ફરેબ - ભાગ 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 9

( પ્રકરણ : 9 )

સામે નિશાંતની નહિ, પણ કોઈ બીજા જ માણસની લાશ પડી હતી એ જોઈને ખળભળી ઊઠેલો અભિનવ એ માણસના ચહેરાને તાકી રહ્યો. તે એ માણસને જાણતો નહોતો-પિછાણતો નહોતો !

‘તમે...,’ અત્યારે હવે અભિનવના કાને સબ ઈન્સ્પેકટર રાવતનો સવાલ અફળાયો : ‘...તમે આને ઓળખો છો ? !’

અભિનવે જવાબ આપ્યો : ‘...નહિ તો !’

‘તો પછી તમે આને જોઈને ચોંકી ગયા હો એવું કેમ લાગ્યું ?’

‘મને તો નથી લાગ્યું કે, હું ચોંકયો હોંઉ.’ અભિનવ બોલ્યો : ‘હા, આણે મારી પત્ની પર હુમલો કર્યો હતો એ બદલ મારા મનમાં ગુસ્સો જરૂર જાગ્યો.’

‘હં !’ કહેતાં રાવતે લાશ તરફ જોયું. પોલીસ ફોટોગ્રાફરે એ લાશના ચહેરાના ફોટા પાડવાના શરૂ કરી દીધા હતા.

રાવત અભિનવને લઈને ડ્રોઈંગરૂમમાં આવ્યો. ‘કશીશને ફ્રેશ કરીને પૂછપરછ માટે અહીં હૉલમાં જ લઈ આવો, ત્યાં સુધી હું બંગલામાં નજર ફેરવી લઉં.’ રાવતે કહ્યું, એટલે અભિનવ સ્ટડી રૂમ તરફ આગળ વધ્યો.

રાવત સ્ટડી રૂમના બાજુના રૂમ તરફ આગળ વધી ગયો. હૅડ કૉન્સ્ટેબલ નિગમ પણ તેની સાથે ચાલ્યો. રાવત એ રૂમમાં નજર ફેરવી લઈને, બંગલામાં એક આંટો મારી આવીને ડ્રોઈંગરૂમના સોફા પર બેઠો. હૅડ કૉન્સ્ટેબલ નિગમ તેની બાજુમાં ઊભો રહ્યો, ત્યાં જ અભિનવ કશીશ સાથે સ્ટડીરૂમમાંથી બહાર આવ્યો.

અભિનવે કશીશને રાવતની સામે સોફા પર બેસાડી અને તે પોતે કશીશની પાછળ, કશીશના ખભે હાથ મૂકીને ઊભો રહ્યો.

‘હા, તો કશીશ !’ રાવતે કહ્યું : ‘તમે મને એ જણાવો કે શું બન્યું હતું ? !’

કશીશે આંસુ સારતાં-ધ્રુસકાં ભરતાં જે બન્યું હતું એ જણાવ્યું.

‘હં !’ રાવતે કહ્યું : ‘અહીંનું ચિત્ર જોતાં એવું લાગે છે કે, ચોર ચોરી કરવા આવ્યો, એમાં કશીશ સાથે એની ઝપાઝપી થઈ અને એમાં ચોર મરી ગયો.’ રાવતે કહ્યુ, ‘પણ કયાંક એવું તો નથી ને કશીશ કે તમારું કોઈ દુશ્મન..’

‘..એનું કોઈ દુશ્મન નથી.’ અભિનવ બોલી ઊઠયો.

‘હું તમને નહિ પણ કશીશને સવાલ પૂછી રહ્યો છું, એટલે જવાબ પણ કશીશે જ આપવાનો છે.’ રાવતે અભિનવ તરફ જોઈને કશીશ સામે જોયું.

‘ના...!’ કશીશે જવાબ આપ્યો : ‘મારું કોઈ દુશ્મન નથી.’

‘કશીશ !’ રાવત બોલ્યો : ‘માણસનું કોઈ ને કોઈ દુશ્મન હોય જ છે. ઘણીવાર આસપાસમાં દોસ્તના રૂપમાં દુશ્મન ફરતો હોય અને આપણને ખબર જ નથી પડતી !’ અને રાવત હો-હો-હો કરતાં હસી પડયો.

