હું અને અમે - પ્રકરણ 30 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 30

આજે અવનીને મન થયું કે પોતાના હાથે કૈંક બનાવે. આમેય મુંબઈથી આવ્યા ત્યારથી અવનીએ માત્ર પહેલા દિવસે સાંજે જ રાંધેલું. એ પછી તો મોહન જ પોતાના હાથની રસોઈ જમાડતો. રજાનો દિવસ હતો અને શ્વેતા તેઓના હાલચાલ પૂછવા માટે આવેલી. અવનીએ બાલ્કનીમાંથી નીચે જોયું તો ભાઈ અને શ્વેતા બંને નીચે ગાર્ડનમાં ઝૂલા પર બેસીને વાતો કરતા હતા. તેને યાદ આવ્યું, ભાઈને સાંજના સમયે ઝૂલા પર બેસીને કોફી પીવી કે પછી કોઈ હળવો નાસ્તો કરવો ખુબ ગમે છે. તે ફટાફટ નીચે ગઈ અને મોહન સાથે મળીને ઘણા સમય પછી પોતાના હાથનો નાસ્તો ભાઈને કરાવવા તડામાર કરવા લાગી.

મોહન તેને વારે વારે કહેતો, "હળું, બેનબા." પણ તે સાંભળે શેની? તે રાકેશને માટે એનું મનપસંદ જો કરવાનું હતું.

રસોડામાં ધમાલ જામી અને એની એ પુરજોશ તૈય્યારી વચ્ચે મોહન પૂછવા લાગ્યો; "એ બધું તો ઠીક છે, પણ બેનબા! તમે શું બનાવો છો?"

"કોથીમ્બીર વડી, મેં એકવાર મુંબઈમાં બનાવેલી અને ભાઈને બૌ ભાવેલી."

અવનીના આ જવાબ પર વિચાર કરતા મોહન બોલ્યો, "પણ બેનબા, ઘરમાં ધાણા તો છે જ નહિ."

આ સાંભળતા જ અવની લમણે હાથ દઈ કહેવા લાગી, "અરે યાર! હું પણ ભૂલી ગઈ. આજે શાક-માર્કેટમાંથી આવ્યા ત્યારે એક બેગ મેં રાધિકાભાભીને આપેલું. એ તો એની બાઇકમાં એના ઘેર જતું રહ્યું."

"તો હું લઈને આવું?" મોહને પૂછ્યું.

"ના રહેવા દ્યો, હું જઈને લઇ આવીશ. તમે આ બીજી તૈય્યારી કરો એટલામાં હું બેગ લઈને આવું છું." કહી તે સામે રાધિકાના ઘેર જવા નીકળી. ગાર્ડનમાં બેઠેલા શ્વેતા અને રાકેશે તેને પૂછ્યું, "અરે અવની! ક્યાં જાય છે?"

તે ચાલતા ચાલતા પાછળ જોતી બોલી, "સામેના ઘેર, ધાણા લેવા. તમારા બંને માટે કોથીમ્બીર વડી બનાવું છું."

એની આ હરકત અને ઉત્સાહ જોઈ શ્વેતા થોડું હસવા લાગી. રાકેશે પૂછ્યું, "કેમ? શું થયુ? તું હસે છે."

શ્વેતાએ જવાબ આપતા કહ્યું, "ખરું છે હા... રાકેશ મને યાદ છે તું જ્યારે એકલો હતો ત્યારે કઈ રીતે મેનેજ કરતો. ને આજે જો. ભલે એ તારી સગી બહેન નથી. પણ એના મનમાં તારા માટે જે પ્રેમભાવ છેને, એ જોઈને તો મને પણ ઈર્ષ્યા થાય છે."

રાકેશે કહ્યું, "હા. હું જ્યારે એને મળ્યો ત્યારે એનું વર્તન અલગ હતું. હું ગુજરાતી અને એ એક મરાઠા કલ્ચરની. છતાં એને જોઈ આજે કોઈ એમ ના કહી શકે કે એ ગુજરાતી નથી."

"હા એ તો છે જ...."

આજે રજાનો દિવસ હતો. રાધિકાને મન મયુર માટે કશુંક નવું બનાવવાની ઈચ્છા જાગ્રત હતી. એ તેને એક પછી એક વાસ્તુના નામ કહેતી અને તે ના પાડતો.

"છોલે - ભટુરે?" રાધિકાએ પૂછ્યું.

મયુર મોં બગાડતા બોલ્યો, "ના. તને ખબર છેને મને છોલે નથી ભાવતા."

"તો એક કામ કરીયે, બહારથી પિઝ્ઝા ઓર્ડર કરીયે. આજે રજાનો દિવસ છે, મને પણ શાંતિ."

મયુરે કહ્યું, "તો પછી આપણે બંને બહાર જ જઈને જમીએ ને!"

રાધિકા બોલી; "હા, એ તો છે પણ શારદાકાકી? એ શું કરશે?"

મયુરે કહ્યું, "તો પછી ઠીક છે. બહાર જવાનો પ્લાન કેન્સલ અને આપણે ઘરમાં કૈંક મંગાવીયે."

"ઓલરાઈટ, હવે તમે ડિસાઈડ કરો."

એ બંને કોઈ નિર્ણય પાક્કો કરે તે પહેલા ડોરબેલ વાગ્યો અને રાધિકા દરવાજો ખોલવા ગઈ તો સામે પોતાનો આખો પરિવાર ઉભેલો. ફઈ, કાર્તિક, મહેશ, વનિતા અને પોતાના ચાર વર્ષના દીકરા સાથે અમિતા. રાધિકા એ બધાને જોઈને ખુશ થઈ ગઈ.

"ઓહો... આજે બધા એક સાથે?"

ફઈ બોલ્યા, "હા આજે અમે બધા એક સાથે."

બધાને અંદર બોલાવી ખુબ સારું એવું સ્વાગત કરવામાં આવ્યું અને મયુર અને રાધિકાએ આંખોની ભાષાથી નક્કી કરી લીધું કે આજનું ડિનરનું મેનુ ફિક્સ થઈ ગયું. બધા બેસીને એકબીજાના સમાચાર પૂછી રહ્યા છે અને એકબીજાની વાતો કરી રહ્યા છે. વાતોમાં તો જાણે તેઓ એકદમ મશગુલ બની ગયા. એટલા સમય પછી પોતાનો પરિવાર મળ્યો તો તેનો અંદરથી હરખ એટલો હતો કે બધાની સાથે રાધિકા વાતોની દુનિયામાં ખોવાઈ ગઈ. એવામાં આ તમામ વાતથી અજાણ અવની અચાનક ઘરમાં આવી પહોંચી અને જ્યારે તેની નજર ગઈ કે બધા બેઠા છે તો તેના પગ ધીમા પડી ગયા.

રાધિકા તેને જોતા બોલી, "અરે અવની! આવને."

"ભાભી, મારી બેગ તમારી પાસે રહી ગઈ છે." અવનીએ ધીમા અવાજે કહ્યું.

"હા મને ખબર છે, એક મિનિટ ઉભી રહેજે હું લઈને આવું છું." આટલું કહી રાધિકા પોતાના રસોડામાં ગઈ. આ બાજુ બહાર બધાની નજર શરમાઈને ઉભેલી અવની તરફ ગઈ. સામે બેઠેલા તમામ લોકો તેને માટે અજાણ હતા. પણ મહેશ અને કાર્તિકને તે ઓળખતી અને એટલું તો સમજી ગઈ કે મહેશ અને કાર્તિક બંને સાથે છે માટે આ નક્કી રાધિકાનો પરિવાર જ હોવો જોઈએ. પોતાના સામાનની સાથે મુકેલી વસ્તુઓમાંથી અવનીની બેગ લઈને રાધિકા આવી અને તેને આપી. બેગ આપતા રાધિકાએ એક હળવી હસી આપી અને અવની પણ તેની સામે થોડું હસીને ચાલતી થઈ.

રાધિકા ફરી આવી અને પોતાની જગ્યાએ પાછી બેસી ગઈ. તેના ગયા પછી ફઈએ ધીમેથી રાધિકાને પૂછ્યું, "અરે રાધિકા, આ છોડી કોણ છે?"

સહજતાથી રાધિકાએ જવાબ આપ્યો, "ફઈ એ અવની હતી. અહીં આપણા સામેના ઘેર જ રહે છે."

"લે! તમારા પડોશી આવી ગયા?" ફઈએ ફરી પૂછ્યું.

"હા ફઈ..." મયુરે જવાબ આપતા કહ્યું; "... એ આવી ગયા અને હવે અહીં જ રહેવાના છે."

ફઈ બોલ્યા; "કમાલ છે! આટલા સમય પછી અહીંઆ પાછા આવ્યા અને એ પણ સદાને માટે?"

વનિતા તેને કહેવા લાગી, "ફઈ, એ તો એનો મામલો છે એમાં આપણે શું લેવા દેવા?"

ફઈએ ફરી એની જ વાત કરી, "એલી રાધડી, આપડાવાળા છે?"

રાધિકા વિચારમાં પડી ગઈ કે ફઈ આવો સવાલ કેમ કરે છે અને એથી મોટી વાત કે તેને જવાબ શું આપવો. તેને આ રીતે વિચાર કરતા જોઈ ફઈએ ફરી પૂછ્યું, "અલી ક્યાં ખોવાઈ ગઈ?"

"કંઈ નહીં બસ એમજ, પણ તમે આવો સવાલ કાં કરો?"

"ઈ આપડીવાળા તો છેને?"

રાધિકા હજુ મનમાં વિચાર કરતી હતી એટલામાં "હા ફઈ, કેમ આવું પૂછો છો?" કહી મયુરે જવાબ આપ્યો.

"આતો શું છે કે એને પહેલીવાર જોઈ એટલે પૂછું છું."

એટલામાં મહેશે ફઇના કાનમાં કંઈક કહ્યું, એટલે ફઈ નવાઈ પામ્યા અને મહેશને કહેવા લાગ્યા, "હા..., તું આટલો સમજદાર ક્યારથી થઈ ગયો?"

વનિતાએ મહેશને પૂછ્યું, "શું થયું મહેશ?" એટલે તેણે ફઈને ઈશારો કર્યો કે તે વાત કરે. ફઈએ પોતાની વાત કરતા "હા કહું છું." કહી ખોંખારો ખાઈ ગળું સાફ કર્યું અને કહેવા લાગ્યા, "અલી વનિતા, આ તારા મઈલાએ તો સોળ આનાની વાત કરી છે. તમે સાંભળશો તો તમે પણ હરખને માર્યે કૂદકે ચડશો."

મયુરે પૂછ્યું, "વાહ ફઈ! એવું તે શું મહેશભાઈએ તમને કાનમાં કીધું?"

ફઈ રાધિકા સામે જોઈને પૂછવા લાગ્યા, "રાધિકા, આ હમણાં આવીતી ઈ કોણ હતી?"

રાધિકાએ કહ્યું, "હમણાં તો તમને જણાવ્યું, એ અવની હતી. અહીં આપણા સામેના ઘેર જ રહે છે."

ફઈએ ફરી પૂછ્યું, "એના ઘરમાં બીજું કોણ કોણ છે?"

રાધિકાએ બોલી; "બસ એ અને એનો ભાઈ."

ફઈને આશ્વર્ય થયું, "બસ બે જ?"

રાધિકાએ કહ્યું, "હા. બે જ, કેમ?"

ફઈએ ફરી ખોંખારો ખાઈને ગળું સાફ કર્યું અને બધા સમક્ષ કહેવા લાગ્યા, "રાધિકા, હવે જેમ તે કહ્યું એમ. પણ મેં એને જોઈ. છોડી જોવામાં તો બૌ રૂપાળી છે અને આમેય ઉંમર તો એની લગન થાય એવી છે. બૌ સારી છે એવું મને દેખાયું. મહેશ કે' છે કે કાર્તિકને માફક આવે એવી છે. તો આપડા કાર્તિક હાટુ એના ઘેર માંગુ નાંખને."

રાધિકા અને મયુર બંને આશ્વર્યચકિત થઈ ગયા. રાધિકાને જેનો ડર હતો એ જ વાત આજે તેની સામે આવીને ઉભી રહી. જ્યારથી કાર્તિકની નજર બદલાઈ અને પોતાના ઘેર એનો આવરો-જાવરો વધ્યો, ત્યારથી રાધિકાને આ વાતનો ડર હતો. પણ હવે કરવું શું? તેને રોકવા સિવાય એની પાસે કોઈ રસ્તો ન હતો. જો કે ફઇની વાતને ટાળવી કે ફેરવવી એટલે લોઢાના ચણા ચાવવા. રાધિકા બોલી; "હું કઈ રીતે વાત કરું? મારાથી આ નઈ થાય."

તો વનિતા વચ્ચે બોલવા લાગી, "રાધિકા, ફઈએ બૌ સારો વિચાર કર્યો છે. આપણો કાર્તિક કાંઈ જેમ તેમ થોડો છે? અરે કોઈને પણ ગમી જાય એવો છે. તારે વાત કરવામાં વાંધો શું છે? કદાચ જો એ લોકોને આપણો કાર્તિક ગમી જાય તો મેળ પડી જાય. આવી રુડી રૂપાળી છોકરી આપણે ઘેર વહુ થઈને આવશે."

તો ફઈએ કહ્યું, "ને જો તું વાત ના કરી શકે તો મયૂરકુમાર તમે કરો."

આખી વાતથી અજાણ મયુર રાકેશ અને રાધિકાના ભૂતકાળથી અજાણ હતો. એવામાં આ મુદ્દો આવીને ઉભો રહ્યો. તેને પણ બધાની જેમ આ વિચાર સારો લાગ્યો. તેને મન કાર્તિક અને મહેશ બંને સારા વ્યક્તિત્વ વાળા હતા. એટલે મયુરે વાત કરતા કહ્યું, "તમારો વિચાર તો બહુ સારો છે ફઈ. જો અવની જેવી છોકરી કાર્તિકને મળે તો બીજું શું જોઈએ. પણ એ લોકો બહુ મોટા માણસ છે. તેની ખાનદાની અને પહોંચ ખુબ ઉંચા છે. છતાં હું એમની સાથે વાત કરીશ. કદાચ જો તેમને મંજુર હોય."

આ વાતનો સૌથી વધુ આનંદ કાર્તિકને થયો. એને તો બસ આટલું જ જોઈતું હતું. જ્યારે પહેલીવાર તે અવનીને મળ્યો ત્યારથી આ વિચાર એના મનમાં હતો અને આજે મહેશભાઈની મદદથી એનો વિચાર હકીકત બનવા તરફ આગળ વધતો હતો. રાત્રે જમી પરવારી સૌ પોતાના ઘર તરફ નીકળ્યા. જતા જતા પણ ફઈએ ફરી એકવાર રાધિકાને અવની અને કાર્તિકની વાત કરવાનું યાદ અપાવ્યું. બહાર નીકળતા જ સામેના મકાનમાં અવની ગાર્ડનમાં ઝૂલા પર બેઠી હતી. તેને જોઈ કાર્તિકે હાથ ઊંચો કરી વાત કરવાની કોશિશ કરી પણ તેણે વધારે ભાવ ન આપ્યો. અવની તમામ વાત સમજતી હતી.

તેઓના ગયા પછી ઘરના સોફા પર એકલી બેઠેલી રાધિકાને જોઈ મયુરે પૂછ્યું, "શું થયું રાધુ? શું વિચાર કરે છે?"

"કંઈ નહિ."

"તો પછી એમ કેમ બેઠી છે?" પૂછતો મયુર તેની બાજુમાં બેસી ગયો.

રાધિકાએ કહ્યું, "મયુર મારે તમારી સાથે એક વાત કરવી છે."

"હા તો બોલને." મયુરે સહજતાથી કહ્યું.

રાધિકા બોલી; "તમે જાણો છોને કાર્તિક હમણાં આપણે ત્યાં વધારે આવવા જવા લાગ્યો છે."

તે હસતા હસતા બોલ્યો, "હા, પહેલા તો ખુબ ઓછો આવતો. પણ હમણાં તો જીજા જીજા કરીને જ્યારે સમય મળે, અહીં જ આવી જાય છે. આ વાત તો મેં પણ નોટિસ કરી છે."

રાધિકાએ કહ્યું, "થોડા દિવસો પહેલા એ આપણે ઘેર આવેલો. એ સમયે તે અવનીને મળેલો અને ત્યારથી જ અહીં આવવા લાગ્યો છે. તે તો પહેલા દિવસથી જ અવનીને પસંદ કરવા લાગેલો."

મયુર ખુશ થતા બોલ્યો, "અરે વાહ! આ તો સારું કેવાય. આપણે રાકેશ સાથે વાત કરીશું અને જો એને કાર્તિક પસંદ આવી જાય તો બીજું શું જોઈએ. કાર્તિકને એક સારી છોકરી મળી જશે અને હકુકાકાને એક સારા સગા મળી જશે."

રાધિકાએ કહ્યું, "મયુર તમે જેટલું સમજો છો આ એટલું સહેલું નથી."

"તો શું લાગે છે તને?"

રાધિકાએ કહ્યું, "હું કઈ રીતે સમજાવું તમને?"

તેના આ શબ્દ સાંભળી મયુર ગંભીર થયો. તે પૂછવા લાગ્યો, "રાધિકા, કંઈ છે જે તું મને કહેવા માંગતી હોય? કોઈ એવી વાત છે જેનાથી તું ડરે છે?"

"ના મયુર એવું નથી પણ...."

"રાધિકા! જ્યારે ફઈ વાત કરતા હતા ત્યારે પણ તું આનાકાની કરી રહી હતી. શું તું નથી ઇચ્છતી કે અવની અને કાર્તિકના લગ્ન થાય?"

રાધિકા બોલી; "મયુર, જો એ ઈચ્છે તો મને કોઈ વાંધો નથી. પણ હું તમને અત્યારે નહિ કહી શકું. હું એક કામ કરું છું, હું અવનીને મળીને આવું છું."

"અત્યારે? રાધિકા રાત થઈ ગઈ છે!"

"મને ખબર છે. કાર્તિક અવની વિશે શું વિચારે છે તેની જાણ અવનીને છે. હું એ અંગે જ તેની સાથે વાત કરવા જાવ છું."

બધાના ગયા પછી અવનીને મળવા અને આ અંગે વાત કરવા તે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તેના ઘેર જતી રહી. ગાર્ડનના ઝૂલામાં અવની એકલી બેઠી હતી. રાધિકા આવી અને તેની બાજુમાં બેસી ગઈ.

"કેમ આમ એકલી ગુમસુમ બનીને બેઠી છે?" રાધિકાએ પૂછ્યું.

અવની બોલી; "ભાઈ બહાર ચાલ્યા ગયા છે અને હું ઘરમાં એકલી છું. તો બીજું શું કરું?"

"હમ્મ..."

"શું થયું આજે તમારા ઘરમાં?"

અવનીના આ સવાલે રાધિકાના મનમાં આશ્વર્ય ઉભું કર્યું, તે પૂછવા લાગી; "એટલે?"

"આજે તમારા ભાઈ અને તમારું આખું ફેમિલી આવેલું ને?"

"હા, એ જ હતા." રાધિકા એ કહ્યું.

અવની ફરી બોલી; "પેલો તમારો ભાઈ, કાર્તિક પણ હતો. જ્યાં સુધી મેં એને ઓળખ્યો છે એણે કઁઇકને કંઈક તો કર્યું જ હશે."

એક ઊંડો શ્વાસ લેતા રાધિકાએ કહ્યું, "અવની! એ મનોમન તને પ્રેમ કરવા લાગ્યો છે અને બને તો તારી સાથે લગન પણ કરવા ઈચ્છે છે. એણે આ વાત બધાને કહી તો નથી, પણ મહેશભાઈને ખબર હતી એટલે એના થકી તારું માંગુ નાંખવાની વાત પણ એણે કરી છે."

અવની બોલી; "હતો, મને ક્યાંકને ક્યાંક આ ડર હતો જ કે એ આવું કશુંક કરશે. ભાભી, મેં તમને પણ ઘણીવાર કહેલું ને કે એને મારાથી દૂર રાખો."

રાધિકા પોતાની ભાઈની તરફેણમાં બોલી, "અવની હું જાણું છું તારા મનમાં કેવી સ્થિતિ હશે. પણ એકવાર શાંત મને વિચાર કરીલે. તું કાર્તિકને જેવો સમજે છે તે એવો નથી. એક વખત એની સાથે વાત કરી એને સમજવાનો પ્રયત્ન કર. હું જાણું છું તારા માટે આ ખુબ અઘરું છે. આવી સ્થિતિ તારી સામે કદાચ પહેલીવાર આવી હશે. જો કે...."

તેની વાત વચ્ચે અટકાવી અવની હસીને કહેવા લાગી, "તો તમને લાગે છે આ સ્થિતિ મારે માટે પહેલીવાર જ આવી હશે. તમે લોકોએ ભાઈને મારા લગનની વાત કરવાની હા પાડી દીધી. પણ એ પહેલા તમારા પરિવારને એ ન જણાવ્યું કે મારુ બેગ્રાઉન્ડ શું છે. તમને તો બધી હકીકત ખબર પણ નહિ હોય. ચાલો એ વાત તો દૂર રહી. પણ આટલા સમયથી હું રાકેશભાઈ સાથે એની બહેન બનીને રહી છું તો તમે એમ ન સમજતા કે હું એની લાઈફ વિષે તો કશું જાણી જ નહીં શકી હોઉં. તમારો અને ભાઈનો ભૂતકાળ હું જાણું છું. પણ તમે તમારા પરિવારને મારો હાથ માંગતા પહેલા કહ્યું કે અવની એ ભાઈની બહેન છે જેને ક્યારેક તમે ગાળો આપી, અપમાન કરી, ન કહેવાનું કહી એના જ ઘરમાંથી બહાર કઢાવી નાખ્યો."

"અવની!" રાધિકા એ વિચારમાં હતી કે અવનીને કદાચ તેના અને રાકેશના સંબંધ વિષે જાણ નથી. પરંતુ આજે તેને એ સમજાયુ કે અવની દરેક વાતથી પરિચિત છે. અવની આગળ બોલી; "ભાભી, હું બધાને માન સન્માન આપું છું એનું કારણ રાકેશભાઈ જ છે. એણે મને કહેલું કે ગમે તેમ થાય તોય બધું ભૂલી હું જે પણ સામે આવે એનો સત્કાર કરીશ."

એટલી વારમાં પાછળ રાકેશની ગાડી આવીને ઉભી રહી. તે બંનેની નજર એના પર ગઈ. ડ્રાઈવરે દરવાજો ખોલી રાકેશને બહાર ઉતાર્યો. એ એટલો નશામાં હતો કે જાતે ચાલી પણ ન્હોતો શકતો. એ જોઈ અવની તેના તરફ દોડી ગઈ અને જઈને તેનો હાથ પોતાના ખભા પર મૂકી દીધો. રાધિકા બસ ત્યાંજ ઉભા ઉભા આ દ્રશ્યને જોયા કરી. તેની હિંમત ન ચાલી કે તે અવનીની મદદ કરી શકે. અવની અને ડ્રાઈવર બંને મળી તેને ઘરમાં અંદર લઈ જવા લાગ્યા.

ઝૂલા સુધી પહોંચતા રાકેશની નજર રાધિકા પર ગઈ. પણ એ એટલો નશામાં હતો કે બોલવાની કોશિશ કરવા છતાં કશું બોલી ન શક્યો. અવની તેને ઘરમાં અંદર લઇ ગઈ અને બહારથી જ રાધિકા પોતાને ઘેર જતી રહી. અંદર જઈ બંનેએ રાકેશને સોફા પર બેસાડ્યો અને ડ્રાઈવર ત્યાંથી જતો રહ્યો. અવનીએ પોતાના ભાઈને સોફા પર સુવરાવી દીધો અને તેના બુટ કાઢી એકબાજુ મૂકી દીધા. ત્યારબાદ તેના હાથને પકડી કહેવા લાગી, "ભાઈ! આ શું કરવા લાગ્યો છે તું? તને ખબર છેને મને તારી કેટલી ચિંતા થાય છે? તું રોજે આ રીતે નશામાં ધૂત બનીને ઘેર આવે છે એ નથી જોવાતું મારાથી. હું એકલી થઈ જાવ છું. કોની સાથે વાત કરું? એક તું જ છે જે મને સમજે છે. તું પણ આ રીતે મને ન સાંભળી શકે તો હું કોની પાસે વાતો કરવા જઈશ?"

પોતાની આંખમાંથી ચોધાર આંસુ સારતી અવની પોતાના ભાઈના હાથને બાથ ભીડી રડવા લાગી. આ દ્રશ્યને દૂર ઉભા જોઈ રહેલા મોહનની આંખમાં પણ આંસુ આવી ગયા અને ઉપર જોઈ તે આ ઘરની શાંતિ અને સદ્માર્ગ માટે બે હાથ જોડી જાણે પ્રાર્થના કરવા લાગ્યો.