Fareb - 7 books and stories free download online pdf in Gujarati

ફરેબ - ભાગ 7

( પ્રકરણ : 7 )

અભિનવ અને કશીશ, બન્ને પતિ-પત્ની અત્યારે પલંગ પર બાજુ-બાજુમાં સૂતા હતા. બન્ને અત્યારે એકબીજા સામે પ્રેમભરી નજરે જોઈ રહ્યાં હતાં, પણ બન્નેના દિલમાં તો એકબીજા માટે દગાબાજી હતી-ફરેબ હતો ! !

અભિનવે કશીશનું ખૂન કરવાની બાજી ગોઠવી હતી, તો કશીશે અભિનવને મોતને ઘાટ ઉતારી દેવાનો પેંતરો રચ્યો હતો.

અને બન્નેએ ખૂની તરીકે નિશાંતને પસંદ કર્યો હતો !

અભિનવે એક કરોડ રૂપિયાના બદલામાં નિશાંતને કશીશને ખતમ કરવા માટે તૈયાર કર્યો હતો, અને કશીશે પ્રેમના જોરે નિશાંતને અભિનવનું ખૂન કરવા રાજી કર્યો હતો !

નિશાંતે અભિનવ અને કશીશ બન્નેને વાયદો કર્યો હતો કે, ‘‘તે કાલે રવિવારની રાતે એમણે સોંપેલું કામ પૂરું કરી દેશે !’’

અને એટલે હવે સવાલ એ હતો કે નિશાંત હકીકતમાં કોને ખતમ કરવાનો હતો ? અભિનવને કે કશીશને ? !

અને આનો જવાબ નિશાંત જ આપી શકે એમ હતો ! અને કાં તો., કાં તો પછી આનો જવાબ સમય આપી શકે એમ હતો !

અને એ સમય આવવાને.., કાલ રવિવારની રાત પડવાને હવે ગણતરીના કલાકોની વાર હતી.

૦ ૦ ૦

આજે રવિવાર હતો. સામાન્ય રીતના અભિનવ રવિવારના દિવસે સવારના બે-ત્રણ કલાક માટે બહાર જતો હતો, એટલે કશીશને એમ હતું કે, અભિનવ આજે પણ બહાર જશે, પણ અભિનવ બહાર તો ન ગયો પણ એ આખો દિવસ તેની આસપાસ જ રહ્યો અને તેની સાથે પ્યારભરી વાતો અને મસ્તી કરતો રહ્યો.

અત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા, ત્યારે પણ અભિનવ તેને પરાણે પોતાની પાસે બેસાડીનેે ટી.વી. જોઈ રહ્યો હતો.

આખા દિવસમાં કશીશને એક-બે એવા મોકા મળ્યા હતા કે જ્યારે તે નિશાંત સાથે મોબાઈલ ફોન પર વાત કરી શકે. પણ તેણે જોખમ લેવાનું ટાળ્યું હતું. તેણે આજે રાતે નિશાંત અભિનવનું ખૂન કરી નાંખે એવું ગોઠવી દીધું હતું, ત્યારે તે એવું કંઈ જ કરવા માંગતી નહોતી કે, જેનાથી ભૂલેચૂકે અભિનવને નિશાંત સાથેના તેના પ્રેમ કે તેના ખૂની પ્લાન વિશે ગંધ આવી જાય ને તેના કર્યા-કરાવ્યા પર પાણી ફરી જાય.

જોકે, અત્યારે પોણા દસ વાગવા આવ્યા હતા, છતાંય અભિનવ ટી. વી. જોતો બેઠો હતો એટલે તેના મનમાં બેચેની થઈ રહી હતી.

ગઈકાલે નિશાંત સાથે તેની વાત થઈ હતી કે, ‘આજે અભિનવ કલબમાં જશે અને પાછો ફરશે, ત્યારે નિશાંત અભિનવને ખતમ કરી નાંખશે, પણ અભિનવ કલબમાં જ નહિ જાય તો તેનો પ્લાન કઈ રીતના અમલમાં મુકાશે ?’ અને હજુ કશીશનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ અભિનવ ઊભો થયો : ‘ઓફ ! સમાચાર જોવામાં મને ખ્યાલ જ ન રહ્યો કે મારે કલબમાં જવાનું છે.’ અને અભિનવ બેડરૂમ તરફ આગળ વધતાં બોલી ગયો : ‘જયનીલ અને ઉદિત મારી વાટમાં ઊંચા-નીચા થતા બેઠા હશે.’ અને તે બેડરૂમમાં દાખલ થઈ ગયો.

કશીશે ખુશી અનુભવી.

