HUN ANE AME - 32 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 32

રાધિકા ગોઠણભેર જમીન પર બેસી ગઈ અને રુદનની કોઈ સીમા નહિ. તેના મનમાં એવું તે શું આવ્યું કે બધી બાજુથી ઘેરાયેલી રાધિકા રડતા રડતા જોરથી બોલી ઉઠી, "ઉભા રહો ફઈ, અવની રાકેશની બહેન છે." અત્યાર સુધી રાકેશની વાતો છુપાવતી રાધિકા પાસે કોઈ રસ્તો ના રહ્યો અને એના મુખેથી રાકેશનું નામ નીકળી ગયું. એનું નામ સાંભળતા જ પરિવારના બધા લોકો આશ્વર્યમાં મુકાય ગયા અને ફઈના ડગલાં થોભાઈ ગયા.

રાકેશનું નામ બોલવાની કિંમત રાધિકા જાણતી હતી અને એટલે જ પોતાના બંને હાથ પોતાના મોં પર મૂકી દીધા. આઠ વર્ષનો વસવસો તેના હૃદયમાં ભરેલો હતો જે આજે તેની આંખમાંથી આંસુ બની ગાંડી મેઘની જેમ અનરાધાર વરસી રહ્યો. કુતુહલ તો મયુરના મનમાં જામ્યું અને તેનું આ વાક્ય સાંભળી તે પૂછવા લાગ્યો, "રાધિકા! અવની રાકેશની બહેન છે તો શું થયું? એ તો કેટલો સજ્જન અને મોટો માણસ છે. જો એવા માણસની બહેનના લગન કાર્તિક જોડે થાય તો વાંધો શું છે?"

મહેશ પણ તેને પૂછવા લાગ્યો, "તું એ જે રાકેશની વાત કરે છે, એ પેલો જ...?"

તેના મુખેથી શબ્દો ના નીકળી શક્ય પણ પોતાનું માથું 'હા'માં હલાવી તેણે મહેશને જવાબ આપ્યો. તમામની વાત ત્યાંજ અટકી ગઈ અને તેનો પરિવાર જે અત્યાર સુધી તેને દબાણ કરી રહ્યો હાતો તે એક જ ઝટકામાં પાણીમાં બેસી ગયો. પણ મયુરને હજુ કોઈ જાતની માહિતી નથી. તે બધાને પૂછવા લાગ્યો, "રાધિકા! મહેશભાઈ! તમે બધા રાકેશ સરનું નામ સાંભળી અચાનક ચૂપ કેમ થઇ ગયા?" પણ તેને કોઈ જ જવાબ ન મળ્યો.

હોંશથી ઉભેલો કાર્તિક તેનું નામ સાંભળતા જ મૂર્ત થઈ સોફા પર બેસી ગયો અને ઢીલા પડેલા તેના નેણ તેની નિરાશા બતાવવા લાગ્યા. ચોધાર રડતી રાધિકા ઉભી થઈ અને મયુરને આલિંગ આપી જોર જોરથી ચીંસો પાડી રડવા લાગી. મયુરને એ નહોતું સમજાતું કે આખરે શું ચાલી રહ્યું છે? તેને અળધી કરી બન્ને હાથે તેની ગરદન પકડી તે કહેવા લાગ્યો, "રાધિકા, મેં આજ સુધી આ રીતે તને ક્યારેય નથી જોઈ. જે છે એની મને ખબર નથી. પણ આ દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. આજે મારે જાણવું છે કે વાત શું છે. મને યાદ છે, જ્યારે રાકેશ પહેલીવાર અહીં આવેલો ત્યારે પણ તારું વર્તન બદલાઈ ગયેલું અને આજે અવનીની વાત આવી છે ત્યારે પણ તું રાકેશથી ડરે છે. હવે હું જાણ્યા વગર નહિ રહી શકું. તું બોલ, મારે આજે તારા મોઢેથી સાંભળવું છે. બોલ રાધિકા." તે તેના આંસુ લૂછતો ઢીલા અવાજે કહેવા લાગ્યો.

પોતાની જાતને સંભાળતી તે સ્વસ્થ થવાના પ્રયત્ન કરતી કહેવા લાગી, "તમે સાંભળી શકશો?"

"હા, હું સાંભળીશ ને જો ના સંભળાયને તો પણ હું સાંભળીશ."

એટલામાં મહેશ અને હકુકાકા વચ્ચે કહેવા લાગ્યા, "રાધિકા તને ખબર હતીને કે આ તારો પાડોશી ઈ રાકેશ છે."

