હું અને અમે - પ્રકરણ 31 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 31

આખી રાત બહાર હોલમાં સોફા પર સુઈ રહેલા રાકેશના ફોનમાં ફોન આવ્યો અને સવારે ફોનની રિંગ સાંભળી તેણે ભાનમાં આવીને ફોન ઊંચક્યો. "ઠીક છે હું હમણાં આવું છું." કહી તેણે ફોન મુક્યો અને પોતાના મોઢા પર હાથ ફેરવતો તે સ્વસ્થ થતો ત્યાંજ બેઠેલો હતો. મહાપ્રયત્ને પોતાની આંખો ખોલતો તે પોતાની રૂમમાં ચાલ્યો ગયો.

સાંજે રાધિકાએ કરેલી વાત પોતાના ભાઈને કરવી કે ના કરવી, અવની હજુ એ જ વિચાર કરતી હતી. શું કહેવું? અને કેવી રીતે તેને વાત કરવી? આખરે મક્કમ મને તેણે વિચાર કરી લીધો કે તે પોતાના ભાઈને બધી વાત કરે અને આ મુદ્દાનો કોઈ હલ કાઢે. રાકેશ તૈય્યાર થઈને નીચે આવ્યો એટલે અવની તેને પૂછવા લાગી.

"ભાઈ મારે તમારી સાથે વાત કરવી છે, તમારી પાસે સમય છે?."

"અરે મોહનભાઈ, જલ્દીથી ચા આપજો. આજે તો બહુ માથું દુખે છે." કહેતા તે અવની તરફ ચાલ્યો અને તેને કહેવા લાગ્યો, "હા બોલ. શું કહેવું છે."

અવની બોલી; "કેમ આજે તમે આટલુ વહેલા તૈય્યાર થઈ ગયા?"

રાકેશે કહ્યું, "જોને, આટલી વહેલી સવારમાં શ્વેતાનો ફોન આવી ગયો. અત્યારમાં મિટિંગ ગોઠવી દીધી છે. એટલે મારે વહેલા જવું પડશે." તેની સામે જોતા રાકેશ ફરી બોલ્યો, "તું કંઈક કહેવા માંગતી હતી."

"ના ભાઈ! તમે ઓફિસે જાઓ. સાંજે આવો ત્યારે નિરાંતે વાત કરીશું."

તેણે પોતાનું ઓફિસ બેગ નીચે મૂક્યું અને અવનીને બંને હાથેથી પકડી પૂછવા લાગ્યો, "અવની! મારી સામે જો. બોલ શું કહેવું છે તારે? તું કંઈક મોટી વાત સંતાડે છે."

અવની વાતને ફેરવતા બોલી, "તમને લાગે છે ભાઈ હું તમારાથી કંઈ છુપાવી શકું? આતો બસ એમજ, થયું તમારી સાથે વાત કરું."

તેને તેના પર વિશ્વાસ ન આવ્યો. તેણે ફરી પૂછ્યું, "અવની, જ્યાં સુધી એમજ વાત કરવાનો સવાલ છે, આ રીતે મારા ઓફિસના ટાઈમમાં તે કોઈ દિવસ વાત નથી કરી. શું છે બોલ?"

અવની ફરી ઇન્કાર કરતા ડચકારા સાથે બોલી, "ચ્હ્હહ, ખોટું ટેંશન લેવાની જરૂર નથી. મેં કહ્યુંને સાંજે આવો ત્યારે વાત. હવે મારી નકામી ચિંતા કર્યા વગર ઓફિસે જાઓ અને સાંજે જલ્દી આવજો."

તે બોલ્યો, "અવની, ચિંતા તો તું મને ન જણાવીને કરાવે છે. મને પાક્કી ખાતરી છે કે તારા મનમાં કંઈક છે. તારે સાંજે વાત કરવી છે તો ઠીક છે. આજે હું વહેલા આવીશ."