તો બેડરૂમમાં પહોંચેલા અભિનવે ઝડપથી તૈયાર થવા માંડયું. કશીશના ખૂન માટે બનાવેલા પ્લાન પ્રમાણે તેણે દસ વાગ્યે અહીંથી નીકળી જવાનું હતું.

તે તૈયાર થઈને બાથરૂમની બહાર નીકળ્યો, ત્યારે કશીશ પલંગ પર બેઠી હતી.

અભિનવે અરીસા સામે ઊભા રહીને માથું ઓળ્યું ને કશીશ તરફ ફર્યો. કશીશ તેની તરફ જોઈ રહી. તે કશીશની નજીક પહોંચ્યો અને કશીશની બાજુમાં બેઠો. તે કશીશ તરફ જોઈ રહેતાં વિચારી રહ્યો, ‘બસ ! અત્યારે તે કશીશને છેલ્લી વાર જ જોઈ રહ્યો છે.’

તો કશીશ પણ વિચારી રહી હતી : ‘બસ ! તેને આ છેલ્લી વાર જ અભિનવનો ચહેરો જોવા મળી રહ્યો હતો. હવે પછી તેને અભિનવની લાશ જ જોવા મળવાની હતી ! !’

અભિનવે કશીશનો ચહેરો પોતાના હાથમાં લીધો અને એના કપાળે ચૂમી ભરી : ‘આઈ લવ યુ, કશીશ !’

‘હું પણ તને ખૂબ જ ચાહું છું, અભિનવ !’ કશીશ પણ બોલી.

અભિનવ મુસ્કુરાયો. કશીશ પણ મલકી.

‘હું જાઉં છું, ગુડનાઈટ !’ કહેતાં અભિનવ ઊભો થયો.

‘ગુડનાઈટ !’ કશીશ બોલી.

અભિનવ બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.

અભિનવ બેડરૂમની બહાર નીકળી ગયો એટલે કશીશે ઘડિયાળમાં જોયું.

રાતાના દસ વાગ્યા હતા.

તે પલંગ પરથી ઊભી થઈ અને બાથરૂમમાં દાખલ થઈ.

ત્યારે બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચેલા અભિનવે બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર જોયું. કશીશની ટેવ પ્રમાણે એના વોર્ડરોબ-તિજોરી અને કાર તેમજ મુખ્ય દરવાજાના લેચ-કીવાળા લૉકની ચાવીવાળું કી-ચેઈન ટેબલ પર જ પડયું હતું.

અભિનવે એ કી-ચેઈન હાથમાં લીધું. એમાંથી મુખ્ય દરવાજાના લૉકની ચાવી કાઢી અને મુખ્ય દરવાજાની બહાર નીકળ્યો. તેણે કશીશની ચાવીથી જ મુખ્ય દરવાજાનું લૉક લગાવ્યું. તે ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ડબી કાઢીને એમાં મુખ્ય દરવાજાની ચાવી મૂકતાં ઓટલાના પગથિયા પાસે પડેલા ગુલાબના છોડના કૂંડા પાસે પહોંચ્યો. તેણે તુરત કોઈની નજરે ન ચઢી જાય એવી રીતના એ ડબી ગુલાબના છોડના કૂંડામાં મૂકી અને કારમાં બેઠો. તેણે કાર કમ્પાઉન્ડના ઝાંપાની બહાર કાઢી અને કલબ તરફ દોડાવી મૂકી.

ત્યારે કશીશ બાથરૂમમાં પોતાના મોબાઈલ પરથી એકદમ ધીમા અવાજે નિશાંત સાથે વાત કરી રહી હતી : ‘નિશાંત ! આજે આખો દિવસ અભિનવ મારી આસપાસ જ રહ્યો એટલે મને તને ફોન કરવાની તક જ ન મળી.’

‘હા, પણ અત્યારે એ કલબમાં તો ગયો ને ? !’ સામેથી-મોબાઈલ ફોનમાંથી નિશાંતનો સવાલ સભળાયો.

‘હા,’ કશીશ બોલી : ‘હમણાં થોડીક વાર પહેલાં જ તે અહીંથી નીકળ્યો છે.’

‘સરસ...!’

‘તો પછી આપણે વાત થઈ છે એ પ્રમાણે....’ અને કશીશ પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ સામેથી નિશાંતનો અવાજ આવ્યો : ‘....હા, એે પ્રમાણે જ થશે.’

સાંભળીને કશીશની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ.