"તોય તું આંયાં રહે છો?"

હકુકાકા બોલ્યા" બસ કર હવે. થોડીક તો અમારી લાજ રાખવી 'તી. તે દીવસે તો તે વિચાર ના કર્યો પણ આજેય તને વિચાર નથી આવતો?"

મહેશે કહ્યું, "બસ આજ જોવાનું બાકી હતું કાકા. આપણે તો સમજ્યા કે આપણી રાધીનું સારું ઠેકાણું ગોઠવાય ગયું અને આ હજુ પેલામાં જ અટકી છે. આપણી બધાથી ખોટું બોલતી રહી."

"બસ..." રાધિકા હિંમત ભેગી કરી તેઓની સામે બોલી, "... બસ કરો ભાઈ. એની તોલે તો તમે લોકો ક્યારેય નહિ આવી શકો. એની સારાય તો તમને દેખાતી નથી. જે જોવાનું છે એ તો નથી જોતા, કમસે કમ ન જોવા જેવું તો જોવાનું બંધ કરો. હેસિયત શું છે એમ જ એને પુછેલુને તમે? તમને ખબર છે તેની શું હેંસિયત છે? તમે તમારા મયૂરકુમારને જોઈને ગર્વ કરો છોને? રાકેશે એનો બોસ છે અને અત્યારે તમે જે ઘરમાં ઊભ છોને એ પણ રકેશનું જ છે. અત્યાર સુધી તમે એને અને એના ઘરના લોકોને ન કહેવાનું કહ્યું. આ બધું જાણતા હોવા છતાં તે કશું ન બોલ્યો આ એની મહાનતા છે. તમે એકવાર તમારી જાત સામે જુઓ. તમને પૈસા સિવાય કશું દેખાય છે. મયુર પણ તમને એટલે જ ગમે છેને કારણકે એ પૈસાવાળો છે."

"રાધિકા! એમાં એક તારા કાકા અને બીજો ભાઈ છે. એની સામે તું બોલે છો?" ફઈ તેને કહેવા લાગ્યા. તો રાધિકાએ જવાબ આપ્યો, "હા, અત્યાર સુધી નહોતી બોલી એટલે આજે બોલવું પડે છે. હું પહેલા પણ તેની સામે નહોતી બોલી. મયુર તમારે હકીકત જાણવી છેને? રામાનંદનમાં અમારી શેરીમાં જે લલ્લુકાકા રહે છે એને તો તમે ઓળખો છોને?"

"હા, એને તો હું સારી રીતે ઓળખું છું. નિરવભાઈના પપ્પા." મયુરે કહ્યું.

"રાકેશ બીજું કોઈ નહિ. એ જ લલ્લુકાકાનો દીકરો છે. નિરવભાઈનો નાનો ભાઈ."

"આ તું શું બોલે છે રાધિકા?"

"હા મયુર, એક દિવસનો સમય હતો. જ્યારે મને રાકેશ અને રાકેશને હું, અમે એકબીજાને ગમતા હતા. પણ કોઈને કહેવાની હિંમત નહોતી. એક વાર રાકેશે હિંમત કરી મને કહી દીધું અને એ સમયે મને પણ એ ગમતો. ભાઈની બીકે હું આગળ ન ચાલી અને આ વાત મારા ઘરમાં બધાને ખબર પડી ગઈ. તમને ખબર છે મયુર, આ ભાઈએ શું કર્યું? તેને માર્યો, ગાળો આપી અને ન બોલવાનું બોલી તેને તેનાજ ઘરમાંથી બહાર કઢાવી નાખ્યો. માત્ર એટલા માટે કારણકે એણે મને એમ પૂછેલું કે હું શું વિચારું છું?"

મયુર બોલ્યો; "રાધિકા! તે આજ સુધી આટલી મોટી વાત મારાથી છુપાવી?"

"મારો ઉદ્દેશ ન્હોતો કે હું તમારાથી છુપાવું. પણ તમને કહેવાંની મારી હિંમત ન ચાલી."

હકુકાકા કહેવા લાગ્યા, "રાધિકા એ વાત અલગ હતી."

