ફરેબ - ભાગ 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 6

( પ્રકરણ : 6 )

કશીશે તેના પતિ અભિનવનું ખૂન કરી નાખવાની વાત કરી, એટલે નિશાંત વિચારમાં પડી ગયો હતો, ‘આખરે તેને કોને મારી નાખવામાં વધારે ફાયદો છે ? ! અભિનવના કહેવાથી કશીશને ખતમ કરવામાં તેને વધુ ફાયદો છે કે, પછી કશીશના કહેવાથી અભિનવનું ખૂન કરી નાખવામાં તેને વધારે ફાયદો છે ? !’

અને અત્યારે હવે નિશાંતે વિચારી લીધું. ‘અભિનવ અને કશીશ બન્નેમાંથી કોનું ખૂન કરવું ?’ એનો નિર્ણય લઈ લીધો.

‘નિશાંત ?’ નિશાંતના કાને કશીશનો અવાજ પડયો, એટલે તેણે કશીશ સામે જોયું. કશીશે તેને અધીરાઈભેર પૂછયું : ‘તું એકદમ ચુપ કેમ થઈ ગયો, નિશાંત, તેં.., તેં કોઈ જવાબ કેમ ન આપ્યો ?’

‘હું એ વિચારમાં પડી ગયો હતો, કે અભિનવને વળગી પડી : ‘આ કામ તું કયારે કરીશ ? !’

‘દર રવિવારે રાતના અભિનવ કાર્ડ રમવા કલબમાં જાય છે ને !’ નિશાંતે કહેતો હોય એ રીતે પૂછયું.

‘હા !’ કશીશે જ અગાઉ નિશાંત સાથેની વાતચીતમાં આ વિશે નિશાંતને જણાવ્યું હતું.

‘બસ તો પછી...,’ નિશાંતે કહ્યું : ‘...કાલે રવિવાર છે. કાલે અભિનવ ઘરેથી કલબમાં કાર્ડ રમવા જશે, પછી જીવતો ઘરે પાછો નહિ ફરે. કલબમાંથી એ કાર્ડ રમીને ઘર તરફ આગળ વધશે ત્યારે હું એને ખતમ કરી નાંખીશ.’

સાંભળીને કશીશના ચહેરા પર આનંદનો દરિયો ઊછળી આવ્યો.

૦ ૦ ૦

નિશાંતે અભિનવ અને કશીશના બંગલાના મુખ્ય દરવાજા પાસે મોટરસાઈકલ લાવીને ઊભી રાખી, ત્યારે બપોરનો એક વાગ્યો હતો.

કશીશ બાર વાગ્યે નિશાંતના ઘરેથી રવાના થઈ એ પછી નિશાંત અહીં અભિનવ પાસે આવવા માટે તૈયાર થવા માંડયો હતો.

અભિનવે નિશાંતને અત્યારે એક વાગ્યે અહીં કશીશના ખૂન માટેના વીસ લાખ રૂપિયા લેવા ને કશીશના ખૂનનો ફૂલપ્રૂફ પ્લાન સમજવા માટે બોલાવ્યો હતો.

નિશાંત હાથમાં મોટા-કાળા લેધરના થેલા સાથે મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો, ત્યાં જ દરવાજો ખૂલ્યો અને અભિનવ દેખાયો. ‘મને ખાતરી હતી કે તું આવીશ.’ અભિનવે મુસ્કુરાતાં કહ્યું, ‘આવ.’

નિશાંત પેન્ટના ખિસ્સામાંથી હાથ બહાર કાઢતાં અંદર દાખલ થયો.

અભિનવે દરવાજો બંધ કર્યો.

‘અભિનવ !’ નિશાંત મોટા હૉલ જેવા ડ્રોઈંગરૂમમાં સજાવેલી વસ્તુઓ પર નજર ફેરવતાં બોલ્યો : ‘તારો બંગલો કોઈ મહેલ જેવો છે અને એમાંની આ વસ્તુઓ પણ સુંદર અને કીમતી લાગે છે.’ અને નિશાંત હસ્યો : ‘પૈસાવાળા કંઈ પણ વસ્તુ ખરીદતા રહે છે !’