‘બસ !’ મોબાઈલમાં સામેથી નિશાંતનો અવાજ સંભળાયો : ‘અભિનવના મોતના સમાચાર આવે ત્યાં સુધી તું નિરાંતે સૂઈ જા.’

‘ઓ. કે. ગુડલક !’ કશીશે કહ્યું, એટલે સામેથી નિશાંતે મોબાઈલ કટ કરી દીધો.

કશીશે એક ઊંડો શ્વાસ લીધો. તેણે હોઠ પર એક રહસ્યમય મુસ્કુરાહટ રમાડી અને પોતાના મોબાઈલ ફોન પરથી એક નંબર લગાવ્યો. સામેથી રીંગ ટોન સંભળાયો :

‘કભી-કભી મેરે દિલમેં,ખયાલ આતા હૈ,

કે જૈસે તુઝકો બનાયા ગયા હૈ મેરે લિયે

અને તુરત જ સામેથી મોબાઈલ લેવામાં આવ્યો, અને એક અવાજ સંભળાયો, એટલે કશીશ બોલી : ‘...બધું આપણાં પ્લાન મુજબ જ થઈ રહ્યું છે !’

અને આના જવાબમાં સામેની વ્યક્તિએ કંઈક કહ્યું, એટલે કશીશના ગુલાબી ચહેરા પર લજ્જાની લાલી આવી ગઈ અને તેણે મોબાઈલ કટ કરી દીધો.

તે મોબાઈલ ફોનને એક બાજુ પર મૂકીને બાથટબમાં લેટી. તેણે આંખો મિંચી અને બાથટબના હૂંફાળા પાણીની મજા લેતાં, સપનાની દુનિયામાં સરકી.

૦ ૦ ૦

અભિનવ કલબમાં પહોંચ્યો અને તેણે કાંડા ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગ્યાને ઉપર સોળ મિનિટ થઈ હતી. તે કારમાંથી નીકળ્યો અનેે કલબના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો : ‘અત્યારે નિશાંત ચહેરા પર મહોરું પહેરીને મારા ઘરે પહોંચી ગયો હશે અને એણે કશીશને ખતમ કરવા માટેની પોતાની કામગીરી શરૂ કરી દીધી હશે.’ તેણે વિચાર્યું,

ત્યારે અત્યારે અભિનવના બંગલાના મુખ્ય દરવાજા પાસેના ઓટલાના પગથિયાં પાસે પહોંચેલા મહોરાવાળા માણસે આસપાસમાં એક નજર દોડાવી. આસપાસમાં સન્નાટો છવાયેલો હતો. તેણે પગથિયાં પાસે પડેલા ગુલાબના છોડના કુંડામાં હાથ ફેરવ્યો. તેના હાથમાં પ્લાસ્ટિકની ડબી આવી. એ ડબી તેણે ખોલી અને એમાંની ચાવી બહાર કાઢી. તેણે ખાલી ડબી પાછી કૂંડામાં મૂકી અને દબાતા પગલે ઓટલાના પગથિયાં ચઢીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજાના લેચ-કીવાળા લૉકમાં ચાવી લગાવી અને ફેરવી. ખટના ધીમા અવાજ સાથે લૉક ખૂલી ગયું.

એ મહોરાવાળા માણસે જરાય અવાજ ન થાય એવી રીતના-ખૂબ જ હળવેકથી દરવાજાને ધકેલીને ખોલ્યો અને અંદર નજર નાંખી. અંદર-હૉલમાં કોઈ નહોતું. તે ઓટલાના પગથિયા તરફ ફર્યો.

ત્યારે પોતાના બેડરૂમના બાથરૂમના બાથટબમાં બંધ આંખે પડેલી કશીશના ચહેરા પર માદક મુસ્કુરાહટ ખેલી રહી હતી. તેના મન-મગજમાં અત્યારે અભિનવ અને નિશાંતના નહિ, પણ કોઈ જુદા જ વિચારો ચાલી રહ્યા હતા.

ત્યારે આ તરફ, કલબમાં કાર્ડ ટેબલ પર પોતાના દોસ્તો જયનીલ, ઉદિત અને બીજા બે કલબના મૅમ્બરો સાથે કાર્ડ રમી રહેલા અભિનવે સામે લાગેલી દીવાલ ઘડિયાળ તરફ નજર નાંખી. એમાં દસ વાગ્યા ને બાવીસ મિનિટ થઈ હતી. તેણે ઘરે ફોન કરવાનો હતો, એમાં હજુ આઠ મિનિટની વાર હતી. તેણે પાછું કાર્ડ રમવામાં ધ્યાન પરોવ્યું,

તો આ તરફ અભિનવના બંગલાના હૉલમાં-ડ્રોઈંગરૂમમાં ઊભેલો મહોરાવાળો માણસ હૉલમાં-ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી રહ્યો હતો. તેની ફરતી નજર સ્ટડી રૂમના દરવાજા પર અટકી અને બીજી જ પળે તે બિલ્લી પગલે સ્ટડી રૂમ તરફ આગળ વધ્યો.

