લેખ:- મિશન બૉર્ડની પરીક્ષા
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ભારતીય સેના તો ઘણાં બધાં મિશન પાર પાડે છે. એમને પ્રોત્સાહન અને સાથ આખાય દેશનો મળે છે. સૌ કોઈ એમની જીતની કામના કરે છે.
પણ તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો આવતાં જ એક ખાસ મિશનની તૈયારીઓ શરુ થઈ જાય છે? આમાં પ્રોત્સાહન અને સાથ ઓછો, પણ ગભરાવવાનું કામ વધારે થાય છે. પડોશીઓ અને સગાઓ તો ઠીક, સગા મા બાપ પણ બાળકોને ગભરાવે છે. સમજી ગયા ને? આ મિશન એટલે બૉર્ડની પરીક્ષાનું મિશન. આખુંય વર્ષ બાળકે કશું નહીં કર્યું હોય, એનાં શિક્ષકો માતા પિતાને ફરિયાદો કરીને થાકી ચૂક્યાં હોય, અને છતાંય માતા પિતા તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવ ન આવ્યો હોય અને પછી અપેક્ષા એવી રાખે કે બાળકનાં બૉર્ડની પરીક્ષામાં સિત્તેર ટકા તો ઓછામાં ઓછાં આવવા જોઈએ. ક્યાંથી આવે?
તો બીજી બાજુ જે બાળક હોંશિયાર છે એનાં માતા પિતાને આખુંય વર્ષ બાળક ગમે એટલાં ટકા લાવ્યું હોય એમને ઓછાં જ પડ્યાં હોય! આવા સંજોગોમાં એ હોંશિયાર બાળક પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. એ સતત 'ઓછાં માર્કસ આવશે તો?' ભયનાં ઓછાયા હેઠળ જીવ્યા કરે છે. આનાં પરિણામે વાર્ષિક પરીક્ષામાં જે દેખાવ થવો જોઈએ એ થઈ શકતો નથી.
ઘણાં કિસ્સામાં મા બાપ બાળકને ડિસેમ્બર મહિનાથી શાળાએ મોકલવાનું જ બંધ કરી દે છે. શાળામાંથી જાણ કરે તો જવાબ આપે છે, "ત્યાં બાળકનો સમય બગડે છે. એનાં કરતાં એ ઘરે બેસીને વાંચે છે અને ટયુશનમાં નિયમિત પરીક્ષા આપવા જાય છે." તો શું એ માતા પિતા ભૂલી જાય છે કે તમે કંઈક સમજી વિચારીને જ બાળકને એ શાળામાં મૂકયું હોય છે? શાળા સારી હશે તો જ તમે એને ત્યાં એડમિશન અપાવ્યું ને? હવે અચાનક જ શાળામાં સમય બગડવા માંડ્યો? આ કેવું!!!???
ચાલો, એકનું એક બાળક હોય તો સમજ્યા, પણ વિચારો કે એમનું જ બીજું સંતાન પણ આ જ શાળામાં ભણે છે, અને એ જુએ છે કે મારા મોટા ભાઈ કે બહેનને મમ્મી પપ્પા શાળામાં મોકલતા નથી, કારણ કે શાળામાં એનો સમય બગડે છે. શું આ બાળકને પોતાનો શાળા પ્રત્યે માન રહેશે? શું એ પોતાનાં શિક્ષકોને અપનાવી શકશે? શાળા અને શિક્ષકો પ્રત્યે શંકાનો કીડો પેદા કરવામાં માતા પિતાનો ફાળો કેટલો છે આમાં?
હું ટયુશનની વિરોધી નથી. પણ હા, એટલું ચોક્ક્સપણે માનું છું કે ટયુશન માત્ર વધારાની તૈયારી કરવા માટે હોવું જોઈએ, ન કે શાળાની વિરુદ્ધમાં જવા માટે! મિશન પરીક્ષા ઘણી બધી શાળાઓમાં ખૂબ જ સુંદર રીતે આયોજિત થાય છે. ત્યાં સુધી કે ઘણી બધી શાળાઓમાં તો બાળકોને સંપૂર્ણપણે બૉર્ડનું વાતાવરણ મળી રહે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
દરેક બાળક દરેક વિષયમાં પાવરધુ હોય એ જરુરી નથી. દરેક બાળકને કોઈક ને કોઈક વિષય પ્રત્યે અણગમો હોય જ છે. એનો અર્થ એ નથી કે એ વિષય નહીં કરે તો ચાલે! કરવું તો પડશે બધાં જ વિષયો. પણ બાળકને આ માટે માનસિક રીતે તૈયાર કરવાની જવાબદારી જેટલી શિક્ષકોની છે એટલી જ માતા પિતાની પણ છે. માત્ર ફી ભરી દઈને એમ નહીં કહી દેવાય કે, "તમે આટલી બધી ફી લો છો તો બાળકનાં ભણતરની જવાબદારી શિક્ષક તરીકે માત્ર તમારી જ છે." માતા પિતા તરીકે બાળકને ભણતરમાં પ્રોત્સાહન આપવાની જવાબદારી પણ નિભાવવી જ પડે.
પોતાની અપેક્ષાઓ બાળકનાં કુમળા માનસમાં ઠાલવી દેવાને બદલે એણે જે બનવું છે એ દિશામાં આગળ વધારવા માટે એને પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકને સમજાવવું જોઈએ કે, "મને ખબર છે કે તારે કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. પણ એને માટે બીજા બધાં વિષયોમાં પણ સારુ પરિણામ લાવવું જ પડશે. પછી એક વાર કૉલેજમાં જાય ત્યાં તો તારે માત્ર કમ્પ્યુટર જ ભણવાનું છે ને!" જો જો, આટલા શબ્દો ચોક્કસથી બાળકને મદદ કરશે જ!
અંતમાં, એટલું જ કહીશ કે બૉર્ડની પરીક્ષા બાળકનાં ભવિષ્ય માટે ખૂબ જ જરુરી છે, પણ એનો અર્થ એ નથી કે એનાં નામે બાળકોને ડરાવવામાં આવે. આ માત્ર કાગળ પર આપવાની પરીક્ષા છે, જીવનની નહીં! જીવનની પરીક્ષા તો ડગલે ને પગલે આવતી જ જશે. એમાં તમે ધારો તો પણ બાળકને મદદ કરી શકવાના નથી. તો અત્યારે જ્યારે બાળકને મુકતમને પરીક્ષા આપવા દઈ શકાય એમ છે તો મિશન પરીક્ષાનું બહાનું ધરીને એને તણાવમાં ન મૂકી દો.
બૉર્ડની પરીક્ષામાં નવું કશું નથી, જે વિષયો શાળામાં ભણ્યા અને પરીક્ષાઓ આપી એ જ ફરીથી એક વાર કરવાનું છે, પરંતુ ફેર માત્ર એટલો જ છે કે આ પરીક્ષા પોતાની શાળામાં અને પોતાનાં શિક્ષકો વચ્ચે નથી આપવાની.
બૉર્ડની પરીક્ષા આપવા જનાર તમામ બાળકોને શુભેચ્છાઓ અને માતા પિતાને ધીરજ રાખવા વિનંતિ.
આ લેખ વાંચ્યા પછી કોઈને પણ મારા પર ગુસ્સો આવ્યો હોય તો ગુસ્સામાં પોતાનો મોબાઈલ ફેંકી દેવાની છૂટ છે, પણ મહેરબાની કરીને બાળકને બૉર્ડની પરીક્ષાનું મહત્ત્વ સમજાવજો, એનાં નામે ગભરાવશો નહીં.
આભાર.
સ્નેહલ જાની