
" ok મિસ પ્રકૃતિ..! મારુ નામ પણ ABC નથી.. પ્રારબ્ધ છે. so you call me પ્રારબ્ધ.. not say A.. B.. C.. ok..?" પ્રકૃતિ ના ચાળા પાડતાં પાડતાં પ્રારબ્ધએ કહ્યું.
ભોંઠી પડેલી પ્રકૃતિ એ તેને જગ્યા આપી. મનમાં વિચારવા લાગી કે આ પ્લાન ફ્લોપ ગયો. બીજું કાંઈ વિચારવું પડશે.
બીજા દિવસે પ્રીતિ અને પ્રકૃતિ બંને કોલેજની લોબીમાં ફરી રહ્યા હતા, ત્યાં જ તેમની નજર કોલેજના સૌથી ખડૂસ કહી શકાય તેવા પ્રોફેસર પર પડી. તેઓ લાઇબ્રેરીમાં બેઠાં બેઠાં નોટ પેન લઇ કોઈ ગણતરી કરતા હતા. તેઓ જો કોઈ કામમાં વ્યસ્ત હોય અને કોઈ તેમને ડિસ્ટર્બ કરે તો પતી ગયું... સામેની વ્યક્તિનું આવી જ બને. એમને આમ કામમાં વ્યસ્ત જોઈ પ્રકૃતિ એ તરત જ ત્યાંથી પસાર થતા રોહનને કહ્યું. " રોહન ઊભો રહે..! ગોરધન ગુલાટી સર પ્રારબ્ધને બોલાવે છે.. હાલ જ તેમણે પ્રારબ્ધ નામની બુમ પાડી.તું જલ્દીથી તેને બોલાવી લાવ." પ્રકૃતિની વાત સાંભળી તેણે તરત જ પ્રારબ્ધને ગુલાટી સર પાસે લાઇબ્રેરીમાં મોકલ્યો.
પ્રારબ્ધ ગુલાટી સરના સ્વભાવ વિશે અજાણ હતો. તેણે તો તરત સર પાસે જઈ કહ્યું, " મને બોલાવ્યો સર..! "
🤗 મૌસમ 🤗