સરપ્રાઈઝ
**********************************************************************************
સ્વપ્નિલ અને રોશનીની પ્રથમ લગ્ન દિવસ હતો એટલે બંને મમ્મી પપ્પાની મંજૂરી લઇ બહાર હોટેલમાં કેન્ડલ ડિનર લેવા ગયા.રાતના બહુ મોડેથી ઘરે આવ્યા. સ્વપ્નિલ પાસે ઘરની ચાવી હતી એટલે રાત્રે તાળું ખોલીને ઘરે આવી ગયો હતો .થાકેલો હતો એટલે ફ્રેશ થઇ તરત બેડપર શરીરને અફાળ્યું અને વિચારોમાં વિલીન થઇ ગયો.
ટ્રેનના વાતાનુકુલિત ડબ્બામાં સ્વપ્નિલ સામેની સીટ પર બેઠેલી છોકરીએ સ્વપ્નિલને પૂછ્યું, "હેલ્લો, તમારી પાસે આ મોબાઈલનું સિમ કાઢવાની પિન છે?"
તેણીએ તેની બેગમાંથી એક ફોન કાઢ્યો, તે તેમાં નવું સિમ કાર્ડ નાખવા માંગતી હતી. પરંતુ સિમ સ્લોટ ખોલવા માટે પીનની જરૂરી હતી . જે તેની પાસે ન હતી. સ્વપ્નિલે હા પાડી અને બેગમાંથી પીન કાઢીને છોકરીને આપી. છોકરીએ એનો આભાર માન્યો અને પીન લીધી. સિમ નાંખ્યો અને પીન પરત કરી.
થોડા સમય પછી, તેણીએ ફરીથી આમતેમ જોવાનું શરૂ કર્યું . સ્વપ્નિલ પોતાની જાતને રોકી શક્યો નહીં. એણે પૂછ્યું, "કોઈ સમસ્યા છે?"
તેણે કહ્યું “ સિમ ચાલુ નથી થઈ . સ્વપ્નિલે મોબાઈલ માંગ્યો . તેણે આપ્યો. સ્વપ્નિલે તેને કહ્યું કે “હજુ સિમ એક્ટિવેટ નથી થયું . થોડા સમય પછી થઈ જશે. એક્ટિવેશન પછી આઈડી વેરિફિકેશન થશે તે પછી તમે તેનો ઉપયોગ કરી શકશો.
છોકરીએ પૂછ્યું, આઈડી વેરિફિકેશન કેમ??
એણે કહ્યું, "આજકાલ વેરિફિકેશન પછી સિમ એક્ટિવેટ થઈ જાય છે, પ્લીઝ મને ક્યા નામથી સિમ લેવામાં આવ્યું છે તેની વિગતો જણાવો."
છોકરીએ ગણગણાટ કર્યો "ઓહ"
તે એક હાથને બીજા હાથે દબાવી રહી હતી, જાણે તે કોઈ મુશ્કેલીમાં હોય. સ્વપ્નિલે પછી નમ્રતાથી કહ્યું, "જો તમારે ક્યાંક ફોન કરવો હોય તો મારો મોબાઈલ વાપરો."
છોકરીએ કહ્યું, "ના અત્યારે નથી કરવો. તમારો આભાર , પણ મને ખબર નથી કે આ સિમ કયા નામે ખરીદાયું છે."
એણે કહ્યું, "એકવાર એક્ટિવેટ થવા દો, જે વ્યક્તિએ તમને સિમ આપ્યું છે તેનું નામપણ ખબર પડી જશે.."
તેણે કહ્યું "ઠીક છે, ચાલો પ્રયત્ન કરીએ"
સ્વપ્નિલે પૂછ્યું " તમે ક્યાં સ્ટેશને ઉતરવાનો છો ???"
છોકરીએ કહ્યું " પારસપુર "
અને “ તમે” ?? છોકરીએ પૂછ્યું
સ્વપ્નિલે કહ્યું, "હું પણ પારસપુર જ જાઉં છું .”
છોકરી : તમે પારસપુરમાં રહો છો કે...?"