અભિનવ મનોમન ધૂંધવાટ અનુભવતાં રાવતને જોઈ રહ્યો.

તો કશીશે પોતાની આંસુભીની નજર અભિનવ તરફ નાંખી લઈને રાવત સામું જોયું.

‘કશીશ ! મને જરૂર લાગશે ત્યારે હું અહીં આવી જઈશ અને જરૂર લાગશે તો તમને ચોકીએ બોલાવી લઈશ.’ રાવત બોલ્યો : ‘તમે તમારા રૂમમાં જઈ શકો છો.’

કશીશ બેડરૂમમાં ચાલી ગઈ.

અભિનવ સોફા પર બેઠો.

રાવત મહોરાવાળા માણસની લાશને શબવાહિનીમાં મુકાવીને પોતાના સાથીઓ સાથે ત્યાંથી રવાના થયો, ત્યારે રાતના ત્રણ વાગવા આવ્યા હતા.

અભિનવ મુખ્ય દરવાજો બંધ કરીને બેડરૂમમાં આવ્યો તો કશીશ પલંગ પર જાગતી જ પડી હતી. અભિનવ કશીશની બાજુમાં સૂતો અને કશીશના માથે હાથ ફેરવતાં વિચાર્યું : ‘નિશાંતે તેને છેતર્યો હતો. તેની પાસેથી એડવાન્સમાં વીસ લાખ રૂપિયા લઈ લીધા હતા અને પછી પોતે જાતે કશીશનું ખૂન કરવા આવવાને બદલે એણે બીજા કોઈ માણસને મોકલી દીધો હતો, અને એમાં જ આ ગરબડ થઈ હતી ! અને આ ગરબડ તેને જરાય પોસાય એમ નહોતી.

બીજા દિવસે સવારના દસ વાગે અભિનવે કશીશના પિયરમાં કાર લાવીને ઊભી રાખી, ત્યારે તેની સાસુ-કશીશના મમ્મી નિરૂપમાબેન બહાર દોડી આવ્યાં.

કશીશ બહાર નીકળી અને નિરૂપમાબેનને વળગીને રડી પડી.

‘શાંત થઈ જા, બેટી !’ કહેતાં નિરૂપમાબેન કશીશને અંદર લઈ ચાલ્યાં.

અભિનવ પણ કોઈ રાજા-મહારાજાના મહેલ જેવા પોતાના સાસુમાના ઘરને જોતો મુખ્ય દરવાજામાં દાખલ થયો.

નિરૂપમાબેન જમણી બાજુ આવેલા કશીશના બેડરૂમમાં દાખલ થઈ ગયાં, એટલે અભિનવ પણ એ તરફ આગળ વધી ગયો.

‘તું આરામ કર, હું તારા માટે જ્યુસ લાવું છું.’ કશીશને પલંગ પર સુવડાવીને નિરૂપમાબેન રૂમની બહાર નીકળી ગયાં.

અભિનવ કશીશ પાસે બેઠો. તેણે ખિસ્સામાંથી ટેબ્લેટ કાઢી અને બાજુની ટિપૉય પર પડેલો પાણીનો ગ્લાસ તેમજ ટેબ્લેટ કશીશ તરફ ધરી. ‘લે, આ પી જા. કાલ સુધીમાં તું એ ઘટનાને ભયાનક સપનું સમજીને ભૂલી જઈશ.’

કશીશ ટેબ્લેટ પી ગઈ.

‘ચાલ, હું જાઉં છું.’ કહેતાં અભિનવે કશીશના માથે વહાલભર્યો હાથ ફેરવ્યો અને દરવાજા તરફ આગળ વધી ગયો.

કશીશ મનમાં કંઈક વિચારતાં અભિનવની પીઠને તાકી રહી.

અભિનવ ડ્રોઈંગરૂમમાં નિરૂપમાબેન પાસે પહોંચ્યો.