તેણે સ્ટડી રૂમમાં પહોંચીને જાણે કોઈ ચોર ચોરી કરવા આવ્યો હોય અને કીંમતી વસ્તુ શોધવા માટે વસ્તુઓની ઉથલ-પાથલ કરતો હોય એમ વસ્તુઓને વેર-વિખેર કરવા માંડી.

ત્યારે બેડરૂમના બાથરૂમમાં બાથટબમાં બંધ આંખે પડેલી કશીશ અત્યારે હવે નિશાંત વિશે વિચારી રહી હતી, ‘બસ ! હવે થોડાંક કલાકની જ વાર હતી. થોડાંક કલાકમાં જ નિશાંત અભિનવને મારી નાંખશે અને હું આઝાદ થઈ જઈશ.’

જોકે, આવું વિચારી રહેલી કશીશને એ ખતરનાક હકીકતની ખબર નહોતી કે, અભિનવે એક કરોડ રૂપિયામાં તેને ખતમ કરી નાંખવા માટે નિશાંત સાથે સોદો કર્યો હતો અને એક કરોડમાંથી અભિનવે નિશાંતને વીસ લાખ રૂપિયા એડવાન્સમાં આપી દીધા હતા. અને અત્યારે તેને ખતમ કરવા માટેનો અભિનવનો પ્લાન અમલમાં મુકાઈ ચૂકયો હતા. એ પ્લાન મુજબ અત્યારે તેને ખતમ કરવા માટે ખૂની બંગલાની અંદર દાખલ પણ થઈ ચૂકયો હતો !

અત્યારે સ્ટડી રૂમમાં રહેલો ખૂની-મહોરાવાળો માણસ સ્ટડી રૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગ-રૂમમાં આવ્યો અને બાજુના રૂમ તરફ આગળ વધી ગયો.

તેણે એ રૂમની વસ્તુઓ વેર-વિખેર કરી અને પછી રસોડા તરફ આગળ વધી ગયો.

તે રસોડામાં પહોંચ્યો અને દરવાજાની પાછળ લપાઈને ઊભો રહી ગયો.

હવે તેણે ફોનની ઘંટડી રણકે અને કશીશ ફોન ઉઠાવવા માટે આવી પહોંચે એની વાટ જોતાં અહીં જ ઊભા રહેવાનું હતું !

ત્યારે ત્યાં કલબમાં અભિનવ પોતાના દોસ્તો જયનીલ, ઉદિત અને બીજા બે કલબના મૅમ્બરો સાથે કાર્ડ રમી રહ્યો હતો. અભિનવે સામે લાગેલી દીવાલ ઘડીયાળમાં જોયું. બરાબર સાડા દસ વાગ્યા હતા. ‘હું આમાંથી આઉટ થાઉં છું.’ કહેતાં અભિનવે પોતાના કાર્ડ નાંખી દીધાં.

જયનીલ, ઉદિત અને બાકીના બન્ને જણાં મનોમન ખુશ થયા. બાજીમાંથી એક ખેલાડી ઓછો થયો હતો. તેઓની બાજી જામી હતી. તેઓ ચારેય એમાં ગુંથાયેલા હતા.

અભિનવે ચારેય જણાં પર એક નજર ફેરવી અને કોટના જમણા ખિસ્સામાં હાથ નાંખ્યો. તેના હાથમાં મોબાઈલ આવ્યો, ત્યાં જ તેને યાદ આવ્યું, તેણે પોતાના આ મોબાઈલ નંબર પરથી ઘરે ફોન કરવાનો નહોતો. તે ફસાય નહિ એટલે માટે તેણે આ કામ માટે ડમી નામે લીધેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો હતો. અને એ મોબાઈલ તેણે કોટના ડાબા ખિસ્સામાં મૂકયો હતો.

તેણે ડાબા ખિસ્સામાં હાથ નાંખ્યો અને એમાંથી મોબાઈલ કાઢયો. તેણે એ મોબાઈલ પરથી પોતાના ઘરનો, રસોડાના લેન્ડ લાઈનનો ફોન નંબર લગાવ્યો અને મોબાઈલ કાન પર ધર્યો. સામેથી રીંગ વાગવા માંડી.