છોકરીએ કહ્યું, "ના ના, પારસપુરમાં મારું કોઈ કામ નથી, ન તો મારું ઘર છે કે કોઈ સગાવહાલા ."
તો ???? સ્વપ્નિલે જિજ્ઞાસાથી પૂછ્યું
તેણીએ કહ્યું, "ખરેખર, હું આજે આ બીજી ટ્રેનમાં છું, અને મારે પારસપુરથી ત્રીજી ટ્રેન પકડવાની છે, પછી હું કાયમ માટે મુક્ત થઈ જઈશ."
સ્વપ્નિલ : “મુક્ત ?” તમે કેવા પ્રકારની કેદમાં છો??
આ બેદરકારીભરી છોકરી કઈ જેલમાં હતી તે સ્વપ્નિલ મનોમન જાણી ગયો.
છોકરીએ કહ્યું, “ એજ જેલમાં હતી જેમાં દરેક છોકરીને તેના પરિવારના સભ્યો કહે ત્યા લગ્ન કરો, તેઓ કહે તેમ કરો. એવું કહેવામાં આવે છે .હું ઘરેથી ભાગી ગઈ છું.”
સ્વપ્નિલને નવાઈ લાગી, પણ એણે આશ્ચર્ય છુપાવતાં હસીને પૂછ્યું, " તમે એકલી ભાગી ગઈ ? તમારી સાથે કોઈ નથી દેખાતું?"
તેણીએ કહ્યું, "હું એકલી નથી, મારી સાથે કોઈ છે."
“હું પારસપુરથી બીજી ટ્રેન પકડીશ, પછી હું તે સજ્જનને આગલા સ્ટેશન પર મળીશ.”
“ઓહ, પ્રેમની બાબત છે.”
તેણે કહ્યું "હા"
તેણીએ પૂછ્યું," તમે કેવા લગ્ન કર્યા છે? આય મીન લવ કે એરેન્જ્ડ?
“બેમાંથી એકેય નથી "સ્વપ્નિલે ટૂંકો જવાબ આપ્યો
આ સાંભળીને તે ખુશ થઈ ગઈ અને બોલી, "વાહ, " મેરેજની વાત સાંભળીને તે સ્વપ્નિલ સાથે વાત કરવામાં રસ લેવા લાગી.
સ્વપ્નિલે પૂછ્યું, " તમે મને કહો કે તમારા ઘરમાં કોણ કોણ છે?"
તેણીએ સાવધાનીપૂર્વક કહ્યું, "હું તમને કેમ કહું? મારા ઘરમાં કોઈ પણ હોઈ શકે, મારા પિતા, માતા, ભાઈ-બહેન, અથવા ત્યાં કોઈ ભાઈ હોઈ શકે નહીં, ફક્ત બહેનો જ હોઈ શકે અથવા કોઈ બહેનો પણ ન હોઈ શકે.
સ્વપ્નિલે એ છોકરીનું નામ જાણવા ખાતર પૂછ્યું ," આટલી વાતો થઇ પણ મેં તમારું નામ જ નથી પૂછ્યું .શું નામ છે તે કહેશો ?
તેણીએ કહ્યું, 'મારું નામ કંઈ પણ હોઈ શકે, ટીના, મીના, રીના “
તે ખૂબ જ બોલકણી છોકરી હતી.થોડી વાતો કર્યા પછી તેણીએ સ્વપ્નિલને ટોફી આપી.
તેણે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે. મારું નામ ..... બોલતા બોલતા એ અટકી ગઈ. કઈંક વિચારવા લાગી .શું વિચારતી હતી? તે એણે પણ ખબર નહોતી.મન સ્થિર હતું.નજરો આમતેમ ફેરવતી હતી
સ્વપ્નિલે પૂછ્યું, "તમારી ઉંમર કેટલી છે?"
તેણીએ કહ્યું " ૨૨ "
સ્વપ્નિલ બોલ્યો, " "એનો અર્થ એ છે કે તમે ભાગીને લગ્ન કરવા માટે કાયદેસરની ઉંમરના છો."