‘અભિનવબેટા !’ નિરૂપમાબેન ગમગીન અવાજે બોલ્યાં : ‘મને આ માત્ર ચોરીની ઘટના નથી લાગતી. તમને નથી લાગતું કે કોઈ ચોર આ રીતે કશીશ પર હુમલો કરવા રોકાવાને બદલે ભાગી છુટવાનું વધારે પસંદ કરે ?’

‘મને તો કંઈ જ ખબર પડતી નથી. મને તો લાગે છે કે, જાણે આખી દુનિયા મારી અને કશીશની દુશ્મન બની બેઠી છે !’ અભિનવ દર્દભીના અવાજે બોલ્યો, ત્યાં જ તેને બાજુમાં ટેબલ પર પડેલા ફોનના બીજા રૂમમાંની બીજી લાઈન પરથી નંબર ડાયલ થવાની રીંગ સંભળાઈ. અભિનવે ફોન તરફ જોયું. તે સમજી ગયો. બેડરૂમમાંથી કશીશ નિશાંતને મોબાઈલ લગાવી રહી હતી. અભિનવે હોઠ દાંત નીચે દબાવ્યો.

ત્યારે બેડરૂમમાં કાન પર ફોન મૂકીને કશીશ અધીરા મન સાથે બેઠી હતી. ફોનમાં સામેથી નિશાંતના મોબાઈલનો રીંગ ટોન સંભળાઈ રહ્યો હતો !

તો પોતાના ઘરે, બાથરૂમમાં નાહી રહેલા નિશાંતના કાને પણ બહાર ટિપૉય પર પડેલા મોબાઈલ ફોનની રીંગ સંભળાઈ રહી હતી.

તે ઝડપભેર શર્ટ પહેરવા માંડયો. ગઈકાલે રાતના તેણે પોતાના જેલના જમાનાના દોસ્ત બાદલને કશીશનું ખૂન કરવા મોકલ્યો હતો. બાદલ તરફથી તેને સવાર સુધી કોઈ જવાબ મળ્યો નહોતો, એટલે તેને કંઈક અજુગતું બન્યાનો ખ્યાલ આવી ગયો હતો.

તે પોતે ફસાઈ ન જાય એટલા માટે તેણે બાદલ કે અભિનવને ફોન કરવાનું ટાળ્યું હતું. સવારના ટી. વી. પર સમાચાર જોઈ-સાંભળીને તેને ખબર પડી હતી કે, બાદલના હાથે કશીશનું ખૂન નહિ, પણ કશીશના હાથે બાદલનું ખૂન થઈ ગયું હતું.

અત્યારે તે નહાવા બેઠો એમાં મોબાઈલ રણકયો હતો.

તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને તેણે મોબાઈલ ઉઠાવ્યો, ત્યાં જ રીંગ વાગવાની બંધ થઈ ગઈ. તેણે મોબાઈલના સ્ક્રીન પર નંબર જોયો. તે ચોંકયો. એ કશીશની મમ્મીના ઘરનો નંબર હતો. અગાઉ બે-ચાર વખત આ નંબર પરથી કશીશે તેની સાથે વાત કરી હતી. તે ફરી કશીશ તરફથી રીંગ વાગે એની અધીરાઈભેર વાટ જોતો મોબાઈલ લઈને બેસી રહ્યો,

ત્યારે ત્યાં, કશીશની મમ્મીના ઘરે અભિનવે પીવડાવેલી ઘેનની ટેબ્લેટને કારણે કશીશને ઊંઘ ચઢી હતી. અને એટલે ‘થોડીક વાર પછી નિશાંતને ફોન લગાવીશ,’ એવું વિચારતાં કશીશે આંખો મીંચી ત્યાં જ તે ઘેનમાં સરી ગઈ.

ત્યારે બેડરૂમની બહાર-ડ્રોઈંગરૂમમાં નિરૂપમાબેન સાથે વાત કરી રહેલા અભિનવે કહ્યું : ‘હું અત્યારે ઑફિસે નીકળું છું. પછી ફોન કરીશ.’