ટ્રીન..ટ્રીન..! ટ્રીન..! ટ્રીન..!

રસોડામાંથી ગુંજતો આ રીંગનો અવાજ બેડરૂમના બાથરૂમના બાથટબમાં પડેલી કશીશના કાનના પડદા સુધી પહોંચતો હતો, પણ તે એટલા ઊંડા વિચારમાં હતી કે તેના મન સુધી આ અવાજ પહોંચતો નહોતો !

ટ્રીન..ટ્રીન..! ટ્રીન..! ટ્રીન..!

રસોડાના પ્લેટફોર્મની બાજુની દીવાલ પર લાગેલા ફોનની રીંગ વાગી રહી હતી. નજીકમાં જ આવેલા રસોડાના ખુલ્લા દરવાજાની પાછળ મહોરાવાળો માણસ લપાઈને, કશીશ આવે તો એની પર જીવલેણ હુમલો કરવા માટે બિલકુલ તૈયાર ઊભો હતો.

ફોનની રીંગ વાગવાની બંધ થઈ.

થોડીક પળો પછી ફરી રીંગ વાગવા માંડી.

ટ્રીન..ટ્રીન...! ટ્રીન..ટ્રીન...!

અને આ વખતે બાથરૂમમાં બાથટબમાં પડેલી કશીશના કાનના પડદા સુધી પહોંચેલો આ અવાજ તેના મન-મગજ સુધી પણ પહોંચી ગયો.

‘અત્યારે કોનો ફોન હશે ? !’ એવા સવાલ સાથે કશીશ બાથટબમાંથી બહાર નીકળી અને ઝડપભેર બાથરૉબ પહેર્યો.

તે બાથરૂમનો દરવાજો ખોલીને બેડરૂમમાં આવી. તે ઝડપી ચાલેે બેડરૂમના દરવાજા તરફ ચાલી.

ટ્રીન..ટ્રીન...! ટ્રીન..ટ્રીન...!

રસોડામાં રહેલા ફોનની રીંગ સતત વાગી રહી હતી.

કશીશ બેડરૂમના દરવાજામાંથી બહાર નીકળીને રસોડા તરફ આગળ વધી.

ટ્રીન..ટ્રીન...! ટ્રીન..ટ્રીન...!

રસોડામાં રણકી રહેલા ફોનની આ રીંગ કલબમાં બેઠેલા અભિનવના કાને મુકાયેલા મોબાઈલમાં સંભળાઈ રહી હતી.

ટ્રીન..ટ્રીન...! ટ્રીન..ટ્રીન...!

અભિનવે રીંગ વાગવા દીધી. તે મનોમન વિચારી રહ્યો. અત્યારે કશીશ રસોડાના દરવાજા પાસે પહોંચી ચૂકી હશે. હવે કશીશ ફોન પાસે પહોંચી હશે અને એય હવે કશીશે ફોન ઉઠાવ્યો.....

....અને અભિનવની આ ગણતરી સો ટકા સાચી પડી !

બરાબર આ જ પળે કશીશે સામેથી ફોન ઉઠાવ્યો અને એનો અવાજ અભિનવના કાનમાં પડયો : ‘હેલ્લો !’

અભિનવે ચુપ રહ્યો. તેના શ્વાસનો અવાજ પણ કશીશને સંભળાઈ ન જાય એ માટે તેણે શ્વાસ પણ રોકી લીધો.

‘હેલ્લો !’ ફરીથી સામેથી કશીશનો સહેજ વધુ ઊંચો અવાજ સંભળાયો : ‘હેલ્લો, કોણ છે ?’

અભિનવે અત્યારે પણ ચુપકીદી જાળવી રાખી.

ત્યારે ત્યાં અભિનવના બંગલાના રસોડામાં ફોન કાને મૂકીને ઊભેલી કશીશના ચહેરા પર પરેશાની આવી.

તો કશીશની પીઠ પાછળ, કશીશથી થોડાક પગલાં દૂર, રસોડાના દરવાજા પાછળ લપાઈને ઊભેલો ખૂની-મહોરાવાળો માણસ કશીશને મોતને ઘાટ ઉતારવા માટે કશીશ તરફ દબાતા પગલે આગળ વધ્યો.

‘હેલ્લો ! કોણ છે ? હેલ્લો !’ કશીશે ફરી એકવાર ફોનમાં પૂછયું, ત્યાં જ તેને કોઈ તેની પાછળ આવતું હોય એવો અણસાર આવ્યો. તે ચોંકીને પાછળ ફરવા ગઈ, ને એે જ પળે મહોરાવાળો માણસ તેની પર ત્રાટકયો...............

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED