ફરેબ - ભાગ 15 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 15

( પ્રકરણ : 15 )

‘....મેં અભિનવને શૂટ કરી દીધો. એને હંમેશ માટે આપણાં રસ્તામાંથી હટાવી દીધો. તું આવી જા. હું તારી વાટ જોઈ રહી છું.’

સબ ઈન્સ્પેકટર રાવત અભિનવનું શબ લઈને ગયો એ પછી કશીશે મોબાઈલ ફોન પર જે યુવાન સાથે આવી વાત કરી હતી, એ યુવાનની કશીશ અધીરા મન સાથે વાટ જોઈ રહી હતી.

ત્યાં જ અત્યારે તેના કાને કમ્પાઉન્ડમાં મોટવસાઈકલ દાખલ થયાનો અવાજ સંભળાયો.

તે મલકી ઊઠી. ‘...એ આવી ગયો.’ તેનું મન બોલી ઊઠયું, મુખ્ય દરવાજા પાસે દોડી જવા માટે થનગની ઊઠેલા મનને તેણે ટપાર્યું : ‘પાગલ, એને અહીં જ બેડરૂમમાં આવવા દે !’ અને તે ત્યાં જ ઊભી રહી.

ટક્‌..ટક્‌..! તેની તરફ આવી રહેલા પગલાંનો અવાજ આવવા માંડયો. દસમી પળે દરવાજો ખુલ્યો ને એ અંદર આવ્યો.

કશીશે મુસ્કુરાતાં બન્ને હાથ ફેલાવ્યા. એ યુવાન જીતભર્યું હસતાં તેની નજીક આવ્યો, એટલે તે એ યુવાનને વળગી પડી.

-એ ઈશાન હતો !

-હા, ઇશાન !

અભિનવનો દોસ્ત ઈશાન !

‘ઈશાન !’ કશીશ ઈશાનથી અળગી થતાં બોલી : ‘મેં...મેં કરી બતાવ્યું ! આપણો રસ્તો સાફ થઈ ગયો. હવે હું આઝાદ છું.’ અને કશીશે ઈશાનનો હાથ પોતાના હાથમાં લીધો : ‘આ...આ બધું મેં તારા માટે કર્યું છે, કારણ...કારણ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું, ઈશાન !’

‘હા, કશીશ !’ ઈશાને પ્રેમથી કશીશનો હાથ પંપાળતાં કહ્યું : ‘હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું, કશીશ ! ત્યારે પણ કરતો હતો જ્યારે તારી મમ્મીએ તારી સાથેના મારા પ્રેમની મજાક ઊડાવી અને તારા લગ્ન અભિનવ સાથે કરવાનું નકકી કર્યું.’

‘મને ખબર છે, ઈશાન !’ કશીશે કહ્યું અને કશીશની નજર સામે, તેના અભિનવ સાથે લગ્ન થયા પહેલાંનું દૃશ્ય તરવરી ઊઠયું.

-તેની મા નિરૂપમાબેનના અવાજમાં ગુસ્સો હતો : ‘કશીશ, નિર્ણય તો તારે જ કરવાનો છે. તારે ઈશાન જેવા ગરીબ માણસ સાથે લગ્ન કરવા છે કે, અભિનવ જેવા માલદાર માણસ સાથે.’

‘..પણ મમ્મી હું ઈશાનને પ્રેમ કરું છું.’ કશીશે કહ્યું : ‘હું લગ્ન કરીશ તો ઈશાન સાથે જ કરીશ.’

‘તું એક બકવાસ માણસ સાથે લગ્ન કરીને તારી જિંદગી બરબાદ કરવા માંગતી હો તો હું તને રોકીશ નહિ, પણ એટલું યાદ રાખજે,’ તેની માએ સંભળાવ્યું : ‘જો તારી જિંદગી પર મારો હક ન હોય તો પછી મારી મિલકત પર, મારી કોઈ વસ્તુ પર તારો પણ કોઈ હક નહિ રહે. મારા આશીર્વાદ પર પણ નહિ.’