"હા, હશે! મને શું ખબર? પણ મહેશભાઈ, કાર્તિક તે દિવસે રાકેશને મારવાવાળા તમે જ બંને હતાને? અવનીએ સાચું જ કહ્યું હતું. જ્યારે એના ભાઈને તમારી બહેન ગમવા લાગી તો એને ખોટો સાબિત કરી તમે એને ઘરની બહાર કઢાવ્યો અને આજે તમને એની બહેન ગમવા લાગી તો એને જાણ્યા વગર સીધું કહી દીધું કે એને લગન માટે પૂછો? પહેલીવાર અવનીને જોઈ ત્યારથી અત્યાર સુધીમાં તમે લોકોએ શું કર્યું મહેશભાઈ? એ વખતે તમને એ ન લાગ્યું કે તમે શું કરો છો? કાકા, શું હવે તમને તમારો કાર્તિક દોષી નથી લાગતો? આજે તમને તમારા દિકરામાં પ્રેમ દેખાય છે? હું મારી ભૂલ સુધારવા ગયેલી. જે દિવસે મારી સગાઈ થઈ એ જ દિવસે હું રાકેશ પાસે ગઈ 'તી. નસીબ મારા કે હું એને ન મળી શકી."

મયુર તેને શાંત કરતા કહેવા લાગ્યો, "રાધિકા! હું સમજી શકું છું. બસ, હવે રડ નહિ." પોતાની બાથમાં લઈ તે તેના માથામાં હાથ ફેરવતા તે બધાની સામે જોવા લાગ્યો.

રાધિકા કહેવા લાગી, "તમને ખબર છે, જ્યારથી એને આપણા લગનની જાણ થઈ છે ત્યારથી એ મને એક જ વાત કહે છે, 'રાધિકા મને ભૂલીજા અને મયુરને અપનાવી લે'. આપણા લગન પછી એણે પોતાના મનમાંથી મને ક્યારનીય કાઢી નાંખી છે."

કશું બોલ્યા વગર મહેશ અમિતાને લઈને બહાર જતો રહ્યો અને તેની પાછળ બધા જતા રહ્યા. પણ કાર્તિક ત્યાં જ સોફા પર મોઢું લટકાવીને બેઠો રહ્યો. જતા જતા હકુકાકાએ તેને સાદ કર્યો, "કાર્તિક ચાલ. ચાલ બધા જઈએ છીયે." પણ તેણે પોતાનું માથું ઊંચું જ ન કર્યું અને લટકતા મોંએ કહેવા લાગ્યો, "દીદી!... દીદી!"

લાલઘોમ બની ગયેલા તેના બસ્કા ભરતા ચેહરાએ મયુરની છાતી પરથી પડખું ફેરવી કાર્તિક સામે જોયું.

"દીદી આજે મને સમજાય છે કે તે દિવસે તમને કેવું લાગ્યું હશે. પણ તે દિવસે તો હું નાનો હતોને? મને શું ખબર પડતી? હું તો પપ્પાના અને મહેશભાઈના કહેલા વેણ પર ચાલેલો. મારી બહુ ભૂલ છે. માન્યું, પણ તમે રાકેશ્ભાઈને સમજાવોને. જે થયું એને ભૂલી જાય, હું અવનીને સાંચવીશ. તમે કહોને એને." મયુર અને રાધિકાની નજર કાર્તિક પર હતી અને હકુકાકા તેની આ વાત સાંભળી તેને લીધા વગર ત્યાંથી જ જતા રહ્યા. કાર્તિકની બાજુમાં બેસી રાધિકાએ એનો હાથ પકડ્યો અને કહેવા લાગી, "તારી આંખોમાં અવની માટેની લાગણી તો દેખાય છે. પણ રાકેશ સાથે હું ક્યા મોઢે વાત કરીશ?"

"હું જઈશ રાધિકા! હું વાત કરીશ એની સાથે." મયુરે કહ્યું.

"ના. તમારે જવાની જરૂર નથી. અમારી હકીકત જાણ્યા પછી હું એની સાથે વાત કરવા જઈશ એ કદાચ તમને નહિ ગમે એ મને ખબર છે. છતાં કાર્તિક માટે એકવાર મને જવા દ્યો."

"રાધિકા! એમાં એકવાર નો સવાલ જ નથી. હું તને ઓળખું છું અને સરને પણ સારી રીતે ઓળખું છું. તું એ ઘરમાં જ્યારે જવું હોય ત્યારે જજે. મને કોઈ જાતનું ખોટું નહિ લાગે."

શારદાકાકી તેઓ માટે એક ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને આવ્યા અને રાધિકા સામે ધરતા બોલ્યા, "લ્યો બેનબા, પાણી." તેણે પાણીનો ગ્લાસ લીધો કે ફરી શારદાકાકી બોલ્યા, "રાકેશ સાહેબની ગાડી આવી છે. લાગે છે તેઓ આવી ગયા."