‘કંઈ પણ એટલે ? !’

‘કંઈ પણ એટલે એ બધી જ વસ્તુ જેની પર કોઈ મોટી વ્યક્તિ કે મોટી કંપનીના નામનું લેબલ લાગેલું હોય !’

‘તું આ બધી વસ્તુઓ પર તારા નામનું લેબલ લગાવવા માંગતો હતો, પણ મેં તારો પ્લાન ચોપટ કરી દીધો.’ અભિનવ જીતભર્યું મલકતાં બોલ્યો : ‘આ બધું મારું છે, અને મારું રહેશે !’

નિશાંત હોઠના ખૂણે મલકયો.

‘હવે ખૂબ જ ધ્યાનથી મારી વાત સાંભળ. કોઈ વાત મગજમાં ન ઉતરે તો એ વિશે મારી પાસેથી ખુલાસો મેળવી લેજે.’ અભિનવે કહ્યું : ‘તારે તારી મોટરસાઈકલ બંગલાના પાછળના ભાગમાં મૂકીને, કમ્પાઉન્ડની દીવાલ કૂદીને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચવાનું છે.’

‘પણ અહીં ચોકીદાર હશે ને,’ નિશાંતે પૂછયું : ‘એનું શું ?’

‘એની તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.’ અભિનવે કહ્યું : ‘ગઈકાલ રાતના મેં એને નોકરીમાંથી કાઢી મૂકયો છે.’

‘તું ખરેખર ઉસ્તાદ છે.’ નિશાંત બોલ્યો.

‘અને તું હરામી છે.’ અભિનવે પણ નિશાંત જેવી ભાષા વાપરી : ‘હું બોલું છું એ ધ્યાનથી સાંભળ. વાતને બીજે પાટે ન લઈ જા.’

નિશાંત હસ્યો : ‘બોલ ! મારે કેવી રીતના ઘરમાં ઘૂસવાનું છે ?’

‘હું અહીંથી નીકળીશ એ પહેલાં કશીશ પાસેની કી-ચેઈનમાંથી મેઈન દરવાજાના લેચ-કીવાળા લૉકની ચાવી કાઢી લઈશ અને એને આ ડબીમાં મૂકી દઈશ.’ અને અભિનવે ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ડબી કાઢીને બતાવી અને મુખ્ય દરવાજો ખોલ્યો. તેણે મુખ્ય દરવાજાની જમણી બાજુ, ઓટલાના છેલ્લા પગથિયાં પાસે પડેલા ગુલાબના છોડના કુંડા તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘આ ડબી હું આ સામેના ગુલાબના ફૂલના કુંડામાં કોઈની નજરે ન ચઢે એવી રીતના મૂકી દઈશ.’ અને અભિનવે મુખ્ય દરવાજો પાછો બંધ કર્યો.

‘ચાવી મૂકીને પછી તું કયાં જઈશ ?’ નિશાંતે પૂછયું.

‘કલબમાં, નિયમ પ્રમાણે કાર્ડ રમવા માટે !’

‘તારી પાસે પણ ઘરની ચાવી હશે ને !’ નિશાંતે પૂછયું.‘તું મને તારી ચાવી કેમ નથી આપતો ?’

‘મારી ચાવી મને ફસાવી દેશે. કશીશની ચાવી કોઈને નહિ ફસાવે.’ અભિનવે કહ્યું : ‘કશીશની ચાવી ખોવાઈ શકે, ચોરી પણ થઈ ગઈ હોઈ શકે !’

‘મને તું ડુપ્લીકેટ ચાવી કેમ નથી બનાવડાવી આપતો ?’