અને માની વાત સાંભળીને તે રોષભેર ઘરમાંથી નીકળીને ઈશાન પાસે પહોંચી હતી.

‘ઈશાન !’ કશીશે કહ્યું : ‘મારી મા મારા લગ્ન તારી સાથે કરાવી આપવાની ના પાડે છે. એ કહે છે કે જો હું તારી સાથે લગ્ન કરીશ તો એ મને ઘરમાંથી કાઢી મૂકશે. મારી સાથે કોઈ સંબંધ નહિ રાખે.’ અને કશીશની આંખે આંસુ આવી ગયાં : ‘પણ મને એની કોઈ પરવા નથી. હું તને ચાહું છું અને તારી સાથેે લગ્ન કરીને બાકીની જિંદગી વિતાવી નાંખીશ. ચાલ આપણે લગ્ન કરી લઈએ.’

‘ના, કશીશ !’ ઈશાને કહ્યું : ‘હું ગરીબ છું પણ સ્વાર્થી નથી. હું તારા પ્રેમમાં પાગલ છું, પણ એટલો નાસમજ પણ નથી કે તારું ભલું-બૂરું પણ ન સમજી શકું !’

‘..એટલે..?’ કશીશે પૂછયું : ‘...તું શું કહેવા માંગે છે ? !’

‘તું મારી સાથે સંબંધ જોડવા માટે તારી મા સાથેનો તારો નાતો તોડે એવું હું ઈચ્છતો નથી.’ ઈશાન બોલ્યો : ‘તારી માને દુઃખી કરીને આપણે સુખી નહિ રહી શકીએ. મારી વાત માન, તારી માની ખુશી માટે તું આપણા પ્રેમને ભૂલીને અભિનવને પરણી જા.’

-અને અત્યારે ઈશાનનો હાથ કશીશના ખભે પડયો એટલે કશીશ ભૂતકાળમાંથી પાછી ફરી.

‘...શું વિચારમાં પડી ગઈ, કશીશ ? !’ ઈશાને પૂછયું.

‘અભિનવ સાથેના લગ્ન પહેલાંના વિચારમાં.’ કશીશ હસી, ‘તારા કહેવાથી મેં અભિનવ સાથે લગ્ન તો કરી લીધા પણ મારાથી તારા વિના રહેવાયું નહિ અને તુંય મારા વિના રહી શકયો નહિ.’

‘હા !’ ઈશાન બોલ્યો : ‘અને આપણે ફરી મળ્યા.’

‘હા !’ અને કશીશની નજર સામે અભિનવ સાથેના લગ્ન પછી ઈશાન સાથે એકાંતમાં થયેલી એ મુલાકાતનું દૃશ્ય તરવરી ઊઠયું.

‘કશીશ !’ ઈશાનનો ચહેરો નંખાયેલો હતો : ‘મેં..મેં ખૂબ જ મોટી ભૂલ કરી નાંખી. લાગણીમાં આવીને મેં તને અભિનવ સાથે લગ્ન કરવાનું કહી દીધું, પણ અભિનવ સાથેના તારા લગ્ન પછી મારી હાલત કફોડી થઈ ગઈ છે. દિવસ-રાત મને તારા જ ખયાલો આવે છે. મને...મને લાગે છે કે, હું પાગલ થઈ જઈશ.’

‘મારી હાલત પણ સારી નથી.’ કશીશે કહ્યું : ‘તારા વિના મારી જિંદગી પણ અધૂરી છે. હું..હું અભિનવને આપણાં પ્રેમ-સંબંધ વિશે જણાવી દઈશ. અને એટલે અભિનવ મને છૂટી કરી દેશે-મને છૂટાછેડા આપી દેશે.’

‘ના, કશીશ !’ ઈશાને કહ્યું : ‘તારી માની ખુશી માટે તેં અભિનવ સાથે લગ્ન કર્યા ને હવે જો અભિનવ આપણાં સંબંધને લઈને તને છૂટાછેડા આપશે તો તારી મા થોડી સુખી રહી શકશે ? એ તો મરી જ જશે ને.’

‘પણ તો આપણે પાછા મળી શકીએ એ માટેનો બીજો કોઈ રસ્તો પણ તો નથી ને, ઈશાન !’

‘એક રસ્તો છે, કશીશ !’ ઈશાને કહ્યું : ‘તારી મા જાતે જ તારો હાથ મારા હાથમાં આપશે. તું વિચાર કશીશ, શું તારી મા પોતાની વિધવા દીકરી માટે આટલું પણ નહિ કરે ?’

‘વિધવા દીકરી ? !’ કશીશ ચોંકી : ‘પણ મારો પતિ અભિનવ તો જીવતો છે, પછી હું વિધવા..!’

‘કશીશ ! અભિનવની જિંદગી આપણાં પ્રેમનું મોત છે, અને એનું મોત એ આપણાં પ્રેમ માટે નવી જિંદગી ! અભિનવને આપણે હંમેશ માટે રસ્તામાંથી ખસેડવો પડશે.’

‘એટલે...એટલે...,’ કશીશે પૂછયું, ‘..તું એનું ખૂન કરીશ ?’

‘ના.’ કશીશે કહ્યું : ‘એક ભાડૂતી હત્યારો અભિનવને આપણાં રસ્તામાંથી ખસેડશે ? !’

‘...એ કેવી રીતના ? !’

અને ઈશાને તેને પ્લાન સમજાવ્યો હતો. અને-

‘અને..’ ઈશાનનો અવાજ કાને પડયો, એટલે કશીશ ભૂતકાળમાંથી પાછી આવી. ઈશાને આગળ કહ્યું : ‘..આપણે બનાવેલા પ્લાન પ્રમાણે હું તારા, અભિનવના ઘરમાં આવી-જઈ શકું એ માટે મેં અભિનવ સાથે દોસ્તી કરી. બીજી તરફ મારા કહેવા પ્રમાણે તેં ભાડૂતી હત્યારા નિશાંતને તારી પ્રેમજાળમાં ફસાવ્યો, પણ આ દરમિયાન વચ્ચે અનુરાધા ટપકી પડી.’

‘હા, અને...,’ કશીશે કહ્યું : ‘અનુરાધા દેખાવ તને પ્રેમ કરવાનો કરતી હતી, પણ હકીકતમાં એ અભિનવને પ્રેમ કરતી હતી. અને એટલે એ એવું ઈચ્છતી હતી કે, હું સામે ચાલીને અભિનવથી છૂટાછેડા લઈ લઉં અને એ માટે તેણે બદમાશ મુરલીને મને ડરાવવા માટે રોકયો હતો.’ કશીશે કહ્યું : ‘મુરલીએ હું જ્યારે નિશાંત સાથે હતી, ત્યારે બુકે-ગુલદસ્તા સાથે કોઈ નજીકની વ્યક્તિ મારું ખૂન કરવા માંગે છે એવી ચિઠ્ઠી મૂકી હતી. ને મારી પહેલી વેડિંગ એનિવર્સરીની રાતના મુરલીએ જ ઓટલાના પહેલા પગથિયા પર મારી આ પહેલી વેડિંગ એનિવર્સરી એ મારી જિંદગીની આખરી વેડિંગ એનિવર્સરી સાબિત થશે, એવી વાત લોહી જેવા લાલ રંગથી લખી હતી ને પછી એણે જ મને ફોનમાં કહ્યું હતું કે, મારો પતિ અભિનવ જ મારું ખૂન કરવા માંગે છે.’ કશીશે સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘મેં તને મોબાઈલ ફોન પર આ વાત કરી એટલે તું આની પાછળની શું હકીકત છે ? એની તપાસમાં જ હતો, એવામાં હું અનુરાધા સાથે દરિયા કિનારા પર હતી, ત્યાં જ મુરલી મોટર સાઈકલ પર ધસી આવ્યો અને મને ધમકી આપી ગયો. અને અનુરાધા જાણે મુરલીને ઓળખતી જ ન હોય એમ વર્તી હતી. અનુરાધા મારાથી છૂટી પડીને ગઈ એ પછી મેં તને મોબાઈલ કર્યો હતો ને ઘટનાની જાણ કરી હતી.’

‘હા !’ ઈશાને હસીને વાત આગળ ચલાવી : ‘ત્યાર સુધીમાં આની પાછળ અનુરાધા હતી એનો મને ખ્યાલ આવી ગયો હતો, પણ એ વાતની હું ખાતરી કરવા માંગતો હતો. અને તારી પાસેથી ગયેલી અનુરાધા મુરલીને મળી હતી અને નસીબજોગે હું એમને જોઈ ગયો હતો, છુપાઈને એમની વાત સાંભળી ગયો હતો, અને એટલે મેં મુરલીની મોટર સાઈકલને ટકકર મારીને એને ખતમ કરી દીધો.’

‘જ્યારે મેં..,’ કશીશ હસી : ‘તારા કહેવા પ્રમાણે ગેસના સિલીન્ડરની પાઈપ કાપી નાંખીને અનુરાધાને સળગાવી મારી.’

‘હા.’ ઈશાને કહ્યું : ‘અભિનવે પણ નિશાંત સાથેના તારા ફોટા પાડવા માટે કુમાર નામના એક ફોટોગ્રાફરને રોકયો અને એણે નિશાંતને તને મારી નાંખવાનું કામ સોંપ્યું, એટલે થોડીક પરેશાની ઊભી થઈ. પણ આનો ફાયદો એ થયો કે, પોલીસ સબ ઈન્સ્પેકટર રાવત પહેલાંથી જ તારા સંપર્કમાં આવ્યો અને એટલે અભિનવને તને મારી નાંખવામાં રસ છે, એવી રાવતના મનમાં શંકા રોપાઈ ગઈ.’

‘એનો આજે ખૂબ જ મોટો ફાયદો થયો.’ કશીશ હસીને બોલી : ‘આજે નિશાંતે કુરિયરમાં મોકલેલી અભિનવની મારું ખૂન કરવા માટેના પ્લાનિંગની સીડી મારા હાથમાં આવી, એટલે મેં તને ફોન કર્યો. તેં અભિનવને આજે જ ખતમ કરી દેવાનું કહ્યું. ‘હું અભિનવને ખતમ નહિ કરું તો એ મને ખતમ કરી દેશે.’ એવી તારી વાત સાંભળીને હું ફસાઉં નહિ, એટલા માટે મેેં તિજોરીમાંથી અભિનવની રિવૉલ્વર કાઢી લીધી અને પછી અભિનવ સાથે એવી વાતચીત અને ઘટના બની કે હું અભિનવને ગોળી મારી દેવામાં સફળ થઈ ગઈ.’

‘અને રાવતને એ ખ્યાલ આવ્યો જ નહિ કે તેં જાણી જોઈને અભિનવ પર રિવૉલ્વરની ગોળી ચલાવી હતી.’

‘હા !’ કશીશ બોલી : ‘હવે આપણાં પ્રેમ વચ્ચે કોઈ દીવાલ રહી નથી.’

‘હવે આપણે આઝાદ છીએ.’ ઈશાન બોલ્યો : ‘અભિનવનું કારજ પતી જાય પછી આપણે...’ અને ઈશાન આગળ બોલવા ગયો, ત્યાં જ કશીશનો મોબાઈલ ફોન રણકી ઊઠયો.

કશીશે મોબાઈલ કાને મૂકયો અને ‘હેલ્લો !’ બોલી, ત્યાં જ સામેથી અવાજ આવ્યો : ‘કશીશ, હું સબ ઈન્સ્પેકટર રાવત બોલું છું.’

‘હા, બોલો રાવત સાહેબ.’ કશીશે મોબાઈલમાં કહ્યું.

‘તમારા માટે ખુશખબરી છે !’ સામેથી રાવતનો અવાજ આવ્યો.

‘ખુશખબરી ? !’

‘હા.’ સામેથી રાવતનો અવાજ આવ્યો : ‘તમારા માનવામાં ન આવે એવી વાત બની ગઈ. તમે અને હું અભિનવને મરેલો માનતા હતા, પણ રસ્તામાં અમને એવું લાગ્યું કે, અભિનવનો શ્વાસ ચાલી રહ્યો છે, એટલે અમે ડૉકટર પાસે તપાસ કરાવી તો ડૉકટરે કહ્યું કે એ જીવે છે !’ સામેથી રાવતનો આનંદભર્યો અવાજ આવ્યો : ‘અભિનવ જીવે છે !’

કશીશના કાનમાં આ શબ્દો લાવાની જેમ રેડાયા. અભિનવ જીવે છે ? ! એ હેબતાઈ ગઈ.

‘હૅલ્લો, કશીશ !’ મોબાઈલ-માંથી રાવતનો અવાજ આવી રહ્યો હતો, પણ જાણે કશીશના કાન બહેર મારી ગયા હતા. એને કંઈ જ સંભળાતું નહોતું.

‘હેલ્લો !’ મોબાઈલમાંથી રાવતનો અવાજ ગુંજ્યો : ‘મારો અવાજ સંભળાય છે, કશીશ ? !’

કશીશના હાથમાંથી મોબાઈલ છટકીને નીચે પડયો.

‘કશીશ !’ ઈશાને કશીશને હલબલાવી નાંખી : ‘...શું થયું, કશીશ ? !’

કશીશ કંઈ બોલી શકી નહિ. તેની આંખો ભીની થવા માંડી.

‘મને કહે કશીશ, શું થયું ?’ ઈશાન ચિલ્લાયો અને જાણે હવે કશીશ ભાનમાં આવી. ‘....એ બચી ગયો છે !’ તે રડતા અવાજે બોલી : ‘અભિનવ જીવતો છે. એને બચાવી લેવામાં આવ્યો છે.’

‘શું ? !’ ઈશાનનેે આંચકો લાગ્યો. ઘડીભર તે કશીશ સામે તાકી રહ્યો ને પછી તેણે કશીશના ગાલે તમાચો ઝીંકી દીધો, ‘..બચી ગયો ? ! કેવી રીતે બચી ગયો ? તું આટલું નાનું કામ પણ સારી રીતે કરી ન શકી ? મારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું !’

કશીશ ડઘાયેલા ચહેરે ઈશાન તરફ જોઈ રહી.

‘...બચી ગયો, સાલ્લો...!’ ઈશાન ધૂંધવાટભેર બોલ્યો.

‘હવે.,’ કશીશે થર-થર કાંપતાં કહ્યું : ‘..હવે આપણે એક કામ કરીએ. આપણે અહીંથી કયાંક દૂર ચાલ્યા જઈએ. જ્યાં ન તો અભિનવ આપણી પાસે આવી શકેે કે ન તો પોલીસ આપણાં સુધી પહોંચીને આપણને પકડી શકે !’

ઈશાન કશીશ સામે જોઈ રહેતાં બોલ્યો : ‘આપણે...?’

‘હા, ઈશાન ! અભિનવ હોશમાં આવશે, એટલે આપણે બન્ને ફસાઈ જઈશું !’

‘આપણે બન્ને નહિ, કશીશ ! ઈશાન બોલ્યો : ‘ફકત તું ! ફકત તું એકલી જ ફસાઈશ !’

કશીશને પોતાના કાન પર વિશ્વાસ ન બેસતો હોય એમ ફાટેલી આંખે ઈશાનને જોઈ રહી.

‘અભિનવ પર ગોળી તેં પોતે જ ચલાવી હતી, કશીશ !’ ઈશાને કહ્યું : ‘અને અનુરાધાનું મોત પણ તારા હાથે જ થયું. તેં તારા હાથે જ ગેસની પાઈપ કાપી હતી.’

કશીશ ઈશાન તરફ જોેઈ રહી.

‘તું એકલી જ ફસાઈશ, કશીશ.’ ઈશાન બોલ્યો : ‘કારણ કે, જે કંઈ કર્યું છે, એ તેં કર્યું છે, હું તો આમાં કયાંય છું જ નહિ.’

‘નહિ, ઈશાન !’ કશીશ બોલી, ‘મેં જે કંઈ પણ કર્યું એ તારા માટે તો કર્યું છે ! અને આ આખોય પ્લાન તેં જ તો બનાવ્યો હતો. નહિતર હું તો અભિનવને પરણીને એની સાથે જીવતી જ હતી ને !’ અને કશીશના ગળે ડૂમો બાઝી ગયો : ‘હું..હું તારા માટે અભિનવનું ઘર, મારી માની મિલકત, બધું જ-બધું જ છોડવા માટે તૈયાર થઈ ગઈ અને તું...’

‘આ જ તો પ્રોબ્લેમ છે, તારામાં, કશીશ !’ ઈશાને કશીશના ખભે હાથ મૂકયા : ‘તને ખબર નથી પણ, માલ-મિલકત ઠુકરાવવાનું આસાન છે, પણ એને મેળવવાનું ખૂબ જ મુશ્કેલ !’

કશીશ મૂંઝવણ સાથે ઈશાન તરફ જોઈ રહી. આ ઈશાન તેને શું કહી રહ્યો હતો ?

‘...મને હવે તારી સાથે કંઈ જ મળી શકે એમ નથી.’ ઈશાન બોલ્યો : ‘કંઈ પણ નહિ !’

‘એટલે...? !’ કશીશ કાંપવા લાગી. તેની આંખોમાં આંસુઓ રેલાવા માંડયા : ‘...એટલે આ બધું તેં મારી મિલકત મેળવવા માટે કર્યું હતું ? !’

‘કેટલી ભોળી છે તું ? આટલી નાની વાત સમજવામાં આટલો સમય લગાવી દીધો ?’ ઈશાન મલકયો : ‘ટૂંકમાં હવે હું તારી જિંદગી સાથે મારી જિંદગી બરબાદ કરી શકું એમ નથી.’ ઈશાને કાંડા ઘડિયાળમાં જોયું : ‘ચાલ હવે જાઉં ! હવે આપણી મુલાકાત નહિ થાય.’ અને ઈશાન હસ્યો : ‘આજ નહિ તો કાલે તું જેલભેગી થઈ જઈશ ને !’ અને ઈશાન દરવાજા તરફ ચાલ્યો.

ત્યાં જ કશીશ બોલી : ‘ઈશાન, તું આ રીતના મને દગો આપીને જઈ શકે એમ નથી. તારે મારો સાથ આપવો પડશે, નહિતર...,’

‘..નહિતર શું ? !’ કશીશથી ચાર પગલાં દૂર પહોંચેલા ઈશાને પાછું વળીને કશીશ તરફ જોતાં પૂછયું : ‘..નહિતર શું, કશીશ !’

‘..નહિતર હું તને જીવતો નહિ રહેવા દઉં !’ અને કશીશે બાજુમાં પડેલી ફ્રૂટની પ્લેટમાથી ચપ્પુ ઉઠાવી લીધું અને ઈશાન તરફ વીફરેલી વાઘણની જેમ ધસી : ‘હું તને મારી નાંખીશ !’ અને તે ઈશાન પાસે પહોંચી. તે ઈશાનની છાતીમાં ચપ્પુ ઘોંપવા ગઈ, પણ ઈશાને તેનો હાથ પકડી લીધો ને એક જ ઝટકામાં કશીશના હાથમાંથી ચપ્પુ છીનવી લીધું.

‘હું...હું પોલીસને બધું કહી દઈશ !’ કશીશ બોલી ગઈ.

‘..હું તને જીવતી રહેવા દઈશ તો તું પોલીસને કંઈ કહી શકીશ ને ? !’ અને આટલું કહેતાં જ ઈશાને કશીશના વાળ પકડી લીધા અને કશીશની છાતીમાં ચપ્પુ હુલાવી દેવા હાથ અધ્ધર કર્યો.

(ક્રમશઃ)