ભાઈના આ વચને અવનીના મનમાં અઢળક શાંતિ ભરી દીધી. મોહને આવીને તેને ચા આપી તો અવની બસ તેને ચા પિતા જોઈ રહી. અવનીને ખબર હતી કે આજ સુધી જ્યારે પણ તેણે વહેલા આવવાનું કહ્યું છે, ત્યારે કોઈ દિવસ તે વહેલા આવ્યો નથી. છતાં તેના વહેલા આવવાની વાત સાંભળી અવનીનું મન શાંત થઈ જતું. આખરે કેમ ન થાય? આ આખી દુનિયામાં અવનીને મન એનું દોસ્ત, એના માં-બાપ કે એને સમજવાવાળું કોઈ હોય તો એ રાકેશ જ હતો. આજે પોતે જે જગ્યાએ છે એનું કારણ પણ રાકેશ જ છે. જિંદગીના ત્રાજવે ભાર હંમેશા એનો જ વધે છે જે તમને સમજે અને તમારા વિચારોને બિરદાવે. આખી દુનિયા એક તરફ અને અવની માટે પોતાનો ભાઈ એક તરફ હતો. ચાનો કપ મોહનને આપી રાકેશ પોતાની બેગ લઈને જવા માટે નીકળ્યો.

જતા જતા એ અવની સામે જોતો ગયો અને કહેતો ગયો, "વિચાર બદલાયો હોય તો કહી દે."

અવની હસતા હસતા બોલી, "ના સાંજે. ને કાલની જેમ આજે પણ પાછા ટુન્ન થઈને ના આવતા."

એના આ વાક્યને હસીમાં કાઢી રાકેશ ઓફિસ ચાલ્યો ગયો. આ વાતથી મુંજાયેલી અવની પોતાની મનોદશાને સંતાડવા ગાર્ડનમાં આંટાફેરા મારતી હતી. તેણે જોયું કે રાધિકા અને મયુર બંને કશેક જઈ રહ્યા છે પણ તેઓની પાસે ગાડી નથી. આ જોઈ તે એકાએક એના તરફ દોડી ગઈ અને તેઓને પૂછવા લાગી, "અરે મયુર ભાઈ! ભાભી! તમે બંને ચાલીને ક્યાં જાઓ છો?"

મયુરે હસતા ચેહરે કહ્યું, "રાધિકા પોતાના કામથી બહાર જઈ રહી હતી અને હું ઓફિસ જતો હતો. તો મેં કીધું કે ચાલ તને મુકતો જઈશ. પણ ગાડી જ ખરાબ થઈ ગઈ એટલે બંને ચાલીને જઈએ છીએ."

અવની બોલી; "તો તમે અમારી ગાડી લઈ જાઓને."

આ સાંભળી રાધિકા અને મયુર બંને કહેવા લાગ્યા, "અરે એની કોઈ જરૂર નથી."

"શું જરૂર નથી. ઉભા રહો, હું હમણાં જ ડ્રાઈવરને મોકલું છું." આટલું કહી તે અંદર જતી રહી. પાછળથી મયુર અને રાધિકા તેને ના પડતા રહ્યા પણ તે થોભાયા વિના જ જતી રહી. થોડીવારમાં તેનો ડ્રાઈવર ગાડી લઈને બહાર આવ્યો અને તેઓને ગાડીમાં બેસાડી ચાલતો થયો.

રાધિકાને ગાડીમાં બેઠા બેઠા અવનીની સાંજે કહેલી વાત યાદ આવી. તેણે તેના ડ્રાઈવરને પ્રશ્નો પૂછવાનું ચાલુ કરી દીધું.

"તમે તો મુંબઈમાં પણ અવનીની ગાડી ચલાવતા ને?" રાધિકાએ એકાએક ડ્રાઈવરને આ સવાલ કર્યો એટલે મયુરે આશ્વર્ય સાથે પૂછ્યું, "રાધિકા? કેમ આવું પૂછે છે?"

"એક મિનિટ મયુર, પ્લીઝ. કહોને તમે ત્યાં પણ એની જ ગાડી ચલાવતાને?"

"હા મેડમ..." ડ્રાઈવરે જવાબ આપતા કહ્યું, "... મુંબઈમાં તેઓની ગાડી તો હું ચલાવતો, પણ અવની મેડમની નહીં. રાકેશ સરની."

તેણે ફરી પૂછ્યું, "તો તમે કેટલા સમયથી રાકેશની ગાડી ચલાવો છો?"

ડ્રાઈવર બોલ્યો; "લગભગ ચાર-પાંચ વર્ષથી તો હું જ ચાલવું છું."

"તો અવનીનું જ્યારે એક્સીડેન્ટ થયું ત્યારે તમે પણ રાકેશની સાથે જ હશોને?" રાધિકાના આ સવાલે મયુરને વિચારમાં મૂકી દીધો. તેણે તેને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તે શેના વિશે વાત કરવા માંગે છે? પણ રાધિકાએ મયુરને શાંત રહેવા કહ્યું અને ડ્રાઈવર સાથે વાતો કરવા લાગી. તેના આ સવાલનો જવાબ આપતા ડ્રાઈવરે કહ્યું, "હા મેડમ. હું દરેક વખતે તેની સાથે જ હતો. અવની મેડમ જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી દરેક વખતે સાહિબે મને સાથે જ રાખ્યો છે."

આ સાંભળી રાધિકાએ પૂછ્યું, "તો પછી, અવની આ ઘરમાં કઈ રીતે આવી? તેનું ખરેખર એક્સીડેન્ટ જ થયેલું? કે પછી અમને કોઈ જુઠ્ઠી વાત કરી છે."

ડ્રાઈવર બોલ્યો; "હવે એમાં એવું છેને મેડમ, કે તમને સાહિબે કે અવની મેડમે શું કહ્યું મને નથી ખબર. પણ સાચું કહું, અવની મેડમ માટે સાહિબે ઘણું કર્યું છે અને અવની મેડમ પણ તેને એટલા જ રાખે છે. તેમનું જે રાત્રે એક્સીડેન્ટ થયું તે રાત્રે ગાડી હું જ ચલાવતો હતો. મેડમ રસ્તામાં બેભાન સ્થિતિમાં મળેલા અમને. પેલા વિનોદે એની સાથે દગો કર્યો અને એનો આઘાત જ તેને બૌ ઊંડો લાગ્યો."

રાધિકા અને મયુર બંને ડ્રાઇવરની વાત ધ્યાનથી સાંભળતા હતા. તેને વાતોમાં ફસાવી રાધિકાએ અવનીની સાચી હકીકત બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને ડ્રાઈવરે જે કંઈ બનેલું તે બધું કહી દીધું. હકીકત જાણ્યા પછી મયુર અને રાધિકાને રાકેશ માટે માન વધ્યું અને અવની પણ નિર્દોષ લાગવા લાગી. રાત્રે અવનીનો કહેવાનો અર્થ શું હતો એ હવે રાધિકાને સમજાવા લાગ્યું. અવની એક અલગ સંસ્કૃતિની અને અલગ રીતભાત વાળી છે. આ સિવાય અવનીને મન હવે લગન જેવા વિષયમાં ફૂંક મારીને પગ રાખવા જેવું હતું. આ બધી સમસ્યાઓ કરતા પણ મોટી વાત એ હતી કે અવની રાકેશની બહેન છે અને ભૂતકાળમાં તેની કરેલી ભૂલ એ બંને વાતને રાધિકાના પરિવાર માટે અવગણી ન શકાય. હવે રાકેશ સાથે વાત કરવી વધારે અઘરી બની ગઈ.

રાત્રે ઓફિસમાંથી લગભગ દરેક સ્ટાફ જતો રહેલો અને વધેલા લોકો માં પણ એ જ હતા જે નીકળવાની તૈય્યારી કરતા હતા. એવા સમયમાં પોતાના ઘર તરફ નીકળેલી શ્વેતાએ કેબિનની બહાર નીકળતાની સાથે જ જોયું કે રાકેશની કેબીન લોક નથી અને અંદર કોઈ બેઠું છે. તે દરવાજો ખોલી અંદર ગઈ અને સામે રાકેશ બેસીને બોટલમાંથી ગ્લાસમાં ડ્રિન્ક લઈ રહ્યો હતો.

શ્વેતાએ એની સાથે વાત કરતા કહ્યું, "શું વાત છે? આજે પણ મોડેથી ઘરે જવાનો ઈરાદો છે?"

તેની સામે જોઈ રાકેશ બોલ્યો, "આવ શ્વેતા આવ. ઈરાદો તો કોઈ નથી, પણ વગર ઈરાદે ફરી પાછું આજે મોડું થઈ જશે એવું લાગે છે."

તેની બાજુમાં બેસતા શ્વેતા બોલી; "તો પછી એટલું પીવાની શું જરૂર છે કે જે કામ કરવાનો ઈરાદો ના હોય એ થઈ જાય?"

"ટેવ..." ઊંડો શ્વાસ લેતા તે બોલ્યો; "...ટેવ પડી ગઈ છે. શું કરવું?"

"રાકેશ! આ તારી ટેવ અમને એક દિવસ બહુ અઘરી પડશે એ ખબર છે તને?"

"એટલે?"

"અવનીનો ફોન આવ્યો 'તો. કે'તી 'તી કે તું આજે વહેલા જવાનું કહીને આવ્યો છે. જો ઓફિસેથી ન નીકળ્યો હોય તો હું તને ઘરે મોકલું. એને કોઈ કામ હશે એવું મને લાગ્યું."

"હા..." ગ્લાસમાંથી ડ્રિન્ક લેતા લેતા તે વાતો કરવા લાગ્યો. "આજે સવારે તેણે મને પણ કહેલું કે હું વહેલા જાઉં. એને કોઈ કામ હતું."

"છતાં તું હજુ સુધી નથી ગયો. રાકેશ તને ખબર પણ છે તું શું કરી રહ્યો છે? અવની નાની છે, ઘરમાં એકલી છે. એને તારું કોઈ કામ પડ્યું છે અને એ તને બોલાવે છે. તેમ છતાં તું અહીં દારૂ પીવે છે? કમ સે કમ અવનીનો તો તું વિચાર કર."

"શાંત... શાંત... શ્વેતા દેવી. તને ગુસ્સો આવે છે મને ખબર છે. પણ હું બધું જાણું છું. અવની નાની છે, ગેર-સમજુ છે પણ હું તો નથીને? એને મારું શું કામ છે એ મને ખબર છે."

"અચ્છા! તો બોલ..."

અજાણ શ્વેતાને જાણ કરતા રાકેશે કહ્યું, "શ્વેતા તને યાદ છે પહેલીવાર જ્યારે હું આ ઓફિસમાં આવેલો અને આપણી પહેલી જ મિટિંગ કેન્સલ થયેલી. એ સમયે તે મયુર અને રાધિકાના લગ્નની કંકોત્રી મને આપેલી અને અત્યાર સુધી મને પૂછતી રહી કે રાધિકા અને મારો એક રાગ કેમ નથી થતો? શ્વેતા, હકીકત ઘણી ઊંડી છે."

"અને એ શું છે?"

રાકેશે કહ્યું, "શ્વેતા, આઠ વર્ષ પહેલા મારી અને રાધિકા વચ્ચે સંબંધની શરૂઆત થવા લાગેલી. પણ વધારે કશું થાય એ પહેલા એના મહેશભાઈએ મારા જ પરિવારમાં ઝઘડો ઉભો કરાવેલો અને મને ઘરની બહાર કાઢી નંખાયો. ભાગ્ય પણ ગજબ રમત રમે છે કે અમે બંને મયુર થકી પાછા સામસામે આવી ગયા. પણ મયુરને આ વાતની જાણ નથી અને કોઈએ આજ સુધી અમારો ભૂતકાળ એને સંભળાવ્યો નથી."

"એટલે મયુર તમારા બંનેથી અજાણ છે?" શ્વેતાએ પૂછ્યું.

"હા. માત્ર એટલું જ નહીં. રાધિકાની પણ આજ સુધી હિંમત ન થઈ કે મારા વિશે મયુર સાથે વાત કરે. અંતે મારા જ ઘરમાં હું એ બંનેને છોડીને સદાને માટે મુંબઈ જતો રહ્યો. પણ ભાગ્યની રમત હજુ અધૂરી હતી એ મને નહોતી ખબર. ત્યાં અચાનક મારી લાઈફમાં અવની આવી અને એની જીદ્દે હું ફરી સુરત આવ્યો. રાધિકાના કાકાનો દીકરો કાર્તિક કે જે તે રાત્રે મહેશ અને રામાનંદન સોસાયટીવાળાની સાથે હતો, અવનીના પ્રેમમાં પાગલ બની ગયો છે."

"તો એટલા માટે અવનીએ ફોન કર્યો કે તું વહેલા જાય?"

"ના. અવનીની હકીકતથી અજાણ કાર્તિક અને મહેશે પોતાના પરિવાર થકી રાધિકાને અવનીનું માંગુ નાંખવા કહ્યું છે. હું આ બધું જાણું છું એ અવનીને ખબર નથી. એટલે આ બધી જાણ કરવા તે મને વહેલા ઘેર જવા કહે છે."

શ્વેતાએ વિચાર કરતા કહ્યું, " પણ રાકેશ મને એક વાત ના સમજાય! મયુર તો તારી અને રાધિકાથી અજાણ છે. પણ રાધિકાને તો બધી હકીકતની ખબર છેને! તો એ અવનીની વાત તારી સાથે કઈ રીતે કરશે?"

હસતા હસતા તે બોલ્યો, "એ જ તો જોવાનું છે શ્વેતા. તે મારી સાથે વાત નહિ કરી શકે. મેં અત્યાર સુધી તેને ઘણીવાર સમજાવી કે મયુરને અપનાવી લે પણ તે ન માની. એનું મન મારી સામે મયુરથી સંબંધ રાખતા અચકાય છે. એક જ ઘરમાં રહીને બંને પતિ-પત્ની હોવા છતાં જુદા જુદા છે. એવામાં કાર્તિકની આ વાત આવી. જો કે તે મારી સાથે વાત કર્યા વગર કાર્તિકને ના કહેશે તો એને મયુર સાથે એ ચોખવટ કરવી પડશે કે તે શું કામ ના પડે છે અને જો તે મારી સાથે વાત કરશે તો પણ મારી અને એના પરિવારની મુલાકાત નક્કી છે. હવે જોવાનું એ છે કે એ કઈ દિશામાં આગળ ચાલશે?"

"અને અવની?"

"તે સવારે આ અંગે વાત કરવા ઇચ્છતી હતી, પણ તેની હિંમત ના ચાલી. એ એમ વિચારે છે કે મને કશી ખબર નથી. પણ એને એ ખબર નથી કે એનો આ ભાઈ બધું જ જાણે છે."

"હુહ... ઇટ્સ કોમ્પ્લિકેટેડ, રાકેશ તે આજ સુધી મને પણ તારી અને રાધિકા વિશે વાત ના કરી."

તેનો હાથ પકડતા તે બોલ્યો; "એટલે તો આજે તારી સાથે ખુલાસો કરું છું. કારણકે હવે હકીકત કોઈથી વધારે સમય છુપી નથી રહેવાની. કાર્તિક પણ એક સારો છોકરો છે. કદાચ જો અવની એને લગન માટે હા કહેશે, તો હું ઈચ્છું છું કે તું એનું ધ્યાન રાખશે."

"રાકેશ! તું ફરીથી કોઈ પ્લાન તો નથી બનાવતોને? અવનીના લગન કરાવી તું જતો તો નથી રહેવાનોને?"

"ના એવું કશું નથી શ્વેતા. પણ તું મને કહે કે તું એનું ધ્યાન રાખીશ. કારણ કે મને તારા પર વધારે વિશ્વાસ છે. જો અવની લગન માટે હા કહેશે તો તેના લગન પછી હું એના ઘરે નહિ જઈ શકું. એટલે હું આ કામ તને સોંપું છું."

"ઠીક છે. હું તારા વિશ્વાસને ઓછો નહીં થવા દઉં." કહી શ્વેતાએ પોતાના પકડેલા રાકેશના હાથ પર બીજો હાથ મુકતા તેને વિશ્વાસ અપાવ્યો. એક પછી એક ગ્લાસ કરતા આજે ફરી રાકેશનો નશો તેના પર હાવી થઈ ગયો અને ઘરે અવની ભાઈની બસ રાહ જ જોતી રહી. શ્વેતા એને લઈને ઘેર આવી તો તેની હાલત વાત કરવા જેવી જ ન્હોતી.


બીજી રજા આવ્યે તેનો પરિવાર ફરી આવ્યો. આ વખતે માત્ર રાધિકાનો જ નહીં પણ કાર્તિકનો પણ પૂરો પરિવાર હતો. કારણકે તેઓને એ વાતની ખુશી થતી હતી કે કાર્તિકના લગ્નની વાત ચલાવવાની છે. ફઈ તો પહેલેથી જ ઉત્સાહી હતા. આજે પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને ઘરના બેઠક ખંડમાં દરેક લોકો બેઠા હતા. રાધિકા તેઓને જોયા ત્યારથી જ વિચારતી હતી કે હમણાં કોઈ અવનીની વાત ઉચ્ચારશે. એવામાં થોડી વાતો ચાલ્યા પછી ફઈ બોલ્યા;

"રાધિકા! તમી લોકોએ કાર્તિકની વાત કરી કે નઈ?"

"ના ફઈ, હજુ નથી કરી." કહેતી તે નીચું મોઢું કરી ગઈ.

ફઈ થોડા ગુસ્સામાં આવી ગયા, "આ શું મયુર પટેલ? તમે હજુ વાત પણ નથી કરી. અરે એક અઠવાડિયું ચાલ્યું ગયું અને તમે લોકો કાંય કરી ના શક્યા!"

"એમાં એવું છેને ફઈ, કે તેઓ અમને ખુબ ઓછા મળે છે. એટલે વાત કરવાનો સમય જ ના મળ્યો."

મયુરની આ વાત પર ગુસ્સે ભરાયેલા ફઈ ફરી બોલ્યા, "બસને. ક્હે છે સમય ના મળ્યો. જો તમારી જેમ બધા બેસી રહેશે તો કોઈ દી' કામ જ નઈ થાય. તે દિવસે મેં તમને કહેલું ત્યારે તો તમે બૌ સારો વિચાર છે કહેતા આગળ થયેલા અને અત્યારે તમને સમય ના રીયે. વાત કરવાવાળા સમય કાઢીને વાત કરી નાખે. જાવ અને અત્યારે ને અત્યારે એના ઘરે જઈને વાત કરો."

તેની આ વાત પર મયુર કશું ના બોલ્યો અને રાધિકાની સામે જોવા લાગ્યો. થોડીવાર રાહ જોઈ ફઈ ફરીથી બોલ્યા "પટેલ આટલો વિચાર શું કરો છો?"

હવે તેનાથી ના રહેવાયું અને જવાબ આપતા મયુરે કહ્યું, "ફઈ મેં તો અત્યાર સુધીમાં વાત કરી દીધી હોત. પણ રાધિકા જ ના ચાલી. ખબર નહીં કેમ? પણ તેણે મને રોક્યો."

આજે આખા પરિવાર સામે મયુરની કરેલી આ વાતથી રાધિકા તેઓની નજર સામે આવી ગઈ. બધાનું ધ્યાન તેના પર ઠેરાયુ અને ફઈનો બધો જ ગુસ્સો તેના તરફ આવી ગયો, "કેમ લે રાધડી? તારા ભાઈના લગન થાય એમાં તું રાજી નથી?"

"ભાઈના લગન થાય એમાં કોણ રાજી ના હોય ફઈ?" રાધિકાએ કહ્યું.

"તો પછી મયુર પટેલને વાત કરતા કેમ રોક્યા? તું તો ના ગઈ, પણ એનેય ના જવા દીધા."

"હું તમને કઈ રીતે જણાવું ફઈ?" રાધિકા ધીમા અવાજે બોલી.

"ઠીક છે. તમારે કોઈએ ક્યાંય કરવાની જરૂર નથી. હું જઈને વાત કરીશ."

આ સાંભળી તે અચાનક બોલી ઉઠી, "ના ના... એમ ના કરતા ફઈ!"

એટલે મયુર બધાની સામે જ રાધિકાને કહેવા લાગ્યો, "રાધિકા, તારા મનમાં શું ચાલે છે એ હવે કહી દે. બૌ થયું. જ્યારથી અવનીની વાત કરવા માટે હું કહું છું તું રોકે છે. એક તરફ તું કહે છે કે અવની સારી છોકરી છે. એનામાં કોઈ દોષ નથી. કાલે આપણે એની ગાડીમાં ગયા તો તે એની વાત સાંભળીને? છતાં તું બધાને કેમ મનાઈ કરે છે કે કાર્તિકની વાત ના કરીયે. આખરે શું કારણ છે?"

રાધિકા કશું ના બોલી અને એની આ ચૂપ્પીને જોતા ફઈ ઉભા થઈ ગયા અને ચાલતા ચાલતા બોલ્યા, "ઠીક છે. તમારે કોઈને કાંય ના કરવું હોય તો ના કરતા. મને અજાણ્યા ઘરમાં જતા શરમ નહિ આવે. હું મારા દીકરા હાટુ જાઉં છું અને ત્યાં જઈને એ લોકોની સાથે વાત કરીશ."

ફઈની આ હરકત જોઈ બધા ઉભા થઈ ગયા અને રાધિકા બધાની વચ્ચેથી દોડીને આવી અને ફઈના પગ પકડી તેને રોક્યા, "તમે ના જાવ આ રીતે ના જવાય."

"આઘી ખસ, જો તમે નઈ જાવ તો હું જવાની જ. આઘી જા અને ચાલવા દે મને."

રાધિકાની આંખમાથી આંસુ પાડવા લાગ્યા, તે બોલી; "તમે નઈ જાવને પ્લીઝ."

આ વાતથી ગુસ્સે થઈ ફઈએ રાધિકાને ધક્કો મારી એક બાજુ કરી અને ચાલવા લાગ્યા. વનિતાએ જોર દઈ રાધિકાને પૂછ્યું, "રાધિકા શું તકલીફ છે તને?"

મહેશ કહે, "તારી આ અવળચંડાઈનું કારણ શું છે? કેમ કાંઈ બોલતી નથી?"

ઘરમાં થઈ રહેલી આ ધમાલમાં રાધિકાની પીછે હઠ થવા લાગી. કોઈ પણ જોગે તે રાકેશ અને પોતાના પરિવારને મળતા અટકાવવા માંગતી હતી. પણ હવે મોડું થઈ ગયું અને ફઈ ચાલવા લાગ્યા છે. વનિતાએ ફરી કહ્યું, "શું કારણ છે રાધિકા? અવનીની વાત કરતા કેમ તારો જીવ નથી ચાલતો?"

તેના મનમાં શું આવ્યું એ ખબર નથી પણ રાધિકા બધી બાજુથી ત્રસ્ત થઈ ગઈ. ફઈના ડગલાં આગળ ચાલી રહ્યા હતા અને તેની પાસે કોઈ રસ્તો ન્હોતો. બધી બાજુથી ઘેરાયેલી રાધિકા રડતા રડતા જોરથી બોલી ઉઠી, "ઉભા રહો ફઈ, અવની રાકેશની બહેન છે." અત્યાર સુધી રાકેશની વાતો છુપાવતી રાધિકા પાસે કોઈ રસ્તો ના રહ્યો અને એના મુખેથી રાકેશનું નામ નીકળી ગયું. એનું નામ સાંભળતા જ પરિવારના બધા લોકો આશ્વર્યમાં મુકાય ગયા અને ફઈના ડગલાં થોભાઈ ગયા. પોતાની ઈચ્છા ન હોવા છતાં આજે રાધિકાને ખુલાસો કરવો જરૂરી બની ગયો.