‘એમાં જોખમ છે.’ અભિનવે કહ્યું : ‘આપણે જો ચાવીવાળા પાસે ડુપ્લીકેટ ચાવી બનાવી હોય તો એ ચાવીવાળો ભવિષ્યમાં આપણાં વિશે પોલીસને જણાવીને આપણને ફસાવી શકે. એટલે તારે કશીશની ચાવી વાપરવાની છે.’

‘ઠીક છે.’

‘હું અહીંથી રાતના બરાબર દસ વાગ્યે કલબમાં જવા માટે નીકળીશ.’ અભિનવે કહ્યું : ‘પંદર મિનિટમાં-સવા દસ વાગ્યે હું કલબમાં પહોંચીશ અને બરાબર એ જ વખતે તું ચહેરા પર મહોરું પહેરીને, ગુલાબના છોડમાંથી કશીશવાળી ચાવી લઈને બંગલાના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર દાખલ થઈ જજે. એ વખતે કશીશ બાથરૂમમાં નહાતી હશે.’

‘તને કેવી રીતના ખબર ?’

‘કશીશનો આ રોજનો નિયમ છે.’ અભિનવે કહ્યું : ‘એ દસથી અગિયાર વાગ્યા સુધી બાથટબના પાણીમાં પડી રહે છે.’

‘તો મારે એને બાથટબમાં જ પતાવી નાંખવાની છે ?’

‘ના !’ અભિનવે કહ્યું : ‘એવું કરીશું તો એનું ખૂન વધારે પડતું ક્રૂર લાગશે અને વળી ઘટના પ્લાનિંગ કરેલી લાગશે !’

‘તો...? !’

‘કશીશના ખૂનની ઘટના આકસ્મિક લાગવી જોઈએ. એવું લાગવું જોઈએ કે કોઈ ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો હશે, ચોર પર કશીશની નજર પડી હશે, મૂંઝાયેલા ચોરે કશીશ પર હુમલો કર્યો હશે અને બચાવમાં કશીશે પણ સામે વાર કર્યો હશે. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હશે અને એમાં ચોરથી કશીશનું ખૂન થઈ ગયું હશે.’ અભિનવે કહ્યું : ‘બરાબર છે ને !’

‘એટલે મારે અગિયાર વાગ્યા સુધી, કશીશ બાથરૂમમાંથી બહાર નીકળે ત્યાં સુધી એની વાટ જોવાની છે ?’

‘ના ! તારે ઘરમાં ઘૂસ્યા પછી જાણે ચોર ચોરી કરવા ઘૂસ્યો હોય એમ આ સામેના સ્ટડી રૂમ તેમજ એની બાજુના રૂમની વસ્તુઓને વેરવિખેર કરી દેવાની છે અને પછી રસોડામાં છુપાઈ જવાનું છે.’ અભિનવે કહ્યું : ‘હું કશીશને બાથરૂમમાંથી બહાર કાઢીને રસોડા સુધી ખેંચી લાવીશ.’ કહેતાં અભિનવ રસોડા તરફ આગળ વધ્યો. નિશાંત તેની સાથે ચાલ્યો.

‘રસોડામાં આ અલગ જ ટેલિફોન લાઈન છે.’ પ્લેટફોર્મની બાજુની દીવાલ પર લગાવેલા ફોનનું રિસીવર ઉઠાવીને પાછું મૂકતાં અભિનવે નિશાંતને કહ્યું : ‘હું બરાબર સાડા દસ વાગ્યે આ નંબર પર ફોન કરીશ. બાથરૂમમાં નાહી રહેલી કશીશ બહાર નીકળીને આવશે, એ પહેલાં તું રસોડામાં આવીને છુપાઈ ચૂકયો હોઈશ. કશીશ ફોન ઉઠાવે એ જ વખતે તું એની પર હુમલો કરજે.’

‘મારે એને કઈ વસ્તુથી મારી નાંખવાની છે ? !’