તે હસી . થોડી જ વારમાં બંને એકદમ નજીક આવી ગયા, જાણે કે એકબીજાને ઘણા સમયથી ઓળખતા હોય સ્વપ્નિલે તેને કહ્યું, "હું ૨૫ વર્ષનો છું, એટલે કે હું ૩ વર્ષ મોટો છું."
તેણે કટાક્ષ કર્યો, "તમે તો અનુભવી રહ્યાં."
સ્વપ્નિલ હસ્યો અને બોલ્યો," કઈ બાબતે અનુભવી છું? ફરીથી પૂછ્યું, "તું ઘરેથી ભાગીને આવી છે, તારા ચહેરા પર ચિંતાના નિશાન નથી”?
સ્વપ્નિલે કટાક્ષ કર્યો, "શું તેણે તમને મારા જેવા અજાણ્યા લોકોથી દૂર રહેવાની સલાહ નથી આપી?"
તેણે હસીને જવાબ આપ્યો, "ના, કદાચ તે આ કહેવાનું ભૂલી ગયો હશે."
મેં તેના બોયફ્રેન્ડના વખાણ કર્યા અને કહ્યું, "સારું, તારો બોયફ્રેન્ડ ખૂબ જ ટેલેન્ટેડ છે. તેણે તને કેવી રીતે એકલી ઘરની બહાર મોકલી ? તમને નવું સિમ અને મોબાઈલ આપ્યો, ત્રણ ટ્રેન બદલાવી. જેથી કોઈ ટ્રેકિંગ ન કરી શકે. પ્રતિભાશાળી વ્યક્તિ છે."
છોકરી બોલી, " હા .તેના જેવું કોઈ પ્રતિભાશાળી નથી."
સ્વપ્નિલ નિરાશ ભાવ દેખાડી પ્રશ્નાર્થક ભાવે બોલ્યો," મારા કરતા પણ પ્રભાવશાળી?'
રોશનીએ કહ્યું, " જી હા." મારકણો જવાબ આપતા બોલી
સ્વપ્નિલના ચહેરાપરના નિરાશ ભાવ જોતા પેલી છોકરીને મજા પડી હતી પણ પાછું એના મનમાં થયું કે કોઈ
અજાણ માણસને આ રીતે નિરાશ ના કરાય.જે સાચું તે કહી દેવું જોઈએ
તમે મારા કરતા મોટા છો પણ બુદ્ધુ તો ખરા.તમે પણ પ્રભાવશાળી જ છો.ક્યૂટ છો.બાય દ વે મારું નામ હમ્મ."રોશની" છે.
"ઓહ્હ...કેટલું સરસ નામ છે .પણ હું તમને બીજા નામથી બોલાવું તો ચાલશે?"
" તમારે મારી સાથે "તું.. તા… થી જ વાત કરવાની .તું કારથી વાત કરવાની સમજ્યા બુધ્ધુદેવ?
"ઓકે"
હું તને "ચકોર" નામથી બોલાવીશ. ચાલશે?"
"હા ચાલશે.ગમશે પણ "
સ્વપ્નિલે કહ્યું, "તેનો જન્મ કુવૈતમાં થયો હતો. મારી પાસે પેટ્રોલિયમ કંપનીમાં ખૂબ જ સારી નોકરી હતી અને ઘણો સારો પગાર હતો. પછી થોડા મહિનાઓ પછી. મેં તે નોકરી છોડી દીધી અને મારા પોતાના શહેરમાં કામ કરવાનું શરૂ કર્યું."
રોશનીએ પૂછ્યું કે, “ તમે નોકરી કેમ છોડી ??”