‘ભલે, પણ તમે જ્યૂસ તો પીતા જાવ.’ અને ‘આ છોટુ જ્યૂસ લઈને કેમ આવ્યો નહિ ?’ બોલતાં નિરૂપમાબેન રસોડા તરફ આગળ વધી ગયાં.

અભિનવે બેડરૂમમાં નજર નાંખી. કશીશ નસકોરાં બોલાવી રહી હતી.

અભિનવે ડ્રોઈંગરૂમમાં પડેલા ફોનનું રીસિવર ઉઠાવીને રી-ડાયલનું બટન દબાવ્યું. પહેલી જ રીંગ પર સામેથી મોબાઈલ લેવામાં આવ્યો અને નિશાંતનો અધીરો અવાજ આવ્યો, ‘હેલ્લો કશીશ !’

‘ના !’ અભિનવે ફોનમાં ધીરેથી કહ્યું : ‘કશીશનો પતિ અભિનવ બોલી રહ્યો છું. કશીશ અત્યારે આરામ કરી રહી છે.’

સામેથી નિશાંત તરફથી ચુપકીદી છવાઈ ગઈ.

‘નિશાંત !’ અભિનવે કહ્યું : ‘મને લાગે છે કે, આપણે મળવું જોઈએ.’

ફોનમાં સામેથી નિશાંતનો નિશ્વાસ સંભળાયો : ‘કયાં ? અને કયારે મળવું છે ? !’

‘ટૅરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ પર !’ અભિનવે કહ્યું : ‘કલાક પછી, બરાબર અગિયાર વાગ્યે !’

‘ઓ. કે.’ સામેથી નિશાંતનો જવાબ સંભળાયો, એટલે તેણે ફોન કટ કરી દીધો.

ત્યાં જ છોટુ સાથે નિરૂપમાબેન આવતાં દેખાયાં. છોટુના હાથમાં જ્યૂસના ગ્લાસની ટ્રે હતી.

અભિનવે ગ્લાસ લીધો અને જ્યૂસ પીધું. ‘કશીશ ઊંઘી રહી છે.’ ગ્લાસ પાછો મૂકતાં અભિનવ બોલ્યો : ‘હું જાઉં છું.’ અને અભિનવ લાંબા ડગ ભરતો મુખ્ય દરવાજાની બહાર નીકળી ગયો.

૦ ૦ ૦

‘ટૅરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ’ પચીસ માળની બિલ્ડીંગના ટૅરેસ પર હતી. વિશાળ ટૅરેસ પર ટેબલ-ખુરશી મૂકેલા હતાં.

નિશાંતે ટૅરેસ પર પહોંચીને નજર ફેરવી તો અભિનવ જમણી બાજુના ખૂણાના ટેબલ પર બેઠો હતો. અભિનવની નજીકના ટેબલ પર કોઈ નહોતું.

નિશાંત અભિનવના ટેબલ નજીક પહોંચ્યો અને અભિનવની સામેની ખુરશી પર બેઠો.

‘તેં જેને મોકલ્યો હતો એ કોણ હતો ? !’ અભિનવે નિશાંતને સીધું જ પૂછયું.

‘મારો દોસ્ત, બાદલ !’ નિશાંત બોલ્યો : ‘એ મને પહેલી વાર જેલમાં મળ્યો હતો અને એની સાથે મારી દોસ્તી થઈ હતી.’

‘મારી સાથે સોદો થયા પછી તેં તારી જગ્યાએ એને મોકલીને ખોટું કર્યું.’ અભિનવ નિશાંત સામે તાકી રહેતાં રોષભેર બોલ્યો : ‘તને એ વાતનો અંદાજો છે કે, તું કોની સાથે બાથ ભીડી રહ્યો છે ?’

‘હા.’ નિશાંતે જવાબ આપ્યો, ‘તું એ માણસ છે, જેણે પોતાની પત્નીને ખતમ કરવા માટે મને સુપારી આપી. કારણ કે, તું એને જાતે મારી શકે એમ નહોતો. જો કે, હું પણ એને મોતને ઘાટ ઉતારી શકું એમ નથી, એટલે જ મેં બાદલને મોકલ્યો હતો.’