‘અહીં રસોડામાં પડેલી કોઈ પણ વસ્તુથી.’ અભિનવે કહ્યું : ‘કામ પત્યા પછી તું મેઈન દરવાજાને તાળું મારીને ચાવી પાછી પ્લાસ્ટિકની ડબીમાં મૂકીને એને ગુલાબના છોડના કુંડામાં મૂકી દેજે અને બંગલાની પાછળ પડેલી તારી મોટરસાઈકલ પર બેસીને ચાલ્યો જજે.’

‘અને જો આ પ્લાન ચોપટ થશે તો ? !’ નિશાંતે પૂછયું.

‘નહિ થાય !’ કહેતાં અભિનવ સ્ટડી રૂમ તરફ ચાલ્યો : ‘આપણો આ પ્લાન સફળ થશે જ.’

નિશાંત ચુપચાપ અભિનવ સાથે સ્ટડી રૂમમાં પહોંચ્યો.

અભિનવ સામે પડેલા ટેબલની પાછળ ગયો. તેણે ટેબલની પાછળની દીવાલ પર લાગેલા પ્રસિદ્ધ પેઈન્ટરના કુદરતી દૃશ્યના પેઈન્ટીંગમાંના ચંદ્ર પર આંગળી દબાવી ને પછી પેઈન્ટીંગનો એક બાજુનો છેડો પકડીને ખેંચ્યો. એ સાથે જ એ પેઈન્ટીંગ કબાટના દરવાજાની જેમ ખૂલી ગયું. પાછળ દીવાલમાં મોટી લોખંડની તિજોરી ફીટ થયેલી હતી.

અભિનવે તિજોરીના લૉકના નંબર ફેરવીને લૉક ખોલ્યું અને તિજોરી ખોલી. નોટોના બંડલોથી અડધી તિજોરી ભરાયેલી હતી.

અભિનવે હજાર-હજાર રૂપિયાની નોટોના વીસ બંડલો કાઢયા, એને ટેબલ પર મૂકયા. તેણે તિજોરી બંધ કરી અને એની આગળનું પેઈન્ટીંગ બરાબર કરીને ટેબલની પેલી તરફ ઊભેલા નિશાંત તરફ ફરીને જોયું.

‘આ કામ મારે કયારે પતાવવાનું છે ?’ નિશાંતે પૂછયું.

‘કાલે રવિવાર છે. કાલ રાતે જ આ કામ પતાવી દેવાનું છે !’ કહેતાં અભિનવે ટેબલ પર પડેલા વીસ બંડલો નિશાંત તરફ ધકેલ્યા : ‘આ પૂરા વીસ લાખ રૂપિયા છે.’

‘હં !’ કહેતાં નિશાંતે એ બંડલો લઈને થેલામાં મૂકવા માંડયા : ‘તને નથી લાગતું કે હું તારું કામ પતાવવા માટે રોકાયા વિના આટલા રૂપિયા લઈને રફુચક્કર પણ થઈ શકું ?’

‘હું માણસને ઓળખવામાં માસ્ટર છું.’ અભિનવ હસ્યો : ‘તારા જેવા બદમાશે બાકીના બીજા એંસી લાખ રૂપિયા લેવાના નીકળતા હોય તો એ આટલા રૂપિયા લઈને ભાગી છૂટવાની બેવકૂફી ન જ કરે.’

નિશાંતે હસી પડતાં વીસમું બંડલ થેલામાં મૂકીને એની ચેઈન બંધ કરી.

અભિનવ મુખ્ય દરવાજા તરફ આગળ વધી ગયો, એટલે નિશાંત થેલો લઈને તેની સાથે ચાલ્યો.

મુખ્ય દરવાજો ખોલીને અભિનવે નિશાંતને કહ્યું : ‘બસ, હવે આપણે કશીશના મોત પછી જ મળીશું ! ગુડ લક !’

નિશાંત મુસ્કુરાયો અને મુખ્ય દરવાજાની બહાર નીકળી ગયો.

અભિનવે દરવાજો બંધ કર્યો.

૦ ૦ ૦

સાંજના સાડા પાંચ વાગ્યા હતા. કશીશ ઑફિસમાં પોતાના કામમાં ડૂબેલી હતી.

સવારના તે નિશાંતને ઘરેથી નીકળી ત્યારે હળવીફૂલ થઈ ગઈ હતી, નિશાંત અભિનવનું ખૂન કરવા માટે રાજી થઈ ગયો હતો અને ‘કાલે રાતના જ એ અભિનવનું ખૂન કરી નાંખશે’ એવું જણાવ્યું હતું, એટલે તે આનંદમાં આવી ગઈ હતી.

અત્યારે તેના મોબાઈલનો રીંગ ટોન વાગી ઊઠયો, એટલે તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું તો એ નિશાંતનો મોબાઈલ હતો. તેણે બટન દબાવ્યું અને વાત કરી : ‘હા, બોલ નિશાંત !’

‘તું ઘરે કયારે નીકળવાની છે ?’ સામેથી નિશાંતનો સવાલ સંભળાયો.

‘અડધો કલાક પછી જ.’

‘ઘરે જતા પહેલાં મને મળવા આવી જા ને !’ સામેથી નિશાંતનો અવાજ આવ્યો.

‘શું કંઈ ખાસ કામ છે ?’ કશીશે પૂછયું.

નિશાંત હસ્યો : ‘હા !’

કશીશથી પણ હસી જવાયું : ‘ભલે, તો આવું છું.’ તે બોલી, એટલે સામેથી નિશાંતે ફોન કટ કરી દીધો.

કશીશ કામ સમેટીને છ વાગ્યે ઑફિસની બહાર નીકળી. તે કાર પાર્કિંગમાં પડેલી પોતાની કાર પાસે પહોંચી, ત્યાં જ અભિનવની કાર નજીક આવીને ઊભી રહી.

કશીશના મનમાં નિશાંતના વિચારો ચાલતા હતા અને એમાં અચાનક અભિનવ આવી ચઢયો એટલે કશીશથી ચોંકી જવાયું.

‘...આમ ચોંકી કેમ ગઈ ?!’ કારમાંથી ઊતરીને કશીશની નજીક આવતાં અભિનવે પૂછયું.

‘આ રીતના તું કયાં કદી આવ્યો છે ? એટલે હું નવાઈમાં પડી ગઈ.’ કશીશ બોલી.

‘કયાં જતી હતી ? !’

‘હું...’ કશીશ બોલી : ‘...હું ઘરે જ જતી હતી.’

‘હું આજે વહેલો ફ્રી થઈ ગયો. મને થયું કે હું તારી સાથે સમય વિતાવું.’ અભિનવ બોલ્યો : ‘પહેલાં આપણે થિયેટરમાં ફિલ્મ જોઈશું, પછી હોટલમાં જમીને ઘરે જઈશું.’

કશીશ જોઈ રહી.

‘કેમ ? તું ખુશ ન થઈ ? !’

‘થઈ ને !’ કશીશ પરાણે હસી : ‘તેં આ રીતના મારા માટે સમય કાઢયો એ વાત મારા માનવામાં નથી આવતી.’

‘હું બદલાઈ રહ્યો છું.’ અભિનવે કહ્યું : ‘તારે ખાતર હું બદલાઈ રહ્યો છું.’

કશીશ હસી.

‘આપણે તારી કારમાં જ જઈશું.’ અને અભિનવે પોતાની કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ડ્રાઈવરને સૂચના આપી : ‘તું ઘરે કાર મૂકીને નીકળી જજે.’ અને તે કશીશની કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

કશીશ અભિનવની બાજુની સીટ પર બેઠી, ત્યારે તેના મગજમાં વિચાર જાગ્યો, ‘અત્યારે નિશાંત તેની વાટ જોઈને બેઠો હશે. થોડીકવારમાં તે જો નિશાંતને મળવા માટે નહિ પહોંચે તો એનો મોબાઈલ આવ્યા વિના નહિ રહે.’ કશીશે મોબાઈલની સ્વિચ ઑફ કરી, એટલે અભિનવે કારને પાર્કિંગની બહાર કાઢતાં પૂછયું : ‘મોબાઈલ સ્વિચ ઑફ કર્યો ?’