મને વૈવાહિક કારણોસર નોકરી છોડવી પડી. કારણ કે મને કોઈ બાપો તેની વ્હાલસોયી દીકરીને મારી સાથે પરણાવવા તૈયાર નહોતો.કેમ કે હું મુસ્લિમ દેશ કુવૈતમાં સ્થાયી થવા માંગતો હતો.મારા માતા પિતા મને પરણી જવા માટે બહુ જ દબાણ કરતા હતા હું અહીં મુંબઈમાં આવ્યો. પારસપુર એક મિત્રના લગ્નમાં જવું છું અને એક ઓળખીતાના ભલામણથી એક છોકરીને પણ જોવી છે. મને મનમાં શંકા છે કે તારા જેવી હશે કે નહિ? તારા જેવી નહિ હોય તો હું ના પણ પાડી દઈશ "
"મારામાં તમે એવું શું જોયું? મારા જેવી કેવી રીતે કહી શકો? " રોશની હવે થોડી ગંભીર થઇ હતી.તેણીના વાત પરથી તેનું ગંભીર રૂપ જોતા એ પણ સ્વપ્નિલ તરફ ખેંચાતી હતી.
બંને થોડી વાર સ્તબ્ધ રહ્યા.
બહાર ભર શિયાળાની મોસમ હોવાથી ઠંડીએ બરાબરનો ભરડો લીધો હતો. બધાને કડકડતા કરી દીધા.
રોશનીએ કહ્યું " તમે ખૂબ પ્રભાવશાળી છો. "
સ્વપ્નિલે હસીને બારી તરફ જોયું
રોશનીએ પૂછ્યું, "સારું, તમે પ્રેમ લગ્નમાં માનો છો? કોઈ છોકરી તમને કહે કે ભાગીને લગ્ન કરી લઈએ તો તમે ભાગીને લગ્ન કરશો? "
રોશનીના આવા અચાનક કરેલ સવાલથી સ્વપ્નિલ નવાઈ પામ્યો.
"કોઈ છોકરી મને પસંદ કરે.તો ને?" સ્વપ્નિલે જવાબ આપ્યો
"હા એ વાત તો ખરી હમ્મ " રોશની બોલી
ગાડી સડસડાટ દોડતી રહી .મુંબઈથી બંને બેઠા અને વાતવાતમાં વડોદરા ક્યારે પાસ થઇ ગયું તે ખબર જ ના પડી.બંને એટલા વ્યસ્ત થઇ ગયા કે કેટલા વર્ષોથી એકબીજાને મળ્યા હોય તેવું પ્રતીત થતું હતું તેણીના દરેક પ્રશ્નમાં અને દરેક વાતમાં સ્વપ્નિલને લાગ્યું કે આ છોકરી સાવ નાદાન અને નિર્દોષ છે.
વડોદરાથી ગાડી છૂટ્યા બાદ લગભગ અડધો પોણો કલાક બંને જણા એક્બીજાજોડે કાઈંજ બોલ્યું નહિ. થોડી થોડીવારમાં એક બીજા જોડે જોયા કરતા હતા
"તારો શું વિચાર છે? " મૌન તોડતા સ્વપ્નિલ બોલ્યો
આમ અચાનક બેહુદો સવાલ કેમ કર્યો?" મેં તમને તેવા નજરોથી જોયા જ નથી.કલાકની વાતચીતમાં તમે આટલા આગળ નીકળી ગયા? " સહેજ ગુસ્સાનો ભાવ દર્શાવતા રોશની બોલી
સ્વપ્નિલ ચૂપ રહ્યો હવે આ મુદ્દાપર રોશની જોડે વાત કરવાનો કોઈજ અર્થ નથી. એ બોલે તો ટૂંકો જવાબ આપવાનો એવું નક્કી કરીને એ ચૂપ રહ્યો
બે ત્રણ કલાકની મુલાકાતમાં તમે આટલું વિચારી લીધું ? હમ્મ ? તમે છોકરી રહ્યા હોત અને હું છોકરો રહ્યો હોત અને મેં તમને આવો સવાલ કર્યો હોત તો તમે શું વિચાર્યું હોત? જરા વિચારો ?"
રોશની બરાબરની ભડકી હતી
"સોરી રોશની સહજભાવે આવેશમાં આવીને મેં પૂછ્યું. મનમાં કોઈ ખરાબ ભાવના નથી કે જોર જબરદસ્તી નથી તું તારા નિર્ણય પર સ્વતંત્ર છે. તું મારી ઉપર ભડકી તેનો પણ મને કોઈ અફસોસ નથી કે ગુસ્સો નથી.જેમ તારી ઈચ્છા અને મરજી .મને કોઈને પણ જબરદસ્તી કરવી ગમતું નથી ભલે તે ખાવા પીવાનું હોય,હરવા ફરવા નું હોય કે સાથે રહેવા બાબતે હોય. .દરેક માણસ પોતપોતાની રીતે વિચારવા સ્વતંત્ર છે " સ્વપ્નિલે બોલવાનું પૂરું કર્યું
"ઓકે. ભૂલી જાવ " રોશનીનો ટૂંકો જવાબ
ઊંઘ નહોતી આવતી એટલે બેગમાંથી એક નવલકથાનું પુસ્તક કાઢ્યું વાંચવાનું શરુ કર્યું. માંડ બે ત્રણ પાનાં વાંચ્યા હશે પણ સ્વપ્નિલનું મન વિચલિત થયું અને રોશની પર સ્થિર થયું.
પારસપુર એકદમ નાનું શહેર .બે જ પ્લેટફોર્મ . સ્ટેશન માસ્ટરની કેબીન ,પોલીસ ચોકી ,ટિકિટ બારી ,પાણીની પરબ,એક હોટેલ અને એક પાનનો ગલ્લો થોડાક લાકડાના અને થોડાક લોખંડના બાકડા પ્લેટફોર્મ નંબર ૧ પર હતું. બે નંબરના પ્લેટફોર્મ પર બાંકડા સિવાય કાઈંજ નહોતું.ટ્રેન બે નંબરના પ્લેટફોર્મ પર ઉભી રહી .બંને રાતના સાડા ત્રણે પારસપુર સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા.
એક બાકડા પર બેઠા.આમ તો સ્વપ્નિલને અલગ બાંકડા પર બેસવું હતું પણ સ્ટેશને પ્લેટફોર્મ પર નીરવ શાંતિ હતી. એક ખામોશી જેવી શાંતતા,સુનસાન પ્લેટફોર્મ . આખા પ્લેટફોર્મ પર આ બંનેજ હતા .
કડકડતી ઠંડીમાં રોશનીના હોંઠ થર થર કાપતા હતા.દાત કચકચ થતા હતા. શીતળ પવનના લહેરોમાં રોશની વીંટાળાઈ ગઈ હતી. સ્વપ્નિલે બેગમાંથી શાલ કાઢી અને રોશનીને ઓઢવા આપી. રોશનીએ શાલ ઓઢી તેનો આભાર માણ્યો.
એક ત્રાંસી નજરે રોશનીએ સ્વપ્નિલ તરફ જોયું.સ્વનિલ ઘેરા સોચમાં હતો.
રોશનીને મનોમન પશ્ચાતાપ થતો હતો . સ્વપ્નિલનો કોઈ વાંક ન હોવા છતાંય તેના પર ભડકી ગઈ. તેણીને સ્વપ્નિલ પ્રત્યેનું બેહૂદા વર્તન ના ગમ્યું. એટલે થોડી થોડી વારે એ સ્વપ્નિલને ત્રાંસી નજરે જોયા કરતી હતી
ચાર વાગ્યા .એક ૧૫ વર્ષનો છોકરો સ્વપ્નિલ નજીક આવ્યો ,"સાહેબ ચા "
સ્વપ્નિલ સફાળો જાગ્યો.એની વિચાર શૃંખલા તૂટી
"હમમમ ..આપી દે એક "
"કેમ બે નહિ?" રોશનીએ સવાલ કર્યો
"ભાઈ ચાલ બે આપી દે." સ્વપ્નિલ બોલ્યો.
ચા સાથે બિસ્કિટ કે વેફર? " સ્વપ્નિલ બોલ્યો
"હકારાત્મક ડોક ધુણાવી રોશનીએ સંમતિ આપતા કહ્યું "કોઈ પણ વેફર ચાલશે.આયમીન બટાકાની અથવા કેળાની .
"બિસ્કિટ?' સ્વપ્નિલ
"ઓકે " રોશની
ચા ના પૈસા તમે આપો, અને વેફર,બિસ્કિટના હું આપીશ " રોશની બોલી
એટલેક તો રેલવે પોલીસના બે જવાનો ત્યાં આવીને ટપક્યા .એકે ધમકાવીને પૂછ્યું , "તમે કોણ છો? ઘરેથી ભાગીને આવ્યા છો? કે પતિ પત્ની છો ? આધાર કાર્ડ બતાવો ,ટિકિટ બતાવો .ક્યાંથી આવ્યા છો? "
"સાહેબ , ના અમે પતિ પત્ની છીએ કે નહિ પ્રેમી પ્રેમિકા કે નહિ ભાગીને આવ્યા . અમે બને મુંબઈથી બેઠા અને સહ પ્રવાસીની જેમ જ વાતો થઇ.આતો રાતનો સમય છે અને આ એકલી મહિલા છે . એને સંગાથ રહે એ વિચારોથી હું એની સાથે અહીં થોડી વાર છું. સવાર થાય એટલે હું મારા રસ્તે અને એ એના રસ્તે.” સ્વપ્નિલે સ્પષ્ટતા કરી .
સ્વપ્નિલની વાતો પર વિશ્વાસ થતા એક જવાન બોલ્યો ,"ઠીક છે પણ તમે અહીં બાંકડા પર નહીં બેસો.ત્યાં આગળ પોલીસ ચૌકી છે તેની બહાર બાંકડો છે ત્યાં બેસો અમારી નજરોની સમક્ષ .અને આનાકાની કરશો તો અંદર બેસાડી દઈશું. અને હા અંદર જાઓ એટલે સાહેબ પાસે તમારું નામ સરનામું કોન્ટકટ નંબર અને તમારો એક બીજા જોડે જે પણ કઈ સંબંધ હોય તે બધી વિગત લખાવો. ખોટી વિગત લખાવશો તો સમજો તમે બંને ગયા અંદર " કડકાઈથી તાકીદ આપતા જવાન બોલ્યો.
તમે કેમ એવું બોલ્યા કે સહ પ્રવાસી છીએ? કહી દેવાનું તું ને કે અમે પ્રેમી પંખીડા છીએ." રોશની બોલી
સ્વપ્નિલ : "તને સમજ પડે કે નહિ? આવું જો કહ્યું હોત તો વધારે મુશ્કેલીઓ સર્જાઈ હોત .આપણને ભાગેડુ સમજી અંદર કરી દીધા હોત.આપણા ઘરવાળાઓને ભેગા કરી દીધા હોત.બહુ લાંબુ પ્રકરણ લખાઈ જતે.તે કરતા સહ પ્રવાસી જણાવ્યું એટલે વધારે પૂછ પરછ નથી થઇ કે વધારે હેરાન નથી કર્યા "
રોશની : "હા..સારું કર્યું."
સ્વપ્નિલ : "ઓકે..હવે ક્યાં જવાનું છે તને? "
રોશની :"મને જ ખબર નથી.મારું છેલ્લું સ્ટેશન પારસપુર સુધીનું જ હતું. નક્કી નથી ક્યાં જવું તે."
સ્વપ્નિલ: મને પણ નથી ખબર " એક મારા એક પરમ મિત્રના લગ્નમાં જવું છે .પણ હું પહેલા હોટેલમાં જઈશ પછી લગ્નમાં .એક હોટેલમાં રૂમ બુક કરાવી છે પછી ક્યાં જવું તે નકી નથી "
રોશની: હમ,"
થોડીવાર બંને સ્તબ્ધ રહ્યા . સવાર પડી ગઈ હતી. સ્વપ્નિલે મોબાઈલમાં જોયું તો ૬ વાગી ગયા હતા . અજવાળું થઇ ગયું હતું.બંનેના મનમાં એક સવાલ થયો હતો કે હવે આગળ શું ?
સ્વપ્નિલ : "તારો બોયફ્રેન્ડ ?"
રોશની : મારો કોઈ બોયફ્રેન્ડ નથી મેં તો ઝુઠાનું ચલાવ્યું હતું
"આપણે બેઉ પરણી જઈએ?" રોશનીના આવા બેધડક સવાલથી સ્વપ્નિલના મનના તાર ઝણઝણી ઉઠ્યા .ઘડીભર ચકળવકળ જોવા લાગ્યો.
સ્વપ્નિલ : " કશું જાણ્યા વગર તાત્કાલિક નિર્ણય લઇ લીધો તે? "
રોશની :" તેમાં શું જાણવાનું? ૧૦ કલાકના સફરમાં ખાસ્સું એવું જાણી લીધું બાકી રહ્યું તે ભગવાન ભરોસે."
સ્વપ્નિલ : થોડોક સમય લે વિચારવાને.આમ બેધડક નિર્ણય નહિ લેવાય.ખાસ તો તારે બહુ વિચારવાનું છે. આજે બપોરના જ લગ્ન છે. લગ્ન પતિ જાય એટલે હું પાછો રાતના ટ્રેનથી મુંબઈ જવા ઉપડી જઈશ .
રોશની: જો હું આમતેમ રખડુ તે કરતા તમારી સાથે હું પણ લગ્ન સ્થળે આવું ? હું માંડવામાં એક જગ્યાએ બેસી રહીશ.
લગ્ન પતે,જમણવાર પતે એટલે હોટેલમાં જઈએ અને નિરાંતે વાતો કરીશું અને ભવિષ્યનું આયોજન કરીશું.આમ તો હું પણ ગ્રેજ્યુએટ છું.નોકરી કરી શકું.અને કરીશ જ.આમ ઘરમાં રહેવું મને કઈ ફાવે નહિ .હું પણ કમાવીશ.
સ્વપ્નિલ આજે રાતનાં મુંબઈ નીકળી જવાનો હતો તેની પરત ફરવાની ટિકિટ બુક કરાવી લીધી હતી. રોશની માટે તાત્કાલમાં ટિકિટ બુક કરાવી લીધી .બંનેના કોચ અલગ અલગ હતા પણ કોચમાં સ્વનિલે બીજા પ્રવાસી જોડે સીટની અદલાબદલી કરાવી લીધી હતી.
બંને સાંજના ૫ વાગે હોટેલ પહોંચ્યા . રાતના ૧૦.૩૦ વાગ્યાની ટ્રેન હતી. દસ વાગે હોટેલથી સ્ટેશન નીકળી જવું હતું ગઈ કાલના રાતના પ્રવાસનો અને આજના લગ્નની ભાગદોડનો થાક થાક લાગ્યો હતો. બંને સુઈ જવાના મૂડમાં હતા. બેડ એકજ હતો એટલે સ્વપ્નિલે પોતા માટે એક વધારાનું ગાદલું મંગાવ્યું અને બેડ પર રોશનીને સુવા કહ્યું. બંને સુઈ ગયા હતા.
૯.૩૦ વાગે વાગે ઉઠીને અડધા કલાકમાં તૈયાર થઇ ગયા અને બરાબર દસના ટકોરે હોટેલથી નીકળી પારસપુર સ્ટેશને જવા રવાના થયા.બરાબર ૧૦ વાગે પહોંચી ગયા.
સ્વપ્નિલ બોલ્યો,"રોશની હવે આપણા પરિવારજનોને જાણ કરવી પડશે.
સવારે આઠ વાગે બંને મુંબઈ આવી પહોંચ્યા . સ્વપ્નિલ રોશનીને લઇ ઘરે પહોંચ્યો.
"આ કોણ છે?" કોણે સાથે લઇ આવ્યો? તું લગ્નમાં ગયો હતો કે કોઈ લાડીને તેડવા ગયો હતો?" સ્વપ્નિલની મમ્મીએ ટકોર કરી
"મમ્મી તું બેસ.તને બધી હકીકત કહું " સ્વપ્નિલે બધી હકીકત કહી અને રોશની જોડે પરણવાની તૈયારી દર્શાવી
"અરે યાર આ શું કર્યું તે? કોને ઉંચકી લાવ્યો? ક્યાં ભટકાઈ ? અમને પૂછ્યા વગર તેં જાતે જ શોધી લીધી અને પરણવાની તૈયારી પણ દર્શાવી? તે કરતા પરણીને જ આવવું જોઈને ને? એ કોણ છે? તેના માતા પિતા કોણ છે? ક્યાં રહે છે ?પરિવારમાં કોણ કોણ છે ? " એકી શ્વાસે તેની માતા સુધાબહેન બરાડી ઉઠ્યાં.
"દીકરા ,કમ સે કમ જરા અમારો વિચાર તો કરવો જોઈએ કે નહિ? અમે કઈ ના થોડી કહેવાના છે? "શાંત મને સ્વપ્નિલના પિતા બોલ્યા.
"જો સ્વપ્નિલ તું જો આની જોડે જ પરણવાનો હોય તો ભલે પરણી જા પણ તારે જુદા રહેવું પડશે .અમારી સાથે નહિ.આજનો દિવસ ભલે એ અહીં રહે પણ કાલે સવારે એ અહીં ના દેખાવી જોઈએ "માતાના આ કડવા બોલથી સ્વપ્નિલ મૂંઝાયો.
સવારે ઉઠીને સ્વપ્નિલે જોયું તો એને રોશની ક્યાંય દેખાઈ નહોતી.એ ઘોર ચિંતામાં ગરક થઇ ગયો પણ મમ્મીની આગળ એ કશું બોલી ના શક્યો.
"સ્વપ્નિલ જો આજે એક જગ્યાએ જવાનું છે છોકરી જોવા.ના નહિ પાડતો. છોકરી બધીજ રીતે સારી છે.ગુણીયેલ છે,સંસ્કારી છે .દેખાવડી પણ છે ."
સ્વપ્નિલ કાઈંજ બોલી ના શક્યો.
સાંજે સાત વાગે સ્વપ્નિલ,તેના મમ્મી પપ્પા સાથે એ છોકરી જોવા એક હોટેલમાં ગયા .બેન્કવેટ હોલમાં આ ત્રણે બેઠા. સ્વપ્નિલ સુનમુન બેઠો હતો. એણે કશું જ બોલવાની તસ્દી લીધી નહિ.કોણ છોકરી છે? શું કરે છે? શું નામ છે?
થોડીવાર રહીને સ્વપ્નિલની મમ્મીએ બૂમ પાડી ," સપના" આવી જા બેટા
માથે ઘૂંઘટ ઓઢી સપના હોલમાં દાખલ થઇ . એને સ્વપ્નિલની સામે બેસવા કહ્યું .
"ચાલ બેટા તારો ઘૂંઘટ ઉઠાવ એટલે એક બીજાને જોઈ લ્યો અને પસંદ કરી લ્યો.
રોશનીએ હલકેશથી ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે પણ સ્વપ્નિલ નીચે જ જોઈ રહ્યો હતો.
"આમ નીચે શું જુએ છે ઉપર જો" સ્વપ્નિલના પિતા બોલ્યા
ના છૂટકે એણે ઉપર જોયું .
જોઈને અવાક પામ્યો. તેને વિશ્વાસ જ બેસતો નહોતો .એ મમ્મી પપ્પા અને રોશનીને વારા ફરતી જોતો રહ્યો.
"મમ્મી આ શું છે?" સ્વપ્નિલ બોલ્યો
"દીકરા સરપ્રાઈઝ "
તે રાત્રે અમને આ ગમી ગઈ હતી.તું સુઈ ગયા પછી અમે ત્રણેય સરપ્રાઈઝ પ્લાન રચ્યો હતો.અમને રોશની પસંદ છે. આજે અહીંજ વીંટી પહેરાવી દે."
મમ્મી ,પપ્પા અને અન્ય સગાવ્હાલાઓના તાળીઓના ગડગડાટથી સ્વપ્નિલ વિચારોના વમળોમાંથી બહાર આવ્યો.
"કેમ સપનું જોતા હતા કે શું? આમ એકદમ સફાળા જાગી ગયા તે?" રોશની સવાર સવારમાં સ્વપ્નિલને ઉઠાડવા આવી ત્યારે બોલી.
સ્વપ્નિલે તરત રોશનીનો હાથ પકડી પોતાના તરફ ખેંચી લીધી અને રોશનીને એકીટસે જોતો હતો.
*******************************************************************************