રાધિકાએ પાણીનો ગ્લાસ મોંથી અળઘો કર્યો અને મયુરની સામે જોવા લાગી. મયુરે માથું હલાવી તેને હા કહી કે તરત ઉભા થઈ તે સામે રાકેશના ઘેર ચાલી ગઈ. તેના ગાર્ડનમાં પહોંચતા તેણે તેના પાર્કિંગમાં નજર કરી તો રાકેશની કાર ત્યાં પડેલી હતી. હળવા ડગલે તેણે ઘરમાં અંદર જઈને જોયું તો લથડિયું ખાતા રાકેશને અવની ટેકો આપી તેની રૂમ તરફ લઈ જઈ રહી હતી. આજે તે એટલો દારૂ પીયને આવેલો હતો કે તેને કોઈ જાતની ભાન નહોતી. સામે કોણ છે, શું ચાલી રહ્યું છે. તેને કશી ખબર નહિ. અવની મહાપ્રયત્નe તેને લઈ જઈ રહી હતી. રાધિકાના આંસુ હજુ સુકાયા નહોતા પણ પોતાના આંસુ લૂછી ચેહરો સરખો કરતી તે ફટાફટ ત્યાં આવી અને તેને ટેકો આપ્યો. બન્નેએ સાથે મળી તેને તેની રમ સુધી પહોંચાડ્યો.

રૂમમાં તેને તેના બેડ પર બેસાડી અવની બાજુના ડ્રોવરમાં કશુંક શોધવા લાગી. પછી એ ડ્રોવર બંધ કરી બીજી બાજુના ડ્રોવરમાં અને એ બંધ કરી કબાટમાં તે શોધખોળ કરવા લાગી.

"શું શોધે છે અવની?"

"બી-સિક્સ ની દવા. ક્યારેક ભાઈ વધારે પીય જાય છે ત્યારે તેની એક ગોળી હું તેને પીવરાવી દઉં છું. જેથી તે જલ્દી ભાનમાં આવે અને નશો તેના પર હાવી ન થાય. ડ્રોવરમાં રાખેલી, ખબર નહિ ક્યાં છે." કબાટમાં શોધખોળ કરતા તેને દવા હાથ લાગી. તે રાધિકાના હાથમાં દવા આપી બહાર જતા બોલી, "હું લીંબુવાળું પાણી લઈને આવું છું."

રાધિકા બેડ પર સુતેલા રાકેશની બાજુમાં જઈને બેસી ગઈ. થોડીવારમાં અવની પાણી લઈને આવી અને દવા સાથે લીંબુવાળું પાણી એણે રાકેશને પાયુ. "ભાઈ હમણાં ભાનમાં આવી જશે. હું આ ગ્લાસ મૂકીને આવું છું." કહેતી તે બહાર ચાલી ગઈ. લગભગ બે કલાક રાધિકા તેની પાસે બેઠી તો આમતેમ માથું હલાવતો રાકેશ ભાનમાં આવ્યો. તેને સામે કોઈ બેઠેલું છે એવું ધૂંધળું દેખાયું. ઝીણી આંખ કરતો તે એની સામે જોવા લાગ્યો અને બેઠો થયો. આંખો પટપટાવી જોયું તો સામે રાધિકા બેઠેલી.

"રાધિકા! તું અહીં?!"

ઊંડો શ્વાસ લેતા તે બોલી; "હા, હું. કેમ છે તારી તબિયત હવે?"

માથાના વાળમાં હાથ ફેરવતા તે બોલ્યો; "માથું થોડું ભારે ભારે છે. બાકી ઠીક છે. પણ તું અહીં?"

"રાકેશ! મારે તારી સાથે એક અગત્યની વાત કરવાની હતી. લાગે છે અત્યારે તું વાત કરવાની હાલતમાં નથી."

"એવું નથી. આઈ એમ ઓકે. બોલ જે વાત કરવાની હોય તે."

"શ્યોર કે તારી તબિયત ઠીક છે?"

"હા હા ભૈ. હું ઠીક છું" તે તેની સામે જોતા ફરી બોલ્યો, "તું બોલ!"

"અ.... હુંહહ.... રાકેશ, મેં તારી અને મારી વિશે મયુરને બધું કહી દીધું."

"શું? રાધિકા! તે સાચે તેને કહી દીધું?"

"મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન્હોતો. તું મયુર વિશે સાચું કહેતો હતો. એણે એક પણ વાર મારી કે તારી માટે વધારે વિચાર ના કર્યો અને મારા બધું સાચું કહ્યા છતાં એણે મને અહીં આવતા ના રોકી."

"એવું શું બન્યું કે તારે બધું સાચું કહેવું પડ્યું?"

"આજે અમારો આખો પરિવાર આવ્યો 'તો. હકુકાકા, કાકી અને તેનો કાર્તિક પણ સાથે હતા. ફઈએ એ રીતે વાત કરી મારી પાસે કોઈ રસ્તો ના વધ્યો. રાકેશ, કાર્તિક.... કાર્તિકને મન અવની ગમવા લાગી છે."

"હા એ મને ખબર છે."

"તને ખબર છે?"

"હા" રાકેશે કહ્યું.

રાધિકા બોલી; "તેઓ મને અને મયુરને અવનીનું માંગુ નાંખવાનું કહી ગયા 'તા. એટલે અમે વાત કરી કે નહિ એ જાણવા તેઓ અહીં આવેલા અને અવની તારી બહેન છે એમ જાણી જતા રહ્યા. પણ કાર્તિક ના હલ્યો."

"તો?"

"રાકેશ, મેં જોયું હકીકત જાણ્યા પછી એની કેવી મનોદશા હતી. તે અવનીને ખરા દિલથી પ્રેમ કરવા લાગ્યો છે. એણે કહ્યું કે કંઈ પણ થાય એ અવનીને સાચવશે અને એની આ વાત એની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. જે થયું એને ભૂલી જો તું ઈચ્છે તો અવનીના લગન કાર્તિક સાથે કરાવવાની વાત લઈને હું આવી છું."

આ સાંભળી તે વિચારમાં પડી ગયો અને એની સામે જોઈ તે ફરી બોલી; "તે જ્યારે તેને જોયેલો ત્યારે તો તે અણસમજુ હતો. પણ હવે મોટો થઈ ગયો છે. તે એક સારો છોકરો છે અને અવની તેને ખુબ ગમે છે. જો તારી ઈચ્છા હોય તો તું તારા મોઢે એક વખત અવની સાથે વાત કરીજો. હું જાણું છું એ કાર્તિકને એટલો પસંદ નથી કરતી પણ એનું કારણ એણે તારી સાથે જે કર્યું એ જ છે. તું એને બોલ કે મનમાંથી બીજા વિચાર કાઢી નાખે અને શાંત મને એકવાર કાર્તિકના પક્ષે વિચારી જોવે. જો તમારા બન્નેની હા હોય તો તે લગન માટે તૈય્યાર છે."

રાકેશે તેને જવાબ આપતા કહ્યું, "રાધિકા, હું તેને કોઈ જાતનો ફોર્સ નહિ કરું. તું કહે છો તો હું અવની સાથે વાત કરીશ. પણ કાર્તિકને કહી દેજે કે જે દિવસથી તે અવની માટે થઈને તારા ઘરે આવે છે, તે દિવસથી હું એના વિશે જાણું છું. જો અવનીની હા હશે તો જ હું આગળ ચાલીશ નહિતર નહિ. એ એમ ન સમજે કે હું એના માટે થઈને અવનીને મનાવીશ."

"તું શું કરશે એ હું નથી જાણવા માંગતી. પણ તારી અને અવનીની હા કે ના જે કંઈ નિર્ણય હશે એને અમે માન્ય ગણીશું. થેન્ક્સ કે તે અમારી વાત સાંભળી. હું જાઉં છું." કહેતી રાધિકા ત્યાંથી નીકળી ગઈ. તે દરવાજાની બહાર નીકળી તો ધ્યાન ગયું કે અવની ત્યાં જ ઉભી છે. અવની દરવાજે ઉભા રહીને બધું સાંભળી ગઈ છે. તેની સામે જોઈને રાધિકા એક ક્ષણ માટે થોભય ગઈ પણ કશું બોલ્યા વગર જતી રહી. તેના ગયા પછી તે અંદર આવી અને પોતાના ભાઈની બાજુમાં બેસી ગઈ.

"તું બહાર જ ઉભેલી હતી અવની?"

"હા અને તમે લોકોએ જે વાત કરી એ બધું મેં સાંભળી લીધું છે."

"તો તો પછી મારે કશું બોલવાનું જ નથી રહ્યું. તું જ કહીદે કે તારું શું માનવું છે?"

અવની થોડો ગુસ્સો કરતા બોલી; "ભાઈ! તમે આટલા સારા થવાના પ્રયત્ન ના કરો. તમે ભૂલી શકો છો પણ હું નહિ. જ્યારે તમને રાધિકા ગમી ગયેલી એ વખતે તેણે તમને ધક્કો માર્યો અને આજે કાર્તિક મને પસંદ કરવા લાગ્યો છે ત્યારે તેઓ માંગુ લઈને આવી ગયા?"

"અવની...! મારૂં જે છે એને ભૂલીજા. એ એક ભૂતકાળ બની ગયો છે. મારી સામે જો" તેણે અવનીના બંને હાથ પોતાના હાથથી પકડી તેને સમજાવવા લાગ્યો, "... મારું જે હતું એ હવે માન્ય નથી અને એને હું યાદ પણ કરવા નથી માંગતો. પણ તારી આખી લાઈફ બાકી છે. આ તારા જીવનનો પ્રશ્ન છે. એકવાર ઠંડા દિમાગે કાર્તિક સાથે વાત કર એ એક સારો છોકરો છે અને હું એને સારી રીતે ઓળખું છું. મારા માટે થઈને તું ભૂલ ના કરતી."

"ઠીક છે. મારી આ લાઈફ ઉપર તમારો પૂરો હક છે. તમે મને ના બચાવી હોત તો હું આજે જીવતી પણ ના હોત. તમે કહેશો એમ હું કરીશ. તમે કહો છો એટલા માટે હું એની સાથે વાત કરીશ. પણ જો એ મને પસંદ નહિ આવે તો?"

"તો જે તારી મરજી, હું તને ફોર્સ નહિ કરું અવની."

અવનીના આવા જવાબ પછી સાંજના સમયે રાકેશના કહ્યા પ્રમાણે રાધિકા અને મયુર કાર્તિકને લઈને તેના ઘેર આવ્યા. બધા આવીને બેઠા હતા એવામાં કાર્તિક તરત ઉભો થઈને રાકેશની પાસે જઈ નીચે બેસીને કહેવા લાગ્યો, "રાકેશભાઈ, આટલા સમય પછી તમને જોયા છે. આઈ એમ સોરી. મેં જે કર્યું એ ખોટું હતું. હું માનું છું મેં ભૂલ કરી છે. મેં તમારી સાથે..."

તેને રોકતા રાકેશ કહેવા લાગ્યો; "બસ. વધારે બોલવાની જરૂર નથી. આ નાટક બંધ કર." તેણે તેને ઉભો કર્યો અને અવની ને કહ્યું, "અવની જા." એટલે અવની કાર્તિક સાથે વાત કરવા બહાર ગાર્ડનમાં જતી રહી અને તે પણ તેની પાછળ પાછળ બહાર ગયો.

મયુરે કહ્યું કે, "રાકેશ સર, તમારી સાથે એ લોકોએ જે કર્યું તે ખોટું હતું. જે થયુ એ તમે પણ મને ના જણાવ્યું!"

"હું તને પહેલા જ બધું કહી દેત. પણ તને કેવું લાગેત એવા વિચારે મેં તને જાણ ન કરી. એટલે જ જ્યારથી આપણે ઓફિસમાં મળ્યા ત્યારથી મેં તને મારી ઓળખ રાધિકાથી છુપાવવા કહેલું."

"હું સમજુ શકી છું સર અને આજે એ પણ સમજાય છે કે હું રાધિકાને રાધુ કહીશ તો એને વધારે ગમશે એ તમને કેમ ખબર પડી હશે!" થોડું હસતા મયુર બોલ્યો. તો રાકેશે પણ તેને હસીને જવાબ આપ્યો; "એજ તો તારી મોટાઈ છે. મેં પહેલીવાર તારી વિશે સાંભળ્યું ત્યારથી મને ખબર હતી કે તું કેટલો સારો માણસ છે મયુર, પણ મારી અને રાધિકા વિષે જાણી તને કોઈ બીજા વિચાર ન આવે એટલે મેં કે રાધિકાએ તને વાત ના કરી."

"ઇટ્સ ઓકે સર! મને કોઈ જાતનું ખોટું નથી લાગ્યું. ઈનફેક્ટ, હું તો મારી જાતને નસીબદાર માનું છું કે રાધિકા જેવી છોકરી મારી લાઈફ પાર્ટનર છે ને તમારા જેવો માણસ મારો બિઝનેસ પાર્ટનર."

રાકેશ તે બંનેને કહેવા લાગ્યો, "લૂક રાધિકા, હવે તો મયુર પણ બધું જાણે છે. એટલે તેની હાજરીમાં ફરી એકવાર તમને બંનેને કહું છું. મયુર, રાધિકા મારી સામે તારાથી ડરે છે. પણ હું બધું ભૂલી ગયો છું અને તું પણ બધું ભૂલીજા અને હું એક અજાણ વ્યક્તિ હતો એમ માની મયુરની સાથે રહેજે."

"સર, રાધિકા માટે આ થોડું અઘરું છે. પણ મને એની કોઈ ફરિયાદ નથી. રાધિકા જેમ રહેશે એમ હું એને રાખીશ." મયુરની આ વાત સાંભળી બાજુમાં બેઠેલી રાધિકાએ એનો એક હાથ પકડી એના ખભા પર માથું ઢાળી દીધું. તેઓએ આ સ્વીકૃતિ તો કરી અને રાધિકા પણ મયુરના પક્ષે ચાલી. છતાં પ્રશ્ન હજુ એ જ ઉભો છે કે રાકેશ અને રાધિકાના પરિવાર એક થશે ખરા?

બહાર ગાર્ડનમાં કાર્તિક સાથે વાત કરતા અવનીએ પણ પોતાની બધી વાત કરી અને પછી તેને પૂછવા લાગી, "કાર્તિક! તને મારી હકીકત જાણ્યા પછી પણ એવું લાગે છે કે તને હું પહેલી નજરે જેવી લાગી એવીજ આખી જિંદગી લાગીશ?"

"એ મને નથી ખબર. તું રાકેશભાઈની બહેન છે કે પછી તને પણ ક્યારેક કોઈ સાથે મન મેળ થયો હતો એ બધી વાત મને નથી દેખાતી. તું એક અલગ ક્લચરણ છો માટે જો કદાચ તારે એડજસ્ટ પણ કરવું પડશે એ કંઈ મને ખબર નથી. હું જાણું છું તો એટલું કે જો તું હા કહેશેને તો હું તને એ રીતે રાખીશ કે તારે કોઈ ફરિયાદ નહિ રહે."

"કાર્તિક તને લાગે છે કે તે અને મહેશભાઈએ ભાઈની સાથે જે કર્યું એ પછી હું કે ભાઈ, અમે બેમાંથી કોઈ તને હા કહીશું?"

"એ માટે તો મેં રાકેશભાઈની માફી પણ માંગી છે અને એણે મને માફ પણ કર્યો છે અને જો હજુ તને લાગતું હોય તો તારી પણ માફી માંગુ?" કહેતો તે અવનીના પગમાં બેસી ગયો.

અવની ઉભી થઈ ગઈ અને કહેવા લાગી, "અરે અરે, આ શું કરે છે?"

"અવની, જો તને હજી ઓછું આવતું હોય તો રાકેશભાઈ સાથે મેં જે કર્યું એ માટે તારી પાસેથી માફી માંગુ છું. પણ પ્લીઝ તું હા બોલને, મેં જ્યારથી તને જોઈ છે ત્યારથી એક જ વાત મારા મનમાં ચાલે છે કે હું તારા વગર નહિ રહી શકું."

"કાર્તિક!"

એના બંને હાથ પકડી તે કહેવા લાગ્યો, "વીલ યુ મેરી મી? હા કહેજે પ્લીઝ." એની આ વાતનો શું જવાબ આપવો તે વીચારવા લાગી. અવનીને વિચારતા જોઈ તે આંખો બંધ કરી બંને હાથ જોડી કહેવા લાગ્યો, "પ્લીઝ પ્લીઝ પ્લીઝ... " અને તેની આ હરકત જોઈ અવની શરમાઈને હસવા લાગી.

"શું થયું?"

તો અવનીએ મરાઠીમાં જવાબ આપ્યો, "जर एखादी मुलगी लाजाळू असेल तर याचा अर्थ असा आहे की आपल्याला माहित नाही?" ("જો કોઈ છોકરી શરમાય છે તો એનો અર્થ તમને ખબર નથી?")