‘હા.’ કશીશ બોલી : ‘આપણે સાથે છીએ ત્યારે કોઈપણ મને ડિસ્ટર્બ કરે એવું હું ઇચ્છતી નથી.’

‘સરસ !’ અભિનવે નકલી ખુશી ઉછાળી : ‘તો-તો હું પણ મોબાઈલની સ્વિચ ઑફ કરી દઉં છું.’ અને અભિનવે પોતાના મોબાઈલની સ્વિચ ઑફ કરી.

કશીશ હસવા ખાતર હસી. જ્યારે કે તેના મનમાં તો ચિંતા સળવળતી હતી, ‘તે નિશાંત પાસે નહિ પહોંચે તો નિશાંત બહાવરો બની જશે. તેણે વહેલી તકે નિશાંતને મોબાઈલ કરીને તે એની પાસે કેમ પહોંચી નથી એ કારણ બતાવી દેવું પડશે.’

જોકે, ફિલ્મ જોઈને, હોટલમાં જમીને તે અભિનવ સાથે રાતના સાડા અગિયાર વાગ્યે ઘરે પહોંચી ત્યાં સુધી અભિનવ તેની સાથે ને સાથે હતો, એટલે તેને નિશાંતને ફોન કરવાનો મોકો મળ્યો નહિ.

ઘરે પહોંચતાં જ તે બાથરૂમમાં ઘૂસી અને બાથરૂમમાંથી તેણે નિશાંતને મોબાઈલ ફોન લગાવ્યો.

સામેથી તુરત જ નિશાંતનો અધીરાઈ ને ધૂંધવાટભર્યો અવાજ સંભળાયો : ‘કયાં રોકાઈ ગઈ હતી તું ? હું તારી વાટ...’

‘ઑફિસેથી નીકળતી હતી ત્યાં જ ઓચિંતો અભિનવ આવી ચઢયો. અત્યારે પણ માંડ-માંડ તારી સાથે વાત કરી રહી છું.’ કશીશે ધીરેથી કહ્યું : ‘એ સાંભળી જશે તો ખેલ બગડી જશે. હવે એનો ખેલ પૂરો થાય એ પછી જ મળીશું !’

‘ભલે !’ મોબાઈલ ફોનમાં સામેથી નિશાંતનો અવાજ આવ્યો એટલે કશીશે મોબાઈલ કટ કર્યો.

તે નાહીને, નાઈટી પહેરીને બાથરૂમમાંથી બહાર નીકળી, એટલે પલંગ પર બેઠેલો અભિનવ ઊભો થયો અને બાથરૂમમાં ગયો.

અભિનવ નાહીને, નાઈટ ડ્રેસ પહેરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને પલંગ પર કશીશની બાજુમાં સૂતો. અને ત્યારે અભિનવના મગજમાં વિચાર ચાલતો હતો, ‘કશીશની આજે આખરી રાત છે. કાલ આ સમયે તો નિશાંતે કશીશની લાશ ઢાળી દીધી હશે.’

તો કશીશ પણ વિચારી રહી હતી, ‘આજે અભિનવની છેલ્લી રાત છે. કાલે નિશાંત અભિનવને મોતને ઘાટ ઉતારી દેશે.’

જોકે, કશીશ અને અભિનવ અહીં આવું વિચારી રહ્યા હતા, ત્યારે હકીકતમાં નિશાંત જ ચોક્કસપણે એ જાણતો હતો કે, ‘આજે કોની જિંદગીની આખરી રાત હતી ? અભિનવની કે પછી કશીશની ? કાલે રાતના એ કોને ખતમ કરવાનો હતો ? ! કશીશને કે અભિનવને ? !

(ક્રમશઃ)