‘તારે મને પહેલાંથી આ વાતની જાણ કરવાની જરૂર હતી.’ અભિનવે કહ્યું : ‘બાદલ આ પ્લાન વિશે કોઈ બીજાને વાત નહિ કરી હોય એની શું ખાતરી ? જો એણે કોઈને વાત કરી હશે તો આપણે બન્ને ફસાઈ...’

‘બાદલ વચનનો પાકકો હતો. એની પાસેથી મેં આ વિશે કોઈને કંઈ નહિ કહેવાનો વાયદો લીધો હતો. એટલે તું એને ભૂલી જા.’ નિશાંત બોલ્યો : ‘હવે તું મને એ કહે આગળ તારો શું પ્લાન છે ?’

‘અત્યારે હવે તાત્કાલિક આપણે કંઈ જ કરી શકીએ એમ નથી.’ અભિનવે કહ્યું : ‘જો કશીશ પર આપણે બીજો હુમલો કરાવીએ તો એ વધારે પડતું જ આકસ્મિક લાગશે, અને એટલે હવે આપણે વાટ જોવી પડશે.’ અને અભિનવ ઊભો થયો.

‘કયાં સુધી વાટ જોવી પડશે ?’

‘...એ હું તને જણાવીશ.’ કહેતાં અભિનવ દરવાજા તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ નિશાંત બોલ્યો : ‘અભિનવ !’

અભિનવે રોકાઈને નિશાંત તરફ ચહેરો ફેરવીને જોયું.

‘શું હું આ દરમિયાન તારી પત્ની સાથે પ્રેમનો ખેલ ચાલુ રાખી શકું ? !’

અભિનવે નિશાંત તરફથી ચહેરો ફેરવી લીધો. પોતાના મનના ભાવ મનમાં જ દબાવી દેતાં તે ત્યાંથી આગળ વધી ગયો.

૦ ૦ ૦

મંગળવારની સવારે કશીશ પોતાની મા નિરૂપમાબેન સાથે ચુપચાપ નાસ્તો કરી રહી હતી.

‘હમણાં તું બાથરૂમમાં હતી ત્યારે અભિનવનો ફોન હતો.’ નિરૂપમાબેન બોલ્યાં : ‘એણે કહ્યું છે કે તારે જ્યારે ઘરે જવું હોય ત્યારે એ તને લેવા આવી જાય.’

‘હું હમણાં ઘરે જવા માંગતી નથી.’ કશીશ ડુમાયેલા અવાજે બોલી : ‘હું થોડાંક દિવસ અનુરાધાને ઘરે રહીશ.’

‘આ....’ નિરૂપમાબેન બોલ્યાં : ‘..આ તારી અને અભિનવ વચ્ચે શું ચાલી રહ્યું છે ? શું તું અભિનવ સાથે ખુશ નથી ? સુખી નથી ?’

કશીશની આંખોમાંથી આંસુ ટપકયાં. નિરૂપમાબેને ઊભાં થઈને એને પોતાના શરીર સરસી ચાંપી, એ સાથે જ કશીશ મન મૂકીને રડી પડી. નિરૂપમાબેન કશીશની પીઠે હાથ ફેરવતાં વિચારી રહ્યાં, ‘શું તેમણે કશીશ પર અભિનવ સાથે લગ્ન કરવા માટેની જોર-જબરજસ્તી કરીને ખોટું તો નહોતું કર્યું ને ? શું કશીશ અભિનવ સાથે દુઃખી તો નહોતી ને ? !’

૦ ૦ ૦

બપોરના બાર વાગ્યા હતાં. અભિનવ ઑફિસમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. તેને ધંધામાં થયેલા મોટા નુકશાનમાંથી બહાર નીકળી શકે એવો કોઈ રસ્તો દેખાતો નહોતો, અને એટલે તે ટેન્શનમા હતો-ધૂંધવાટમાં હતો.

૦ ૦ ૦

પોતાની મા નિરૂપમાબેનની કાર લઈને કશીશ પોતાના બંગલે પહોંચી, ત્યારે બપોરનો પોણો એક વાગ્યો હતો. તે અનુરાધાના ઘરે જતાં પહેલાં ઘરેથી પોતાના કપડાં તેમ જ બીજી કેટલીક જરૂરી વસ્તુ લેવા આવી હતી.

તે મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે પોતાની પાસેની કી-ચેઈનમાં લાગેલી લેચ-કીવાળા લૉકની ચાવી લૉકમાં લગાવી અને ફેરવી. ચાવી ફરી નહિ. ‘આ ચાવીથી તાળું ખુલતું કેમ નથી ?’ એવા સવાલ સાથે તેણે ફરી ત્રણ-ચાર વાર ચાવીને આમ-તેમ ફેરવીને લૉક ખોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ લૉક ખુલ્યું નહિ. તેણે ચાવી કાઢીને જોઈ. ‘ચાવી તો એ જ હતી. આ જ ચાવીથી તો તે રોજ લૉક ખોલતી હતી !’

તેણે લૉકનો નંબર જોયો અને ચાવી પરનો નંબર વાંચ્યો અને તે ચોંકી ઊઠી. ચાવીનો નંબર જુદો હતો ! એ ચાવી બીજી હતી. તેણે કી-ચેઈનમાંની બધી ચાવીઓ જોઈ. મુખ્ય દરવાજાના લૉકમાં લાગે એવી આ એક જ ચાવી હતી.

કશીશ મૂંઝવણમાં પડી ! ‘તેની આ ચાવી બદલાઈ ગઈ હતી કે પછી, કે પછી અભિનવે તેની જાણ બહાર લૉક બદલાવી નાંખ્યું હતું ?

‘જો તેની ચાવી બદલાઈ ગઈ હોય તો એનો મતલબ છે કે કંઈક ગરબડ છે ! આ બદલાયેલી ચાવી ને ગઈકાલે રાતે તેની પર થયેલા ખૂની હુમલાને કંઈક સંબંધ છે !

‘અને જો અભિનવે લૉક બદલ્યું હોય તો એ વાત પણ કંઈક ગરબડ થયા તરફ જ આંગળી ચીંધતી હતી !’ અને કશીશને તેઓ મુખ્ય દરવાજાની ચાવી કયાંક ભૂલી કરી જાય તો બીજી ચાવીથી ઘર ખોલી શકે એ માટે મુખ્ય દરવાજાની બાજુની દીવાલમાં લગાવેલા પોસ્ટબૉકસમાં મૂકેલી ચાવી યાદ આવી ગઈ.

કશીશે પોસ્ટબૉકસમાંથી ચાવી કાઢી, મુખ્ય દરવાજાના લૉકમાં લગાવીને ફેરવી એ સાથે જ લૉક ખૂલી ગયું.

‘આનો મતલબ સાફ હતો ! અભિનવે લૉક બદલ્યું નહોતું પણ તેની કી-ચેઈનમાંની ચાવી બદલાઈ હતી.’ તે દરવાજો ખોેલીને અંદર દાખલ થઈ અને બેડરૂમ તરફ આગળ વધી. ‘અને આનાથી એ વાત સાફ થતી હતી કે જેણે તેની કી-ચેઈનમાંની ચાવી બદલી હતી, એણે તેની અસલ ચાવી તેની પર હુમલો કરવા આવેલા મહોરાવાળા માણસને આપી હતી.’ તે બેડરૂમમાં પહાેંચી. ‘અને આવું..., આવું કોણ કરી શકે ?’ તે પલંગ પર બેઠી. ‘આવું એક જ માણસ કરી શકે એમ હતો ! અને એ હતો તેનો પતિ !

‘હા ! અભિનવ સિવાય આવું બીજું કોણ કરી શકે ? !’ અને તેના મગજમાંના આ વિચારો આગળ વધે, ત્યાં જ તેના કાને બહારથી કોઈ તેની તરફ આવી રહ્યું હોય એવો કોઈકનાં પગલાંનો ધીમો અવાજ સંભળાયો.

તે ચોંકી ઊઠતાં પલંગ પરથી સફાળી ઊભી થઈ ગઈ.

(ક્રમશઃ)