"હેં?!!!" તેને કશું ના સમજાયું અને ખબર પણ ના પડી કે અવનીએ હા કહી છે. તે આશ્વર્યમાં જ હતો અને અવનીએ પોતાના હાથ છોડાવી અંદર જતા હસતા હસતા બોલી; "ચાલ અંદર, એનો અર્થ ભાઈ પાસેથી જાણી લેજે." કાર્તિક તેની પાછળ પાછળ દોડતો અંદર ગયો. અવની સીધી પોતાની રૂમ તરફ જતા પગથિયાં ચડવા લાગી તો બહારથી કાર્તિકે આવતા તેને સાદ કર્યો, "ઉભી રહે, કહેતી તો જા."

તે બંનેની આ હરકત બધા જોઈ રહ્યા હતા. રાધિકાએ પૂછ્યું, "શું થયું કાર્તિક?"

તેની તરફ ચાલતા કાર્તિક બધાને કહેવા લાગ્યો, "દીદી અવની મારી પર હસીને કશુંક બોલતી ગઈ. મને ના સમજાયું એટલે હું એને પૂછું છું કે શું કહ્યું? ને તે કશું કહ્યા વગર ઉતાવળા પગલે અહીં અંદર આવી ગઈ."

રાકેશે અવનીને પૂછ્યું, "શું થયું અવની?"

તે બોલી, "भाऊ, तुम्ही खरं बोललात. कार्तिक चांगला माणूस आहे. म्हणून मी त्याला मराठीत हो म्हणालो." ("ભાઈ, તમે સાચુ કહેલું. કાર્તિક સારો માણસ છે. એટલે મેં તેને મરાઠી ભાષામાં હા કહી.") આટલું કહી ફરી તે શરમાઈને પોતાની રૂમમાં જતી રહી. રાકેશ મલકતા મોંએ કાર્તિક સામે જોવા લાગ્યો. પણ સામે ઉભેલા કોઈને કશું ના સમજાયું.

"તમને મરાઠી આવડે છે?" કાર્તિકે રાકેશને પૂછ્યું.

"હા, જે રીતે મેં અવનીને ગુજરાતી શીખવાડ્યું એ રીતે તેણે મને મરાઠી શીખવી."

"તો એ શું બોલીને ગઈ? કહોને."

"એજ કે તારી સાથે વાતો કર્યા પછી એને તું થોડો સારો લાગ્યો એટલે..."

"એટલે...?"

"એટલે એમ કે ઠીક છે, એ લગન કરશે."

"અચ્છા એમ..." એટલું કહ્યા પછી કાર્તિકને સમજાયું અને ખુશ થઈ મયુર અને રાધિકાને કહેવા લાગ્યો, "શું? એટલે અવનીએ હા કહી. દીદી, જીજાજી. સાંભળ્યું તમે?"

મયુર બોલ્યો, "હા હા ભૈ સાંભળ્યું. કોંગ્રેટયુલેશન્સ"

"થેંક્યુ જીજાજી!" પણ એની આ ખુશી વધારે છલકે એ પહેલા રાધિકા બોલી, "કાર્તિક, કાર્તિક એક મિનિટ. હજી બધું પાક્કું નથી થયું. મેઈન વસ્તુ તો હવે જોવાની છે."

"શું થયું દીદી? હવે શું બાકી છે? અવનીએ હા કહી, રાકેશભાઈ તૈય્યાર છે, આપણી બધાની લગન માટે હા છે. તો હવે શું જોવાનું છે?"

"કાર્તિક તે અને અવનીએ એકબીજાને હા કહી છે. પણ શું કાકા અને મહેશભાઈ કે લલ્લુકાકા હા કહેશે ખરા? એને પણ આ અંગે પૂછવું પડશેને?"

"એટલે? જો એ લોકો હા નહિ પાડે તો?" કાર્તિકે પૂછ્યું.

રાકેશ બોલ્યો, "એની ચિંતા કરવાની જરૂર નથી. મયુર! કાલે સાંજે રાધિકાના અને કાર્તિકના પરિવારને બોલાવવાની જવાબદારી હું તને સોંપુ છું. મારા પરિવારને બોલાવવા હું અહમને મોકલીશ. કાલે સાંજે બધાને ભેગા કરી આ વાતનો કોઈ ઠરાવ નીકળીશું."

"ઠીક છે." કહી મયુરે હકુકાકા અને મહેશ એમ બંનેને લઈ આવવાની જવાબદારીનો સ્વીકાર કર્યો અને રાકેશે અહમને જાણ કરવા માટે ફોન લગાવ્યો. આ બધું જોઈ કાર્તિક પીગળી ગયો અને રાકેશને ગળે વળગી "થેંકયુ બ્રો!" કહેવા લાગ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED